Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નક્ષત્ર સેફ હાઉસમાંથી ₹2.67 કરોડના 206 તોલા સોનાની ચોરી:સુરતમાં શેરબજારમાં પુત્રને 3 કરોડનું નુકસાન જતાં સંચાલક પિતા-પુત્રોએ કાવતરું ઘડ્યું, એક વર્ષથી જરૂર મુજબ કાઢતા હતા, 4ની ધરપકડ

    1 day ago

    સુરતના સિંગણપોરમાં આવેલા નક્ષત્ર સેફ હાઉસમાંથી ગ્રાહકોના 2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ચોરી થયાના અહેવાલો વહેતા થતાં જ આખા શહેરમાં ખળભળાટ મચી ગયો છે. સિંગણપોર બ્રાન્ચમાં સર્જાયેલી અફરાતફરીના પડઘા સમગ્ર સુરતમાં પડ્યા હતા. સિંગણપોર ઉપરાંત વરાછા ખાતે આવેલી નક્ષત્ર સેફની શાખાઓમાં પણ પોતાના કિંમતી ઘરેણાં અને રોકડ સુરક્ષિત છે કે નહીં તે ચકાસવા માટે બિલ્ડરો સહિત સેંકડો લોકરધારકો દોડી ગયા હતા. જેને પગલે દરેક બ્રાન્ચ બહાર લોકોની લાંબી લાઈનો અને દોડધામના દૃશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે નક્ષત્ર સેફ હાઉસની સુરતમાં 3 બ્રાન્ચ છે, જેમાં 2500થી વધુ લોકર ઉપલબ્ધ છે. આ સમગ્ર મામલે પોલીસે પિતા-પુત્રો સહિત ચારની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, પુત્રને શેરબજારમાં નુકસાન જતા લોકરમાંથી ચોરીનો પ્લાન ઘડ્યો હતો. છેલ્લા એક વર્ષથી આરોપીઓ લોકરમાંથી જરૂરિયાત પ્રમાણે સામાન નીકાળતા હતા. ગ્રાહકોનું કરોડોનું સોનું પચાવી પાડવા કાવતરું ઘડ્યું આ સમગ્ર ચર્ચિત પ્રકરણમાં નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા અને તેના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરીકૃષ્ણ દિયોરા તેમજ લોકર બ્રેકર મણીલાલ સામે ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ચોરી કોઈ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ સંચાલક પિતા-પુત્રોએ નિષ્ણાત લોકર બ્રેકર સાથે મળીને ગ્રાહકોનું કરોડો રૂપિયાનું સોનું પચાવી પાડવા માટે પૂર્વઆયોજિત કાવતરૂં ઘડ્યું છે. આ ચારેય જણાએ એકબીજાની મદદગારીથી યોજના બનાવીને ગ્રાહકોની ગેરહાજરીમાં અને તેમની જાણ બહાર અલગ અલગ સમયે લોકરો તોડાવ્યા હતા. લોકરમાંથી કિંમતી સોનાના દાગીના કાઢીને તેને બજારમાં વેચી મારી રકમ પડાવી લેવાનો આખો પ્લાન ઘડ્યો હતો. વરાછા બ્રાન્ચે ભારે દોડધામ, લોકો લોકર ચકાસવા પહોંચ્યા સિંગણપોર બ્રાન્ચમાં પૂર્વઆયોજિત કાવતરા હેઠળ ગ્રાહકોના સોના-ચાંદીના દાગીના ગાયબ થયા હોવાના વાઇરલ સમાચાર સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં ફેલાતાં જ નક્ષત્ર સેફની અન્ય શાખાઓમાં ખાતા ધરાવતા ગ્રાહકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. વરાછા સ્થિત નક્ષત્ર સેફની શાખાઓ પર પણ ગ્રાહકો પોતાના લોકરની તપાસ કરવા માટે ધસી આવ્યા હતા. લોકો પોતપોતાની ચાવીઓ લઈને લોકર ખોલવા મથી રહ્યા હતા. લોકર ખુલતા જ લોકો રોકડ રકમ અને દાગીના લઈ ગયા ઘણા ગ્રાહકોના લોકર ખોલવામાં ટેકનિકલ અડચણો આવતાં અને સંચાલકો તરફથી યોગ્ય જવાબ ન મળતાં સ્થિતિ વધુ વણસી હતી. વરાછા સેન્ટર પર પણ ભારે હોબાળો અને અફરાતફરી મચી જતાં આખરે સ્થાનિક પોલીસને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. જેટલા લોકર ધારકોના લોકર ખૂલ્યા તેઓ પોતાની રોકડ રકમ દાગીના સહિતનો સામાન લઈને નીકળી ગયા હતા. મેથી જુલાઈ વચ્ચે ખેલ ખેલાયો, લોકર ખોલવા ગયા ને પોલ ખુલી પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદીની વિગત અનુસાર, ફરિયાદી રમેશભાઈ જીવરાજભાઈ વાઘાણી (રહે. સુંદરમ પાર્ક, ડભોલી રોડ, સુરત)એ વર્ષ 2020માં પોતાની પત્ની હિરેનબેનના નામે સિંગણપોર કોઝવે રોડ પર આવેલા નક્ષત્ર સેફ વોલ્ટમાં B/202 નંબરનું લોકર લીધું હતું. માસિક ₹1,700 ભાડું ચૂકવતા હતા. ગત તા. 8 મે, 2026ના રોજ ફરિયાદીના સાળા વિનોદભાઈ અને ભરતભાઈ લોકર પર ગયા ત્યારે તેમના તમામ સોનાના દાગીના સુરક્ષિત હતા. પરંતુ, બે મહિના બાદ પ્રસંગ હોવાથી જ્યારે તેઓ દાગીના કાઢવા ગયા ત્યારે લોકરમાં માત્ર એક મંગળસૂત્ર, બે કડલી અને ત્રણ વીંટી જ બચ્યા હતા, જ્યારે બાકીના 63 તોલાના દાગીના ગાયબ હતા! CCTV જોવા જતાં માલિકે કહ્યું- બધું ગરમ થઈ ગયું છે, ઉડી જશે દાગીના ગાયબ હોવાની જાણ થતાં જ ફરિયાદી રમેશ વાઘાણી, તેમના પત્ની અને પરિવારજનો 14 જુલાઈ, 2026ના રોજ નક્ષત્ર સેફ વોલ્ટ ખાતે પહોંચ્યા હતા અને સીસીટીવી ફૂટેજ ચકાસવાની માગ કરી હતી. બપોરથી સાંજ સુધી CCTV તપાસવાની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન સેફના કાઉન્ટર પર બેસતા પૂર્વઆયોજિત કાવતરાના મુખ્ય સૂત્રધારોમાંથી એક આરોપી હર્ષ દિયોરા એકાએક ઉશ્કેરાઈ ગયા હતા. તેણે ફરિયાદીને એવું કહીને ધમકાવ્યા કે, બધું ગરમ થઈ ગયું છે, મારે કેટલું જોખમ હોય, બધું ઉડી જશે! આટલું કહી તેણે સીસીટીવી બતાવવાના બંધ કરી દીધા હતા અને હાર્ડ ડિસ્કમાંથી ડેટા ડિલીટ થઈ ગયો હોવાના ઉડાઉ જવાબો આપ્યા હતા. આથી ફરિયાદીને શંકા જતાં તેમણે તાત્કાલિક સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પિતા-પુત્રો અને લોકર બ્રેકર સામે ગુનો દાખલ સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.બી. કામળીયા દ્વારા ફરિયાદ નોંધીને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ. ચૌધરીને સોંપવામાં આવી છે. પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 316 (2) (ગુનાહિત વિશ્વાસઘાત), 316 (5) અને પૂર્વઆયોજિત કાવતરા અંગેની કલમ 61 (2) હેઠળ કેસ દાખલ કર્યો છે. આ સાથે જ સિંગણપોર પોલીસે પિતા મહેશ દિયોરા અને તેના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરીકૃષ્ણા દિયોરાની ધરપકડ કરી છે. વરાછા બ્રાન્ચના લોકરમાંથી ચોરી થઈ છે કે નહીં તે અંગે તપાસ પોલીસે સેફ વોલ્ટમાંથી ડીવીઆર, ડિજિટલ રજિસ્ટર અને લોકર બ્રેક કરવા માટે ઉપયોગમાં લેવાયેલા સાધનો કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત વરાછા બ્રાન્ચમાં પણ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે આ રીતે લોકર તોડીને ચોરી કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ પોલીસની વિશેષ ટીમો ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે. પુત્રને શેરબજારમાં દેવું ને ચોરીનો પ્લાન ઘડ્યો DCP રાઘવ જૈનએ જણાવ્યું હતું કે, નક્ષત્ર સેફ હાઉસ એક રજિસ્ટર્ડ સંસ્થા છે અને તેની સુરત શહેરમાં કુલ 4 બ્રાન્ચ છે—જેમાંથી એક સિંગણપોરમાં, બે મહિધરપુરા વિસ્તારમાં અને એક વરાછામાં છે. સામાન્ય રીતે એક સેફ હાઉસમાં નાના, મીડિયમ અને મોટા કદના આશરે 60થી 700 લોકર હોય છે, જેનું વાર્ષિક ભાડું લોકરની સાઈઝ મુજબ નક્કી થતું હોય છે. આ ઘટના સિંગણપોર બ્રાન્ચમાં બની છે. પોલીસ પૂછપરછમાં ગુના પાછળનું મુખ્ય કારણ સામે આવ્યું છે. માલિકના પુત્ર હર્ષે શેરબજારમાં આશરે 3 કરોડ રૂપિયા જેટલું મોટું નુકસાન કર્યું હતું. આ નાણાકીય પાસાંની ભરપાઈ કરવા માટે તેમણે પોતાના જ ગ્રાહકોના લોકરમાંથી ચોરી કરવાનો કાવતરાપૂર્વકનો રસ્તો અપનાવ્યો હતો. ડુપ્લિકેટ ચાવીથી લોકર ખોલી સામાન કાઢી લેતા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ છેલ્લા એક વર્ષથી આ ચોરીનું પ્લાનિંગ અને અમલ કરી રહ્યા હતા. તેઓ પોતાની જરૂરિયાત મુજબ ધીરે-ધીરે ડુપ્લિકેટ ચાવીથી લોકર ખોલી સામાન નીકાળતા હતા અને આ રીતે એક વર્ષમાં 2.67 કરોડની ચોરી આચરી હતી. હાલ અન્ય બ્રાન્ચો કે લોકર્સમાંથી આવી કોઈ ફરિયાદ મળી નથી, પરંતુ ગ્રાહકો પોતાના લોકર ચકાસી રહ્યા છે. જો વધુ કોઈ ફરિયાદી સામે આવશે તો તે મુજબ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. બેંકમાં જે પ્રકારે લોકર હોય, તે પ્રકારે પ્રાઇવેટ સેફ હાઉસ સુરતમાં સિંગણપોરથી લઈને સરથાણા સુધીના વિસ્તારમાં અનેક સેફ હાઉસ આવેલા છે. બેંકમાં જે પ્રકારે લોકર હોય છે તે પ્રકારે પ્રાઇવેટ સેફ હાઉસ હોય છે. જેમાં નાના લોકરોથી લઈને મોટા લોકરો હોય છે. 1200થી 1300 રૂપિયાના વર્ષ દિવસના ભાડાથી આ લોકરની શરૂઆત થાય છે. મોટા લોકરનું વર્ષનું ભાડું 20થી 30 હજાર સુધી પણ હોય છે. બેંકમાં લોકરની પ્રોસેસ લાંબી હોય છે અને તેમાંથી કોઈ વસ્તુ કાઢવાની હોય છે ત્યારે પણ થોડો સમય વધુ લાગે છે, જ્યારે ખાનગી લોકરમાં પ્રોસેસ થોડીક સરળ હોય છે. બિલ્ડરો- હીરા વેપારીઓ લોકરનો ઉપયોગ કરે છે સિંગણપોરથી સરથાણા વિસ્તારમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ આ લોકરોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. આ સાથે જ બિલ્ડરો, હીરા વેપારીઓ પણ આ લોકરનો ઉપયોગ કરે છે. વરાછા મીની બજાર અને મહિધરપુરાના હીરા બજાર ખાતે આવેલા સેફ હાઉસોનો મોટાભાગે હીરા વેપારીઓ ઉપયોગ કરે છે. આ લોકરની અંદર હીરા વેપારીઓ પોતાના હીરા અને રોકડ રકમ રાખતા હોય છે. કારણ કે હીરાનો જથ્થો તે ઘરે લઈ જઈ ન શકે અને જ્યારે પણ જોઈએ ત્યારે આ લોકરમાંથી સરળતાથી મળી જાય છે. લોકર ખોલાવવા માટેનું શું પ્રોસેસ હોય છે? લોકર ખોલાવવા માટે જે તે વ્યક્તિએ શેફ હાઉસ પર ગયા બાદ તેનું આધાર કાર્ડ, પાનકાર્ડ, લાઈટ બિલના આધારે લોકર ખોલવામાં આવે છે. આ સાથે જ એક ફોર્મ પણ ભરવામાં આવે છે. આ લોકર કેટલા લોકો પ્રોસેસ કરશે તે અંગેની વિગતો આપવામાં આવે છે અને તે લોકોની સહી પણ લેવામાં આવે છે. ત્યારબાદ લોકરની સાઈઝ શું હોય છે તે પ્રમાણે તેનું ભાડું હોય છે. ગાર્ડ અને લોકર ધારક બંનેની ચાવીથી જ લોકર ખુલી શકે આ તમામ પ્રોસેસ પૂર્ણ થયા બાદ લોકર નંબર ફાળવવામાં આવે છે. અને તેની સાથે લોકરની ચાવી પણ આપવામાં આવે છે. હવે જ્યારે એ લોકર ખોલવું હોય, ત્યારે સેફ હાઉસ જઈને પોતાનો લોકર નંબર કહેવાનો હોય છે અને રજીસ્ટરમાં લોકર નંબર નામ અને સહી કરવાની હોય છે. ત્યારબાદ ત્યાંથી એક લોકલ નંબર સાથેની કાપલી આપવામાં આવે છે જે ગાર્ડને આપવાની હોય છે. ગાર્ડ પાસે એક ચાવી હોય છે અને લોકલ ધારક પાસે પણ ચાવી હોય છે. ગાર્ડ અને લોકર ધારક બંનેની ચાવીથી જ આ લોકર ખુલી શકે છે. બંને ચાવી એક સાથે લગાવ્યા બાદ જ આ લોકર ખૂલે છે. ત્યારબાદ લોકરમાં મુકવા અથવા લેવાની પ્રોસેસ કર્યા બાદ લોકર ધારક બહાર નીકળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    લોકસભામાં પેપર લીક સંબંધિત બિલ પર ચર્ચા શરૂ:રિજિજુ બોલ્યા- અમે 10 કલાક પણ ચર્ચા કરવા તૈયાર છીએ; કોંગ્રેસ તરફથી રાહુલ-પ્રિયંકા બોલશે
    Next Article
    સુરેન્દ્રનગરના ખેડૂતોનો ઉર્જા વિભાગના ઠરાવ સામે વિરોધ:ટ્રાન્સમિશન લાઇન વળતરના નિયમોમાં સુધારાની માગ, રેલી યોજી કલેક્ટરને આવેદન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment