Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ નેતાઓએ શાસકોને લોલીપોપ આપવાનો પ્રયાસ કર્યો, VIDEO:વિજિલન્સ પોલીસ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઘર્ષણ, મનપાની જનરલ બોર્ડમાં હોબાળો

    18 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વિવિધ પ્રશ્નો અને મુદ્દાઓને લઈ જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બોર્ડની બેઠક શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના કોર્પોરેટરોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મનપા કચેરીના પ્રાંગણમાં કોંગ્રેસના નેતાઓ અને મહિલા કોર્પોરેટરો હાથમાં લોલીપોપ લઈ પહોંચ્યા હતા. ભાજપના કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજા, મનીષ ભટ્ટ તેમજ પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયાને પણ લોલીપોપ આપવાનો પ્રયાસ કરી અનોખો વિરોધ કર્યો હતો. આ તકે કોંગી નગરસેવકોએ જણાવ્યું હતું કે, શાસકો પ્રજાને લોલીપોપ આપે છે એટલે અમે તેઓને આપવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન વિજિલન્સ પોલીસ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઘર્ષણનાં દ્રશ્યો સર્જાયા હતા. જનરલ બોર્ડની બેઠકમાં રોડ-રસ્તા અને પાણીની પાઇપલાઇનના કામોમાં ચાલતી અનિયમિતતાઓ અને અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોની કથિત સાંઠગાંઠનો મુદ્દો જોરશોરથી ગાજ્યો હતો. નબળા અને ધીમા કામ કરવા છતાં કોન્ટ્રાક્ટરો સામે કોઈ કડક શિક્ષાત્મક પગલાં ન લેવાતા શાસક પક્ષના જ કોર્પોરેટરોએ અધિકારીઓને આડેહાથ લીધા હતા. બેઠકમાં સભ્યોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓના જવાબ ગળે ઉતરે તેવા નથી અને તેઓ એજન્સીને પ્રોટેક્ટ કરી રહ્યા છે. આખરે મામલો ગરમાતા મ્યુનિસિપલ કમિશનરે દરમિયાનગીરી કરવી પડી હતી. પોલીસે કોંગ્રેસના આગેવાનો પાસેથી લોલીપોપ છીનવી લીધી કોંગ્રેસના નગરસેવકો દ્વારા ભાજપના નેતાઓને આ રીતે લોલીપોપ આપવામાં આવતા બધા નેતાઓએ તરત જ ચાલતી પકડી હતી. બીજી તરફ બોર્ડમાં આ બાબતે કોઈ હંગામો ન થાય તે માટે વિજિલન્સ પોલીસ દ્વારા તમામ કોંગ્રેસના આગેવાનો પાસેથી લોલીપોપ છીનવી લેવામાં આવી હતી. અને ત્યારબાદ જ બધાને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના નગરસેવકો અને વિજિલન્સ પોલીસના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણનાં દ્રશ્યો સર્જાયા હતા. 'પ્રજાને લોલીપોપ આપે છે એટલે વિરોધ કર્યો' કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રસ્તીલાબેન ગરૈયાયએ જણાવ્યું કે, જ્યારે પણ અમે બોર્ડમાં પ્રશ્નો રજૂ કરીએ છીએ, ત્યારે સત્તાધીશો માત્ર 'થઈ જશે, થઈ જશે' એવા ગોળગોળ જવાબો આપીને માત્ર પ્રજાને લોલીપોપ ખવડાવવાનું કામ કરે છે. આજે અમે શાસકો અને અધિકારીઓને જ લોલીપોપ ખવડાવવા આવ્યા હતા. 'ભ્રષ્ટાચાર અને બેદરકારી સામે અવાજ ઉઠાવીશું' અન્ય મહિલા કોર્પોરેટર દીપતિબેન સોલંકીએ જણાવ્યું કે, મહાનગરપાલિકા દ્વારા રોજેરોજ પ્રજાના પૈસાનો ધુમાડો કરવામાં આવે છે અને જનતાના કોઈ નક્કર કામ થતા નથી. બ્રિજની બેદરકારી હોય કે જંગલેશ્વર ડિમોલિશન જેવા ગંભીર મુદ્દાઓ હોય, પ્રજા સમક્ષ તટસ્થ તપાસનો અહેવાલ રજૂ કરવાના બદલે માત્ર 'તપાસ ચાલુ છે' તેવા શબ્દોની લોલીપોપ આપવામાં આવે છે. રાજકોટની જનતાના નાણાંનો આડેધડ ધુમાડો થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ પ્રજાના હિત માટે આ ભ્રષ્ટાચાર અને બેદરકારી સામે અવાજ ઉઠાવતો રહેશે. કોર્પોરેટરના પ્રશ્નો પર સિટી ઇજનેરો ગુંચવાયા બેઠકની શરૂઆતમાં વોર્ડ નં. 11ના કોર્પોરેટર રક્ષિતભાઈ કલોલાએ રોડ-રસ્તાના કામો તથા પાણીની પાઇપલાઇન માટે કેટલા કોન્ટ્રાક્ટરો કાર્યરત છે અને તેમની કામગીરી સામે અગાઉ કોઈ નોટિસ કે દંડાત્મક પગલાં લેવાયા છે કે કેમ, તે અંગેનો પ્રશ્ન રજૂ કર્યો હતો. આ સવાલના જવાબમાં ઇન્ચાર્જ સિટી ઇજનેર અતુલ રાવલે ઝોનવાઇઝ કોન્ટ્રાક્ટરોની સંખ્યાની વિગતો આપી હતી. ત્યારબાદ કામગીરી અને નોટિસ મુદ્દે વેસ્ટ ઝોનના ઇન્ચાર્જ સિટી ઇજનેર કુંતેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે એક એજન્સીને 11 વખત નોટિસ આપવામાં આવી છે અને તેની કામગીરીની સમયમર્યાદા આગામી માર્ચ 2027 માં પૂરી થાય છે. જોકે, વારંવાર નોટિસ આપ્યા બાદ પણ એજન્સી સામે કયા શિક્ષાત્મક પગલાં લેવાયા છે તે અંગે કોર્પોરેટર રક્ષિત કલોલાએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. ઇજનેરે જવાબ આપ્યો હતો કે એજન્સીની મુદત માર્ચ માસમાં પૂરી થતી હોય કોઈ કાર્યવાહી કરી શકાતી નથી. આવાગોળગોળ અને અસંતોષકારક જવાબ સામે સભ્યો ભડક્યા હતા અને સવાલ કર્યો હતો કે કોઈ એક જ એજન્સીને 11 વખત નોટિસ અપાયા પછી પણ તેની સામે કોઈ પગલાં કેમ ન લઈ શકાય? શું એવો કોઈ નિયમ કે ટેન્ડર શરત છે? સંતોષકારક પ્રત્યુત્તર ન મળતા ભરી સભામાં આક્ષેપ કરાયો હતો કે, ‘11-11 વખત નોટિસ અપાયા પછી પણ જો એજન્સી સામે કેમ પગલાં લેવાયા નથી? સમય મર્યાદાની એકની એક વાત કરો છો પણ સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો સાચો જવાબ આપતા નથી. તમારો જવાબ ગળે ઉતરે એવો નથી, તમે એજન્સીને પ્રોટેક્ટ કરો છો.’ મેયર અને કમિશનરની દરમિયાનગીરી આ ગરમાગરમી વચ્ચે અધ્યક્ષપદેથી મેયર ડો. નેહલ શુકલે પણ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોઈપણ એજન્સીને નોટિસ આપીને છૂટી જવાથી જવાબદારીમાંથી મુક્તિ મળતી નથી. એજન્સીને કામ સોંપ્યા બાદ તેનો ડેઇલી પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર થવો અનિવાર્ય છે. મેયર અને કોર્પોરેટરોએ ઘેરી લીધા છતાં ઇજનેરો સંતોષકારક ખુલાસો ન કરી શકતા આખરે કમિશનર તુષાર સુમેરાએ મામલો શાંત પાડવા હસ્તક્ષેપ કર્યો હતો. તેમણે જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં મહાનગરપાલિકાના તમામ પ્રોજેક્ટ્સનો ડેઇલી પ્રોગ્રેસ રિપોર્ટ પારદર્શક રીતે મળી રહે તે માટે એક નવું સોફ્ટવેર લોન્ચ કરવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકાના જનરલ બોર્ડ સમયે એવૉર્ડ વિતરણ અને બ્રિજનું નામકરણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે, મહાનગરપાલિકાના જનરલ બોર્ડ સમયે તમામ મહાનુભવોને એવૉર્ડ આપવામાં આવ્યા હતા. રાજકોટ મનપા મેયરની અધ્યક્ષતામાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય મુજબ કટારીયા ચોક ખાતે નવનિર્મિત બ્રિજનું નામ સ્વ. વિજયભાઈ રૂપાણી રાખવામાં આવ્યું છે. રાજકોટના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભ રૂપાણીએ રાજકોટને ઘણું આપ્યું છે. જનરલ બોર્ડમાં અખાદ્ય લીંબુ શરબતનું વિતરણ રાજકોટ મનપાનાં જનરલ બોર્ડમાં અખાદ્ય લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે મેન્યુફેક્ચર અને એક્સપાયરી ડેટ સહિતની વિગતો હોય નહીં તેવા ખાદ્ય પદાર્થોનો ફૂડ વિભાગ દ્વારા નાશ કરવામાં આવે છે, પરંતુ આજના જનરલ બોર્ડમાં બોટલ ઉપર કોઈપણ વિગત ન હોય તેવા લીંબુ શરબતનું તમામને વિતરણ કરાયું હતું, જેના કારણે નિયમો માત્ર સામાન્ય પ્રજા માટે હોવાના સવાલો ઉઠ્યા હતા. બ્લેકલિસ્ટ થયેલી કંપની અંગે પ્રશ્નો બ્લેકલિસ્ટ થયેલી કોઈ કંપની પાસે મનપા દ્વારા કોઈ કામ કરાવવામાં આવ્યું છે કે કેમ? તે અંગે કોર્પોરેટર રક્ષિત કલોલાએ પ્રશ્ન પૂછ્યો હતો, પરંતુ સિટી ઈજનેર અતુલ રાવલ આ પ્રશ્નનો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા હતા. આ બાબતે ટૂંક સમયમાં નગરસેવકને લેખિત જવાબ આપવા માટે તાકીદ કરવામાં આવી છે. એન્ટ્રી ગેઇટ બનાવવા અંગેનું સૂચન રાજકોટમાં જુદા-જુદા 7 એન્ટ્રી ગેઇટ બનાવવા અંગે કોર્પોરેટર રાજુભાઇ અઘેરા દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. હાલમાં માત્ર જામનગર રોડ સહિત 2 એન્ટ્રી ગેઇટનું કામ ચાલુ છે. કોર્પોરેટર દ્વારા આ એન્ટ્રી ગેઇટનાં કામો ચાલુ ટર્મમાં અને પીપીપી ધોરણે કરવા સૂચન કરવામાં આવ્યું હતું, જેને મેયરે પણ આવકાર્યું હતું અને કમિશ્નરને આ બાબતે કાયદાકીય જોગવાઈ ચકાસી અમલ કરવા અપીલ કરી હતી. આવાસ યોજનાઓની સ્થિતિ અંગેની ચર્ચા રાજકોટમાં કુલ 101 આવાસ યોજના દ્વારા 37500 મકાનો બનાવવામાં આવ્યા છે, પરંતુ 5 આવાસ યોજનાનાં 3000 કરતા વધુ આવાસોની સોંપણી કરવામાં આવી નથી. હાલની સ્થિતિએ માત્ર અરવિંદભાઈ મણિયાર ક્વાર્ટરસનાં રિડેવલોપમેન્ટનું કામ જ ચાલુ છે. જળ સંકટ અંગેની સ્થિતિ અને રજૂઆત રાજકોટમાં જળ સંકટ ઊભું થશે તેવી માહિતી RMCના જનરલ બોર્ડમાં અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. રાજકોટના જળાશયોમાં માત્ર 10 નવેમ્બર સુધી ચાલે એટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ અંગે રાજ્ય સરકારની સૌની યોજનાથી નર્મદા નીરની માંગ કરવામાં આવી છે અને સરકારે 4000 MCFT પાણી આપે તો આખું વર્ષ તકલીફ પડશે નહીં તેમ જણાવ્યું છે. અગાઉ બેડી નજીક નવો ડેમ બનાવવાનું નક્કી કર્યુ હતું, પરંતુ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનતા તે ડેમ બનાવવાનું કેન્સલ કરવામાં આવ્યું હતું. જોકે રાજ્ય સરકાર દ્વારા નર્મદાનું પાણી સમયસર આપી રાજકોટને પાણીની કોઈ મુશ્કેલી પાડવા દેવામાં આવશે નહીં તેવો દાવો મેયર ડો. નેહલ શુકલએ બોર્ડ સમક્ષ કર્યો હતો. ગેરકાયદેસર કતલખાના અને મટન વેચાણ અંગે વિવાદ ગેરકાયદેસર કતલખાના બાબતે ભાજપના કોર્પોરેટર દર્શનભાઈ પેંગ્યાતરે ડે. કમિશ્નર નંદાણીનો ઉધડો લીધો હતો અને અગાઉ રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવ્યાનો દાવો કરી તાત્કાલિક ધોરણે બંધ કરાવવા અપીલ કરી હતી. કોર્પોરેટર રક્ષિત કલોલાએ પણ આંબેડકર ચોક નજીક ગેરકાયદે મટનનું વેચાણ બંધ કરાવવા રજૂઆત કરી હતી. ડે. કમિશ્નરે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો, જોકે તેમણે મટન જાહેરમાં લટકાવીને વેચાણ કરવા મામલે કોઇ પ્રતિબંધ ન હોવાનો દાવો કર્યો હતો. આ સામે મેયરે પશુ ક્રુરતાનો કાયદો તપાસવા જણાવ્યું હતું કે તેમાં આ રીતે લટકાવી ન શકાય તેવી જોગવાઈ છે અને જે કોઈ વેપારી જાહેરમાં મટન લટકાવી વેચાણ કરતા હોય તેમની સામે કડક પગલાં લેવા આદેશ આપ્યો હતો. ગ્રાન્ટના વપરાશ અને પાણીના કનેક્શન કાપવા મામલે હોબાળો કોંગ્રેસના વોર્ડ નંબર 16 અને વોર્ડ 15નાં પછાત વિસ્તારોમાં પૂરી ગ્રાન્ટ નહીં વપરાતી હોવાનો કોંગ્રેસનાં કોર્પોરેટર ઇબ્રાહિમ સોરાએ આરોપ લગાવ્યો હતો. આ મામલે મેયરે નિયમ કરતા વધુ ગ્રાન્ટ વપરાતી હોવાનો દાવો કર્યો હતો, બીજી તરફ ભાજપના કોર્પોરેટરોએ કોંગી કોર્પોરેટરો જ પોતાની ગ્રાન્ટ વાપરતા નહીં હોવાનું કહેતા બંને પક્ષે હોબાળો થયો હતો અને રાજકારણ ગરમાયું હતું. મેયરે હસ્તક્ષેપ કરી બધાને શાંત પાડ્યા હતા અને ઇબ્રાહિમ ભાઈને પોતાની વાત કરવા મંજૂરી આપી હતી. પાણીના કનેક્શન કાપવાનું કામ કાયદા વિરોધી હોવાનો દાવો ઇબ્રાહિમ સોરાએ કર્યો હતો, જેના જવાબમાં અધિકારીએ જીપીએમસી એકટની કલમ 128 મુજબ કનેક્શન કપાતા હોવાનું જણાવ્યું હતું. આમ છતાં ઇબ્રાહિમ સોરા પોતાની વાત પર અડગ રહેતા ફરી ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે હોબાળો થયો હતો, પરંતુ અંતે મેયરે મામલો શાંત પાડી કાર્યવાહી આગળ વધારી હતી. મિલકત અને પાણીવેરાની વ્યાજમાફી યોજના 31 ડિસેમ્બર સુધી લંબાઈ આજે જનરલ બોર્ડ બેઠકમાં પ્રશ્નોત્તરી અગાઉ મહત્વના લોકહિતના નિર્ણયો લેવાયા હતા. અધ્યક્ષપદેથી મેયર ડો. નેહલ શુકલે જાહેરાત કરી હતી કે મિલકતવેરા અને પાણીવેરાની ચડત રકમ પર પાંચ-પાંચ હજાર મળીને કુલ 10,000 રૂપિયા સુધી વ્યાજમાફી આપવાની યોજનાની મુદત હવે આગામી 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવે છે. અગાઉ આ યોજના નવેમ્બર માસ સુધી જ અમલમાં હતી, જેને નાગરિકોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને લંબાવવામાં આવી છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે રાજકોટની પહેલ શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં થતી ભેળસેળને ડામવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ એક મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે. જનરલ બોર્ડમાં કડક સજા અને દંડની જોગવાઈઓ ધરાવતા નવા કાયદાના ઘડતર માટેનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. આ ઠરાવ હવે મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલવામાં આવશે, જેથી ફૂડ સેફ્ટીના કાયદા વધુ કડક બની શકે. મેયર ડૉ. નેહલ શુક્લાએ જણાવ્યું હતું કે ફૂડ સેફ્ટી એક્ટ 2006માં કેન્દ્ર અને રાજ્ય સરકારના નિર્દેશાનુસાર બનાવવામાં આવ્યો હતો, પરંતુ સમય જતાં ખોરાકમાં થતી ભેળસેળથી માનવ સ્વાસ્થ્ય અને કેન્સર જેવા ગંભીર રોગો સામે રક્ષણ મેળવવા માટે આ કાયદામાં કડક પ્રોવિઝન કરવાની જરૂર છે. રાજકોટ કોર્પોરેશનની આરોગ્ય અને કાયદા સમિતિની ચર્ચા બાદ રાજ્ય સરકારને કાયદામાં કડક જોગવાઈઓ કરવા અને ભેળસેળ કરનારાઓ સામે ફોજદારી ગુના દાખલ કરી કડક કાર્યવાહી કરવા માટેનો ઠરાવ મોકલવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીજીના જન્મદિને 2023માં શરૂ થયેલી ગાંધી એવોર્ડ યોજના અંતર્ગત રાજકોટના 7 પ્રતિષ્ઠિત લોકોને અલગ-અલગ ક્ષેત્રમાં એવોર્ડ આપવામાં આવ્યા છે, અને આ વખતે કોર્પોરેશનના સર્વોચ્ચ સત્તાગ્રૂપ એવા જનરલ બોર્ડમાં તમામ પ્રતિનિધિઓ અને અધિકારીઓને સન્માનિત કરવાની તક મળી છે. આ ઉપરાંત, કટારીયા બ્રીજનાં નામકરણ અંગે મેયરે જણાવ્યું કે, બ્રિજનું નામ બદલવામાં આવ્યું નથી, પરંતુ આશરે રૂ. 150 કરોડથી વધુના બજેટવાળા રાજકોટના સૌથી મોટા આઈકોનિક બ્રિજનું નામકરણ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના નામ પરથી કરવાનો ઠરાવ આજે જનરલ બોર્ડમાં કરાયો છે. સ્વચ્છતા ગીત લોન્ચ અને ગાંધી એવોર્ડ વિતરણ રાજકોટને સ્વચ્છતા બાબતે દેશભરમાં મોખરે રાખવાના ઉદ્દેશ્યથી જાણીતા પાર્શ્વગાયક શાન દ્વારા ગવાયેલું વિશેષ ગુજરાતી ગીત આજની સભામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્રણ મિનિટના આ ગીતમાં ‘આપણું રાજકોટ આપણું અભિમાન... સ્વચ્છતાથી વધશે રાજકોટની શાન...’ બોલ દ્વારા નાગરિકોને સ્વચ્છતા જાળવવા પ્રેરણા આપવામાં આવી છે. આ ઉપરાંત, જનરલ બોર્ડની કાર્યવાહી શરૂ થતા પહેલા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર સાત સમાજ શ્રેષ્ઠીઓનું વિશેષ સન્માન કરાયું હતું. જેમાં ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલ વતી તેમના પુત્ર શિવરાજભાઈ પટેલ, સામાજિક ક્ષેત્રના અગ્રણી મૌલેશભાઈ ઉકાણી, રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, નીઓ રાજકોટ ફાઉન્ડેશનના વિક્રમભાઈ સંઘાણી, રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક, શિક્ષણવિદ્ ઇંદિરાબેન શિંગાળા અને એન્કર તેજશ શિશાંગિયાને મોમેન્ટો તથા શાલ અર્પણ કરી ગાંધી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સાંતેજ નજીકની સિંઘલ ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ:ફાયરે મેજર કોલ જાહેર કરી બે ગજરાજ સહિત 10થી વધુ ગાડી બોલાવી; ફેક્ટરીમાંથી કર્મચારીઓ જીવ બચાવી ભાગ્યા
    Next Article
    સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 શ્રમિકના મોત:મંગેતરના ત્રાસથી યુવતીનો આપઘાત, કોંગ્રેસ અને CJP સામે ABVPનો મોરચો, આદિત્ય ગઢવી અને હાર્દિક દવે પર બગડ્યા કાજલ હિન્દુસ્તાની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment