Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલા પોલીસે SIRના આધારે 27 વર્ષથી ફરાર આરોપીને નાગપુરથી દબોચ્યો:1999ના છેતરપિંડીના ગુનામાં મતદાર યાદી અને ટેકનિકલ તપાસની મદદથી આરોપી સુધી પહોંચી પોલીસ

    1 day ago

    અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશનમાં વર્ષ 1999માં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા 27 વર્ષથી ફરાર આરોપીને રાજુલા પોલીસે મહારાષ્ટ્રના નાગપુરમાંથી ઝડપી પાડ્યો છે. અબ્દુલ સત્તાર મોહમદ હબીબ કુરેશી નામનો આરોપી ગુનો આચર્યા બાદ પોલીસ પકડથી દૂર હતો. રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમે જૂના તપાસ કાગળો, SIR મતદાર યાદી અને ટેકનિકલ વિશ્લેષણની મદદથી આરોપીનું પગેરું મેળવ્યું હતું. નાગપુરમાં બસ ડ્રાઇવર તરીકે કામ કરતા આરોપીને ઝડપી પાડ્યા બાદ રાજુલા પોલીસ સ્ટેશન લાવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 1999માં સિમેન્ટની 600 બોરી બારોબાર વેચી દીધી હતી રાજુલા પોલીસ સ્ટેશનમાં 08 ડિસેમ્બર, 1999ના રોજ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. તે સમયે આરોપી અબ્દુલ સત્તાર મોહમદ હબીબ કુરેશી મહેતા ટ્રાન્સપોર્ટમાં ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. તેણે રાજુલા તાલુકાના કોવાયા નજીક આવેલી કંપનીમાંથી સિમેન્ટની કુલ 30 ટન એટલે કે 600 બોરી ભરી સુરત ખાતે પહોંચાડવા માટે ટ્રક રવાના કરી હતી. તળાજા નજીક સિમેન્ટ વેચીને ટ્રક મૂકી ફરાર થયો સિમેન્ટનો જથ્થો સુરત પહોંચાડવાને બદલે આરોપીએ તળાજા નજીક આવેલી મુરલીધર હોટલ પાસે અન્ય આરોપીઓ સાથે મળીને બારોબાર વેચી દીધો હતો. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, સિમેન્ટની તે સમયની અંદાજિત કિંમત રૂ. 58,500 હતી. જોકે, આરોપીએ પૂછપરછ દરમિયાન સિમેન્ટનો જથ્થો રૂ. 20,000માં વેચ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ટ્રક ત્યાં જ મૂકીને તે ફરાર થઈ ગયો હતો. આ ગુનામાં સામેલ અન્ય ત્રણ આરોપીઓ સામે તે સમયે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ અબ્દુલ સત્તાર છેલ્લા 27 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. જૂના કેસની તપાસ ફરી શરૂ કરતાં આરોપી સુધી પહોંચવાનો માર્ગ મળ્યો લાંબા સમયથી ફરાર આરોપીને શોધવા માટે રાજુલા પોલીસ સ્ટેશન અને સર્વેલન્સ ટીમે જૂના કેસના તપાસ કાગળોનો ફરીથી અભ્યાસ કર્યો હતો. આ ગુનામાં અગાઉ પકડાયેલા ત્રણ આરોપીઓ પૈકી એકનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે અન્ય બે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, બનાવને લાંબો સમય વીતી ગયો હોવાથી તેમની પાસેથી કોઈ નક્કર માહિતી મળી શકી નહોતી. ત્યારબાદ પોલીસે આરોપીના જૂના સરનામા અને અન્ય વિગતોના આધારે તપાસ આગળ ધપાવી હતી. SIR મતદાર યાદીમાંથી ઓળખની કડી મળી તપાસ દરમિયાન આરોપીનું મૂળ રહેઠાણ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના ઘરોરા ગામ સાથે સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, જૂના સરનામા મુજબ ગામની ચોક્કસ ઓળખ કરવામાં મુશ્કેલી પડતાં પોલીસે પ્રતાપગઢ જિલ્લાના તાલુકાઓ અને ગામોની SIR મતદાર યાદીઓ મેળવી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં આરોપીના નામ સાથે મેળ ખાતા આશરે 150 વ્યક્તિઓ મળી આવ્યા હતા. ત્યારબાદ નામ, ઉંમર, પિતાનું નામ અને અન્ય વિગતોની ચકાસણી કરતાં ચાર શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ થઈ હતી. વધુ તપાસ અને ટેકનિકલ વિશ્લેષણ દ્વારા એક વ્યક્તિની વિગતો આરોપીના જૂના રેકોર્ડ સાથે મેળ ખાતી હોવાનું સામે આવ્યું હતું. પત્નીના નામે નોંધાયેલા મોબાઇલ નંબરથી તપાસ આગળ વધી મતદાર યાદીમાં મળેલી વિગતો અને ઇલેક્શન આઈડી નંબરના આધારે પોલીસે અન્ય દસ્તાવેજો મેળવ્યા હતા. આ દસ્તાવેજોની તપાસ દરમિયાન આરોપીની પત્નીના નામે નોંધાયેલો મોબાઇલ નંબર મળ્યો હતો. મોબાઇલ નંબરના વોટ્સએપ પર બુલેટ મોટરસાઇકલનો ફોટો પણ મળી આવ્યો હતો. તપાસમાં મોટરસાઇકલનો રજિસ્ટ્રેશન નંબર UP72BN0614 હોવાનું અને તે અબ્દુલ સત્તાર મોહમદ હબીબ કુરેશીના નામે નોંધાયેલી હોવાનું સામે આવ્યું હતું. મોબાઇલ નંબરના કોલ ડિટેઇલ રેકોર્ડ અને હિલચાલના વિશ્લેષણથી આરોપી અલગ-અલગ રાજ્યોમાં આવતો-જતો હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસ બાદ તેનું લોકેશન મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં હોવાનું સામે આવ્યું હતું. નાગપુરમાં બસમાં મુસાફર બની પોલીસે આરોપીને ઝડપી પાડ્યો આરોપી નાગપુરમાં બસ ડ્રાઇવર તરીકે કામ કરતો હોવાની માહિતી મળતાં રાજુલા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. આરોપી બસ ચલાવતો હોવાથી પોલીસ કર્મચારીઓ મુસાફર તરીકે બસમાં બેઠા હતા અને યુક્તિપૂર્વક તેની પૂછપરછ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન આરોપીએ વર્ષ 1999માં બનેલી ઘટનાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે અબ્દુલ સત્તાર મોહમદ હબીબ કુરેશીને ઝડપી પાડી રાજુલા પોલીસ સ્ટેશન લાવી તેની ધરપકડ કરી હતી. હાલ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. DYSP નયના ગોરડિયાએ તપાસની વિગતો જણાવી રાજુલાના DYSP નયના ગોરડિયાએ જણાવ્યું હતું કે વર્ષ 1999ના આ કેસમાં ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. તેમાંથી ત્રણ આરોપીઓ સામે તે સમયે કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે એક આરોપી છેલ્લા 27 વર્ષથી ફરાર હતો. જૂના કેસનો ફરીથી અભ્યાસ કરીને અગાઉ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ વિસ્તારની મતદાર યાદીઓ, આરોપીની ઓળખ સંબંધિત દસ્તાવેજો અને CDR વિશ્લેષણની મદદથી તેની ચોક્કસ ઓળખ તથા લોકેશન મેળવવામાં સફળતા મળી હતી. અમરેલી SPએ રાજુલા પોલીસની કામગીરીને બિરદાવી 27 વર્ષથી ફરાર આરોપીને શોધી કાઢી ઝડપી પાડવા બદલ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે રાજુલા પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. જૂના ગુનાની તપાસમાં ઉપલબ્ધ દસ્તાવેજો અને ટેકનિકલ માહિતીનો ઉપયોગ કરીને આરોપી સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓના સામસામે સૂત્રોચ્ચાર:પોલીસે કોંગ્રેસ કાર્યાલયનો રસ્તો કોર્ડન કર્યો, ખડગેના પીએમ મોદી પરના નિવેદનથી ગાંધીનગરમાં આરપારની લડાઈ
    Next Article
    ડિંડોલીમાં શ્રમિકોનો ભારે વિરોધ:આગમાં સર્વસ્વ ગુમાવનાર શ્રમિકો ન્યાય માટે મેદાને, 160થી વધુ કચરાગાડીઓના પૈડાં થંભ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment