Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અપડેટ:‘X’ની નવી પોલિસી: હવે વ્યૂઝ નહીં, વેલ્યૂના આધારે કમાણી

    11 hours ago

    કેવલ ઉમરેટિયા આ વસ્તુને તમારે ત્યાં શું કહેવાય?’, ‘ગુજરાતીઓ સાવ આવા કેમ હોય છે?’ કે ‘મુંબઈ કરતાં નવી દિલ્હી લાખગણું સારું’. સોશિયલ મીડિયા પર અવારનવાર તમે આવી પોસ્ટ્સ જોઈ હશે. જેમનો એકમાત્ર હેતુ વધારેને વધારે કમેન્ટ્સ મેળવવાનો હોય છે. જેમ કમેન્ટ્સ વધશે તેમ એન્ગેજમેન્ટ પણ વધશે. વારંવાર ફરતા જૂના વિડીયો, કારણ વગરની ચર્ચાઓ અને કોપી-પેસ્ટ કન્ટેન્ટના આ ખેલને ડિજિટલ ભાષામાં ‘એન્ગેજમેન્ટ ફાર્મિંગ’કહે છે. સરળ શબ્દોમાં કહીએ તો, માત્ર વ્યૂઝ, લાઈક્સ અને કમેન્ટ્સ વધારવા માટે જાણીજોઈને વિવાદાસ્પદ કે ચોરાયેલું કન્ટેન્ટ મૂકવું. જ્યારે કોઇ પણ પ્લેટફોર્મ પર કમાણીનો સીધો સંબંધ વ્યૂઝ સાથે જોડાઈ જાય, ત્યારે કન્ટેન્ટ કચરામાં ફેરવાવા લાગે છે. આ જ કારણ છે કે, એક સમયનું બુદ્ધિજીવી પ્લેટફોર્મ ટ્વિટર (હવે ‘X’) અને યૂ-ટ્યૂબ પણ કચરાપેટી બની રહ્યાં છે. કદાચ આ જ કારણ છે કે ‘X’દ્વારા એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ‘એક્સ’એ તેના જૂના ‘ક્રિએટર રેવન્યૂ શેરિંગ’ પ્રોગ્રામને બંધ કરી, અસલી અને મૌલિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપતો નવો ‘ઓરિજિનલ કન્ટેન્ટ રિવોર્ડ્સ પ્રોગ્રામ’ લોન્ચ કર્યો છે. ઓરિજિનલ કન્ટેન્ટ રિવોર્ડ્સ‘ પ્રોગ્રામ શું છે? 7 ઓગસ્ટ, 2026 થી ‘X’એ તેના જૂના ‘ક્રિએટર રેવન્યૂ શેરિંગ‘ પ્રોગ્રામમાં નવા ક્રિએટર્સને જોડવાનું બંધ કરી દીધું છે. જે ક્રિએટર્સ પહેલાંથી જ તેમાં જોડાયેલા હતા, તેમને 7 સપ્ટેમ્બર, 2026 સુધી કમાણી મળતી રહેશે. તેની જગ્યાએ હવે એક નવો પ્રોગ્રામ આવી રહ્યો છે, ‘ઓરિજિનલ કન્ટેન્ટ રિવોર્ડ્સ પ્રોગ્રામ’. હાલના રેવન્યૂ શેરિંગ ક્રિએટર્સ આઠ સપ્ટેમ્બરથી તેના માટે અપ્લાય કરી શકશે. કંપનીનું કહેવું છે કે આ નવો પ્રોગ્રામ ઓરિજનલ, મૌલિક અને સર્જનાત્મક કન્ટેન્ટને પ્રોત્સાહન આપશે. જેમાં માત્ર ઈમ્પ્રેશન્સ (Views)ના આધારે પૈસા નહીં મળે. એવા ક્રિએટર્સને પૈસા મળશે જેઓ પોતાનું સંશોધન, સમાચાર, ઓરિજનલ તસવીરો, કલા અથવા કોઈ મુદ્દા પર નવો દૃષ્ટિકોણ શેર કરે છે. નવા પ્રોગ્રામમાં જોડાવા માટેના નિયમો ક્વોલિફાઈડ ઈમ્પ્રેશન્સ: હવે ક્રિએટર્સની કમાણી માત્ર ‘ક્વોલિફાઈડ ઈમ્પ્રેશન્સ’ના આધારે થશે. એટલે કે માત્ર એ જ વ્યૂઝ ગણાશે જે ‘એક્સ’ના ‘પ્રીમિયમ’ સબ્સ્ક્રાઇબર્સ દ્વારા સીધા તેમની ‘હોમ ટાઈમલાઈન’ પર આવશે. 50% વિઝિબિલિટી: કોઈ પણ વ્યૂ ત્યારે જ યોગ્ય ગણાશે જ્યારે યુઝરની સ્ક્રીન પર એ પોસ્ટનો ઓછામાં ઓછો 50 ટકા ભાગ દેખાઈ રહ્યો હોય. એટલે કે ઝડપથી અંગૂઠો ફેરવીને (સ્ક્રોલ કરીને) પસાર થઈ જતા વ્યૂઝની ગણતરી નહીં થાય. યોગ્યતા: ક્રિએટરની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. તેમની પાસે એક્સનું પ્રીમિયમ, પ્રીમિયમ પ્લસ અથવા પ્રીમિયમ બિઝનેસ સબ્સ્ક્રિપ્શન હોવું ફરજિયાત છે. આ ઉપરાંત, ઓછામાં ઓછા 500 વેરિફાઈડ ફોલોઅર્સ અને છેલ્લા 90 દિવસમાં વેરિફાઈડ યુઝર્સ તરફથી 5 લાખ હોમ ટાઈમલાઈન ઈમ્પ્રેશન્સ હોવા જરૂરી છે. કમેન્ટ્સ/રિપ્લાયવાળા વ્યૂઝ નહીં ગણાય: પહેલાં લોકો બીજાની પોસ્ટ પર રિપ્લાય (કમેન્ટ) કરીને કરોડો ઈમ્પ્રેશન્સ ભેગા કરી લેતા હતા. હવે રિપ્લાયમાંથી મળેલા વ્યૂઝને આ પાંચ લાખની પાત્રતા સીમામાં ગણવામાં નહીં આવે. ઓરિજનલ કન્ટેન્ટ કોને ગણાશે? ‘X’એ ઓરિજનલ કન્ટેન્ટની સ્પષ્ટ વ્યાખ્યા આપી છે. જો કોઈ પોસ્ટ, આર્ટિકલ કે વિડીયોમાં ક્રિએટરની પોતાની સર્જનાત્મકતા, સમજ કે નવો દૃષ્ટિકોણ (જેમ કે કોઈ સમાચારનું ઊંડું વિશ્લેષણ) હોય, તો જ તેને ‘મૌલિક’ (Original) ગણવામાં આવશે. બીજી તરફ, આ નવા પ્રોગ્રામમાં ‘એન્ગેજમેન્ટ ફાર્મિંગ’ પર સીધો પ્રહાર કરવામાં આવ્યો છે. એટલે હવે નીચેની બાબતો પર કોઈ કમાણી નહીં થાય: કોપી કરેલું કન્ટેન્ટ: જો તમે કોઈ વિડીયો અન્ય કોઈ એપ પરથી ડાઉનલોડ કરીને સીધો એક્સ પર અપલોડ કરી દેશો. બીજા કોઈની પોસ્ટ થોડાઘણા ફેરફાર (એક-બે શબ્દો કે ફિલ્ટર/સ્પીડ બદલીને ) સાથે કોપી-પેસ્ટ કરશો, તો તેના પર કમાણી નહીં થાય. એન્ગેજમેન્ટ ફાર્મિંગ: એવી પોસ્ટ્સ જેમાં યુઝર્સ પાસે જાણીજોઈને લાઈક, રિપોસ્ટ કે ફોલો કરવાની માગણી કરવામાં આવે છે (જેને હવે સીધું નિયમનું ઉલ્લંઘન ગણવામાં આવશે). કમ્યુનિટી નોટ્સ: જો કોઈ ક્રિએટરની પોસ્ટ ગેરમાર્ગે દોરનારી કે ખોટી હશે અને તેના પર ‘કમ્યુનિટી નોટ’ (ફેક્ટ-ચેક) લાગી જશે, તો એ પોસ્ટની કમાણી રોકી દેવામાં આવશે. સિસ્ટમ સાથે ચેડાં: જે પોસ્ટ્સ માત્ર એ જ શીખવતી હશે કે આ પ્રોગ્રામમાંથી વધુ પૈસા કેવી રીતે કમાવવા, તેને પણ અયોગ્ય જાહેર કરવામાં આવશે. ટૂંકમાં, જૂની સિસ્ટમે પ્લેટફોર્મ પર માત્ર ‘કચરો’ વધાર્યો. તે કન્ટેન્ટની સર્જનાત્મકતા કે મૌલિકતા જોવાને બદલે માત્ર ક્લિક્સ અને લોકપ્રિયતાને જ પ્રોત્સાહન આપતી હતી. શું આ ફેરફારથી પ્લેટફોર્મ સુધરશે? શું પેમેન્ટની રીત બદલવાથી સોશિયલ મીડિયાની ગુણવત્તા ખરેખર સુધરશે? આ સવાલનો જવાબ હા અને ના બંને છે. હકારાત્મક રીતે જોઈએ તો, ‘X’નું આ પગલું પત્રકારો અને અસલી ક્રિએટર્સ માટે આવકારદાયક છે. કમેન્ટમાંથી મળતા વ્યૂઝ દૂર થવાથી સ્પેમ અને નકામી કમેન્ટ્સ ઘટશે, જેનાથી પ્લેટફોર્મ પર અર્થપૂર્ણ ચર્ચાઓ શરૂ થઈ શકે છે. સામે કેટલાક મોટા પડકારો પણ છે. દરરોજની કરોડો પોસ્ટ્સમાંથી ઓરિજનલ કન્ટેન્ટ કયું છે તે નક્કી કરવું AI માટે ખૂબ મુશ્કેલ રહેશે. અંતે એટલું જ કે, લોકપ્રિયતાને બદલે મૌલિકતાને પુરસ્કૃત કરવાનો આ પ્રયોગ સૈદ્ધાંતિક રીતે ઉત્તમ છે. સામાન્ય યુઝર્સને ટાઈમલાઈન પર ઓછો કચરો અને વધુ ગુણવત્તાસભર માહિતી જોવા મળશે. જોકે, આ નવી નીતિની અસલી સફળતા તેના કડક અમલીકરણ પર નિર્ભર છે, નહીંતર લોકો આમાં પણ કમાણીનો નવો રસ્તો શોધી જ લેશે. જો મોનેટાઇઝેશન જ બંધ થઈ જાય તો? જરા કલ્પના કરો કે, બધાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મોનેટાઇઝેશન બંધ કરી દે, એટલે કે તેમાંથી કમાણી થતી બંધ થઇ જાય તો? આવું થવું અશક્ય છે પણ જો આવું થાય તો આપણી ટાઇમલાઇન પરથી કચરો આપોઆપ સાફ થઈ જશે. અત્યારે સોશિયલ મીડિયા પર જે હદે કચરો અને ઝેર ઓકવામાં આવે છે, તેનું મૂળ કારણ આ ‘મોનેટાઇઝેશન’ જ છે. પૈસાની લાલચ જ લોકોને એક્સ્ટ્રીમ અને ભડકાઉ કન્ટેન્ટ બનાવવા મજબૂર કરે છે. કોઈને ફેક્ટ-ચેક નથી કરવું, બસ પોતાનો એજન્ડા ચલાવવો છે કારણ કે વિવાદથી વ્યૂઝ મળે છે અને વ્યૂઝથી ડોલર. જો પૈસા મળતા બંધ થઈ જાય, તો સનસનીખેજ પોસ્ટ્સ અને ફેક ન્યૂઝની દુકાનો પર આપોઆપ તાળા વાગી જાય. પછી પ્લેટફોર્મ પર માત્ર એ જ લોકો બચશે જેમને ખરેખર પોતાની કળા, જ્ઞાન કે મૌલિક વિચારો વહેંચવા છે. સાચા અને સારા કન્ટેન્ટની વેલ્યૂ આપોઆપ વધી જશે! ‘યૂ-ટ્યૂબ’નો નવો નિયમ: હવે વિડીયો શરૂ થતાં જ ગણાઈ જશે વ્યુ! એક્સ (X) બાદ હવે ‘યૂ-ટ્યૂબ’એ પણ વ્યૂઝ ગણવાના નિયમોમાં મોટો ફેરફાર જાહેર કર્યો છે. 24 ઓગસ્ટથી કોઈ પણ વિડીયો (લોંગ ફોર્મેટ, શોર્ટ્સ કે લાઈવ) સ્ક્રીન પર શરૂ થશે કે તરત જ તેને એક ‘વ્યૂ’ ગણી લેવામાં આવશે. પહેલાં લગભગ 30 સેકન્ડ જોવાની જરૂર હતી, પણ હવે કોઈ મિનિમમ વૉચ ટાઈમ નથી. ‘યૂ-ટ્યૂબ’નું કહેવું છે કે આનાથી એડસેલ્સની કમાણી કે મોનેટાઇઝેશન પર કોઈ અસર નહીં થાય, પરંતુ ક્રિએટર્સ સ્પોન્સર્સ અને બ્રાન્ડ પાર્ટનર્સને પોતાની રીચ સારી રીતે બતાવી શકશે. આ ફેરફારની ક્રિએટર્સ, પ્લેટફોર્મ પર અસર તો પડશે. થમ્બનેલનું જોર વધશે: આકર્ષક થમ્બનેલ જોઈને ભૂલથી પણ ક્લિક થઈ ગયું (મિસક્લિક) કે તરત જ સ્કિપ કરી દીધું, તો પણ ક્રિએટરને ‘વ્યૂ’ મળી જશે. આનાથી સનસનીખેજ થમ્બનેલ બનાવવાનું ચલણ હજુ પણ વધશે. વ્યૂઝ વધશે, વોચ ટાઇમ નહીં: કોઇ વિડીયોના 10 લાખ એટલે કે 1 મિલિયન (M) વ્યૂઝ તો ઝડપથી થઇ જશે, જોકે વોચટાઇમ નહીં વધે. કમાણી માટે વ્યૂ કરતાં વોચ ટાઇમ મહત્ત્વનો છે. આંકડાની રમત: ‘યૂ-ટ્યૂબ’એ આ આંકડા વધારવાની ચાલ ચાલી હોય તેવું લાગે છે. જેથી વધુ સ્પોન્સરશિપ મેળવી શકાય.
    Click here to Read More
    Previous Article
    સફર:શાંતિ, ઈતિહાસ અને સ્થાપત્યનો સંગમ
    Next Article
    કૉલાજ:શ્રી અરવિંદ : ઘોષથી જયઘોષ સુધી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment