Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UCC બિલ ગૃહમાં બહુમતીથી પાસ, દેશનું બીજું રાજ્ય બન્યું:વિધાનસભામાં હલાલા પ્રથા, ધર્મેન્દ્રના બીજા લગ્નની ચર્ચા, ઇટાલિયાએ માફી માંગી, વસિયત ના હોય તો સંપત્તિમાં પેરેન્ટ્સનો પણ ભાગ

    1 day ago

    ગુજરાત ભાજપે 1995 વિધાનસભાની ચૂંટણી સમયે આપેલું વચન હવે 31 વર્ષે પૂરું કર્યું છે. આજે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UCC(યુનિફોર્મ સિવિલ કોડ) બિલ રજૂ કર્યું હતું. આ સાથે જ ઉત્તરાખંડ બાદ UCC લાવનારું ગુજરાત દેશનું બીજું રાજ્ય બની ગયું છે. મુખ્યમંત્રીએ બિલ રજૂ કરતા જ સત્તાપક્ષના ધારાસભ્યોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. તેમજ ભાજપના સભ્યોએ પાટલી થપથપાવી બિલને વધાવ્યું હતું. આ સમગ્ર ચર્ચા દરમિયાન હલાલા પ્રથા, શાહબાનો કેસ, ધર્મેન્દ્રના બીજા લગ્ન તથા શ્રદ્ધા વોલ્કર કેસના પણ ઉલ્લેખ થયા હતા. આ પહેલાં બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ હતી. પ્રશ્નકાળ બાદ કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની તંગીનો મુદ્દો ઉઠાવતા ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. ચાવડાએ આ મુદ્દા પર તાત્કાલિક ચર્ચાની માંગણી કરતા સભ્યો વચ્ચે ઉગ્ર વાદ-વિવાદ થયો હતો. મુખ્યમંત્રીએ બિલ રજૂ કરતા જણાવ્યું કે, લઘુમતી સમાજમાં પિતરાઈ સાથેની લગ્ન પરંપરા છે. પરંતુ આ બિલમાં લઘુમતી સમાજને કાયદો લાગું નહીં પડે. સમાનતા ન્યાય અને એકતાના રાષ્ટ્રીય સંકલ્પને મજબૂત બનાવીશું. દેશની આપણી સંસ્કૃતિ કુટુંબ ભાવના શીખવે છે. જાતિ ભેદ ના થાય તે માટે સરકાર સતર્ક છે. લગ્નનું ફરજિયાત રજિસ્ટ્રેશન, છૂટાછેડાના સમાન નિયમો, દંડ સાથે કેટલીક મહત્વની જોગવાઈ રહેશે. લગ્ન નોંધણી નહીં કરનારને દંડ થાય તેવી જોગવાઈ છે. રાજ્યના તમામ નાગરિકો માટે એક સમાન કાયદો આવશે. લગ્ન નોંધણી નહીં કરનારા સામે 10 હજાર દંડ, એકથી વધુ લગ્ન કરનારને 4 વર્ષની સજા છે. કોર્ટ બહારના છૂટાછેડા અમાન્ય રહેશે. કોર્ટ બહાર છૂટાછેડામાં સજા પાત્ર રહેશે. લિવ ઇન રિલેશન માટે 3 મહિનામાં નોંધણી ફરજિયાત છે. લિવ ઇન રિલેશનની જોગવાઈ કાયદાકીય સુરક્ષા માટે છે.આવા કેસમાં છેતરપિંડી કરનારને ગુજરાતમાં કોઈ સ્થાન નથી. દરેક સમાજ અને ધર્મ માટે છૂટાછેડાના સમાન નિયમો લાગુ થશે. હલાલા મુદ્દે તીવ્ર ચર્ચા, સંઘવી-ખેડાવાલા આમને-સામને ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગંભીર મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે કેટલાક કિસ્સાઓમાં યુવકો ખોટું નામ રાખીને યુવતીઓને ફસાવી લગ્ન કરે છે અને બાદમાં સાચી ઓળખ બહાર આવતા યુવતીઓ હેરાનગતિનો ભોગ બને છે, આવા ગુનાઓને રોકવા માટે કડક પોલીસ કાર્યવાહી જ એકમાત્ર ઉપાય છે. આ પ્રથામાં શારીરિક સંબંધ ફરજિયાત હોવાનો દાવો યોગ્ય નથી: ખેડાવાલા તેની સાથે સાથે તેમણે અદાલતી ચુકાદાનો ઉલ્લેખ કરીને ‘હલાલા’ પ્રથાની ચર્ચા કરતા સમજાવ્યું કે તલાક બાદ ફરી પતિ સાથે લગ્ન કરવા માટે સ્ત્રીને બીજા વ્યક્તિ સાથે લગ્ન કરવાની પ્રક્રિયા હોય છે. જોકે આ મુદ્દે વિરોધ નોંધાવતા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે હલાલા અંગે ખોટો સંદેશ ફેલાઈ રહ્યો છે. આ પ્રથામાં શારીરિક સંબંધ ફરજિયાત હોવાનો દાવો યોગ્ય નથી. ખેડાવાલાએ હું તો કુંવારો છું કહેતા જ સંઘવી બોલ્યા-આવતીકાલે જ સ્વયંવર રાખીએ બિલની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે તમે ચાર લગ્નની વાત કરો છો પણ મેં તો લગ્ન કર્યા જ નથી, હું તો કુંવારો છું. જેના જવાબમાં સંઘવીએ કહ્યું કે તો આવતીકાલે જ આપણે તમારો સ્વયંવર રાખીએ. 'તુમ જિસે જુલ્મ કહતે હો…' સંઘવીનો શાયરીથી કોંગ્રેસ પર પ્રહાર ગૃહમાં UCC બિલને લઈને ગરમાગરમી વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના નેતાઓ શૈલેષ પરમાર અને તુષાર ચૌધરીને આદિવાસી મુદ્દે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરવા પડકાર્યો હતો. સંઘવીએ જણાવ્યું કે આ કાયદો આદિવાસી સમાજના રીતિ-રિવાજોના રક્ષણ માટે છે અને વિરોધ પક્ષ બેવડા વલણ અપનાવી રહ્યો છે. તેમણે ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા પર પણ નિશાન સાધતા કોંગ્રેસ સાથે નજીકતા રાખવાના આક્ષેપ કર્યા. શાહબાનો કેસનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે કેટલાક કેસોમાં ધર્મના નામે ગુનાને ન્યાયસંગત ઠેરવવાનો પ્રયાસ થયો છે, જેને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા પણ UCCની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. બહુ પત્નીત્વ જેવી પ્રથાઓને સમાજ માટે હાનિકારક ગણાવી. તેમણે આ કાયદો મહિલાઓના હિતમાં હોવાનું જણાવતા અંતમાં કહ્યું કે, ઇમરાનભાઈ તુમ જિસે જુલ્મ કહેતે હો, વો આદત સી હો ગઈ, ચુપ રહ કે સહના ભી અબ ઇબાદત સી હો ગઈ. હર દર્દ કો હદ કે છુપાયા હૈ હમને, યે જિંદગી ભી કોઈ સિયાસત સી હો ગઈ. ‘આ કાયદો માત્ર રાજકીય એજન્ડા છે’ જો કે બિલ પર ચર્ચા દરમિયાન ગૃહમાં ભારે તંગદિલી સર્જાઈ હતી, જ્યાં કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી બિલનો કડક વિરોધ નોંધાવતા કહ્યું કે આ કાયદો માત્ર રાજકીય એજન્ડા છે અને મુસ્લિમ મહિલાઓએ પણ આવી કોઈ માગણી કરી નથી. સમાજ શરિયત અને કુરાન મુજબ ચાલે છે, તેથી આ બિલ સ્વીકાર્ય નથી અને અંત સુધી વિરોધ કરવામાં આવશે, જરૂર પડે તો કોર્ટમાં જઈશું અને રોડ પર પણ ઉતરીશું. ‘જો ચાર પત્ની અને અનેક સંતાનોના દાવા સાચા સાબિત થાય તો રાજીનામું આપવા તૈયાર’ હલાલા મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે થયેલી ચર્ચાનો ઉલ્લેખ કરતાં તેમણે પડકાર આપ્યો કે જો ચાર પત્ની અને અનેક સંતાનો અંગેના દાવા સાચા સાબિત થાય તો હું રાજીનામું આપવા તૈયાર છું. જ્યારે આ દરમિયાન સત્તાપક્ષના સભ્યોએ આવા ઉદાહરણોની વાત કરતાં વાતાવરણ વધુ ગરમાયું હતું. ખેડાવાલાએ ધર્મેન્દ્રના બીજા લગ્નનો ઉલ્લેખ કરીને મુદ્દાને રાજકીય બનાવવાનો આક્ષેપ પણ કર્યો. રસ્તા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી તો અમિત શાહે કહ્યું-પરિણામ ભોગવવા તૈયાર રહો આ વચ્ચે તેમણે રોડ પર ઉતરવાની ચેતવણી આપતા ધારાસભ્ય અમિત પી.શાહે કડક પ્રતિક્રિયા આપતા કહ્યું કે “રોડ પર ઉતરશો તો પરિણામ ભોગવવા તૈયાર રહો,” જેના પગલે ગૃહમાં ભારે હોબાળો મચ્યો અને બંને પક્ષ વચ્ચે ઉગ્ર વાદવિવાદ સર્જાયો હતો. સંઘવીએ શ્રદ્ધા વાલકર કેસનો ઉલ્લેખ કર્યો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં વિગતવાર નિવેદન આપતા તેમણે ચર્ચાસ્પદ શ્રદ્ધા વાલકર કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. જ્યારે આ મુદ્દે નિવેદન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર એ વોકઆઉટ કરતાં ગૃહમાં થોડી ગરમાગરમી જોવા મળી હતી. 'બજેટ વખતે ખાલી ગૃહ, UCCમાં ભરચક હાજરી' શું ચૂંટણી નજીક? ગુજરાત વિધાનસભામાં UCC બિલ અંગે ચાલી રહેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર એ સરકાર અને સત્તાપક્ષ પર તીખી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે બજેટની માંગણીઓ જેવી પ્રજાહિતની ચર્ચા થતી હતી ત્યારે ગૃહમાં સભ્યો હાજર રહેતા નહતા, જ્યારે આજે UCC મુદ્દે ગૃહમાં બમણું સંખ્યાબળ જોવા મળે છે. આ પરિસ્થિતિ પરથી એવું લાગી રહ્યું છે કે ચૂંટણી નજીક હોવાના કારણે રાજકીય રસ વધ્યો છે. પરમારે વધુમાં કહ્યું કે સરકારને કાયદા બનાવવાનો અધિકાર છે, પરંતુ તે કાયદાનો અમલ અને તેની અસર અન્ય રાજ્યો કે નાગરિકો પર કેવી પડે છે તે પણ ધ્યાનમાં લેવું જરૂરી છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ગુજરાત સરકારનો UCC કાયદો માત્ર રાજ્યના નાગરિકો પૂરતો જ સીમિત રહેશે કે અન્ય પર પણ તેની અસર થશે? આ નિવેદન સાથે તેમણે સરકારની નીતિ અને તેની અસર અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. રમણલાલ વોરાની ખેડાવાલાને સંબોધીને તલાક-હલાલા જેવી પ્રથાઓ અંગે ટિપ્પણી ગુજરાત વિધાનસભામાં UCC બિલને લઈને ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજના રૂઢિચુસ્ત લોકો આ બિલને સમર્થન આપતા નથી અને કોંગ્રેસ પણ ચર્ચાથી દૂર ભાગી રહી છે. તેમણે કહ્યું કે આ બિલ અમલમાં આવવાથી રાજ્યની અનેક મહિલાઓ અને દીકરીઓને ન્યાય મળશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આશીર્વાદ મળશે. ચર્ચા દરમિયાન વોરાએ ઇમરાન ખેડાવાલાને સંબોધીને તલાક અને હલાલા જેવી પ્રથાઓ અંગે ટિપ્પણી કરતા ગૃહમાં થોડો વિવાદ સર્જાયો હતો, જેમાં અધ્યક્ષે તેમને સીધું સંબોધન કરવા સૂચના આપી હતી. 'મુખ્યમંત્રીએ કહ્યું હોત કે જય શ્રીરામ બોલો તો બોલું પણ જીતુભાઈએ કહ્યું એટલે નહીં બોલું' સત્તાપક્ષે જય શ્રી રામના નારા લગાવતા જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસ જય શ્રી રામ નથી બોલતી.જ્યારે અમિત ચાવડાએ કહ્યું કે, મને જો મુખ્યમંત્રીએ કહ્યું હોત કે જય શ્રી રામ બોલો તો હું બોલું પણ જીતુભાઈએ કહ્યું એટલે નહીં બોલું કેમ કે એમનું એવું છે કે મુંહ મેં રામ બગલ મેં છુરી, મને તો એમ હતું કે બિલ હર્ષ સંઘવી રજૂ કરશે પણ હવે મુખ્યમંત્રીએ રજૂ કર્યું એટલે મારું ભાષણ બદલાઈ ગયું. આવતા સત્રમાં બિલ લાવો વિસ્તૃત ચર્ચા કર્યા પછી બિલને રજૂ કરવું જોઈએ અમે આ બિલને સમર્થન કરતા નથી. ઇમરાનભાઈને રક્ષણ આપવાનું કામ મારું છે: વિધાનસભા અધ્યક્ષ જ્યારે વિધાનસભા અધ્યક્ષે કહ્યું, ઇમરાનભાઈને કોઈ હેરાન નહીં કરે ઇમરાનભાઈને રક્ષણ આપવાનું કામ મારું છે. ઇમરાનભાઈને સંબોધીને કહ્યું કે તમને કોઈ હેરાન કરે તો મને કહેજો. આ બિલ પેટ્રોલ-ડીઝલ માટે નથી, પણ પેટ્રોલ-ડીઝલથી સળગેલી બહેનો-માતાઓ માટે છે: હર્ષ સંઘવી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ બિલ પેટ્રોલ-ડીઝલ માટે નથી, પણ પેટ્રોલ-ડીઝલથી સળગેલી બહેનો અને માતાઓ માટે છે. UCC બિલમાં ભેદભાવની ભાવના વ્યક્ત કરતી જોગવાઈ: અમિત ચાવડા આ UCC બિલમાં ભેદભાવની ભાવના વ્યક્ત કરતી જોગવાઈ હોવાનો અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે. તેણે કહ્યું કે, આ બિલમાં અન્ય સમાજને લાભ આપવાની વાત પણ રાજકીય લાભ માટે હોય તેવું આ બિલમાં લાગે છે. OBC અનામત માટે બનાવેલા ઝવેરી કમિશનના રિપોર્ટ ક્યાંય પણ ઉપલબ્ધ થયો નથી. આ રિપોર્ટ પબ્લિકમાં જાહેર થયો નથી. રિપોર્ટ જાહેર નહી કરીને ભાજપ સરકાર પોતાના રાજકીય એજન્ડાની વાત કરે છે. કમિશનને મળેલા લાખો સૂચનો અને અભિપ્રાયોથી સૌ સાથે મળી કાયદો બનાવવો જોઈએ. અમદાવાદમાં ઓવૈસીની પાર્ટી દ્વારા બિલનો વિરોધ ગુજરાત વિધાનસભામાં UCC બિલ રજુ કરવામાં આવતાની સાથે જ અમદાવાદમાં ઔવૈસીની પાર્ટી AIMIMના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લાલ દરવાજા ખાતે આવેલી લકી હોટલ નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ દ્વારા તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. AIMIM પાર્ટીના પ્રમુખ સાબીર કાબલીવાલા, કોર્પોરેટર જૈનબબીબી સહિતના કોર્પોરેટરો અને મહિલા તેમજ પુરુષ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે તમામ લોકોને પકડીને જબરજસ્તી ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા હતા. આજના દિવસને સોનેરી દિવસ તરીકે યાદ રાખવામાં આવશે: હર્ષ સંઘવી ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) બિલ અંગે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત માટે આજે ઐતિહાસિક દિવસ છે. જે રાજ્યમાં સોનેરી દિવસ તરીકે યાદ રાખવામાં આવશે. દેશને આઝાદી મળ્યા પછી પણ વ્યક્તિગત કાયદાઓ સમાજ અને ધર્મના આધારે અલગ-અલગ રહ્યા હતા, જેના કારણે સૌથી વધુ નુકસાન બહેનો અને દીકરીઓને સહન કરવું પડ્યું હતું. ‘બધા માટે સમાન નિયમો લાગુ થશે’ હવે UCC દ્વારા લગ્ન, વારસાગત અને અન્ય નાગરિક મુદ્દાઓમાં બધા માટે સમાન નિયમો લાગુ થશે. તેમણે ઉમેર્યું કે, મહિલાઓ આ દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી અને આજે તેઓ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવી રહી છે. UCC કોઈ એક ધર્મ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે સમાન ન્યાય આપતું કાયદારૂપ છે. વડાપ્રધાનના વિઝન મુજબ UCC અમલમાં મૂકનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે. સાથે જ સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તમામ પક્ષોના ધારાસભ્યો પોતાના વિસ્તારની મહિલાઓના હિત અને અધિકારોને ધ્યાનમાં રાખીને આ બિલને સમર્થન આપશે. UCC ડ્રાફ્ટ વાંચવા અહીં ક્લિક કરો ઉત્તરાખંડ અને ગુજરાતના યુનિફોર્મ સિવિલ કોડ વચ્ચે અનેક સમાનતા સમાન મિલકત અધિકાર ઉત્તરાખંડ:પુત્ર અને પુત્રી બંનેને મિલકતમાં સમાન અધિકાર મળશે. એ કઈ કેટેગરીના છે એનાથી કોઈ ફરક પડતો નથી. જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, તો યુનિફોર્મ સિવિલ કોડ તે વ્યક્તિની મિલકતને પત્ની અને બાળકો વચ્ચે સમાનરૂપે વહેંચવાનો અધિકાર આપે છે. આ સિવાય તે વ્યક્તિનાં માતા-પિતાને પણ મિલકતમાં સમાન અધિકાર મળશે. અગાઉના કાયદામાં આ અધિકાર માત્ર મૃતકની માતાને જ મળતો હતો. ગુજરાત: બિન-વસિયતીના મૃત્યુના કિસ્સામાં મિલકતની વહેંચણી માતા-પિતા(એક હિસ્સો), પત્ની/પતિ, બાળકો વચ્ચે સરખા ભાગે થશે. લિવ-ઇન રિલેશનશિપ ઉત્તરાખંડ: રજિસ્ટ્રેશન જરૂરી છે. જો ઉત્તરાખંડમાં રહેતાં કપલ્સ લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતા હોય તો તેમણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જોકે આ સ્વ-ઘોષણા જેવું હશે, પરંતુ અનુસૂચિત જનજાતિના લોકોને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે. બાળકની જવાબદારીઃ જો બાળક લિવ-ઈન-રિલેશનશિપમાંથી જન્મ્યું હોય તો તેની જવાબદારી લિવ-ઈન કપલની રહેશે. બંનેએ પોતાનું નામ પણ તે બાળકને આપવાનું રહેશે. આનાથી રાજ્યના દરેક બાળકને ઓળખ મળશે. ગુજરાત:લિવ-ઇન રજિસ્ટ્રેશન જરૂરી છે. નોંધણી ફરજિયાત 21 વર્ષથી ઓછી ઉંમર તો વાલીને જાણ કરવી પડશે. નિવેદનના 30 દિવસમાં નોંધણી તથા રજિસ્ટ્રારે નોંધણી કરી પ્રમાણપત્ર આપવું પડશે અથવા રજિસ્ટ્રેશનનો ઇનકાર કરવો પડશે. 1 મહિનાથી વધુ નોંધણી વિના લિવ-ઈનમાં રહેશે તો 3 મહિનાની જેલ અથવા 10 હજાર સુધી દંડ બાળકની જવાબદારીઃ લિવ-ઈનમાં જન્મેલા બાળકો કાયદેસર ગણાશે. જો મહિલાને ત્યજી દેવામાં આવે તો તે ભરણપોષણની હકદાર છૂટાછેડા ઉત્તરાખંડ: છૂટાછેડા ફક્ત સમાન કારણ પર જ મળશે. પતિ અને પત્નીને છૂટાછેડા ત્યારે જ આપવામાં આવશે જ્યારે બંને પાસે સમાન આધારો અને કારણો હોય. જો માત્ર એક જ પક્ષ કારણ આપે તો છૂટાછેડા મળી શકશે નહીં. ગુજરાત: પરંપરા કે અંગત કાયદા હેઠળ છૂટાછેડા માન્ય નહીં ગણાય. ક્રૂરતા, ધર્માંતરણ, અસાધ્ય માનસિક બીમારી કે 7 વર્ષથી ગુમ હોય તેવા કારણોસર છૂટાછેડા માગી શકાશે. પતિ-પત્ની એક વર્ષ કે તેથી વધુ સમયથી અલગ રહેતા હોય તો પરસ્પર સંમતિથી પણ છૂટાછેડા લઈ શકશે. અદાલત દ્વારા અપાયેલા છૂટાછેડાના હુકમનામાની 60 દિવસમાં રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી ફરજિયાત થશે. લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં છૂટાછેડાના મામલામાં કાયદાકીય પ્રક્રિયાને વધુ સ્પષ્ટ બનાવવામાં આવી છે. પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે સુગમતા લાવવામાં આવી છે, પરંતુ લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં. સાથે જ, બાળકોની કસ્ટડી અને ભરણપોષણ બાબતે માનવીય અભિગમ સાથે કડક અને સંતુલિત જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. લિવ-ઇન રિલેશનશિપ લિવ-ઇન રિલેશનશિપમાં રહેલા પાર્ટનર ગુજરાતના રહેવાસીઓ હોય કે ન હોય, રજિસ્ટ્રારને નિવેદન સુપરત કરવું ફરજિયાત રહેશે. બે વ્યક્તિઓ વચ્ચેની લિવ-ઇન રિલેશનશિપ રજિસ્ટર (નોંધણી) જોઇશે નહીં. રાજ્યના પ્રદેશની બહાર લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા ગુજરાતના કોઈપણ રહેવાસી લિવ-ઇન રિલેશનશિપનું નિવેદન રજિસ્ટ્રારને રજૂ કરી શકશે. લિવ-ઇન રિલેશનશિપનું કોઈપણ બાળક, દંપતીનું કાયદેસર બાળક ગણાશે, પરંતુ જો તે લગ્ન હોય અને જેમના રિવાજો અને પ્રથા સંબંધને મંજૂરી આપતા હોય એવી વ્યક્તિ(વ્યક્તિઓ)ને પ્રતિબંધો પર લાગુ પડશે નહીં લિવ-ઇન રિલેશનશિપની નોંધણી રજિસ્ટ્રાર રજૂ કરેલા લિવ-ઇન રિલેશનશિપના નિવેદનની વિગતોની તપાસ કરશે અને સંક્ષિપ્ત તપાસ હાથ ધરીને તેણીએ/તેણે ખાતરી થવી જોઇશે કે લિવ-ઇન રિલેશનશિપ કલમ 386 હેઠળ ઉલ્લેખેલ છે તેવા પ્રકારની નથી. યુનિફોર્મ સિવિલ કોડ શું છે? યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે દેશમાં રહેતા તમામ નાગરિકો (દરેક ધર્મ, જાતિ, લિંગના લોકો) માટે સમાન કાયદો હોવો. જો તેનો અમલ થશે તો લગ્ન, છૂટાછેડા, બાળકને દત્તક લેવા અને મિલકતના વિભાજન તેમજ લિવ-ઇન સંબંધો જેવી બાબતોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હશે. લગ્નની સાથે સાથે લિવ-ઇન કપલ્સ માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો સૌપ્રથમ ક્યારે ઊઠ્યો હતો? 1835માં બ્રિટિશ સરકારે એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ગુના પુરાવા અને કોન્ટ્રેક્ટને લઈને દેશભરમાં એકસમાન કાયદો બનાવવાની વાત કહેવામાં આવી હતી. એનો અમલ પણ 1840માં કરવામાં આવ્યો હતો, પરંતુ હિન્દુઓ અને મુસ્લિમોના પર્સનલ લોને ધર્મના આધારે એનાથી અલગ રાખવામાં આવ્યા હતા. અહીંથી જ યુનિફોર્મ સિવિલ કોડની માગ શરૂ થઈ હતી. બીએન રાવ સમિતિની રચના 1941માં કરવામાં આવી હતી, જેમાં હિન્દુઓ માટે કોમન સિવિલ કોડ બનાવવાની વાત કરવામાં આવી હતી. સ્વતંત્રતા પછી હિન્દુ કોડ બિલ 1948માં પ્રથમ વખત બંધારણ સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. એનો ઉદ્દેશ હિન્દુ મહિલાઓને બાળલગ્ન, સતીપ્રથા, બુરખાપ્રથા જેવા ખોટા રિવાજોમાંથી મુક્ત કરવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    RCB સૌથી મોંઘી IPL ટીમ બની:₹16.71 હજાર કરોડમાં ચાર કંપનીઓએ મળીને ખરીદી, રાજસ્થાન પણ 15,000 કરોડમાં વેચાઈ
    Next Article
    નવસારીના પીપલગભણ ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો:વિકાસ કાર્યો ન થતા ગ્રામજનોમાં રોષ, 'વોટ નહીં તો સુવિધા નહીં'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment