Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UKનાં ત્રણ ફાડિયાંની તૈયારી:ટ્રમ્પે આગમાં ઘી હોમ્યું, ત્રણ દેશોએ બંડ પોકાર્યો, ભાગલાથી ભારત-દુનિયાને શું અસર થાય? જાણો વિવાદની ઇનસાઇડ સ્ટોરી

    7 hours ago

    તારીખઃ 13 સપ્ટેમ્બર સ્થળઃ સેન્ટ ડેવિસ હોટલ, કાર્ડિફ, વેલ્સ. હોટલના રૂમમાં પિન ડ્રોપ સાયલન્સ હતું. બહાર ગાડીઓની અવર-જવરના અવાજ સંભળાઈ રહ્યા હતા. બંધ રૂમના ટેબલ ફરતે યુકેના અનેક દિગ્ગજ નેતાઓ બેઠા હતા. તેમના ચહેરા પર સદીઓ જૂનો બદલો લેવાની આગ ભભૂકી રહી હતી. એવામાં ધડામ દઈને ટેબલ પર એક નકશો મૂકાયો. આ નકશો હતો યુકે એટલે કે યુનાઈટેડ કિંગડમનો. જેમાં કોઈ સામાન્ય રાજકીય ફેરફાર નહીં પણ આખા યુકેના ટુકડા કરવાની ગેમ આ લોકો રમવાના હતા. આ તો થઈ હમણાના જ સમાચારની વાત. પણ યુકે તૂટવાના એંધાણ તો બ્રિટનના તત્કાલિન પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જ્હોનસન્સને બ્રેક્ઝિટ સમયે જ આવી ગયા હતા. તેમનું માનવું હતું કે જો યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન નીકળી જશે તો ભવિષ્યમાં વેલ્સ અને સ્કોટલેન્ડ પણ યુનાઈટેડ કિંગડમમાંથી અલગ થવાનું વેન કરશે. આ એ જ યુનાઈટેડ કિંગડમ છે જેનાં સામ્રાજ્યનો સૂરજ ક્યારેય આથમતો ન હોવાનું એક સમયે કહેવાતું હતું. કેવી રીતે ન્યૂક્લિયર પાવર દેશ UKના ત્રણ ફાડિયાં થશે? જો આવું થાય તો ભારત અને આખી દુનિયા પર કેવો બોમ્બ ફૂટશે? ચાલો આના પર આજે વિગતે વાત કરીએ. નમસ્કાર… ભાગલાની વાત કરતા પહેલા આપણે અમુક કન્ફ્યુઝન્સ દૂર કરી લઈએ. મોટા ભાગના લોકોનું માનવું છે કે ગ્રેટ બ્રિટન અને યુકે એક જ છે, પણ હકિકતમાં આ બંને અલગ છે. એક બેઠકે દુનિયાભરમાં ચર્ચા જગાવી વાત કંઈક એવી છે કે હમણાં 13 અને 14 સપ્ટેમ્બરે વેલ્સના કાર્ડિફ શહેરમાં એક મોટી મીટિંગ મળી. આ મીટિંગમાં સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર (ભારતના સંદર્ભમાં મુખ્યમંત્રીના હોદ્દા લેવલનું પદ) જ્હોન સ્વિની, વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર રૂન એપ યોરવર્થ, નોર્ધન આયર્લેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર મિશેલ ઓ'નીલ અને આયરલેન્ડની રાષ્ટ્રવાદી પાર્ટી સિન ફેઈન પ્રમુખ મેરી લૂ મેકડોનાલ્ડ હાજર રહ્યા. અહીં ભેગા થવાનો હતો લંડનથી આઝાદી મેળવવી. અત્યારે વેલ્સ, નોર્ધન આયરલેન્ડ અને સ્કોટલેન્ડમાં રાષ્ટ્રવાદી સરકારો છે. જે ઈંગલેન્ડના દબદબાથી કંટાળી ચૂકી છે. સ્કોટલેન્ડમાં આઝાદીની માગ કરતો વર્ગ 50 ટકા આસપાસ પહોંચી ગયો છે. વેલ્સમાં 27 વર્ષ પછી રાષ્ટ્રવાદી સરકાર સત્તામાં આવી છે અને નોર્ધન આયર્લેન્ડ તો પોતાના મૂળ પાડોશી દેશ રિપબ્લિક ઓફ આયરલેન્ડ સાથે ભળી જવા તલપાપડ થઈ રહ્યું છે. 300 વર્ષ જૂના લગ્નના છૂટાછેડાની નોબત કેમ આવી? પણ સવાલ થાય કે આ 300 વર્ષ જૂના લગ્નમાં અચાનક છૂટાછેડાની નોબત આવી તો આવી કેમ? તો આખા ડખાના મૂળમાં ઈતિહાસ છે. હિસ્ટ્રી આખી ઈન્ટ્રેસ્ટિંગ છે પણ આપણે તેની વાત નહીં કરીએ. આપણે હમણા થોડા વર્ષોમાં ઘટેલી ઘટનાઓની જ વાત કરીએ જેથી આખો મામલો સમજી શકાય. આપણે સૌ જાણીએ છીએ કે 2020માં બ્રિટન યુરોપિયન યુનિયનથી અલગ થયું. જે ઐતિહાસિક ઘટનાને નામ અપાયું હતું બ્રેક્ઝિટ. આ સમયે સ્કોટલેન્ડ અને નોર્ધન આયરલેન્ડને યુરોપિયન યુનિયનથી અલગ નહોતું થવું પણ ઈંગ્લેન્ડની ઈચ્છાના કારણે પાડાના વાંકે પખાલીને ડામ દેવાયો. આટલું ઓછું હતું એવામાં લંડન સરકારને સૂરાતન ચઢ્યું કે આપણે બ્રેક્ઝિટ પછી આ બધા રાજ્યોને આપેલી શક્તિઓ પાછી ખેંચવા માંડીએ. આ બધું થયું એટલે ત્રણેય પ્રદેશોને લાગ્યું કે આ તો અમારા અસ્તિત્વ પર હુમલો છે. બસ! અહિંથી જ બ્રિટન પર બાકીના રાજ્યોનો ભરોસો ભાંગીને ભુક્કો થયો. બ્રિટનના આર્થિક રીતે ચૂંસાઈ જવાના ભણકારા જો કે આ કોઈ નાના દેશોના ભાગલાની વાત પણ નથી. આ તો એક પરમાણું શસ્ત્રો ધરાવતા, યુનાઈટેડ નેશન્સમાં વીટો પાવરવાળા અને નાટોના સૌથી મજબૂત દેશમાંના એક ગણાતા દેશની અસ્તિત્વની આરપારની લડાઈની વાત છે. જો આ દેશો તૂટે ને તો બ્રિટન આર્થિક લેવલે સાવ ચૂંસાઈ જાય એવા ભણકારા વાગી રહ્યા છે. ભારતીય કંપનીઓએ યુકેમાં અંદાજે 20 બિલિયન ડોલર એટલે કે અંદાજે 1.66 લાખ કરોડ રૂપિયાથી વધુ રૂપિયા ઠલવ્યા છે. જો દેશમાં ભાગલા થાય તો આ રોકાણ અને હજારો ભારતીયોની નોકરીઓ પર સીધો ખતરો ઉભો થાય. UKથી અલગ થવાના રસ્તા પર અલીગઢી તાળાં પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય કે શું આ રાજ્યો ધારે ત્યારે યુકેથી લીગલી છૂટકારો મેળવી શકે? કારણ કે સ્કોલેન્ડ પાસે તો પોતાનું બંધારણ જ નથી. સ્કોટલેન્ડના હાથ કાયદાકીય રીતે બ્રિટનના બંધારણથી બંધાયેલા છે. નોર્ધન આયર્લેન્ડની વાત કરીએ તો તે થોડું અલગ છે, તેમના પોતાના અલગ નીતિ-નિયમો છે. અલગ થવાના રસ્તા પર ભલે અલીગઢી તાળાં લટકતાં હોય પણ ખીચડી તો કંઈક બીજી જ પાકી રહી છે. તેની પણ ચાલો વાત કરીએ… સ્કોટલેન્ડની કમાણી 100, ખર્ચ 104 સ્કોટલેન્ડની તિજોરીનો હિસાબ કરીએ તો દર વર્ષે અંદાજે 98 બિલિયન પાઉન્ડ કમાય છે. સામેની બાજુ વર્ષે તે અંદાજે 123 બિલિયન પાઉન્ડ આસપાસ ખર્ચો કરે છે. એટલે કે દર વર્ષે 25 બિલિયન પાઉન્ડનો ખાડો પડે છે. આખા યુકેની સરેરાશ ખાધ 4.2 ટકા છે જ્યારે એકલા સ્કોટલેન્ડની ખાધ 10.9 ટકા છે. ટૂંકમાં યુકે 100 રૂપિયા કમાવે તો પણ તેને હજુ ચાર રૂપિયા ખુટે છે કે ઓછા પડે છે. સામેની બાજુ સ્કોટલેન્ડ 100 રૂપિયા કમાવે છે તો તેને વાપરવા માટે 11 રૂપિયા ઓછા પડે છે. ઈંગ્લેન્ડની ગરજ પર ઉછરતું સ્કોટલેન્ડ આ ખાડા પૂરવા અને મન પડે એટલા રૂપિયા વાપરવા માટે ઈંગ્લેન્ડ 25 બિલિયન પાઉન્ડ મદદ તરીકે આપે છે. સામેની બાજુ સ્કોટલેન્ડના માથાદીઠ જાહેર ખર્ચ આખા બ્રિટન કરતાં 2 હજાર 700 પાઉન્ડ વધુ છે. ઈંગ્લેન્ડને લાગે છે કે તે સ્કોટલેન્ડનું પાલનપોષણ કરે છે પણ સ્કોટિશ રાષ્ટ્રવાદીઓનું માનવું છે કે જો અમે આઝાદ થશું તો અમારી પોતાની આર્થિક નીતિઓ હશે અને અમે નોર્થ સીના તેલ અને ગેસના ભંડારથી અર્થવ્યવસ્થા ઉભી કરી દઈશું. કરન્સીનો કકડાટ પણ સમજો જો સ્કોટલેન્ડ આઝાદ થાય તો તે કયા પૈસા વાપરશે? સ્કોટિશ સરકારનો પ્લાન એવો છે કે શરૂઆતના કેટલાક વર્ષો તો એ બધા યુકાના પાઉન્ડને જ વાપરશે. પણ એક્સપર્ટ્સનું કહેવું છે કે આવું કરવાથી સ્કોટલેન્ડની પોતાની કોઈ સેન્ટ્રલ બેંક ઉભી નહીં થઈ શકે. એટલે કે જો રાજ્યમાં આર્થિક કટોકટી આવી જાય તો તે પોતાના જ રાજ્યમાં વ્યાજદર નક્કી નહીં કરી શકે કે બજારમાં પૈસા પણ નહીં ઠાલવી શકે. બીજી બાજુ એવી વાત છે કે સ્કોટલેન્ડને યુરોપિયન યુનિયનમાં પાછું જવું છે પણ ઈયુનો કડક નિયમ છે કે ખાધ 3 ટકાથી નીચી હોવી જોઈએ. આ ટારગેટ સુધી પહોંચવા માટે સ્કોટલેન્ડે અલગ પડીને પોતાના રાજ્યમાં ભયાનક ટેક્સ વધારવો પડશે અથવા તો સરકારી ખર્ચાઓ પર કાતર મૂકવી પડશે. ચાલો હવે વેલ્સ બાજુ નજર દોડાવીએ વેલ્સમાં અત્યારે એક જ પ્રકારની ધીમી અને સાયલન્ટ રાજનીતિ ચાલી રહી છે. જો કે હવે 27 વર્ષ પછી લેબર પાર્ટીને હરાવીને ત્યાં રાષ્ટ્રવાદી પ્લેઈડ કિમરુ પાર્ટી સત્તામાં આવી ગઈ છે. અધૂરામાં પૂરું વેલ્સના 32 ટકા લોકોનું માનવું છે કે આપણે યુકેથી અલગ થઈ જવું જોઈએ. પણ આ હાલત વચ્ચે વેલ્સના નવા ફર્સ્ટ મિનિસ્ટરે બહુ હોંશિયાર રમત રમી. તેણે સ્કોટલેન્ડની જેમ સીધી આઝાદી... આઝાદીની બૂમરાડ મચાવવાના બદલે કહ્યું કે, સૌથી પહેલા તો અમે અમારી હેલ્થ સિસ્ટમ અને ઈકોનોમી સુધારીશું. વેલ્સની કમાણી 100, ખર્ચ 119 આવું એટલા માટે કારણ કે ડેટા કહી જાય છે કે કોરોના પહેલા વેલ્સની ખાધ તેના કૂલ પ્રોડક્શનના 19.4 ટકા જેટલી હતી. ટૂંકમાં કમાણી 100 રૂપિયા હોય પણ ખર્ચો 119 રૂપિયાનો કરવો પડે. વેલ્સના નેતાઓ જાણે છે કે જ્યાં સુધી પોતાના પગ પર ઉભા ન થઈ જવાય ત્યાં સુધી છૂટાછેડા લેવા એ આત્મહત્યા કરવા જેવું પગલું સાબિત થઈ શકે એમ છે. ત્રીજા રાજ્યોની વાત કરીએ તો નોર્ધન આયર્લેન્ડના હાલ આ બંને રાજ્યોથી સાવ અલગ છે. નોર્ધન આયર્લેન્ડ પાસે UKથી અલગ થવાનું બ્રહ્માસ્ત્ર આવું એટલા માટે કારણ કે સ્કોટલેન્ડ અને વેલ્સમાં ભલે રાષ્ટ્રવાદી સરકારો આવી ગઈ પણ તેમની પાસે આઝાદ થવા માટે સીધો કોઈ કાયદાકીય રસ્તો નથી. નોર્ધન આયર્લેન્ડ પાસે 1998ના ગુડ ફ્રાઈડે એગ્રીમેન્ટના કારણે કાયદેસરનો એક્ઝિટ ગેટ છે. ત્યાં કાયદાકીય જોગવાઈ છે કે જો બહુમતિ જનતા ઈચ્છે તો એક બોર્ડર પોલ એટલે કે જનમત કરાવીને સીધા જ પાડોશી દેશ રિપબ્લિક ઓફ આયર્લેન્ડ સાથે ભળી શકાય છે. હાલ અહીં સિનફેન નામની રાજકીય પાર્ટીનો દબદબો છે અને તેમનો ટારગેટ છે કે 2030 સુધીમાં જનમત કરાવવો અને શક્ય હોય તો આયર્લેન્ડમાં ભળી જવું. પરમાણુ, પાવર અને પોલિટિક્સની ગેમ પણ આ બધુ એટલું પણ સહેલું નથી કારણ કે ડેટાનો ખેલ અહીં પણ ચાલી રહ્યો છે. કારણ કે રિપોર્ટ્સનું કહેવું છે કે નોર્ધન આયર્લેન્ડને પોતાને સાથે ભેળવવાનો ખર્ચ આયર્લેન્ડ સરકારને ઉપાડવો પડશે. જેમાં દર વર્ષે અંદાજે 20 બિલિયન યુરો જેટલો ખર્ચો થઈ શકે એમ છે. જો કે બંને વચ્ચે વેપાર થશે તેનાથી આ ભાર ઈઝીલી સરભર થઈ શકે તેવું પણ એક્સપર્ટ્સનું માનવું છે. કૂલ મળીને કહેવાનો મતલબ છે કે ત્રણેય રાજ્યો પાસે પોતપોતાની રીતે યુકેની દીવાલોમાં ગાબડા પાડવાનું ચાલુ કરી દીધું છે. પણ શું આ ખાલી પૈસા, ખાધ કે અર્થતંત્રની જ લડાઈ છે? તો જવાબ છે ના કારણ કે આખી ગેમ કંઈક અલગ જ છે. મુદ્દો છે પાવરનો, પરમાણુ શસ્ત્રોનો અને ગ્લોબલ પોલિટિક્સનો. બ્રિટન પાસે ન્યૂક્લિયર હથિયારો રાખવા જગ્યા નથી બ્રિટન આજે દુનિયામાં એક મહાસત્તા શા માટે ગણાય છે? કારણ કે તેમની પાસે પરમાણુ શસ્ત્રો અને સબમરીન છે. પણ ચોંકાવનારી વાત એ છે કે આ હથિયારોનું સૌથી મોટું બેઝ ફાસલેન ઈંગ્લેન્ડમાં નથી પણ સ્કોટલેન્ડમાં છે. સ્કોટલેન્ડની રાષ્ટ્રવાદી સરકાર અગાઉ ચોખ્ખું કહી ચૂકી છે કે જેવા અમે આઝાદ થઈશું તો પહેલું કામ આ પરમાણુ બોમ્બ અને સબમરીન્સને સ્કોટલેન્ડની ધરતીથી ધક્કો મારવાનું રહેશે. જો આવું થાય તો ઈંગ્લેન્ડ માટે અઘરું થઈ જાય, કારણ કે તેમની પાસે બીજુ કોઈ લોકેશન જ નથી કે ત્યાં તે પોતાના પરમાણુ હથિયારો મૂકી શકે. નવું બેઝ બનાવવા માટે દાયકો કે તેથી વધુ સમય લાગી જાય. જો બ્રિટન પાસેથી પરમાણુ પાવર જતો રહે તો આખા યુરોપની સુરક્ષા કરતા નાટોને ફરી એકડો ઘૂંટવો પડે. આ ડખો હજુ કેટલો લાંબો ચાલશે? તો જવાબ છે આ કોઈ રાતોરાત બની જાય એવી ઘટના નથી. આ 300 વર્ષ જૂના લગ્નના છૂટાછેડા છે. વાટાઘાટો, દેશનું કેટલું દેવું કોણ સરભર કરશે, નવી બોર્ડર ક્યાં અને કેટલી રહેશે, કઈ કરન્સી રહેશે અને આર્મીના કેવી રીતે ભાગલા પડશે જેવા વિષયો નક્કી કરતાં દાયકાઓ નીકળી જાય એવું એક્સપર્ટ્સનું અનુમાન છે. જો કે એવી પણ વાતો થઈ રહી છે કે જો બળવાની શરૂઆત થાય તો સૌથી પહેલા વારો નોર્ધન આયર્લેન્ડનો આવશે. જેવું તે યુકેથી આઝાદ થાય તો સ્કોટલેન્ડ અને વેલ્સમાં પણ ભંગાણની શરૂઆત થશે. આવું થવા પર યુકેનો આખો તાશનો મહેલ પડી ભાંગશે. એક સમયે દુનિયા પર રાજ, આજે અંદરોઅંદર લડાઈ જેની સીધી અને ભયાનક અસર ગ્લોબલ માર્કેટમાં પણ પડી શકે. જો યુકેના ત્રણ ફાડિયા થશે તો નવી સરકારો, નવા ટેક્સ અને નવા કાયદાઓના કારણે ઘણા બદલાવો આવી શકે તેમ છે. આખી વાતનો સાર એટલો જ છે કે એક સમયે આખી દુનિયા પર રાજ કરતું બ્રિટન આજે પોતાની જ અંદરોઅંદરની લડાઈના કારણે તૂટવાની કગાર પર આવી ગયું છે. અને છેલ્લે… થોડા દિવસ પહેલાં ટ્રમ્પ આયર્લેન્ડમાં હતા. ત્યાં તેમણે એવું કહ્યું હતું કે, તે સંયુક્ત આયર્લેન્ડ જોવા માગે છે. તો બ્રિટનના PM એન્ડી બર્નહમ પણ આ મુદ્દે જનમત સંગ્રહ કરવાની વાત સંસદમાં કરી ચૂક્યા છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    ₹2,000 થી વધુ UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે:કોઈપણ ટ્રાન્ઝેક્શન પર ₹300 થી વધુ ચાર્જ લઈ શકશે નહીં; નિયમ 15 ઓક્ટોબરથી લાગુ
    Next Article
    80 ફૂટના પંડાલમાં ઊભું કરાયું આબેહૂબ 'પોદ્દાર આર્કેડ':પૂરની તારાજી દર્શાવતી થીમ, સુરત કઠોદરાની શુકનવેલી રેસિડેન્સીમાં ગણેશોત્સવનો અનોખો રંગ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment