Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકાસના દાવા અને વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપો.:જૂનાગઢ મનપાની બેઠકમાં ₹30.21 કરોડના વિકાસ કામોને મંજૂરી; વિપક્ષે રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને ગ્રાન્ટના વપરાશ મુદ્દે શાસકોને આડેહાથ લીધા.

    1 week ago

    ​જૂનાગઢ મહાનગરપાલિકામાં વિકાસ અને વિવાદ વચ્ચે ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે. તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શાસક પક્ષ દ્વારા શહેરની કાયાપલટ કરવાના ઈરાદે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ જાહેર કરવામાં આવ્યા છે, તો બીજી તરફ વિપક્ષે આ આંકડાઓને માત્ર કાગળ પરના વાયદા ગણાવી જનતાની હાલાકી મુદ્દે તંત્ર પર માછલાં ધોયા છે. જૂનાગઢ શહેરના વિકાસ માટે કુલ ₹30.21 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોને આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે, જેમાં અનેક મહત્વકાંક્ષી યોજનાઓનો સમાવેશ થાય છે. ​સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જૂનાગઢના સર્વાંગી વિકાસ માટે તંત્ર કટિબદ્ધ છે. આ વખતની બેઠકમાં મુખ્ય 11 મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સૌથી મહત્વનો નિર્ણય વરસાદી પાણીના નિકાલ અને સંગ્રહ અંગે લેવાયો છે. જૂનાગઢના અનેક વિસ્તારોમાં ચોમાસામાં જળબંબોળની સ્થિતિ સર્જાય છે, જેનો કાયમી ઉકેલ લાવવા માટે રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ હેઠળ ખાસ ચેમ્બરો બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ માટે એજન્સીની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. શાસકોનો દાવો છે કે આનાથી રસ્તા પર ભરાતા પાણીની સમસ્યા દૂર થશે અને ભૂગર્ભ જળના સ્તરમાં પણ વધારો થશે. ​પર્યાવરણની જાળવણી અને કચરાના નિકાલ માટે મહાનગરપાલિકાએ 'વેસ્ટ ટુ ચારકોલ' પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ પીપીપી ધોરણે ચાલશે, જેમાં મનપાએ કોઈ ખર્ચ કરવાનો રહેશે નહીં. ખાનગી એજન્સી શહેરના ડમ્પિંગ સાઈટ પરના કચરામાંથી કોલસો બનાવશે, જેનાથી કચરાના પહાડો ઓછા થશે. આ ઉપરાંત મધુરમ વિસ્તારમાં તૈયાર થયેલા હોકર્સ ઝોન માટે લાંબા સમયથી લટકતા નિયમોને આખરે મંજૂરી આપી દેવામાં આવી છે, જેથી નાના લારી-ગલ્લા ધારકોને વ્યવસ્થિત જગ્યા મળી શકશે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિકાસ માટે નરસિંહ સરોવર ખાતે 'વાંચન વલૂણું' નામની ઓપન લાયબ્રેરી શરૂ કરવાનો નિર્ણય પણ લેવાયો છે. ​વહીવટી મોરચે બેદરકારી દાખવનાર એજન્સીઓ સામે કડક વલણ અપનાવી બે કંપનીઓને કાળી યાદીમાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત કર્મચારીઓના હિતમાં પણ કેટલાક નિર્ણયો લેવાયા છે, જેમાં એન્જિનિયરોના પગાર વધારા અને કેટલાક કર્મચારીઓને કાયમી કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. શાસક પક્ષના મતે આ તમામ નિર્ણયો જૂનાગઢને આધુનિક સુવિધાઓથી સજ્જ શહેર બનાવવામાં મદદરૂપ થશે. ગટર અને રોડ-રસ્તાના પ્રશ્નો માટે પણ આ બજેટમાં યોગ્ય જોગવાઈ કરવામાં આવી હોવાનું ચેરમેને ઉમેર્યું હતું. ​જોકે, શાસક પક્ષના આ તમામ દાવાઓને વિરોધ પક્ષના નેતા અદ્રેમાનભાઈ પંજે પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે ખૂબ જ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે વર્ષ 2021 થી 15મા નાણાપંચની અંદાજે ₹30 કરોડ અને 25 લાખ જેટલી રકમ સરકારી તિજોરીમાં વણવપરાયેલી પડી છે. જ્યારે એક તરફ જૂનાગઢની જનતા તૂટેલા રસ્તા, ઉભરાતી ગટરો અને પીવાના પાણીની સમસ્યાથી ગ્રામ્ય વિસ્તાર જેવું જીવન જીવવા મજબૂર છે, ત્યારે શાસકો ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે કહ્યું કે દર વખતે સ્ટેન્ડિંગમાં કરોડોના કામો પાસ થાય છે, પરંતુ જમીની હકીકત બદલાતી નથી અને લોકોની હાલાકી ઠેરની ઠેર છે. ​રેઈન વોટર હાર્વેસ્ટિંગના મુદ્દે વિપક્ષે ટેકનિકલ પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે અગાશીનું શુદ્ધ પાણી જમીનમાં ઉતારવાને બદલે રસ્તા પરનું ગંદુ પાણી જમીનમાં ઉતારવાની યોજના માત્ર ભ્રષ્ટાચાર કરવાની પેરવી છે. રસ્તા પરના પાણીમાં કચરો અને ઓઈલ જેવી અશુદ્ધિઓ હોય છે, જે ભૂગર્ભ જળને પ્રદૂષિત કરી શકે છે. વિપક્ષી નેતાના મતે આ પ્રોજેક્ટની સાચી સમજ ન તો અધિકારીઓને છે કે ન તો સ્ટેન્ડિંગ ચેરમેનને. આ માત્ર બજેટ વાપરી નાખવા માટેનું આયોજન હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. ​તેવી જ રીતે કચરામાંથી કોલસો બનાવવાના પ્લાન્ટ અંગે પણ તેમણે ભૂતકાળનો દાખલો આપતા કહ્યું કે અગાઉ ઈવનગર ખાતે ₹5 કરોડના ખર્ચે બનેલો ગેસ પ્લાન્ટ આજે બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યો છે. શાસકો નવા નવા પ્રોજેક્ટ્સ લાવીને માત્ર એજન્સીઓને ફાયદો કરાવતા હોવાનો સુર તેમણે વ્યક્ત કર્યો હતો. મધુરમ હોકર્સ ઝોન બનીને તૈયાર હોવા છતાં તેના નિયમો બનાવવામાં જે વિલંબ થયો તે પણ તંત્રની અણઆવડત હોવાનું વિપક્ષ માને છે. નાના ધંધાર્થીઓ લાંબા સમયથી સુવિધાની રાહ જોઈ રહ્યા છે અને શાસકો માત્ર વાહવાહી લૂંટવામાં વ્યસ્ત છે. ​શહેરની ગટર વ્યવસ્થા અંગે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કરોડોના ખર્ચે ગટર લાઈનો નાખવામાં આવી હોવા છતાં સામાન્ય વરસાદમાં પણ જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. લોકોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકાના હોદ્દેદારો માત્ર વાયદાઓ કરવામાં માહિર છે, પરંતુ કામની ગુણવત્તામાં કોઈ સુધારો જોવા મળતો નથી. મનપા બન્યાને વર્ષો વીત્યા હોવા છતાં પાયાની જરૂરિયાતો માટે પણ લોકોએ વલખાં મારવા પડે છે. ​કર્મચારીઓના પ્રશ્નો અને એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવાની બાબતને પણ વિપક્ષે શાસકોની વહીવટી નિષ્ફળતા ગણાવી છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો એજન્સીઓ કામ નથી કરતી તો અત્યાર સુધી શા માટે રાહ જોવામાં આવી? આમ, એક તરફ શાસક પક્ષ ₹30 કરોડથી વધુના ખર્ચે વિકાસની ગુલબાંગો પોકારી રહ્યો છે, ત્યારે બીજી તરફ વિપક્ષે ગ્રાન્ટના બિનઉપયોગ અને ભ્રષ્ટાચારના મુદ્દે જનતાની અદાલતમાં શાસકોને ઊભા રાખી દીધા છે. હવે જોવાનું એ રહે છે કે આ નવા મંજૂર થયેલા કામો ખરેખર સમયસર પૂર્ણ થાય છે કે પછી દર વખતની જેમ માત્ર કાગળ પરના આંકડા અને જનતા સાથેની છેતરપિંડી બનીને રહી જાય છે. જૂનાગઢની જનતા હવે વાયદા નહીં પણ નક્કર કામગીરી ઈચ્છી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કરજણમાં કિશોરની ઘાતકી હત્યા:બુલેટ ટ્રેનના પીલર નજીકથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો, પોલીસે હત્યારાને રાઉન્ડ અપ કર્યો
    Next Article
    સુરતમાં ડિમોલિશન-પૈસા લેવા મુદ્દે ભાજપ ઉમેદવારની જાહેરમાં ફજેતી:પ્રચાર સમયે રઘુ કુંતને મતદાતાએ કહ્યું- તમે કેટલી વાર ડિમોલિશન કરાવ્યું એના મારી પાસે પ્રૂફ છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment