Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૉલાજ:શ્રી અરવિંદ : ઘોષથી જયઘોષ સુધી

    11 hours ago

    હરદ્વાર ગોસ્વામી પંચાંગમાંથી એક એવી શુભ ક્ષણ પ્રગટી કે જેણે પૃથ્વી પર માણસનું ભાગ્ય બદલી નાખ્યું અને મહાન ભારતીય ફિલસૂફ, યોગી, મહર્ષિ, કવિ અને ભારતીય રાષ્ટ્રવાદી શ્રી અરબિંદો ઘોષનું અવતરણ થયું. ‘જીવન એકલા જીવ માટે નથી. ભગવાનને પ્રાપ્ત કરવા માટે છે.‘ આ શબ્દો છે ભારતવર્ષના આધ્યાત્મિક પુરુષ શ્રી અરવિંદના. આ વિરલ વ્યક્તિત્વના વિચારો સૂર્યના કિરણોની માફક કણેકણમાં પ્રસરી ગયા. અહીં ભગવાનનો એક અર્થ ‘અંતરઆત્મા‘ છે. શ્રી અરવિંદે આધ્યાત્મ દ્વારા યુવાચેતનાને ઝંકૃત કરી હતી. એમના સોનેરી સનાતન વિચારોને હજુ પણ કાટ લાગ્યો નથી. આધ્યાત્મજગત પર પ્રભાવ પાડનાર એમના વિચારો આજે પણ પ્રસ્તુત અને પ્રભાવક છે. મહાન યોગી સાથે તેઓ સમાજઉપયોગી સત્વશીલ પ્રવૃત્તિપુરુષ હતા. તેમનું સાહિત્ય ઊર્ધ્વ ચેતનામાંથી સર્જાયું છે. ઑગસ્ટ મહિનો ક્રાંતિનો છે ત્યારે આ આધ્યાત્મિક ઉત્ક્રાંતિના મહાપુરુષને યાદ કરવા રહ્યા. પિતાનું નામ કૃષ્ણધન અને માતાનું નામ સ્વર્ણલતા. પિતા સિવિલ સર્જન હતા. સંપૂર્ણ નાસ્તિક હતા અને વિદેશમાં અભ્યાસ કર્યો હતો. શ્રી અરવિંદે કોન્વેન્ટ સ્કૂલમાં ભણતર અને બ્રિટનમાં અભ્યાસ કર્યો હોવા છતાં પણ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહ્યા. કેમ્બ્રિજમાં અભ્યાસ દરમિયાન ‘ઇન્ડિયન મજલિસ’ વિદ્યાર્થી-ગ્રૂપમાં જોડાયા અને ભારતની આઝાદી માટેનાં ભાષણો કર્યાં હતાં. ઉચ્ચ અભ્યાસ હોવા છતાં અંગ્રેજોની ઉચ્ચ પદની નોકરી ન કરી. ઈ. સ. 1893ના જાન્યુઆરીની 12મીએ તેમણે ઇંગ્લેન્ડ છોડ્યું. ફેબ્રુઆરીની છઠ્ઠીએ મુંબઈના એપોલો બંદરે ઊતરતાં જ હૈયાને હાશકારો થયો. 1901માં કોલકાતામાં ભૂપાલચંદ્ર બોઝની સૌથી મોટી પુત્રી મૃણાલિની સાથે લગ્નગ્રંથિથી જોડાયા. અરવિંદ ઘોષમાંથી અરવિંદ મહર્ષિ થવામાં પત્નીનો બહુ મોટો સહયોગ મળ્યો હતો. તેમણે ભારતીય ભૂમિ ઉપર પગ મૂક્યો ત્યારે પરમ શાંતિની અનુભૂતિ થઈ. જાણે બે હાથ ફેલાવીને હિન્દુસ્તાન એમની જ પ્રતીક્ષા કરી રહ્યું ન હોય! આ આધ્યાત્મિક શાંતિ મહિનાઓ સુધી રહી. એમનું સ્વદેશાગમન માતૃભૂમિને વિદેશી શાસનમાંથી મુક્તિ અને ઉચ્ચ હેતુ સિદ્ધ કરવા તરફ પ્રેરતું હતું. તેમનું સાહિત્ય ઊર્ધ્વ ચેતનામાંથી સર્જાયું છે. અરવિંદનો આત્મા હિંદુ ધર્મના અગાધ દરિયાને પામવા થનગની રહ્યો હતો. વડોદરા રાજ્યની નોકરીમાં શ્રી અરવિંદે મહારાજાના રહસ્યમંત્રી તરીકે કામ કરતાં કરતાં ઈશ્વરના ગૂઢ-ગહન રહસ્યને પામવા પ્રયત્ન કર્યો હતો. 1904માં મહારાષ્ટ્રીય યોગી વિષ્ણુ પ્રભાકર લેલે પાસેથી તેઓ યોગ શીખ્યા. તેમને આધ્યાત્મિક યાત્રાનો અનોખો અહેસાસ થયો. શ્રી અરવિંદે ‘યુગાન્તર‘ અને ‘વન્દે માતરમ્‘માં ક્રાંતિકારી લખાણો લખેલાં તેથી તેમની ધરપકડ થઈ. જામીન પર છૂટ્યા પછી બંગાળની નેશનલ પાર્ટીના નેતા તરીકે દેશભરમાં પ્રસિદ્ધિ પામ્યા. એમને બાહ્ય કરતાં ભીતરના વિશ્વમાં વધુ રસ હતો. 1908માં તેમના પર અલીપુર બોમ્બ કેસ થયો અને 1908માં તેમને અલીપુરની જેલમાં મોકલી દેવાયા. જેલવાસમાં ગીતાના અધ્યયનથી આધ્યાત્મિક અનુભવ થયો. ધ્યાન અને યોગાભ્યાસનો આરંભ કર્યો. આ સમય દરમિયાન, તેમને વૈશ્વિક ચેતના અને તમામ જીવોમાં દૈવી શક્તિની અનુભૂતિ થઈ હતી. ગીતાના અધ્યયનથી આધ્યાત્મિક અનુભવ થયો. ઈશ્વરે તેમને સાધન તરીકે પસંદ કર્યા હતા. એ પછી એમણે નક્કી કર્યું કે જિંદગીની જેલમાં સબડતા માનવી માટે કશુંક કરીને જવું છે. એટલે જ જેલથી મહેલ સુધીની એમની સફરમાં અનેક લોકોના જીવનમાં અજવાળું ભર્યું. જેલ દરમિયાન જે ભગવદ્ ગીતા વિશે મનન-ચિંતન કર્યું એ ‘ગીતા નિબંધો’ પુસ્તકમાં આલેખ્યું છે. એમણે ક્રાંતિથી ઉત્ક્રાંતિ સુધીની યાત્રા આરંભી. પછી તેમણે રાજકારણમાંથી રામકારણ તરફ ગતિ કરી. શ્રી અરવિંદે ‘આર્ય’ શરૂ કર્યું અને એમાં તત્ત્વજ્ઞાનવિષયક લેખો ક્રમશઃ પ્રગટ થવા લાગ્યા. તેમનાં ‘ધ લાઇફ ડિવાઇન’, ‘ધ સિન્થેસિસ ઑવ્ યોગ’, ‘ધ આઇડિયલ ઑવ્ હ્યૂમન યુનિટી’, ‘ધ હ્યૂમન સાઇકલ’, ‘ધ ફ્યૂચર પોએટ્રી’ વગેરે પુસ્તકોનાં લખાણો સૌપ્રથમ ‘આર્ય’માં ક્રમશઃ છપાયાં. જે લોકમાનસ પર ઘેરી અસર મૂકી ગયાં. વિચારની એક નવી દિશા ખોલી આપી. 1914 માર્ચની 29મીએ શ્રીમાતાજી શ્રી અરવિંદને પ્રથમ વાર પુદુચેરીમાં મળ્યાં. એ પછી એમના જીવનમાં આધ્યાત્મિક ચમત્કાર સર્જાયો. ઇન્ટરનલ યોગ દ્વારા તમે તમારા પગ ઉપર ઊભા રહી શકો છો. શ્રી અરવિંદની ‘ફિલોસોફી ઓફ લાઈફ’ થિયરીથી કેટલાય યુવાનોના જીવનનો શણગાર થયો. 1930થી 1938 દરમિયાન શ્રી અરવિંદે સાધકોને પત્રો લખેલા તેનાં પુસ્તકો થયાં છે. આ ગાળામાં તેમણે મહાકાવ્ય ‘સાવિત્રી’ લખ્યું હતું. અનેક શોધના જન્મદાત્રી ગુજરાતની ભૂમિના વાતાવરણમાં આવતા ત્યારે આધ્યાત્મિક આબોહવાની અનુભૂતિ થતી. રવીન્દ્રનાથે અરવિંદને મળ્યા પછી કહ્યું, ‘આ મારા જીવનનો મહાધન્ય પ્રસંગ હતો.’ 1947ના ઑગસ્ટની 15મીએ ભારતને સ્વતંત્રતા મળી એ પ્રસંગે તેમણે કહેલું, ‘મારો જન્મદિન અને હિંદની સ્વતંત્રતાપ્રાપ્તિનો દિન આમ એક જ દિવસ આવે છે એ ઘટનાને, એક યોગી તરીકે, હું કોઈ સાદા યોગાનુયોગ તરીકે યા તો કોઈ ગમે તેમ બની આવેલા અકસ્માત તરીકે ગણતો નથી; પરંતુ આ ઘટના દ્વારા હું મારા જીવનના આરંભકાળથી મેં હાથ ધરેલા કાર્યમાં પ્રભુની જે દિવ્ય શક્તિ મારાં પગલાંને દોરી રહી છે તેની સંમતિ નિહાળું છું…’ શ્રી અરવિંદ માનતા હતા કે આંતરિક અવગણના એટલે અસ્તિત્વનો અસ્વીકાર... . એમના તર્કના તણખાનું કેન્દ્રબિંદુ એક જ છે કે ‘વિચારોને શુદ્ધ કરો, વ્યક્તિત્વ આપોઆપ અણિશુદ્ધ થઈ જશે.’ શ્રી અરવિંદના વિચારથી યુવાનોમાં આમૂલ પરિવર્તન આવ્યું. યુવાનોને આહ્વાન આપતાં શ્રી અરવિંદ કહે છે, ‘ચારિત્ર્ય દ્વારા સ્વવિકાસ અને રાષ્ટ્રનિર્માણ થઈ શકશે.’ સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને વિસ્તારી સદભાવનો સંદેશ પાઠવે છે. જેમને ‘ધ મધર’ તરીકે ઓળખવામાં આવે છે એવા તેમના આધ્યાત્મિક સફરના સાથી મીરા અલ્ફાસા સાથે 1926માં શ્રી અરબિંદો આશ્રમની સ્થાપના કરી. મહર્ષિ અરવિંદથી પ્રેરણા લઈને આપણે આપણી જાતને તૈયાર કરવાની છે. સૌના સાથે અને સહકારથી વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે.’ તેમણે પુષ્કળ સાહિત્યનું સર્જન કર્યું છે. તે ભારત માટે ખજાના રૂપ છે. તે વિશ્વ માટે પણ અણમોલ ભેટ છે. શ્રી અરવિંદની વિચારઅંજલિથી ભવ્ય અને દિવ્ય ભારતનું નિર્માણ થઈ શકે છે. શ્રી અરવિંદની આધ્યાત્મિક સમાજની કલ્પના અદભુત હતી. તેના કેન્દ્રમાં આત્મા હતો, મનુષ્ય પછી. એમનું અવસાન થયું ત્યારે જિંદગીને પણ રડવાનું મન થયું હશે. એમના જીવન માટે એમની પંક્તિ એમને જ સમર્પિત કરીએ... જે કો ચાહે ધરણી ઉપરે સ્વર્ગને લાવવાને, તેણે જાતે ધરણી તણી માટી પરે આવવાનું. આવજો... બે બાબતોથી ડરો... એક તો ઈશ્વરથી અને બીજું જેને ઈશ્વરનો ડર નથી તેનાથી.(યહૂદી કહેવત)
    Click here to Read More
    Previous Article
    અપડેટ:‘X’ની નવી પોલિસી: હવે વ્યૂઝ નહીં, વેલ્યૂના આધારે કમાણી
    Next Article
    જીવનના હકારની કવિતા:પ્રવાસ શરીરનો યાત્રા આત્માની…

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment