Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફર:શાંતિ, ઈતિહાસ અને સ્થાપત્યનો સંગમ

    10 hours ago

    નિતુલ ગજ્જર ભગવાન ભોળાનાથની નગરી ગણાતું કાશી વિશ્વભરમાં આધ્યાત્મિક શાંતિ મેળવવા વખણાય છે. જોકે, વારાણસીથી માત્ર 13 કિલોમીટરના અંતરે સ્થિત સારનાથનું પણ આગવું ધાર્મિક મહત્ત્વ છે. તેમાં પણ 25 જુલાઈએ દક્ષિણ કોરિયાના બુસાન શહેરમાં યોજાયેલી 48મી વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકમાં સારનાથને વૈશ્વિક ધરોહર જાહેર કરવામાં આવ્યું છે. જેથી હવે આ જગ્યાનો ડંકો વિશ્વભરમાં વાગશે. આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી ભગવાન બુદ્ધે પોતાના પાંચ શિષ્યોને સૌપ્રથમ વાર ઉપદેશ આપ્યો એ સ્થળ ‘સારનાથ’ તરીકે ઓળખાય છે. આ ઘટના બાદ જ બૌદ્ધ ધર્મની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. ઉપદેશ બાદ સારનાથ ખાતે જ ભગવાન બુદ્ધે એ પાંચ શિષ્યો સાથે પ્રથમ સંઘની પણ સ્થાપના કરી હતી. એટલે તો સારનાથને બૌદ્ધ ધર્મનાં ચાર મુખ્ય ધર્મસ્થાનોમાંથી એક ગણવામાં આવે છે. ત્રીજીથી 12મી સદી દરમિયાન સારનાથમાં ઘણો વિકાસ થયો હતો. સમ્રાટ અશોકે આ જગ્યાએ અનેક સ્તૂપ, મઠ અને સ્તંભો બનાવ્યાં હતાં. જેમાંથી સૌથી પ્રખ્યાત છે અશોક સ્તંભ, જેના પર ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે. જોકે, પાછળથી મુઘલ આક્રમણખોરોએ અહીંનું ઘણુંખરું બાંધકામ નષ્ટ કરી નાખ્યું હતું. 19મી સદીમાં બ્રિટિશ પુરાતત્ત્વવિદ્ દ્વારા અહીં ખોદકામ કરતા સારનાથના અવશેષો મળી આવ્યા હતા.પુરાતત્ત્વ અને ઈતિહાસમાં રસ ધરાવતા દરેકને મજા પડે તેવું સારનાથમાં ઘણું છે. ‘ધમેખ સ્તૂપ’ સારનાથનું સૌથી પ્રખ્યાત અને પ્રભાવશાળી સ્મારક છે. અહીં જ બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ આપ્યો હતો. ઈંટો અને પત્થરનું બનેલું 43 મીટર ઊંચું અને 28 મીટરનો વ્યાસ ધરાવતું આ નળાકાર માળખું કોઈને પણ અભિભૂત કરી શકે છે. ત્રીજી સદી આસપાસ બનેલો આ સ્તૂપ ફૂલો અને ભૌમિતિક પેટર્નની ઉત્કૃષ્ટ કોતરણીથી શણગારેલો છે. તેના બાંધકામ પછીથી અન્ય શાસકો દ્વારા તેનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું હતું. સ્તૂપ ફરતે વિશાળ બગીચો છે. બૌદ્ધ ધર્મનો ઈતિહાસ દર્શાવતું સંગ્રહાલય સારનાથમાં બૌદ્ધ ધર્મનો ઈતિહાસ દર્શાવતું ભવ્ય સંગ્રહાલય છે. 1904માં જેમ્સ રેન્સમ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા આ મ્યુઝિયમમાં સારનાથના ખોદકામ વખતે મળી આવેલા શિલ્પો, અવશેષો, સિક્કા, શિલાલેખો અને કલાકૃતિઓનો નોંધપાત્ર સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ સંગ્રહાલયમાં પાંચ ગેલેરીઓ છે. તેને મૌર્ય, શૂંગ, કુષાણ, ગુપ્ત અને પછીના સમયગાળામાં વિભાજિત કરવામાં આવી છે. સંગ્રહાલયમાં એક પુસ્તકાલય અને પ્રકાશન વિભાગ પણ છે. ત્યાં બૌદ્ધ ધર્મ વિશે માહિતી અને સંસાધનો ઉપલબ્ધ છે. આ સંગ્રહાલયનું મુખ્ય આકર્ષણ અશોક સ્તંભનું અસલ ચિહ્ન છે. તે મધ્ય હોલમાં કાચની પેટીમાં રાખવામાં આવ્યું છે. આ સંગ્રહાલયમાં પ્રાચીન ભારતનાં કેટલાક સૌથી ઉત્કૃષ્ટ શિલ્પો પણ છે. તેમાં ‘ધર્મચક્ર પ્રવર્તન મુદ્રા’માં બુદ્ધ, ‘અભય મુદ્રા’માં બુદ્ધ, ‘ભૂમિસ્પર્શ મુદ્રા’માં બુદ્ધ, બોધિસત્વ પદ્મપાણિ અને ચક્રેશ્વર જાતક સામેલ છે. સારનાથમાં આવેલું થાઈ મંદિર અહીંના સૌથી સુંદર અને શાંત આકર્ષણોમાંનું એક છે. પરંપરાગત થાઈ શૈલીમાં બનેલું આ એક આધુનિક મંદિર છે. તેનું બાંધકામ 1933માં કરવામાં આવ્યું હતું. મંદિરમાં ઢાળવાળી છત, સોનેરી શિખરો અને રંગબેરંગી સજાવટ છે. મંદિરનું મુખ્ય આકર્ષણ કમળ મુદ્રામાં બેઠેલા બુદ્ધની વિશાળ અને ભવ્ય પ્રતિમા છે. તે કાંસ્ય અને સોનાથી બનેલી છે. મંદિર ફરતે યોગ્ય રીતે જાળવણી કરેલો બગીચો છે. મંદિરમાં એક પુસ્તકાલય, એક ધ્યાન ખંડ અને એક શાળા પણ છે. મૂળગંધ કુટી વિહાર સારનાથમાં બીજું એક ‘મૂળગંધ કુટી વિહાર’ આધુનિક મંદિર આવેલું છે. તે 1931માં ‘મહાબોધિ સોસાયટી ઓફ ઈન્ડિયા’એ બનાવ્યું હતું અને ફ્રેન્ચ આર્કિટેક્ટ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું હતું. આ મંદિર ઈન્ડો-જાપાનીઝ ફ્યુઝનનું એક ભવ્ય ઉદાહરણ છે. તેમાં લાલ ઈંટનો બાહ્ય ભાગ, શંકુ આકારની છત અને સોનેરી શિખર છે. મંદિર ઉત્કૃષ્ટ ભીંતચિત્રોથી શણગારેલું છે. આ ચિત્રો જાપાની કલાકાર દ્વારા દોરવામાં આવ્યાં છે અને તે બુદ્ધના જીવન અને ઉપદેશોનું નિરૂપણ કરે છે. મંદિરમાં બુદ્ધની સોનેરી પ્રતિમા, બુદ્ધના અસ્થિઓ અને બોધિવૃક્ષ પણ છે, જે એ મૂળ વૃક્ષનું વંશજ છે, જેની નીચે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ચૌખંડી સ્તૂપ ચૌખંડી સ્તૂપ સારનાથના સૌથી જૂનાં અને રહસ્યમય સ્મારકોમાંનું એક છે. આ જ સ્થળે ભગવાન બુદ્ધ તેમના પાંચ શિષ્યોને પહેલી વાર મળ્યા હતા. ઈંટો અને પત્થરનું બનેલો આ સ્તૂપની ટોચ પર એક અષ્ટકોણ ટાવર છે. આ ટાવરનું નિર્માણ મુઘલ સમ્રાટ હુમાયૂંની સારનાથ મુલાકાતની યાદમાં 16મી સદીમાં રાજા ટોડરમલના પુત્ર ગોવર્ધન દ્વારા કરાવવામાં આવ્યું હતું. ઊંચી દીવાલથી ઘેરાયેલા આ સ્તૂપની ચારેય દિશામાં દરવાજા છે. વિવિધ કોતરણી અને શિલાલેખોનો શણગાર આ સ્તૂપ પર પણ જોવા મળે છે અને તેમાંથી કેટલાક તો પાંચમી સદીના છે. બૌદ્ધ ધર્મમાં હરણને પવિત્ર ગણવામાં આવે છે, માટે સારનાથનાં ઐતિહાસિક સ્મારકોની બાજુમાં ‘ડિયર પાર્ક’ આવેલો છે. જ્યાં મુક્તમને વિહરતા હરણોને જોવાની મજા પડશે. આ નાનકડા જંગલ વિસ્તારમાં વાંદરા, મોર અને કેટલાંક પક્ષીઓ પણ વસે છે. તેમજ અહીં કેફેટેરિયા અને બાળકોને મજા પડે તેવો ઉદ્યાન પણ છે.
    Click here to Read More
    Previous Article
    વિસ્મય:વણઉકેલાયો સવાલઃ મધદરિયે એ જહાજ લૂંટવાનું કારસ્તાન કોનું હતું? જહાજમાંથી ખરેખર શું લૂંટાયું?
    Next Article
    અપડેટ:‘X’ની નવી પોલિસી: હવે વ્યૂઝ નહીં, વેલ્યૂના આધારે કમાણી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment