Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TAT-HSના પરિણામમાં ગેરરીતિના આક્ષેપો:‘અમારી ઉત્તરવહીઓ બતાવો, પુનઃમૂલ્યાંકન કરો’; ઉમેદવારોની ચીમકી, ન્યાય નહીં મળે તો ઉપવાસ પર ઉતરશે

    7 hours ago

    TAT-HS પરીક્ષાના પરિણામમાં વિસંગતતાઓ હોવાનો આક્ષેપ કરીને ઉમેદવારોએ ફરી એકવાર ન્યાયની માગ સાથે રજૂઆત કરી છે. ઉમેદવારોનો આક્ષેપ છે કે પરીક્ષામાં તેમણે જે પ્રમાણે જવાબો લખ્યા હતા તેની સરખામણીએ અપેક્ષા કરતાં ખૂબ ઓછા માર્ક્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કયા માપદંડો અને કયા સ્તરના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું તે અંગે પણ પારદર્શકતા જાળવવામાં આવી નથી. ઉમેદવારોએ રાજ્ય પરીક્ષા બોર્ડ સમક્ષ પોતાની ઉત્તરવહીઓ બતાવવા, પુનઃમૂલ્યાંકન (રી-અસેસમેન્ટ) કરવાની અને મૂલ્યાંકન પ્રક્રિયાની સંપૂર્ણ વિગતો જાહેર કરવાની માગ કરી છે. ઉમેદવાર માનસી ખાંડેખાએ જણાવ્યું હતું કે, પરીક્ષામાં તેમણે જે પ્રમાણે લખ્યું હતું તે પ્રમાણે માર્ક્સ મળ્યા નથી. કેટલા માર્ક્સ કાપવામાં આવ્યા અને તેના પાછળનું કારણ શું છે તે જાણવા માટે ઉમેદવારોને પોતાની ઉત્તરવહીઓ બતાવવામાં આવે. મૂલ્યાંકન કયા આધારે થયું, કયા અધિકારીઓની દેખરેખ હેઠળ થયું અને મૂલ્યાંકન કરનારા શિક્ષકોની લાયકાત શું હતી તે અંગે પણ સ્પષ્ટતા થવી જોઈએ. રાજ્ય પરીક્ષા બોર્ડમાં રજૂઆત કરવા છતાં ઉમેદવારોને સંતોષકારક નિરાકરણ મળ્યું નથી. ‘ડબલ MA, M.Ed. અને B.Ed. હોવા છતાં નાપાસ જાહેર કરાઈ’ ઉમેદવાર શીતલ વાઘેલાએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેઓ PTC, ડબલ MA (પોલિટિકલ સાયન્સ અને ઇતિહાસ), M.Ed. અને B.Ed. જેવી શૈક્ષણિક લાયકાત ધરાવે છે. તેમ છતાં TAT-HSની પરીક્ષામાં તેમને નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, ધનતેરસના દિવસે પરિણામ જાહેર થયું ત્યારે ઉમેદવારોને સારા પરિણામની આશા હતી, પરંતુ પરિણામ જોયા બાદ નિરાશા ફેલાઈ હતી. તેમણે કહ્યું કે, અનેક ઉમેદવારો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, કેટલાક ગોલ્ડ મેડલિસ્ટ છે તો કેટલાકના PhDનો અભ્યાસ ચાલુ છે. ઘણા ઉમેદવારોને 80થી 110 વચ્ચે માર્ક્સ મળ્યા છે. ઉમેદવારોનો દાવો છે કે તેમની મહેનત અને જવાબો પ્રમાણે માર્ક્સ મળ્યા નથી અને કેટલાકને મેરિટમાં પહોંચવાની તક તો દૂર રહી, નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. ‘પરીક્ષા પહેલાં SOP જાહેર કેમ ન કરી?’ શીતલ વાઘેલાએ મૂલ્યાંકન પ્રક્રિયા સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, કોઈપણ રમતના નિયમો રમત શરૂ થાય તે પહેલાં જાહેર કરવામાં આવે છે. તેવી જ રીતે પરીક્ષાના મૂલ્યાંકન માટેની SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) પણ પરીક્ષાનું જાહેરનામું બહાર પડે ત્યારે જ જાહેર થવી જોઈએ. ઉમેદવારોનો આક્ષેપ છે કે પરીક્ષા બાદ SOP જાહેર કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતી પેપર-1ના વર્ણનાત્મક ભાગમાં નિબંધના માળખામાં પણ પરીક્ષાના આશરે 10 દિવસ પહેલાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અગાઉ 20 માર્કનો એક નિબંધ હતો, જેને બદલે 10-10 માર્કના બે નિબંધ કરવામાં આવ્યા હતા. આ પ્રકારના ફેરફારો અને મૂલ્યાંકનના માપદંડો અંગે ઉમેદવારોને અગાઉથી જાણ હોવી જરૂરી હતી. ‘કેટલાક ઉમેદવારોને 167, 164 માર્ક્સ તો અમને 80થી 118’ ઉમેદવારોએ પરિણામમાં અસમાનતા હોવાની આશંકા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કેટલાક ઉમેદવારોને 167, 164 અને 154 જેવા માર્ક્સ મળ્યા છે, જ્યારે તેમની મહેનત અને તૈયારી છતાં અન્ય ઉમેદવારોને 80, 92 અને 118 જેવા માર્ક્સ મળ્યા છે. આટલો મોટો તફાવત કેવી રીતે આવ્યો તે અંગે સ્પષ્ટતા થવી જોઈએ. શીતલ વાઘેલાએ કેટલાક કોચિંગ સેન્ટરો અને પરીક્ષા પ્રક્રિયા વચ્ચે સાંઠગાંઠ હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. તેમના કહેવા પ્રમાણે, કેટલાક ઉમેદવારોને SOP અને પેપર અંગે અગાઉથી જાણકારી મળી હોવાની શંકા ઉમેદવારોમાં છે. જોકે, આ અંગે તેમણે કોઈ ચોક્કસ સંસ્થાનું નામ આપ્યું નહોતું અને આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. ‘પાંચ માગણીઓનો જવાબ મળ્યો, પરંતુ મુખ્ય માગણી અધૂરી’ ઉમેદવારોએ જણાવ્યું હતું કે, રાજ્ય પરીક્ષા બોર્ડ સમક્ષ અગાઉ રજૂ કરાયેલી પાંચ માગણીઓ અંગે જવાબ આપવામાં આવ્યો છે, પરંતુ તેમાંથી કેટલીક બાબતોમાં માત્ર આશ્વાસન કે સ્પષ્ટતા મળી છે. વિષયવાર માર્ક્સ આપવાની માગણી સામે કેટેગરી પ્રમાણે પરિણામની વિગતો આપવામાં આવી હોવાનો પણ તેમનો આક્ષેપ છે. ઉમેદવારોનું કહેવું છે કે, જો મૂલ્યાંકન સંપૂર્ણ પારદર્શક રીતે થયું હોય તો તેમની ઉત્તરવહીઓ અને મૂલ્યાંકનના માપદંડો જાહેર કરવામાં બોર્ડને વાંધો ન હોવો જોઈએ. ખાસ કરીને MCQ અને વર્ણનાત્મક પરીક્ષાની ઉત્તરવહીઓની વિગતો ઉમેદવારોને મળવી જોઈએ. ‘વધારાના માર્ક્સ નહીં, લખ્યું છે એટલા જ માર્ક્સ આપો’ ઉમેદવારોએ સ્પષ્ટ કર્યું હતું કે તેમને વધારાના માર્ક્સ કે કોઈ ખાસ લાભ જોઈતો નથી. તેમણે જેટલા સાચા જવાબો લખ્યા છે અને જે પ્રમાણે ઉત્તરવહીઓમાં લખાણ કર્યું છે તે પ્રમાણે જ માર્ક્સ આપવામાં આવે તેવી તેમની માગ છે. આ માટે નિષ્પક્ષ પુનઃમૂલ્યાંકન કરાવવામાં આવે અને દરેક ઉમેદવારને પોતાની ઉત્તરવહી જોવાની તક આપવામાં આવે. ‘ન્યાય નહીં મળે તો સામૂહિક ઉપવાસ કરીશું’ શીતલ વાઘેલાએ ચીમકી આપતાં જણાવ્યું હતું કે, જો પુનઃમૂલ્યાંકનની માગણી સ્વીકારવામાં નહીં આવે અને ઉમેદવારોને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં તમામ ઉમેદવારો એકસાથે ઉપવાસ અને અનશન પર ઉતરશે. તેમણે સરકારને અપીલ કરી હતી કે શિક્ષણમંત્રી, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સહિતના જવાબદાર મંત્રીઓ ઉમેદવારોની રજૂઆત સાંભળે અને યોગ્ય નિર્ણય લે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ઉમેદવારોએ કાયમી નોકરીની આશા સાથે દિવસ-રાત મહેનત કરી હતી. પરીક્ષાના પરિણામથી હજારો પરિવારોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. સરકાર પર વિશ્વાસ રાખીને ઉમેદવારોએ મતદાન કર્યું છે, ત્યારે હવે સરકાર પણ તેમની સમસ્યા સાંભળીને ન્યાય આપે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    જેન્સન હુઆંગ ફરી એનવિડિયાના CEO બન્યા:12 દિવસ પહેલાં ચીની મહિલા સાથેના સંબંધોને કારણે રાજીનામું આપ્યું હતું; ચીનને એડવાન્સ ચિપ સપ્લાય કરવાના આરોપો હતા
    Next Article
    બીમારીથી કંટાળી વૃદ્ધાનો આપઘાત:રાજકોટનાં જંગલેશ્વરમાં બીમારીથી કંટાળીને વૃદ્ધાએ એસિડ પી લેતા એક પુત્ર અને બે પુત્રી નોધારા બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment