Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ખેડૂતોના સમર્થનમાં નારી શક્તિ ઉમટી, ડ્રોન VIDEO:દીકરીઓએ નાટક રજૂ કરી ખેડૂતોની લાચારી અને કંપનીની તાનાશાહી બતાવી, આમરણાંત ઉપવાસમાં જનમેદની ઉમટી

    3 days ago

    મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપનીની લાઈનો પસાર કરવા અને વીજ પોલ ઊભા કરવાની કામગીરી સામે ખેડૂતોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. ખેતરોમાં કામ શરૂ કરતા પહેલા યોગ્ય વળતર ન મળવાને કારણે રોષે ભરાયેલા ખેડૂતોએ 18 જૂનથી જેતપર ગામે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. 25 જૂન અને ગુરુવારે આ આંદોલનના 8મા દિવસે રાત્રે આંદોલનની છાવણી ખાતે ગામની દીકરીઓ દ્વારા એક વિશેષ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટક દ્વારા ખાનગી કંપનીની વીજ પોલ ઊભા કરવાની કથિત તાનાશાહી, સરકારી તંત્રનો દુરુપયોગ અને ખેડૂતો પર થતા અત્યાચાર તેમજ તેમની લાચારીને આબેહૂબ ઉજાગર કરવામાં આવી હતી. આ આંદોલનના ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ખેડૂતોના સમર્થનમાં વિશાળ જનમેદનીથી ગામના માર્ગો ભરાઈ ગયા હતા. માત્ર 5 કલાકની પ્રેક્ટિસ કરી નાટક ભજવ્યું આ નાટક તૈયાર કરવા માટે ગામની દીકરીઓએ માત્ર 5 કલાકની ટૂંકી પ્રેક્ટિસ કરી હતી. આ ટૂંકા ગાળાની તૈયારી બાદ મોરબી સહિત અન્ય જિલ્લાઓમાંથી આવેલી અંદાજે 8,000થી 10,000 જેટલી મહિલાઓની વિશાળ જનમેદની સમક્ષ આ નાટક સફળતાપૂર્વક રજૂ કરાયું હતું. નાટક જોઈને ઉપસ્થિત નારી શક્તિએ ખેડૂતોના હકની લડાઈમાં અંત સુધી સાથ આપવાનો હૂંકાર કર્યો હતો. મહિલાઓનો સૂર "જ્યાં સુધી ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આ મામલે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં અને અંત સુધી લડત ચલાવવામાં આવશે." લેખિત આમંત્રણ વિના મંત્રણા ન કરવા ખેડૂતો મક્કમ આંદોલનનો સુખદ અંત લાવવા માટે સરકાર દ્વારા અત્યાર સુધીમાં 3 વખત મંત્રણા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, સરકાર તરફથી માત્ર મૌખિક સંદેશા જ મળતા હોવાથી ખેડૂતોમાં અસંતોષ છે. ખેડૂત આગેવાનો અને ઉપવાસીઓનું કહેવું છે કે, મુખ્યમંત્રી તરફથી જ્યાં સુધી ખેડૂતોને મળવા માટે સત્તાવાર લેખિત આમંત્રણ આપવામાં નહીં આવે, ત્યાં સુધી ચર્ચા માટે જવામાં નહીં આવે. ખેડૂતો પોતાની આ માંગ પર મક્કમ છે, જેને જોતા જો આગામી દિવસોમાં વહેલી તકે ઉકેલ નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે. આંદોલનકારી નારીશક્તિના સમર્થનથી ખુશ આમરણાંત ઉપવાસી આંદોલનકારી નિલેશ એરવાડિયાએ જણાવ્યુ હતુ કે, છેલ્લા 8 દિવસથી મારા ઉપવાસ ચાલુ છે અને આખા ગુજરાતમાંથી હજારો ખેડૂતોનું સમર્થન છે, છતાં તંત્ર આંધળું-બહેરૂં બન્યું છે. અમારી દીકરીઓએ નાટક દ્વારા સરકારને છેલ્લો સંદેશ આપ્યો છે કે—'સાહેબ, સમય રહેતા શાનમાં સમજી જાવ, નહીંતર દીકરીઓ રોડ પર આવી ગઈ છે, આવનારો સમય કપરો હશે અને આંદોલન ઉગ્ર બનશે! ----- આ પણ વાંચો ગુજરાતમાં એક જ જગ્યાએ એક જ દિવસમાં સૌથી વધુ રક્ત એકત્રિત કરવાનો રેકોર્ડ ગુજરાતમાં એક જ જગ્યાએ એક જ દિવસમાં સૌથી વધુ રક્ત એકત્રિત કરવાનો રીબડાનો રેકોર્ડ (5,419 રક્તદાતા) જેતપર ગામના ખેડૂતોએ તોડ્યો છે. જેતપરમાં એક જ દિવસમાં 5,551 બોટલ રક્ત એકત્રિત થયું છે અને કેમ્પ હજુ પણ ચાલુ હોવાથી આ આંકડો વધવાની શક્યતા છે. આ રક્તદાન કેમ્પ ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ ઊભા કરવાના વિરોધમાં યોજાયો હતો. બુધવારે સવારે 9 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધીમાં કુલ 5,551 બોટલ રક્ત એકત્રિત થયું હતું. બ્લડ બેંકો પાસે જરૂરી સાધનસામગ્રી ખૂટી પડતાં ગુરુવારે પણ ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ ચાલુ રાખવામાં આવ્યો છે.વાંચો સંપૂર્ણ અહેવાલ… આમરણાંત ઉપવાસના છઠ્ઠા દિવસે ખેડૂતની તબિયત લથડી મોરબી તાલુકાના જેતપર ગામના ખેડૂતો ખાનગી વીજ કંપની પાસે પૂરતા વળતરની માંગ સાથે છેલ્લા 6 દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલન દરમિયાન 23 જૂને એક ઉપવાસી ખેડૂત નેહુલ અમૃતિયાની તબિયત લથડતાં ચક્કર આવી જવાથી તેઓ ઢળી પડ્યા હતા, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે, કલેક્ટરના આદેશ હોવા છતાં રાત્રિના સમયે ઘટનાસ્થળે કોઈ મેડિકલ સ્ટાફ હાજર ન હોવાથી ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. વાંચો સંપૂર્ણ અહેવાલ… મહિલાઓએ ગરબે રમી ખાનગી વીજ કંપની સામે અનોખો વિરોધ નોંધાવ્યો આમરણાંત ઉપવાસ આંદોલનના છઠ્ઠા દિવસે વાતાવરણ વધુ ગરમાયું હતું. મોરબી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપવાસી છાવણી ખાતે એકત્ર થઈ હતી. મહિલાઓએ ખાનગી વીજ કંપની સામે આક્રોશ વ્યક્ત કરવા માટે અનોખો માર્ગ અપનાવ્યો હતો અને છાવણી પર આનંદનો ગરબો ગાઈને ગરબે ઘૂમી વિરોધ પ્રદર્શન કર્યું હતું.વાંચો સંપૂર્ણ અહેવાલ લોકસાહિત્યકાર હકાભા ગઢવીની બે હાથ જોડી સરકારને વિનંતી જેતપર ગામે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ખાનગી વીજ કંપની પાસેથી પૂરતા વળતરની માગ સાથે લડત ચલાવી રહ્યા છે. આ આંદોલન અંતર્ગત આમરણાંત ઉપવાસ ચાલી રહ્યા છે, જેનો ચોથા દિવસે રાત્રે ઉપવાસી છાવણી ખાતે હકાભા ગઢવી સહિતના કલાકારોનો લોક ડાયરો યોજાયો હતો. ‘ખેડૂતોની માગ પુરી કરો, હવે એ પૂરા થવાની તૈયારીમાં છે' : હકાભા ગઢવી આ ડાયરામાં મોરબી જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. હકાભા ગઢવીએ મંચ પરથી જણાવ્યું હતું કે, આજની તારીખે એક એક ખેડૂત ઉપર ઓછામાં ઓછું પાંચ-પાંચ લાખ રૂપિયાનું દેણું છે. તેમણે ખેડૂતોની સ્થિતિ પર ભાર મૂકીને તેમની માંગણીઓ તાત્કાલિક પૂર્ણ કરવા અપીલ કરી હતી. એમણે રમૂજ વૃત્તિમાં કહ્યું કે, મારા પિતાથી એ અમારી જમીન વેચીને સારું જ કર્યું નહીં તો અત્યારે અમારે પણ આ જ સ્થિતિ હોત. 'એક-એક ખેડૂત પર પાંચ-પાંચ લાખનું દેણું છે’ : હકાભા ગઢવી હકાભા ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ ખેડૂતોના હક માટેની આ લડાઈમાં મદદરૂપ થવાના ભાવ સાથે એક પણ રૂપિયો લીધા વગર આ લોક ડાયરામાં આવ્યા છે. તેમણે ચાર મહિના પહેલાં મળેલી એક ચેલેન્જને પણ યાદ કરી હતી, જેમાં ખેડૂતો માટે ડાયરો કરવા પર બમણો ચાર્જ આપવાની વાત હતી. ‘રાજકીય નેતાઓ આંદોલનની દિશા ભટકાવી દે છે’ : હકાભા ગઢવી તેમણે કહ્યું કે, જેતપરમાં એક પણ રૂપિયો લીધા વગર આવીને તેમણે તે ચેલેન્જ પૂરી કરી છે. આટલું જ નહીં, ખેડૂતોના હિત માટે આવા 50 કાર્યક્રમ કરવા પડે તો પણ તેઓ એક પણ રૂપિયો લેશે નહીં તેવી જાહેરાત કરી હતી. ડાયરામાં હાજર ખેડૂતોને તેમણે વચન આપ્યું હતું કે, તેઓ આખી જિંદગી ક્યારેય રાજકારણમાં પ્રવેશ કરશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે, જો કોઈ આવું ખોટું વચન આપે તો એને મારી નાખવો જોઈએ. વાંચો સંપૂર્ણ અહેવાલ ખાનગી વીજ કંપનીના વળતર મુદ્દે ખેડૂતોએ માથું મુંડાવ્યું, બેસણું ગોઠવ્યું મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનના ભાગરૂપે ખેડૂતોએ શનિવારે 20 જૂન રાત્રે ઉપવાસી છાવણી ખાતે એક અનોખો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ખાનગી વીજ કંપનીના સંચાલક ગૌતમ અદાણીની 'માનવતા' મરી પરવારી હોવાનું કહીને બેસણું અને મોકાણનો કાર્યક્રમ યોજ્યો હતો. સાથે જ ખેડૂતોએ ગળામાં ‘નરેન્દ્ર મોદી દેશદ્રોહી છે’ના પોસ્ટરો લગાવી વિરોધ નોંધાવ્યો હતો. વાંચો સંપૂર્ણ અહેવાલ… વીજકંપની સામે ખેડૂતોના આમરણાંત ઉપવાસનો બીજો દિવસ મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલ સામે વળતર મુદ્દે ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન બીજા દિવસે પણ યથાવત રહ્યું છે. આ આંદોલનમાં રાજ્ય મંત્રીના નાના ભાઈ સહિત 5 વ્યક્તિ આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જો કે, જિલ્લા આરોગ્ય અધિકારીના લેખિત આદેશ છતાં સ્થાનિક તંત્ર દ્વારા ઉપવાસીઓની તબીબી તપાસ કે દરકાર લેવામાં ન આવતા વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે. વળતર વગર વીજપોલની કામગીરીનો વિરોધ મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોને વળતર આપ્યા વિના અને વળતરની રકમ સ્પષ્ટ કર્યા વિના જ વીજ પોલ ઊભા કરવાનું કામ શરૂ કરી દેવાતા વિવાદ વકર્યો છે. ખેડૂતોના વિરોધ વચ્ચે પણ ખાનગી કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે ખેતરોમાં કામ ચાલુ રખાતા ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આ પૂર્વે ખેડૂતોએ કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું, તેમ છતાં પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નથી. સંપૂર્ણ અહેવાલ વાંચો… 18 જૂનથી ઉપવાસનું હથિયાર ઉગામ્યું મોરબી તાલુકાના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ખેતરોમાં ઊભા કરવામાં આવી રહેલા વીજ પોલ સામે કંપની દ્વારા પૂરતું વળતર ન અપાતા, 18 જૂનથી જેતપર ગામના ત્રણ ખેડૂત અને એક મહંત દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય નહીં મળે, તો આગામી સમયમાં 'સરદારના માર્ગે' ઉગ્ર આંદોલન કરતા પણ તેઓ અટકાશે નહીં.(સમગ્ર અહેવાલ વાંચો) ટ્રેક્ટર રેલી અને પ્રતિક ઉપવાસ છતાં તંત્ર ઉદાસીન છેલ્લા કેટલાક સમયથી ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોની સંમતિ વિના કે પૂરતું વળતર ચૂકવ્યા વિના ખેતરોમાં ઘૂસીને વીજ પોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. ખેડૂતો જ્યારે આ બાબતનો વિરોધ કરે છે ત્યારે, પોલીસને આગળ ધરીને તેઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો આક્ષેપ છે. આ અગાઉ ખેડૂતોએ જેતપરથી મોરબી કલેક્ટર કચેરી સુધી વિશાળ ટ્રેક્ટર રેલી યોજીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમ છતાં કોઈ ઉકેલ ન આવતાં છેલ્લા એક સપ્તાહથી ગામમાં પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા હતા. છતાં પણ તંત્ર કે કંપની દ્વારા કોઈ સકારાત્મક પગલાં ન લેવાતા આખરે ખેડૂતોએ આમરણાંત ઉપવાસનું હથિયાર ઉગામ્યું છે. ખેડૂતોની મુખ્ય માંગણીઓ વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ, મુખ્ય 3 માગ મોરબીના જેતપર ગામે વીજપોલના વળતર મુદ્દે 7 જૂનની રાત્રે ખેડૂતોની જાહેર સભા યોજાઈ હતી. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસની આગેવાની હેઠળ આ સભામાં ખેડૂતોએ ખાનગી કંપનીઓ દ્વારા અપૂરતા વળતર સામે વિરોધ નોંધાવ્યો હતો. કંપની-ખેડૂતો-પોલીસ વચ્ચે ઘર્ષણ ખેડૂતોનો મુખ્ય વિરોધ એ છે કે, ખાનગી કંપનીઓ તેમના ખેતરોમાંથી વીજ લાઈનો પસાર કરી રહી છે અને વીજપોલ ઉભા કરી રહી છે. પરંતુ, તેમને પૂરતું વળતર ચૂકવવામાં આવતું નથી. વળતર ચૂકવ્યા વગર કામગીરી થતી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાંચો સંપૂર્ણ અહેવાલ…
    Click here to Read More
    Previous Article
    સિંહના હુમલામાં માર્યા ગયેલા બાળકના પરિવારને વનમંત્રી મળશે:ચતુરી ગામમાં દાદાની આંગળી પકડી જતાં જીયાનનો સાવજે શિકાર કર્યો હતો, પરિવારને મોઢવાડિયા સાંત્વના પાઠવશે
    Next Article
    નગરા ગામે વરલી મટકાનો જુગાર ઝડપાયો, બે ઝડપાયા:₹25,520નો મુદ્દામાલ જપ્ત, પાંચ શખ્સો વોન્ટેડ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment