Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માર્ચના છેલ્લા વીકમાં UCC બિલ વિધાનસભામાં લાવવા તૈયારીઓ:ઈટાલિયાએ કહ્યું, હું 8 પાસ નથી, LLB છું; સંઘવીનો જવાબ 'ચોપડી ઓછી વાંચી, પણ જૂતું ફેંકવાનું શીખ્યા નથી'

    4 days ago

    ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ બાદ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા ગૃહમાં ભારે દલીલો અને રાજકીય ટીકા-ટિપ્પણીઓ જોવા મળી હતી. આ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં નિવેદન આપતા કહ્યું હતું કે, હું 8 પાસ નથી, હું BA.LLB ભણેલો છું એટલે મારી જાતને હોશિયાર સમજું છું, પરંતુ હું કોઈને ખોટા બતાવીને પોતાને મોટો બનાવવા માંગતો નથી. તેમના આ નિવેદન બાદ ગૃહમાં ચર્ચા વધુ ગરમાઈ હતી. 'ચોપડી ઓછી વાંચી હોય, પણ જૂતું ફેંકવાનું શીખવવામાં આવ્યું નથી' આ ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટિપ્પણી કરતા જણાવ્યું કે, કોઈ સભ્યે કદાચ ચોપડીઓ ઓછી વાંચી હોય, પરંતુ અહીં કોઈને જૂતું ફેંકવાનું શીખવવામાં આવતું નથી. તેમના આ નિવેદનથી ગૃહમાં રાજકીય ચર્ચા વધુ ઉગ્ર બની હતી. માર્ચના છેલ્લા વીકમાં UCC બિલ વિધાનસભામાં લાવવાની તૈયારીઓ શરૂ દિલ્હીમાં તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉચ્ચસ્તરીય મુલાકાત બાદ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે ચર્ચાઓ તેજ બની છે. રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રના નેતાઓ સાથે થયેલી બેઠકમાં રાજ્યમાં UCC લાગુ કરવાની પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર અગાઉથી આ મુદ્દે અભ્યાસ કરવા માટે નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને સમિતિ રચી ચૂકી છે, જે વિવિધ વર્ગોના સૂચનો અને કાયદાકીય પાસાઓનું મૂલ્યાંકન કરી રહી છે. સૂત્રોનું માનવું છે કે, સમિતિનો અહેવાલ મળ્યા બાદ રાજ્ય સરકાર માર્ચના છેલ્લા વીકમાં વિધાનસભા સત્રમાં UCC સંબંધિત પ્રસ્તાવ અથવા બિલ રજૂ કરી શકે છે. અને તેની તૈયારીઓ શરૂ કરાઈ છે. જો આ કાયદો અમલમાં આવે તો લગ્ન, છૂટાછેડા, દત્તક અને વારસાગત હક જેવા મુદ્દાઓમાં તમામ નાગરિકો માટે એકસરખા નિયમો લાગુ થશે. ઉત્તરાખંડ બાદ ગુજરાત પણ UCC અમલમાં લાવનાર રાજ્યોમાં સામેલ થઈ શકે તેવી રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. અભિનંદન તથા રાજકીય ટિપ્પણીઓ થતા સમય બગડતો હોવાનો મુદ્દો ઇટાલિયાએ પ્રશ્નોત્તરી કાળમાં મંત્રીઓ લાંબા જવાબ આપતા હોવાનો અને સભ્યો દ્વારા અભિનંદન તથા રાજકીય ટિપ્પણીઓ થતા સમય બગડતો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે એક કલાકના પ્રશ્નકાળમાં અગાઉ વધુ પ્રશ્નોની ચર્ચા થતી હતી, જ્યારે હવે ખૂબ ઓછા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, જેથી પ્રશ્નકાળની અસરકારકતા ઘટી રહી છે. 'સભ્યોના મુદ્દાઓ પૂરતા પ્રમાણમાં ચર્ચાઈ શકતા નથી' કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ઇટાલિયાના મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે, ધારાસભ્યોને મીડિયા સમક્ષ બાઈટ આપવાનો અધિકાર છે. તેમણે દાવો કર્યો કે એક કલાકની પ્રશ્નોત્તરી દરમિયાન બહુ ઓછા પ્રશ્નો લેવામાં આવે છે, જેથી સભ્યોના મુદ્દાઓ પૂરતા પ્રમાણમાં ચર્ચાઈ શકતા નથી. 'ગૃહમાં મારા સિવાય બધા અજ્ઞાન છે એવું કોઈએ સમજવું નહીં' કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ ગૃહમાં ઇટાલિયાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગૃહમાં શિષ્ટાચાર અને વિવેકપૂર્ણ રીતે પ્રશ્ન પૂછવા જોઈએ. તેમણે ટિપ્પણી કરતા જણાવ્યું કે, ગૃહમાં મારા સિવાય બધા અજ્ઞાન છે એવું કોઈએ સમજવું નહીં. તેમના આ નિવેદનથી ગૃહમાં ફરી ચર્ચા તેજ બની હતી. 'પ્રશ્નોત્તરી કાળનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ' અંતે વિધાનસભા અધ્યક્ષે સમગ્ર મુદ્દે સભ્યોને સંયમ રાખવાની સૂચના આપતા જણાવ્યું કે, પ્રશ્નોત્તરી કાળનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ અને લાંબા જવાબોથી સમય બગાડવો નહીં. સાથે જ આ મુદ્દે અંતિમ નિર્ણય અંગે અધ્યક્ષે પોતાનો નિર્ણય હાલ પેન્ડિંગ રાખ્યો હોવાનું જણાવ્યું. '240 જેટલી મહિલાઓ પર બળાત્કારના બનાવો નોંધાયા' વિધાનસભામાં ચર્ચા દરમિયાન જીગ્નેશ મેવાણીએ રાજ્યમાં ડ્રગ્સ અને કાયદો-વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. મેવાણી કહ્યું કે, તેમણે પણ LLB કર્યું છે અને ATVTની મિટિંગમાં કોઈ પર ગ્લાસ ફેંકાય તો તેને 'એટેમ્પ્ટ ટુ મર્ડર' જેવી કલમ લગાવી શકાય છે એટલી સમજ તો પહેલા જ દિવસે પડી જાય છે. 'દર 100માંથી આશરે 7.81 મહિલાઓ ડ્રગ્સનું સેવન કરતી હોવાનું સામે આવ્યું' ભારત સરકારના સમાજ કલ્યાણ વિભાગના રિપોર્ટનો ઉલ્લેખ કરતાં જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, દેશમાં અંદાજે 19 લાખ ડ્રગ્સ યુઝર્સ નોંધાયા છે, જેમાંથી લગભગ 1.85 લાખ મહિલાઓ છે, એટલે દર 100માંથી આશરે 7.81 મહિલાઓ ડ્રગ્સનું સેવન કરતી હોવાનું સામે આવ્યું છે. 'રાજ્યમાં અંદાજે 25થી 30 લાખ લોકો ડ્રગ્સનું સેવન કરતા હોવાની સંભાવના' તેમણે આક્ષેપ કર્યો કે ગુજરાતની કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંથી બનતા ડ્રગ્સનો દુરુપયોગ થતો હોય શકે છે અને રાજ્યમાં અંદાજે 25થી 30 લાખ લોકો ડ્રગ્સનું સેવન કરતા હોવાની સંભાવના છે. રાજ્યમાં 1.30 લાખ જેટલા લોકો વ્યસનમુક્તિ માટે રાહ જોઈ રહ્યા છે અને હાલની ગતિએ 300 લોકોને યોગ્ય માર્ગે લાવવા માટે પ્રયાસ થઈ રહ્યો છે. જેથી લોકોને સુધારવા માટે 650 વર્ષ જેટલો સમય લાગી શકે છે એવી ચિંતા વ્યક્ત કરી. સાથે જ 72 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હોવા છતાં તેનો કાળો વેપાર કોણ ચલાવી રહ્યું છે તે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમજ 28 કેસમાં પોલીસ પર હુમલા થયાની પણ વાત કરી. હર્ષ સંઘવીનો મેવાણી પર પ્રહાર, ગોપાલ ઇટાલિયા કાન બંધ કરીને બેઠા ગુજરાત વિધાનસભામાં ગૃહ વિભાગ અંગે ચર્ચા દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વચ્ચે તીખી બોલાચાલી જોવા મળી. સંઘવીએ કહ્યું કે, આજે 25થી 30 વર્ષના યુવાનોને ‘કરફ્યુ’ શબ્દનો અર્થ પણ ખબર નથી, જ્યારે કોંગ્રેસના સમયમાં વારંવાર કરફ્યુ લાગતો હતો. તેમણે આરોપ લગાવ્યો કે તે સમયગાળામાં દીકરીઓને ઘરની બહાર નીકળવામાં પણ ભય લાગતો હતો અને રાજ્યમાં ગુંડારાજ હતો. ડ્રગ્સ સામે લડત રાજકારણની નહીં પરંતુ સામાજિક લડત સંઘવીએ મેવાણીના ડ્રગ્સ મુદ્દે કરેલા નિવેદન પર પણ પ્રતિક્રિયા આપી હતી. મેવાણીએ કહ્યું હતું કે 7 વર્ષના બાળકો સુધી ડ્રગ્સની અસર પહોંચી રહી છે. તેના જવાબમાં સંઘવીએ કહ્યું કે, 7 વર્ષનું બાળક તો પહેલા કે બીજા ધોરણમાં ભણતું હોય છે અને તેને ડ્રગ્સ વિશે ખ્યાલ પણ ન હોય. “રાજકીય આક્ષેપ કરવા માટે રાજ્યને બદનામ કરવું યોગ્ય નથી,” એમ કહી તેમણે ઉમેર્યું કે ડ્રગ્સ સામે લડત રાજકારણની નહીં પરંતુ સામાજિક લડત છે અને સૌએ મળીને લડવી જોઈએ. ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને શોધી કાઢીને બહાર મોકલ્યા સંઘવીએ શાયરીના અંદાજમાં પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે “હમારી શરાફત કો કમજોરી મત સમજના, હમ જબ અપને પર આતે હૈં તો તૂફાનોં કા ભી રૂખ બદલ દેતે હૈં.” સાથે તેમણે દાવો કર્યો કે રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેલા બાંગ્લાદેશીઓને શોધી કાઢીને બહાર મોકલવામાં આવ્યા છે. ચર્ચા દરમિયાન એક અનોખું દ્રશ્ય પણ જોવા મળ્યું. હર્ષ સંઘવી ગૃહમાં જવાબ આપી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા કાન બંધ કરીને બેઠા હતા. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકાર પર ટકોર કરતાં કહ્યું કે જેમ ક્લાસમાં તોફાની છોકરાને મોનિટર બનાવી દેવામાં આવે તો ક્લાસમાં તોફાન બંધ થઈ જાય, તેવી જ સ્થિતિ ગુજરાતમાં સર્જાઈ છે. 500 નવી PCR વાન ખરીદવામાં આવશે ગૃહ વિભાગ અંગે માહિતી આપતાં સંઘવીએ જણાવ્યું કે, રાજ્યમાં 112 જનરક્ષક સેવા વધુ અસરકારક બની રહી છે. હાલ 112 વાહનો સરેરાશ 11 મિનિટ 23 સેકન્ડમાં ઘટનાસ્થળે પહોંચી જાય છે, જ્યારે મહાનગરોમાં રિસ્પોન્સ ટાઇમ લગભગ 9 મિનિટનો છે. આ સેવા વધુ મજબૂત બનાવવા માટે 500 નવી PCR વાન ખરીદવામાં આવશે. 3 હજાર નવા પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરાશે તેમણે જણાવ્યું કે, પોલીસ તંત્ર મજબૂત બનાવવા માટે 3 હજાર નવા પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે અને 1189 નવી જગ્યાઓ માટે પણ ભરતી હાથ ધરાશે. ઉપરાંત પોલીસ માટે 298.86 કરોડના ખર્ચે નવી ઇમારતો બનશે. રાજ્યમાં અત્યાર સુધી 45 હજારથી વધુ પોલીસ આવાસ તૈયાર થઈ ચૂક્યા છે અને વધુ 20,400 નવા પોલીસ આવાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 14 દોષિતોને ફાંસી અને 907 આરોપીઓને આજીવન કેદ પોસ્કો કેસ અંગે સંઘવીએ જણાવ્યું કે, આવા ગુનાઓમાં ગુજરાત કડક કાર્યવાહી કરનાર રાજ્યોમાં આગળ છે. અત્યાર સુધી 14 દોષિતોને ફાંસી અને 907 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. યુનિવર્સિટીના કાયદામાં ફેરફાર માટે સુધારા વિધેયક રાજ્યની સરકારી યુનિવર્સિટીઓના કાયદા અને શૈક્ષણિક ટ્રિબ્યુનલની વ્યવસ્થાને નવા કાયદા સાથે સુસંગત બનાવવા માટે રાજ્ય સરકાર મહત્વનું સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કરવા જઈ રહી છે. સરકાર 'ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ (સુધારા) વિધેયક, 2026' રજૂ કરશે. 9 મુખ્ય યુનિવર્સિટીના કાયદામાં ફેરફાર કરવા દરખાસ્ત આ સુધારા હેઠળ રાજ્યની 9 મુખ્ય યુનિવર્સિટીના કાયદામાં ફેરફાર કરવાની દરખાસ્ત છે. ટ્રિબ્યુનલ કાયદાની સૂચિ-1 દૂર કરીને તેમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી અધિનિયમ, 2023નો સમાવેશ કરવામાં આવશે. વર્ષ 2023માં સરકારે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે સમાન કાયદો બનાવ્યો હતો. હવે ટ્રિબ્યુનલ કાયદો પણ તેની સાથે સુસંગત રહે તે માટે સુધારો લાવવામાં આવી રહ્યો છે. સુધારા પછી સરકારને કેટલીક વિશેષ સત્તાઓ પ્રાપ્ત થશે. સાથે જ યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફની કાર્યપ્રણાલી, સેવાકીય શરતો તેમજ તકરારોના કેસોના નિવારણની પ્રક્રિયામાં પણ બદલાવ આવશે. આવા મામલાઓનો નિકાલ હવે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ, 2023 હેઠળ કરવામાં આવશે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદામાં સુધારો લાવશે સરકાર રાજ્યમાં કાર્યરત ચિકિત્સા સંસ્થાઓને રજિસ્ટ્રેશન માટે પૂરતો સમય મળી રહે તે માટે રાજ્ય સરકાર મહત્વનું સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કરવાની તૈયારીમાં છે. સરકાર “ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 2021”માં સુધારા કરવાની દરખાસ્ત લાવશે. સરકાર હવે મુદતમાં ફેરફાર લાવવાનો નિર્ણય લઈ રહી છે આ સુધારા હેઠળ અધિનિયમની કલમ 9 (4) અને કલમ 18માં ફેરફાર કરવામાં આવશે. હાલ ચિકિત્સા સંસ્થાઓ માટે રજિસ્ટ્રેશન કરવાની મુદત 30 એપ્રિલ, 2026 સુધી નક્કી કરવામાં આવી હતી. પરંતુ અનેક સંસ્થાઓને સમયમર્યાદામાં રજિસ્ટ્રેશન પૂર્ણ કરવામાં મુશ્કેલી પડતા સરકાર હવે મુદતમાં ફેરફાર લાવવાનો નિર્ણય લઈ રહી છે. રજિસ્ટ્રેશનમાં ફેરફાર કે રીન્યુઅલની પ્રક્રિયા કડક બનશે સુધારા બાદ રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં સ્પષ્ટતા આવશે અને સમયમર્યાદા પછી રજિસ્ટ્રેશનમાં ફેરફાર કે રીન્યુઅલ અંગેની પ્રક્રિયામાં પણ નિયમો વધુ કડક બનશે. આ વિધેયક દ્વારા રાજ્યની તમામ ચિકિત્સા સંસ્થાઓ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનાવવાનો સરકારનો ઉદ્દેશ્ય છે. લવિંગ ખાતા પકડાયા ધારાસભ્ય લવિંગજી, અધ્યક્ષે કહ્યું- બહાર જઈને થૂંકીને આવો ગુજરાત વિધાનસભાની કાર્યવાહી દરમિયાન હળવી રમૂજી ક્ષણ જોવા મળી હતી. ચાલુ સત્ર દરમિયાન ધારાસભ્ય લવિંગજી ઠાકોર કંઈક ખાતા જોવા મળ્યા હતા. આ બાબતે અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને ટોકતાં જણાવ્યું કે ગૃહમાં કંઈ ખાઈ શકાય નહીં. તેના જવાબમાં લવિંગજી ઠાકોરે હસતાં કહ્યું કે “સાહેબ, લવિંગ જ ખાધું છે.” ત્યારબાદ અધ્યક્ષે તેમને બહાર જઈને થૂંકીને આવવા કહેતાં ગૃહમાં હાસ્ય ફેલાઈ ગયું. ખેડૂતોને કુલ 18 હજાર કરોડ રૂપિયાની સહાય આજે મળેલી કેબિનેટ બેઠકમાં કૃષિ સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો 13 માર્ચે ખેડૂતોના ખાતામાં જમા થશે. દેશભરમાં 9 કરોડ 32 લાખ ખેડૂતોને કુલ 18 હજાર કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે, જેમાંથી ગુજરાતના ખેડૂતોને આશરે 1 હજાર કરોડ રૂપિયા મળશે. રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાશે તેમજ સમગ્ર રાજ્યમાં ગ્રામપંચાયતથી લઈને જિલ્લા સ્તર સુધી કાર્યક્રમો યોજાઈ ખેડૂતોને સન્માન સાથે લાભ આપવામાં આવશે. તુવર, ચણા અને રાયડાની ખરીદી અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. રાયડાની ખરીદી માટે અત્યાર સુધીમાં લગભગ 37 હજાર ખેડૂતો નોંધાયા છે. ઉપરાંત ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પીવાના પાણી અને સિંચાઈના પાણી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં હાલમાં 72 ટકા કરતાં વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું સરકાર દ્વારા જણાવાયું છે. 421 પશુ ચિકિત્સા અધિકારી અને 89 પશુધન નિરીક્ષકની જગ્યા ખાલી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે પશુપાલન વિભાગમાં સ્ટાફની ખાલી જગ્યાઓ અંગે જિલ્લા વાઇઝ આંકડા રજૂ કર્યા છે. સરકારના જવાબ મુજબ રાજ્યમાં પશુ ચિકિત્સા અધિકારીના કુલ 855 મંજૂર પદો સામે 421 જગ્યાઓ ખાલી છે, જ્યારે પશુધન નિરીક્ષકના 437 મંજૂર પદોમાંથી 89 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. જિલ્લાવાર આંકડા મુજબ જામનગરમાં સૌથી વધુ 45 જગ્યા, દાહોદ અને બનાસકાંઠા જિલ્લામાં પશુ ચિકિત્સા અધિકારીની 29 જગ્યાઓ ખાલી છે. છોટાઉદેપુરમાં 21, ત્યારબાદ સાબરકાંઠા અને અમરેલીમાં 23, છોટાઉદેપુરમાં 21, રાજકોટમાં 21 અને પંચમહાલમાં 21 જેટલી જગ્યાઓ ખાલી હોવાનું સરકારના જવાબમાં જણાવાયું છે. પશુપાલન વિભાગમાં સ્ટાફની ભારે કમી તે જ રીતે પશુધન નિરીક્ષકની ખાલી જગ્યાઓમાં તાપી જિલ્લામાં સૌથી વધુ 13 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. જ્યારે ભાવનગરમાં 8, આણંદમાં 7, તેમજ રાજકોટ, ગાંધીનગર, સાબરકાંઠા અને વલસાડ જેવા જિલ્લાઓમાં પણ ખાલી જગ્યાઓ નોંધાઈ છે. વિધાનસભામાં રજૂ થયેલા આ આંકડા મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં પશુપાલન વિભાગમાં માનવબળની અછત સ્પષ્ટ જોવા મળે છે, જેના કારણે પશુપાલકોને સેવાઓ મેળવવામાં મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ અને વડોદરામાં વધતું વાયુ પ્રદૂષણ ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડા મુજબ અમદાવાદ અને વડોદરા શહેરોમાં વાયુ પ્રદૂષણમાં વધારો નોંધાયો છે. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે છેલ્લા ચાર મહિનાના આંકડા રજૂ કર્યા હતા. આંકડા મુજબ શિયાળાના મહિનાઓ દરમિયાન બંને શહેરોમાં PM10 અને PM2.5 જેવા પ્રદૂષક તત્વોના સ્તરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. નિષ્ણાતોના મતે વાહન વ્યવહાર, ઔદ્યોગિક ઉત્સર્જન અને હવામાનની પરિસ્થિતિને કારણે મોટા શહેરોમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતું જાય છે, જે ચિંતાજનક ગણાય છે. CAMPA ફંડ અંગે વિધાનસભામાં ખુલાસો ગુજરાત વિધાનસભામાં રાજ્યના CAMPA (Compensatory Afforestation Fund Management and Planning Authority) ફંડ અંગે માહિતી આપવામાં આવી હતી. ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે 31 ડિસેમ્બર 2025 સુધીમાં રાજ્યના કેમ્પા ફંડમાં કુલ 675.86 કરોડ રૂપિયા જમા છે. સરકારના જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષ દરમિયાન આ ફંડ પર મળતા વ્યાજ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. વર્ષ 2025-26 દરમિયાન રાજ્યને 120.14 કરોડ રૂપિયા વ્યાજ રૂપે મળ્યા છે. CAMPA ફંડનો ઉપયોગ મુખ્યત્વે જંગલ સંરક્ષણ, વૃક્ષારોપણ અને પર્યાવરણ સુરક્ષા માટે કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    પાલડીમાં ફાલ્કન ટ્રાવેલ્સની કાર્ગો ઓફિસમાં પાર્સલમાં ભેદી ધડાકો:સિલિકોન સ્પ્રેની બોટલોમાં બ્લાસ્ટ થતા અફરાતફરી, પોલીસે તપાસ હાથ ધરી; કાર્ગો સંચાલકો સામે કાર્યવાહીની શક્યતા
    Next Article
    6 પોલીસ સ્ટેશન સાથે DCP ઝોન-8 ઓફિસ શરૂ:ઇન્ડસ્ટ્રીયલ-રીંગરોડ વિસ્તારનો સમાવેશ, વસ્ત્રાલ પોલીસ સ્ટેશન નવું બનશે; ઝોન-2માં મોટેરા પોલીસ સ્ટેશન નવું બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment