Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં દિવાળીએ ₹21,000ની કિલો ગોલ્ડ મીઠાઈએ ધૂમ મચાવી:કાજુ કતરીની 15થી વધુ નવી ફ્લેવર્સ; તુલસી ગંગા, કેસર કુંજ, નરગીસ કલમ અને અનાર ડાયમંડ મીઠાઈ આકર્ષણનું કેન્દ્ર

    1 day ago

    ખાણીપીણી અને રંગીન મિજાજ માટે વિશ્વભરમાં જાણીતા સુરત શહેરમાં પ્રકાશના પર્વ દિવાળી અને ધનતેરસની ઉજવણીનો અદભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. "કાશીનું મરણ અને સુરતનું જમણ" એ કહેવત સુરતની ખાણીપીણીની સંસ્કૃતિને સાર્થક કરે છે, અને દિવાળીના આ શુભ અવસરે આ કહેવત સો ટકા સાચી સાબિત થઈ રહી છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરના મીઠાઈ બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. આજે ધનતેરસના પવિત્ર દિવસે લક્ષ્મી પૂજા અને દિવાળીના સ્વાગત માટે લોકો વિવિધ પ્રકારની પરંપરાગત અને આધુનિક મીઠાઈઓની ખરીદી કરી રહ્યા છે. પરંપરાગત સ્વાદની સાથે આ વર્ષે નવીન ફ્લેવર અને આકર્ષક ડિઝાઈનવાળી મીઠાઈઓ ગ્રાહકોમાં વિશેષ લોકપ્રિય બની છે. વિવિધ ફ્લેવરથી સજ્જ કાજુ કતરી બની યુવા પેઢીની પહેલી પસંદ દિવાળીના તહેવારમાં કાજુ કતરીની માંગ હંમેશાં શિખર પર રહેતી હોય છે. બદલાતી પસંદગી અને નવી જનરેશનના ટેસ્ટને ધ્યાનમાં રાખીને સુરતની મીઠાઈની દુકાનોમાં કાજુ કતરીના એકથી વધીને એક આકર્ષક ફ્લેવર તૈયાર કરવામાં આવ્યા છે. આ વર્ષે કાજુ કતરીમાં સ્ટ્રોબેરી, ચોકલેટ, મેંગો, બ્લેક કરન્ટ, બબલગમ, પેરિસ ચોકલેટ, વેનીલા, ડ્રાયફ્રુટ વેનીલા, કેસર અને સંગમ સહિતના 15થી વધુ અલગ અલગ ફ્લેવર ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ખાસ કરીને ડ્રાયફ્રુટ કાજુ કતરીની માંગ પણ જોરશોરથી જોવા મળી રહી છે. આ વિવિધ ફ્લેવરની કાજુ કતરી ₹1,200થી ₹1,500 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે, જેને યુવાનો અને બાળકો ખૂબ ઉત્સાહથી ખરીદી રહ્યા છે. ₹21,000 પ્રતિ કિલોની ગોલ્ડ મીઠાઈ આકર્ષણનું કેન્દ્ર બીજી તરફ, બજારમાં ગ્રાહકોને આકર્ષવા માટે પ્રીમિયમ 'ગોલ્ડ મીઠાઈ' ખાસ ચર્ચા અને આશ્ચર્યનો વિષય બની છે. બજારમાં સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તેની સીધી અસર મીઠાઈ બજાર પર પણ જોવા મળી છે કારણ કે સોનાના અસલી વરખ ધરાવતી આ ખાસ મીઠાઈના ભાવ પણ વધીને ₹21,000 પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે. આ પ્રીમિયમ ગોલ્ડ મીઠાઈમાં ગ્રાહકોની પસંદગી અને માંગને ધ્યાનમાં રાખીને ચાર અલગ અલગ ભવ્ય ફ્લેવર અને નામો રજૂ કરવામાં આવ્યા છે: જેમાં તુલસી ગંગા, કેસર કુંજ, નરગીસ કલમ અને અનાર ડાયમંડનો સમાવેશ થાય છે. આ પ્રીમિયમ ગોલ્ડ મીઠાઈ દિવાળીની ખરીદીમાં સૌથી મોટું આકર્ષણ ઊભું કરી રહી છે. 'કેસર કુંજ, નર્ગિસ, અનાર અને તુલસી મીઠાઈ સ્પે. ઓર્ડર પર બને' મીઠાઈના વેપારી રાધાબેન મીઠાઈવાળાએ જણાવ્યું હતું કે, અત્યારે દિવાળીનો તહેવાર છે તો મીઠાઈ વગર તો દિવાળી શક્ય જ નથી! લોકોમાં ખૂબ જ સારો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો ભારે ઉત્સાહથી ખરીદી કરી રહ્યા છે. અમારી પાસે સ્પેશિયલ ડ્રાયફ્રૂટની મીઠાઈઓ અને માવાની સ્વીટ્સ ઉપલબ્ધ છે. ખાસ કરીને અમારી સ્પેશિયલ ડ્રાયફ્રૂટ ફેન્સી પ્રીમિયમ મીઠાઈઓ અને અલગ અલગ ફ્લેવરવાળી કાજુ કતરીની બજારમાં અદભૂત ડિમાન્ડ છે. કાજુ કતરીના અલગ અલગ ફ્લેવરના ભાવ ₹1,200 છે જ્યારે ડ્રાયફ્રૂટ સ્પેશિયલના ભાવ ₹1,400 પ્રતિ કિલો છે. અમારી સૌથી મોંઘી મીઠાઈ ગોલ્ડ સ્વીટ છે જે ₹21,000 પ્રતિ કિલોના ભાવે વેચાય છે. આ ગોલ્ડ સ્વીટ ચાર પ્રકારની છે. કેસર કુંજ, નર્ગિસ, અનાર અને તુલસી જે ગ્રાહકોના સ્પેશિયલ ઓર્ડરથી પ્રીમિયમ ક્વોલિટીમાં સોનાના વરખ સાથે ખાસ તૈયાર કરવામાં આવે છે. 'કાજુ કતરીની ઘણી બધી અદભુત ફ્લેવરો ઉપલબ્ધ' ગ્રાહક અંજનાબેને જણાવ્યું હતું કે, હું અત્યારે 24 કેરેટ મીઠાઈ મેજિક ખરીદી કરવા માટે આવી છું અને વર્ષોથી ખરીદી માટે હું અહીં જ આવું છું! અહીંની મીઠાઈઓ ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ હોય છે. અત્યારે બજારમાં ખાસ કરીને ગોલ્ડ સ્વીટ્સ ખૂબ પ્રચલિત છે, તેથી હું ખાસ ગોલ્ડ સ્વીટ લેવા માટે જ આવી છું. આ ઉપરાંત કાજુ કતરીની ઘણી બધી અદભુત ફ્લેવરો ઉપલબ્ધ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ છે. ગોલ્ડ મીઠાઈના ભાવ ₹21000 પ્રતિ કિલો ભલે વધારે હોય, પરંતુ સોનાના બજારભાવ મુજબ તે સ્વાભાવિક છે. વળી, અમારે આખી કિલો ગોલ્ડ મીઠાઈ ખરીદવાની જરૂર નથી હોતી; અમે એક કે બે પીસ ગોલ્ડ સ્વીટ ખરીદીને પણ તેનો લ્હાવો લઈ પૂરતો સંતોષ અનુભવીએ છીએ. સુરતવાસીઓ તહેવારનો આનંદ માણવા માટે આ રીતે અવનવી મીઠાઈઓનો સ્વાદ અવશ્ય માણે છે. પરંપરા અને આધુનિકતાનો સમન્વય દિવાળીના શુભ અવસર પર પરિવારજનો, મિત્રો અને સ્નેહીજનોને મીઠાઈ ભેટ આપીને મોં મીઠું કરાવવાની આપણી સનાતન પરંપરાને કારણે સુરતની તમામ નાની-મોટી મીઠાઈની દુકાનો અને ફરસાણના હાઉસ પર ગ્રાહકોની ભારે અવરજવર જોવા મળી રહી છે. ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદીની સાથે-સાથે સોનાના વરખવાળી ગોલ્ડ મીઠાઈ ખરીદવાનો આ નવતર ટ્રેન્ડ પણ સુરતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આમ, પરંપરાગત સ્વાદ સાથે આધુનિક ફ્લેવર્સ અને પ્રીમિયમ ગોલ્ડ મીઠાઈઓના આ નવા પ્રયોગોને કારણે સુરતના મીઠાઈ બજારમાં દિવાળીનો અસલી માહોલ જામ્યો છે. લક્ષ્મી પૂજા અને દિવાળીની હર્ષોલ્લાસભરી ઉજવણી માટે સુરતના નાગરિકો ઉત્સાહપૂર્વક મનપસંદ મીઠાઈઓની ખરીદી કરી રહ્યા છે, જેને લઈને વેપારી વર્ગમાં પણ ભારે ખુશી અને સંતોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    RFO સોનલ સોલંકી હત્યા કેસ:માત્ર ટાવર લોકેશન અને એકાઉન્ટમાં રૂપિયા આવવાના આધારે ધરપકડ, કોર્ટે આરોપીને જામીનમુક્ત કર્યો
    Next Article
    ભરૂચ જિલ્લામાં 12થી 18 નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ સપ્તાહ ઉજવાશે:15 નવેમ્બરે નેત્રંગમાં જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે; યુવા સંવાદ, આદિવાસી રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment