Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કલેક્ટર-SPને 5 લાખ ખવડાવો એટલે કામ કરવા માંડે': ઈટાલિયા:કેજરીવાલે કહ્યું- 'સુરત પૂરમાં ડૂબે તો પણ હર્ષ-પાટીલના ઘરમાં પાણી ન ભરાય', સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગું ફૂંકાયું

    2 days ago

    ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. સુરતના ગોથાણ ગામ ખાતે આયોજિત ભવ્ય 'બૂથ ક્ષેત્રીય સંમેલન'માં તેમણે કાર્યકરોને જીતનો મંત્ર આપી રાજ્યમાં ચૂંટણીલક્ષી રણનીતિના વિધિવત શ્રીગણેશ કર્યા હતા. ભાજપ અને હર્ષ સંઘવી, સી.આર. પાટીલ પર આકરા પ્રહારો કાર્યક્રમ દરમિયાન 'આપ'ના નેતાઓએ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ખાસ કરીને સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી નિશાને લેતા કેજરીવાલ અને અન્ય નેતાઓએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા હતા. શિક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર ભાજપ સરકારને ઘેરી હતી. ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીએ સ્પષ્ટ કર્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 'આપ' પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. ગુજરાતની જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે અને તેની શરૂઆત સુરતથી થઈ ચૂકી છે. દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં શક્તિપ્રદર્શન આ સંમેલનમાં કેજરીવાલની સાથે પક્ષના તમામ મોટા ગજાના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. જેમાં મુખ્યત્વે0ચૈતર વસાવા (ધારાસભ્ય અને આદિવાસી નેતા) ગોપાલ ઇટાલિયા (ધારાસભ્ય અને સ્ટાર પ્રચારક), ઈસુદાન ગઢવી (પ્રદેશ પ્રમુખ) અને ગોપાલ રાય (દિલ્હીના કેબિનેટ મંત્રી) સહિત રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકર્તાઓને સંબોધતા કેજરીવાલે સંવાદ સાધ્યો હતો અને સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. આઝાદીની લડાઈથી લઈ અને આમ આદમી પાર્ટીની લડાઈ સુધીના અનેક દાખલાઓ આ સભામાં ગોપાલ ઇટાલિયાએ વિવાદિત નિવેદન કરતા જણાવ્યું હતું કે, સત્તામાં બેઠેલો માણસ ઉંચી ખુરશી પર બેઠો હોય એટલે એને એમ લાગે કે નાના માણસો કંઈ નહીં કરી શકે, આ તો સામાન્ય માણસ છે, સામાન્ય ખેડૂત છે, સામાન્ય મજૂરી કરતો વ્યક્તિ છે, આ કંઈ નહીં કરી શકે એવું ગાંધીનગરની ઉંચી ખુરશી પર બેઠેલા ભાજપવાળાને લાગતું હોય પણ સામાન્ય માણસ આ દેશમાં શું કરી શકે ને તે આઝાદીની લડાઈથી લઈ અને આમ આદમી પાર્ટીની લડાઈ સુધીના અનેક દાખલાઓ આપણી નજર સામે છે. હું મારા દેશને આઝાદ કરાવીને રહીશ દેશમાં અંગ્રેજોની હકુમત હજારો વર્ષો સુધી એમની સરકારો ચાલી અને ગોળીઓ-બંદૂકના ડરથી એમણે શાસન ચલાવ્યું પણ એક સામાન્ય દેશનો નાગરિક ઉભો થયો અને કીધું કે, હું મારા દેશને આઝાદ કરાવીને રહીશ. અંગ્રેજોની ગોળીમાં શું તાકાત છે એ અમારી છાતી અમે બતાવીને જોઈ લઈશું ત્યારે જઈને દેશમાં આઝાદી આવી. અને એટલે એવું કહેવાય છે કે નાનો માણસ જે ધારે એ થાય, પણ નાનો માણસ ધારે તો! આ જ દેશના, ગુજરાતના કરોડો નાના માણસોને વિનંતી કરવા માટે આમ આદમી પાર્ટી આવી છે. આ આમ આદમી પાર્ટીના મંચ ઉપર બેઠેલા સૌ આગેવાનો શા માટે લડાઈ લડે છે? કલેક્ટર-એસપીને 5 લાખ ખવડાવો એટલે કામ કરવા માંડે ગોપાલભાઈ કે ચૈતરભાઈ કે ઈસુદાનભાઈ કે અમારા તમામ આગેવાનો... જેટલી શક્તિ, જેટલી બુદ્ધિ, જેટલું બળ ભાજપ સામે લડવામાં લગાવે છે એના કરતા અડધી બુદ્ધિ અને અડધું બળ ભ્રષ્ટાચાર કરવામાં લગાવે તો અત્યારે ક્યાંયના ક્યાંય થઈ જાય એવા સક્ષમ માણસો છે. ચૈતરભાઈ કે હું અત્યારે રાજકારણ છોડી દઈએ અને વેપાર ધંધામાં લાગી જઈએ તો સારામાં સારા રૂપિયા કમાઈએ, ઈજ્જતથી જીવીએ અને કમાયેલા રૂપિયા ભાજપવાળાને કે એને ત્યાં નોકરી કરતા બે-ચાર સાહેબોને ખવડાવી-પીવડાવીએ તોય આપણું બહુ વજન પડ્યા કરે. કલેક્ટરોને 5 લાખ ખવડાવો, એસપી-ડીએસપીને ખવડાવો એટલે તમેય જાણો છો ને હુંય જાણું છું કે કેવું કામ કરવા માંડે. તો શા માટે હેરાનગતિ ભોગવવી? જેલ શા માટે? અમે વેપાર કરીએ, કરોડો કમાઈએ, થોડાક કલેક્ટરને, થોડાક મામલતદારને, થોડાક ધારાસભ્યને કવર મોકલાવીએ અને મજા-મજાનું જીવન જીવી શકીએ એમ છીએ કે નહીં? કયો જોઈએ બધા. ક્યો ભાઈ, મજા-મજાનું એવું જીવન જીવી શકીએ એમ છીએ કે નહીં? (લોકો: હા!) હું વકીલ છું, હાઈકોર્ટમાં વકીલાત કરું, વર્ષે કરોડો રૂપિયા કમાઈએ અને થોડું ઘણું કવર નીચેથી આપ્યા કરીએ તો જિંદગીમાં મારા ઉપર એકેય એફઆઈઆર થાય? ચૈતરભાઈ પર થાય એકેય એફઆઈઆર? ન થાય! ગોથાણ ખાતેના આ સંમેલનથી પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો સુરત એ આમ આદમી પાર્ટી માટે ગુજરાતનો ગઢ ગણાય છે. ગોથાણ ખાતેના આ સંમેલનથી પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ આગામી પાલિકા અને પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને સીધી ટક્કર આપવા તૈયાર છે. કાર્યકરોમાં જોવા મળેલો ઉત્સાહ આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારોના સંકેત આપી રહ્યો છે. ખેડૂતો ખૂબ જ નારાજ છે અને આ વખતે ગુસ્સામાં છે અરવિંદ કેજરીવાલે સુરતમાં પોતાના સંબોધનની શરૂઆત કેમ છો? મજામાં?થી કરી હતી અને જણાવ્યું હતું કે, આજે તમારી વચ્ચે આવીને ખૂબ સારું લાગી રહ્યું છે. હમણાં છેલ્લા 10-12 દિવસથી અમારા નેતા પ્રવીણ રામ, મનોજ સોરઠીયા અને ઈશુદાન ગઢવી સોમનાથ ભગવાનના ત્યાંથી ગામે-ગામ પદયાત્રા કાઢી રહ્યા છે. જે-જે ગામોમાં તેઓ ગયા, ત્યાં હજારો ખેડૂતોને મળ્યા. ખેડૂતો ખૂબ જ નારાજ છે અને આ વખતે ગુસ્સામાં છે. જ્યાં પણ તેઓ ગયા, લોકોએ એક જ વાત કહી. આ વખતે બોટાદનો બદલો લેવાનો છે. ખેડૂતોને ખૂબ માર માર્યો અને તેમને ઘરમાંથી ખેંચી-ખેંચીને લઈ ગયા તમને ખબર જ હશે કે, બોટાદમાં શું થયું હતું? બોટાદમાં થોડા દિવસો પહેલા કેટલાક ખેડૂતો ભેગા થયા હતા અને 'કરડા પ્રથા' (કરાર આધારિત ખેતીમાં થતા અન્યાય) વિરુદ્ધ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા. કોઈ પથ્થર નહોતો ફેંક્યો, કોઈને માર્યા નહોતા. પ્રદર્શન કરવું એ આપણો અધિકાર છે. તેઓ પ્રદર્શન કરી રહ્યા હતા અને પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો. ખેડૂતોને ખૂબ માર માર્યો અને તેમને ઘરમાંથી ખેંચી-ખેંચીને લઈ ગયા. 85 જેટલા ખેડૂતોને મહિનાઓ સુધી જેલમાં રાખવામાં આવ્યા. આજે આખા ગુજરાતના ખેડૂતોમાં જબરદસ્ત વિદ્રોહ અને ગુસ્સો છે. ખેડૂતો ભાજપ પાસેથી બદલો લેવા માંગે છે. આ ચૂંટણીમાં ખેડૂતો ભાજપને પાઠ ભણાવશે. બધું જ ખાઈ ગયા આ ભાજપવાળા છેલ્લા 30 વર્ષથી છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. ગુજરાતને ચૂસી લીધું પૂરી રીતે. બધું જ ખાઈ ગયા આ ભાજપવાળા, બધું જ ખાઈ ગયા. ખેડૂતોના બીજ ખાઈ ગયા, ખેડૂતોનું ખાતર ખાઈ ગયા, ખેડૂતોનું પાણી પી ગયા, ખેડૂતોના પૈસા ખાઈ ગયા. વેપારીઓનો વેપાર ખાઈ ગયા, બેરોજગારોની રોજગારી ખાઈ ગયા. શાળાઓ ખાઈ ગયા, હોસ્પિટલો ખાઈ ગયા, રસ્તાઓ ખાઈ ગયા, પુલ ખાઈ ગયા. મજૂરોનું મનરેગા ખાઈ ગયા. આ લોકો રેતી ખાઈ ગયા, લોખંડ ખાઈ ગયા, માટી ખાઈ ગયા, બધું જ ખાઈ ગયા આ ભાજપવાળા છેલ્લા 30 વર્ષથી. ચૂસી લીધું એમણે ગુજરાતને! અને જે એમની સામે અવાજ ઉઠાવે છે, એના પર અત્યાચાર કરે છે. જે એમની સામે, ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે છે, એના પર ખોટા કેસ કરીને એને જેલમાં નાખી દે છે. ચૈતર વસાવાએ રેકોર્ડ માગ્યા તો જેલમાં નાખી દીધા ચૈતર વસાવાએ મનરેગામાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો. મનરેગામાં આ લોકો ખોટા રેકોર્ડ ભરે છે. દેખાડી દે છે કે આ કામ થયું, પણ કામ થયું હોતું નથી અને એના પૈસા એમના મંત્રીઓ ખાઈ જાય છે, એમના નેતાઓ ખાઈ જાય છે. ચૈતર વસાવાએ કહ્યું કે મને બધા રેકોર્ડ બતાવો, તો ચૈતર વસાવાને ઉપાડીને જેલમાં નાખી દીધા. ચૈતર વસાવા તમારા લોકો માટે લડી રહ્યા હતા. પ્રવીણ રામે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો, તો પ્રવીણ રામને ઉપાડીને જેલમાં નાખી દીધા. ચાર મહિના ચૈતર વસાવા જેલમાં હતા, ચાર મહિના પ્રવીણ રામ જેલમાં હતા. જે એમની સામે અવાજ ઉઠાવે છે એને પકડીને જેલમાં નાખી દે છે. આપણા બાળકોને, આપણા આખા પરિવારને બરબાદ કરવામાં લાગેલા છે આજે આપણા યુવાનો, નવજુવાનો બેરોજગાર ફરી રહ્યા છે. એમની પાસે રોજગાર માંગવા જાય છે તો એ એના હાથમાં નકલી દારૂની બોટલ પકડાવી દે છે. આખા ગુજરાતમાં નકલી દારૂ વેચાઈ રહ્યો છે. કેટલાય બાળકો મરી ગયા નકલી દારૂથી. આપણા યુવાનો રોજગાર માંગે છે, તો એના હાથમાં નકલી દારૂ પકડાવી દે છે. એના હાથમાં પડીકી પકડાવી દે છે – કોકેઈનની પડીકી, હેરોઈનની પડીકી, ગાંજાની પડીકી પકડાવી દે છે. આપણા બાળકોને, આપણા આખા પરિવારને બરબાદ કરવામાં લાગેલા છે, પૂરેપૂરા પરિવારને. પરિવારો બરબાદ થાય તેની આપણે રાહ જોઈ રહ્યા છીએ? મેં ગુજરાતના અનેક ગામોની મુલાકાત લીધી છે. હું એવા કેટલાય પરિવારોને જાણું છું જેમના બાળકો નકલી દારૂ પીવાને કારણે મૃત્યુ પામ્યા છે. હું એવા કેટલાય પરિવારોને જાણું છું જેમના બાળકો ડ્રગ્સના રવાડે ચઢી ગયા છે અને આખા પરિવારો બરબાદ થઈ ગયા છે. પણ કસૂર આપણો છે... આપણો કસૂર છે કે આપણા બાળકો મરી રહ્યા છે, બરબાદ થઈ રહ્યા છે તેમછતાં આપણે જઈને 'કમળ'નું બટન દબાવીએ છીએ. કેમ? આપણે ક્યારે જાગીશું? હજી કેટલા પરિવારો બરબાદ થાય તેની આપણે રાહ જોઈ રહ્યા છીએ? લાખો બાળકોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે મોરબીનો પુલ પડ્યો, 140 લોકોના મોત થયા. વડોદરામાં પુલ પડ્યો, 22 લોકોના મોત થયા. છેલ્લા 5 વર્ષમાં 12 જેટલા પુલ પડી ગયા છે. આપણે હજી કેટલા લોકોના મોતના સમાચાર સાંભળવા માંગીએ છીએ? આપણે ક્યારે જાગીશું? હજી કેટલા પુલ તૂટવાની રાહ જોઈ રહ્યા છીએ? એક ગરીબ ખેડૂત પોતાની જમીન વેચીને, પત્નીના ઘરેણાં ગીરવે મૂકીને પોતાના બાળકને ભણવા મોકલે છે. તેનો દીકરો અમદાવાદ, સુરત કે રાજકોટમાં રાત-દિવસ મહેનત કરીને ભણે છે અને જ્યારે તે પરીક્ષા આપવા જાય ત્યારે પેપર લીક થઈ જાય છે. દરેક વખતે પેપર લીક થાય છે! લાખો બાળકોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે. આપણે હજી કેટલા બાળકોનું ભવિષ્ય બરબાદ થાય તેની રાહ જોઈ રહ્યા છીએ? પેપર લીક થતા રહેશે અને આપણે ચૂપ બેસી રહીશું? ભ્રષ્ટાચાર થતો રહેશે અને આપણે ચૂપ બેસી રહીશું? રસ્તાઓ તૂટતા રહેશે અને આપણે ચૂપ રહીશું? સરકારી હોસ્પિટલોમાં આપણા બાળકોના મોત થતા રહેશે અને આપણે કશું જ નહીં કરીએ? પ્રાઈવેટ શાળાઓ આપણને લૂંટતી રહેશે અને આપણે બધું સહન કરતા રહીશું? હર્ષ સંઘવી અને પાટીલના ઘરમાં તો પાણી નથી ભરાતું આજે આપણે સુરતમાં બેઠા છીએ. ગયા વર્ષે ચોમાસા દરમિયાન સુરતની જે તસવીરો આખા દેશમાં ટીવી પર આવી હતી તે ભયાનક હતી. થોડો વરસાદ પડે એટલે સુરતમાં ઘરે-ઘરે પાણી ભરાઈ જાય છે. આખા શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. મોટા-મોટા અમીરોનાં બેડરૂમ અને ડ્રોઈંગરૂમ સુધી પાણી પહોંચી જાય છે. 30 વર્ષના શાસનનું આ પરિણામ છે! હર્ષ સંઘવી પણ સુરતમાં રહે છે, તેના ઘરમાં પાણી નથી ભરાતું. સી.આર. પાટીલ પણ સુરતમાં રહે છે, તેના ઘરમાં પાણી નથી ભરાતું. સરકારી પૈસા જનતા માટે ખર્ચ થવા જોઈએ કે ના થવા જોઈએ? તમારા ઘરમાં પાણી ભરાય છે. આ લોકો તમને કીડા-મકોડા પણ નથી સમજતા અને આપણે તેમની પાછળ પાછળ ફરતા રહીએ છીએ દોસ્તો. આને બદલવું છે કે નથી બદલવું? કંઈક કરવું છે કે નથી કરવું? ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ કે ના થવો જોઈએ? ગુંડાશાહી બંધ થવી જોઈએ કે ના થવી જોઈએ? જનતાની સુનાવણી થવી જોઈએ કે ના થવી જોઈએ? સરકારી પૈસા જનતા માટે ખર્ચ થવા જોઈએ કે ના થવા જોઈએ? તો આ વખતે વિસાવદરવાળી કરી દો! આ વખતે વિસાવદરવાળી કરી દો! વિસાવદરવાળાએ દેખાડી દીધું કે જ્યારે જનતા ઉભી થઈ જાય ત્યારે મોટા-મોટા સિંહાસનો ડોલી જાય છે. અમારા ગોપાલ ઈટાલિયા વિસાવદરથી ઊભા છે. એક નાના સામાન્ય પરિવારનો સામાન્ય માણસ છે. એ નેતાનો દીકરો નથી. ગોપાલ ઈટાલિયા કોઈ અમીર અબજોપતિનો દીકરો નથી. એક ખેડૂતનો દીકરો છે, પોલીસમાં કામ કરતો હતો. નાની એવી નોકરી કરતો હતો પોલીસમાં. એના અંદરનું સ્વમાન જાગ્યું, એણે વિચાર્યું કે મારે દેશ માટે કંઈક કરવું છે. એણે વિચાર્યું કે મારે મારા ગુજરાતના લોકો માટે કંઈક કરવું છે. એણે પોલીસની નોકરી છોડી દીધી! એક આમ આદમીને જીતાડી દીધો જનતાએ પોતે કોઈ પોલીસની નોકરી છોડે છે? કેટલા પૈસા કમાઈ લે છે એક દિવસમાં? એણે પોલીસની નોકરી છોડી દીધી, લાત મારી દીધી! છેલ્લા 15 વર્ષથી સમાજસેવા અને રાજનીતિમાં દર-દરની ઠોકરો ખાતો ફરે છે. તેની સામે મોટા-મોટા નેતાઓ ઉભા હતા વિસાવદરમાં, મોટા-મોટા પૈસાવાળા ઉભા હતા, મોટી-મોટી પાર્ટીઓ ભાજપવાળા, કોંગ્રેસવાળા ઉભા હતા પરંતુ, વિસાવદરની જનતાએ ઠાની લીધું અને તેમણે બધાને હરાવી દીધા અને એક આમ આદમીને જીતાડી દીધો જનતાએ પોતે. ચૂંટણી પૂરી થઈ જાય એટલે દરવાજો નથી ખોલતા હવે આખા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે દોસ્તો. દર પાંચ વર્ષે આપણે વોટ આપીએ છીએ. દરેક વખતે ચૂંટણીમાં આ નેતાઓ આવે છે, કેવી રીતે આવે છે? હાથ જોડીને ઉભા રહે છે, દરવાજો ખખડાવે છે, હાથ જોડીને ઉભા રહે છે. કરે છે કે નથી કરતા? તમારા પગ પકડે છે, તમારા બાળકને તેડે છે, ફોટા પડાવે છે, બાળકને વહાલ કરે છે. બહુ પ્રેમ બતાવે છે, તમારી દાદીના પગે લાગે છે અને જેવા ચૂંટણી પૂરી થઈ જાય એટલે જ્યારે તમે એમના ઘરે જાઓ ત્યારે કૂતરા છોડી દે છે. દરવાજો નથી ખોલતા, તમને મળતા નથી, ગાળો આપે છે. કહે છે સાહેબ બીઝી છે, સાહેબ બીઝી છે. આપણને મળતા નથી, પાંચ વર્ષ સુધી આ લોકો મળતા નથી. શું કરે છે પાંચ વર્ષ? પૈસા, પૈસા, પૈસા... પૈસા કમાવવામાં લાગી જાય છે. મંત્રી બની જાય તો કેટલીય કોઠીઓ બની જાય છે એક માણસ MLA બની જાય એટલે લાંબી-લાંબી ગાડીઓ આવી જાય છે એના ઘરે. મંત્રી બની જાય તો કેટલીય કોઠીઓ બની જાય છે, મોલ બની જાય છે. મોટા મોટા મોલ છે આ નેતાઓના, મોટી-મોટી પ્રોપર્ટી છે આ નેતાઓની. એમના બાળકોને ટિકિટ મળે છે, MLAની ટિકિટ એમના બાળકોને મળે છે, તમારા બાળકોને નથી મળતી. નથી ભાજપવાળા આપતા કે નથી કોંગ્રેસવાળા આપતા. પોતાના બાળકોને ટિકિટ આપે છે, એમના બાળકો MLA બને છે, એમના બાળકો મંત્રી બને છે. આમ આદમી પાર્ટીમાં એવું નથી હોતું. અમારા બધા નેતાઓ અહિયાં બેઠા છે: ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, હેમંત ખાવા, મનોજ સોરઠીયા, ચૈતર વસાવવા, સાગરભાઈ... અમારા બધા નેતાઓ અહિયાં બેઠા છે અને બીજા પણ ઘણા છે જેમના નામ લેવા હું ભૂલી ગયો છું. બધા જ સામાન્ય પરિવારોમાંથી આવે છે, કોઈ નેતાના સંતાનો નથી દોસ્તો. ખેડૂતના દીકરા છે, શિક્ષકના દીકરા છે, પત્રકારના દીકરા છે, તમારા દીકરા છે. આ બધા તમારા જ બાળકો છે, તમારા ઘરોમાંથી જ આવે છે. આમ આદમી પાર્ટી તમારા બાળકોને ટિકિટ આપશે. હમણાં પંચાયતની ચૂંટણી છે, તમારો દીકરો સરપંચ બનશે, તમારો દીકરો વોર્ડ મેમ્બર બનશે, તમારા બાળકોને ટિકિટ મળશે, નેતાઓના બાળકોને નહીં. કોંગ્રેસ-બીજેપીને વોટ નથી આપવો, પોતાને વોટ આપવો છે આખા દેશમાં વ્યવસ્થા પરિવર્તન કરવું છે. આ વખતે કોઈ પાર્ટીને વોટ નથી આપવો. કોંગ્રેસને વોટ નથી આપવો, બીજેપીને વોટ નથી આપવો. આ વખતે પોતાને વોટ આપવાનો છે, પોતાની સરકાર બનાવવાની છે, જનતાની સરકાર બનાવવાની છે આ વખતે. જનતાની સરકાર બનશે તો બધા કામ થશે. જનતાની સરકાર બનશે તો જે જનતા કહેશે એ જ કામ થશે. જનતાની સરકાર બનશે તો જનતાની ઈજ્જત થશે. નેતાઓનો ભ્રષ્ટાચાર ખતમ કરવામાં આવશે, નેતાઓની ગુંડાગીરી ખતમ કરવામાં આવશે. જનતાની સરકાર બનશે તો સારી શિક્ષણ વ્યવસ્થા મળશે, ગરીબોને સારું શિક્ષણ મળશે, સારા પુલ બનશે, સારા રસ્તાઓ બનશે, બધાનો ઈલાજ થશે. જેને ટિકિટ મળશે એ પણ ચૂંટણી લડશે અને નહીં મળે એ પણ લડશે આપના મંત્રી ગોપાલ રાયે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કેન્ડિડેટ બનવા માટે ભલે ગમે તેટલા લોકો તૈયાર હોય પણ કેન્ડિડેટ ફક્ત ચૂંટણી નહીં લડે. ચૂંટણી આખી પાર્ટી લડશે. જેને ટિકિટ મળશે એ પણ ચૂંટણી લડશે અને જેને ટિકિટ નહીં મળે એ પણ ચૂંટણી લડશે. આપણે ગુજરાત માટે લડી રહ્યા છીએ. ભાજપે 50 જેટલા લોકોને જેલમાં ધકેલી દીધા. જૂનાગઢના જિલ્લા અધ્યક્ષને પાસા હેઠળ જેલમાં પૂર્યા. સુરતથી શ્રવણભાઈને પાસામાં પૂર્યા. ચૈતરભાઈ જેવા આપણા અનેક નેતાઓને 3-3 મહિના જેલમાં રાખ્યા. લાઠીચાર્જ કરી રહ્યા છે, અપમાન કરી રહ્યા છે અને દમન ચક્ર ચલાવી રહ્યા છે. હું સુરતવાસીઓને એક જ વાત કહેવા માંગુ છું - આખા ગુજરાતમાં જે દમન ચક્ર ચાલી રહ્યું છે, એ ચલાવનાર વ્યક્તિનું નામ છે હર્ષ સંઘવી. અને હર્ષ સંઘવી સુરતમાં રહે છે. ગયા વખતે આપણે સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષની જવાબદારી નિભાવી હતી. આ વખતે લાઠી, ગોળી, જેલ અને પાસા - આ બધાનો જવાબ આપણે સુરત મહાનગરપાલિકા જીતીને આપવાનો છે.
    Click here to Read More
    Previous Article
    પત્ની પીડિત હોમગાર્ડ જવાને ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો:રાજકોટના શિવાજીનગરમાં યુવાનનો ગળેફાંસો ખાઈ અને મવડીમાં પ્રૌઢાનો ઝેર પી આપઘાત
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિ.ના અધ્યાપકનું સત્તા મંડળમાંથી રાજીનામુ:ડૉ. મહેતાએ કહ્યું - કોંગી નેતા ડૉ.બારોટના બહેનની ખોટી ભરતીનું VC ને કહેતા મારી સામે નિમ્ન સ્તરના આક્ષેપો થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment