Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસ્મય:વણઉકેલાયો સવાલઃ મધદરિયે એ જહાજ લૂંટવાનું કારસ્તાન કોનું હતું? જહાજમાંથી ખરેખર શું લૂંટાયું?

    10 hours ago

    ધૈવત ત્રિવેદી અણુશક્તિ હાંસલ કરવાની ઈરાનની મથામણ અને એ ન થવા દેવાની ઇઝરાયેલની જીદ આજકાલનાં નથી. ‘ધરાર કરવું’ અને ‘કોઈ પણ હદે જઈનેય ન થવા દેવું’ એ બે જીદ વચ્ચેની હુંસાતુંસીમાં અનેક પ્રકરણો રચાયાં છે. આ એવી જ એક કહાની છે જેના કેટલાક ભેદભરમ હજુ પણ ઉકેલાયા નથી. પરસ્પરને મ્હાત આપવાની રમતના એક વળાંક પર અહીં ચાંચિયાગીરીનોય પ્રવેશ થાય છે. આરંભે દરિયાઈ લૂંટફાટ એકલદોકલ સ્વરૂપની હતી. પછી તેમાં સંગઠિત થયેલી દરિયાઈ જાતિઓ ઉમેરાઈ. બાદમાં દરિયાની ડાકુગીરી ધંધો બનવા લાગી. લાગ જોઈને બ્રિટન જેવા દેશોએ ચાંચિયાઓને સાધીને પોતાના દુશ્મનોને પરેશાન કરવાનો કારસોય કર્યો. આ કહાની એવી છે જેમાં એક દેશ પોતે જ ચાંચિયાગીરી માટે બદનામ થયો હતો. ચોમેર પ્રતિબંધો અને અમેરિકાની આકરી પહેરેદારીથી ઘેરાયેલા ઈરાને અણુબોમ્બ માટે જરૂરી યુરેનિયમનો કોઈક રીતે જોગ કરી લીધો. પરંતુ સતત નજર માંડીને બેઠેલાં અમેરિકા-ઇઝરાયેલને ચકમો આપવા માટે આબાદ આયોજન કર્યું. અશુદ્ધ ખનિજ યુરેનિયમનો વિશાળ જથ્થો કોઈક રીતે ફિનલેન્ડ પહોંચ્યો. અહીં માલ્ટા બંદરનું રજિસ્ટ્રેશન ધરાવતું ‘આર્કટિક સી’ નામનું જહાજ તૈયાર હતું. જહાજના ફાલકાથી તૂતક સુધી હકડેઠઠ લાકડાંનાં પાટિયાંનો સામાન ભરવામાં આવ્યો. ખરેખર તો ખનિજ યુરેનિયમના ગઠ્ઠા ભરેલી પેટીઓ છુપાવવાનો એ કારસો હતો. ફિનલેન્ડના જેકોબસ્ટેડ બંદરેથી જહાજ નીકળ્યું. તેનું લાસ્ટ ડેસ્ટિનેશન હતું અલ્જિરિયાનું પોર્ટ ઓફ અલ્જિયર્સ. એ દિવસ હતો 23 જુલાઈ, 2009 અને ગંતવ્ય સ્થાને પહોંચવાની નક્કી થયેલી તારીખ હતી 4 ઓગસ્ટ, 2009. કાગળ ઉપર આંકો તો સાવ સરળ સફરમાર્ગ બને. ફિનલેન્ડથી જહાજ બાલ્ટિક સમુદ્રમાં પ્રવેશે. ત્યાંથી ઇંગ્લિશ ચેનલ મારફત ભૂમધ્ય સમુદ્રમાં થઈને અલ્જિયર્સ બંદરે લાંગરે. દેખીતો આ સફરમાર્ગ હોય, માલ્ટાનો ધ્વજ હોય, માલસામાનમાં નજરે દેખાય એવો લાકડાંનાં પાટિયાંનો જથ્થો હોય... દરિયાઈ માર્ગે ચાલતી સંખ્યાબંધ વેપારી ખેપ જેવી જ આ ખેપ લાગે તેની પૂરતી તકેદારી લેવામાં આવી હતી. પરંતુ તમામ તકેદારીઓ એ દિવસે ઇઝરાયેલની તરકીબ સામે વામણી સાબિત થવાની હતી. ‘આર્કટિક સી’ જહાજ ફિનલેન્ડથી નીકળ્યું અને ગણતરીના કલાકો બાદ હજુ તો બાલ્ટિક સમુદ્ર વટાવી રહ્યું હતું. મધરાત વીતી ગઈ હતી, પરંતુ આકાશ ચોખ્ખું હતું. દરિયાનો ઘૂઘવાટ ચંદ્રના અજવાળાની સંગતમાં રમણીય હિલોળે ચડ્યો હતો. અચાનક જહાજના કપ્તાને દૂરથી ટોર્ચના ઝબકારા નિહાળ્યા. પહેલાં ત્રણ, પછી એક, પછી ત્રણ. દરિયાની પરિભાષા મુજબ સંકટમાં મુકાયેલા જહાજનો આ સંકેત હતો. નજીક જવું કે ખરાઈ કરવી કે ઓળખ ચકાસવી એની ગડમથલ દૂર થાય એ પહેલાં તો રબરની હવા ભરેલી એક ડિંગી જહાજની નજીક આવી ગઈ. લાઉડ સ્પીકરથી કહેવામાં આવ્યું: ‘અમે દરિયાઈ પર્યાવરણનો અભ્યાસ કરતી સંસ્થાના વૈજ્ઞાનિકો છીએ. અમારી બોટનું મશીન બગડ્યું છે. રિપેરિંગમાં મદદ કરો તો અમે સ્વીડનના કાંઠે પહોંચી શકીએ.’ જહાજનો કપ્તાન હજુ કંઈ સમજે, વિચારે, નિર્ણય લે એ પહેલાં તો ડિંગીમાંથી ફટાફટ દોરડાની સીડીઓ જહાજ તરફ ફેંકાઈ ગઈ અને તેનાં હૂક રેલિંગ સાથે ભીડાયાં કે તરત બબ્બેની હરોળમાં છ આદમી જહાજમાં ચડી આવ્યા. ચહેરે-મહોરે એ કોઈ વૈજ્ઞાનિક લાગતા ન હતા, હતા પણ નહીં. અંધારામાં ચમકતાં ગનનાં નાળચાં તાકીને ગણતરીની પળોમાં તેમણે એ જહાજ કબજે લીધું. હવે જહાજનો પ્રવાસમાર્ગ અલગ ફંટાવાનો હતો. દિવસો સુધી એ જહાજ દુનિયાની આંખોથી ઓઝલ રહેવાનું હતું. ડૂબી ગયેલા જહાજનીય કોઈક રીતે ભાળ મળતી હોય. ‘આર્કટિક સી’ ડૂબ્યું નથી, એ માર્ગે એ દિવસો દરમિયાન દરિયો સદંતર શાંત હતો, અનેક જહાજો ત્યાંથી પસાર થયાં હતાં. કોઈએ ‘આર્કટિક સી’ને જોયું નથી અને છતાંય હકીકત એ છે કે નિયત દિવસે એ અલ્જિયર્સ બંદરે પહોંચ્યું પણ નથી. તો ગયું ક્યાં? દરિયાઈ લૂંટફાટનો બનાવ હોય તો માલસામાન લૂંટાયા પછી, મોડું તો મોડું, જહાજ પાછું તો ફરે જ. જહાજનો કબજો કોઈ ચાંચિયા ન રાખે. પરંતુ ‘આર્કટિક સી’માં લૂંટાવા જેવું હતુંય શું? મુદ્દલ દસ લાખ ડૉલરની કિંમતનાં લાકડાંનાં પાટિયાં ભરેલા જહાજને કોઈ શા માટે લૂંટે? દિવસો સુધી સવાલો થતા રહ્યા. ‘જહાજમાં અમારા દેશના ખલાસીઓ હતા’ એવું કારણ દર્શાવીને અચાનક રશિયાએ દરિયો ખૂંદવા માંડ્યો અને પશ્ચિમ આફ્રિકાના કેપ વર્ડે ટાપુ પાસે જહાજ આખરે મળી આવ્યું. હવે જુઓ ભેદભરમ... જહાજના તમામ ખલાસીઓ જીવિત હતા, તરોતાજા હતા અને લ્હેર કરતા હતા. જહાજનો માલસામાન પણ યથાવત્ હતો. બાલ્ટિક સમુદ્રમાં ભેટી ગયેલા ચાંચિયાઓએ જહાજની લૉગબુક નષ્ટ કરી હોવાથી પછીનો પ્રવાસમાર્ગ અંકાયેલો ન હતો અને ખલાસીઓનું કહેવું હતું કે રબરની ડિંગી મારફત મધરાતે જહાજમાં ઘૂસી આવેલા લોકો ઇંગ્લિશ ચેનલ પહોંચતાં સુધીમાં જહાજમાંથી ઊતરીને ફરી પાછા ડિંગીમાં રવાના થઈ ગયા હતા. તો શું એ લોકો ફક્ત અમુક કલાકો પૂરતી સહેલગાહ કરવા જહાજમાં ચડ્યા હતા? આખરે કોણ હતા એ? આખરે સપ્ટેમ્બર મહિનામાં વિખ્યાત ‘ટાઇમ’ મેગેઝિનમાં એક અહેવાલ છપાયો અને તેમાં અનેક આધારો ટાંકીને દાવો કરવામાં આવ્યો કે ‘આર્કટિક સી’ જહાજમાં ખનિજ યુરેનિયમનો જથ્થો હતો અને અલ્જિરિયાથી જમીનમાર્ગે સુદાન, જિબુતી અને ઓમાન થઈને ઈરાન પહોંચાડવાનો હતો. ઈરાનના આ કારસ્તાનનો પહેલેથી જ પીછો કરી રહેલી ઇઝરાયેલની જગવિખ્યાત જાસૂસી સંસ્થા ‘મોસાદ’ના મારાઓએ મધદરિયે જહાજને આંતર્યું અને ખનિજ યુરેનિયમ ઊઠાવી લીધું. પછી તો રશિયાની સક્રિયતાના કારણો વિશે પણ વિવિધ અહેવાલોમાં ઘટસ્ફોટ થયો. જહાજની નોંધણી માલ્ટામાં થઈ હતી પરંતુ ફિનલેન્ડના તેના કાયમી ખલાસીઓને હટાવીને એકાદ મહિના પહેલાં રશિયન ખલાસીઓ ચડાવવામાં આવ્યા હતા. એ રશિયન ખલાસીઓને ફોડીને ‘મોસાદ’એ જહાજની ગતિવિધિની માહિતી મેળવી. જેકોબસ્ટેડ બંદરે તેના પર ભરાતાં પાટિયાંઓની ભીતરમાં ખનિજ યુરેનિયમના ગઠ્ઠાઓના પટારાઓની માહિતી મેળવી અને ખલાસીઓએ ચિંધેલા પ્રવાસમાર્ગ મુજબ મધરાતે તેને આંતરી લીધું. અલબત્ત, આ એક થિયરી હતી. ખરેખર શું બન્યું હતું અને એ કારસ્તાન ‘મોસાદ’એ કેવી રીતે પાર પાડ્યું, જહાજમાંથી ‘લેવા જેવું’ લૂંટી લીધા પછી એ લોકો કયા માર્ગે ભાગ્યા એ કશો જ ફોડ આજ સુધી પડ્યો નથી. રશિયાએ પણ પોતાના દેશના ખલાસીઓ પર કેસ ચલાવીને ભીનું સંકેલી લીધું. પરિણામે દરિયાઈ લૂંટફાટના ઇતિહાસની આ એક એવી ઘટના બની રહી છે જેના ભેદભરમ હજુય વણઉકેલાયેલા છે. ‘આર્કટિક સી’ જહાજ જ્યારે દુનિયાભરમાં ભેદભરમ સર્જી રહ્યું હતું ત્યારે એક નામ બહુ જ ચર્ચાસ્પદ બન્યું હતું, જે બિચારા કમ સે કમ આ કિસ્સામાં સદંતર નિર્દોષ હતા, પરંતુ મેલી મથરાવટીને લીધે ‘આર્કટિક સી’ની લૂંટફાટનું બિલ તેમના નામે ફાટ્યા કર્યું. એ હતા સોમાલિયન ચાંચિયાઓ, જેની સાથે આમ તો નિર્દોષ કે બિચારા જેવા દયાસૂચક શબ્દો સાત જન્મેય શોભે નહીં. દરિયાઈ લૂંટફાટના ઇતિહાસમાં અનેક ખેપાનીઓ થઈ ગયા; વાઇકિંગ્સથી માંડીને બ્લેકબિયર્ડ અને કેપ્ટન મોર્ગનથી લઈને લા બ્યુઝ સુધીના દબંગો આપણે જોયા, પણ એ સૌમાં સૌથી આધુનિક અને સૌથી વધુ ઘાતક તહેલકો મચાવનારા સોમાલિયન ચાંચિયાઓને શિરમોર ગણવા પડે. ક્રમમાં એ છેલ્લા છે પણ તબાહી સર્જવામાં એ પહેલા સ્થાને બિરાજે છે. આ કથનના પુરાવા સ્વરૂપે કેટલીક આંકડાબાજી કરી લઈએ. 2009થી 2011 એમ ત્રણ વર્ષ દરમિયાન સોમાલિયાના ચાંચિયાઓએ કુલ 237 જહાજો પર હુમલા કર્યા, એ પૈકી 88 જહાજો લૂંટ્યાં, 9 જહાજોને તારાજ કરીને ડુબાડી દીધાં. કુલ 1,118 લોકોને બંદી બનાવ્યા અને 28ને બેરહેમ યાતનાઓ આપીને મારી નાખ્યા. બંદીઓને કે કબજે કરેલા માલસામાનને છોડવાના બદલામાં ત્રણ વર્ષ દરમિયાન 160 મિલિયન ડૉલર યાને આજના ભાવ મુજબ આશરે ₹13થી 14 અબજની ખંડણી મેળવી. એ હિસાબે એક વર્ષની સરેરાશ ₹4.5 અબજ થઈ. દરિયાના પેટાળમાં લાગતી આગને વડવાગ્નિ કહેવાય છે. હિન્દુસ્તાનથી નૈઋત્ય ખૂણાના દરિયામાં વડવાગ્નિ જગાડનારા આ લોકો પેટમાં લાગતી ભૂખની આગ, જઠરાગ્નિ ઠારવા લૂંટફાટના રવાડે ચડ્યા હતા પણ બહુ ઝડપથી આખી દુનિયા માટે અત્યંત ભયજનક બની ગયા.
    Click here to Read More
    Previous Article
    સ્ટ્રેઇટ ડ્રાઇવ:‘લિટલ માસ્ટર’નો માસ્ટરસ્ટ્રોક: રઘુરામ ભટ્ટના સ્પિન સામે સની ડાબોડી બેટ્સમેન બન્યા!
    Next Article
    સફર:શાંતિ, ઈતિહાસ અને સ્થાપત્યનો સંગમ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment