Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘₹1799 આપો, 10 મિનિટમાં કોઈપણ ફોન હેક કરી આપીશ’:રિપોર્ટરે પોતાના જ ફોનની ડિટેલ હેકરને આપી; સાયબર ગઠીયાઓના નેટવર્કનો થયો પર્દાફાશ

    1 day ago

    799 રૂપિયામાં કોઈનું પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થાય અને 899 રૂપિયામાં કોલ રેકોર્ડિંગનો ડેટા મળી શકે, એક વર્ષ સુધી લાઇવ લોકેશન જોઇએ તો 849 રૂપિયા અને આખો ફોન જ હેક કરાવીને એક્સેસ લઇ લેવો હોય તો 1799 રૂપિયા !!! હાલના સમયમાં ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ હોય, પારિવારિક સંબંધ હોય કે ધંધાકીય સંબંધો હોય, મોટાભાગના કેસમાં વિશ્વાસ બાબતે ઘણી શંકાઓએ સ્થાન લઇ લીધું છે. પોતાની એક્ટિવિટી ગુપ્ત રાખવા માટે મોટાભાગના લોકો મોબાઇલમાં પ્રાઇવસી ગ્લાસ લગાવે છે. આ આપણા સમાજનું વાસ્તવિક ચિત્ર છે. જેના પરિણામે હેકિંગના દાવા કરતા કેટલાક એવા લોકો માર્કેટમાં પગપેસારો કરી ચૂક્યા છે, જે કલ્પના પણ ન હોય એવા કામ મિનિટોમાં પાર પાડવાના દાવા કરે છે. વિચારો, જો માત્ર 1799 રૂપિયામાં કોઈ તમારો આખો ફોન હેક કરાવીને દૂર બેઠાં-બેઠાં બધુ જ જોઈ શકે તો? તમે જે કંઈ પણ એક્ટિવિટી તમારા ફોનમાં કરો તે અન્ય કોઈના મોબાઇલમાં દેખાવવા લાગે તો? ચોંકી ગયા ને… તમારી જેમ અમે પણ ચોંકી ગયા હતા, જ્યારે સોશિયલ મીડિયા પર ફોન હેક કરવાની જાહેરાતો જોઈ. જેમાં કોઈ હોટેલના મેનુ કાર્ડની જેમ જ વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ, લાઇવ લોકેશન, કોલ હિસ્ટ્રી અને રેકોર્ડિંગ, જીમેલ એકાઉન્ટ તેમજ આખો ફોન હેક કરી આપવાના દાવા થાય છે. શોકિંગ વાત એ પણ છે કે આ કામને તેઓ 'સર્વિસ' ગણાવે છે અને માત્ર 399 રૂપિયાથી ઓફર શરૂ થાય છે. પરંતુ સવાલ એ છે કે શું ખરેખર આ કોઈ હાઇ-ટેક હેકિંગ છે કે પછી માત્ર રૂપિયા પડાવવાનો ખેલ? આ દાવો કેટલો સાચો અને કેટલો જોખમી છે? એ ચકાસવા માટે દિવ્ય ભાસ્કરની ઇન્વેસ્ટિગેશન ટીમના રિપોર્ટરે પોતાનો જ ફોન અને સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરવવાનો પ્લાન ઘડ્યો, જેથી હેકિંગની દુનિયાનું સત્ય લોકો સામે લાવી શકાય. જુઓ, ઇન્સ્ટાગ્રામ પર હેકિંગની કેવી જાહેરાતો અપાય છે! સાયબર ક્રાઇમની ટીમને જાણ કર્યા બાદ ઓપરેશન શરૂ કર્યું ધ્યાન રહે, ભારતના કાયદા પ્રમાણે હેકિંગ કરવું કે કરાવવું ગુનો ગણાય. જેમાં 3 વર્ષથી લઇને આજીવન કેદ તેમજ 2 લાખ સુધીનો દંડ થઇ શકે છે. એટલે અમે ઇન્વેસ્ટિગેશનમાં આગળ વધતા પહેલાં ગુજરાતના સાયબર સેન્ટર ફોર એક્સલન્સ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો. સિનિયર અધિકારી રાજદીપસિંહ ઝાલાને મળીને સમગ્ર બાબતે માહિતગાર કર્યા અને અમે ગ્રાહક બનીને હેકર્સનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ તે જણાવ્યું. તેમણે પણ અમને મદદ કરવાની ખાતરી આપી. આ અધિકારીઓની સલાહ મુજબ અમે એવી રીતે વ્યવહાર કરવાનો નિર્ણય લીધો જેથી હેકર્સને સહેજ પણ શંકા ન જાય કે આ એક ટ્રેપ છે. ઇન્વેસ્ટિગેશનની શરૂઆતમાં જ 11 એકાઉન્ટ અમારા ધ્યાને આવ્યા. જેના પર હેકિંગની જાહેરાતો પોસ્ટ કરવામાં આવી હતી. આ તમામ એકાઉન્ટનું સ્કેનિંગ કર્યું. ક્યારે કેટલી પોસ્ટ કરવામાં આવી? શું ભાવ છે? કેટલા ફોલોઅર્સ છે? વગેરે. એમાંથી છેલ્લા 3 એકાઉન્ટ એવા આઇડેન્ટીફાય કર્યા, જેની સાથે વાતચીત આગળ વધારી શકાય. આ રીતે શરૂ થયો ઇન્વેસ્ટિગેશનનો બીજો પડાવ, જેમાં હેકિંગની ડીલ કરવાની હતી. વાંચકોની સાયબર સિક્યોરિટીને ધ્યાને લઇને આ એકાઉન્ટના નામ અમે સંપૂર્ણ જાહેર નથી કરી રહ્યા. પોતાની જાતને હેકર ગણાવતા લોકો સાથે વાત કરતા પહેલાં જ અમને અંદાજો હતો કે ચાર પ્રકારના પરિણામો આવી શકે છે. અમે આમાંના એક પણ પરિણામની ગંભીરતાને નજરઅંદાજ કર્યા વગર પૂરી ચોકસાઈ સાથે આગળ વધ્યા. હેકર્સનો કોન્ટેક્ટ કરતા પહેલાં એક નવું સિમકાર્ડ ખરીદ્યું અને તેને અમારા જ એક ફોનમાં ઇન્સર્ટ કર્યું. પછી સોશિયલ મીડિયા પરથી આઇડેન્ટીફાય કરેલા 3 હેકર્સ સાથે આ જ ફોનને હેક કરવા માટેની ડીલના પ્રયાસો શરૂ કર્યા. એકાઉન્ટ નંબર 1- Mr_mk_$%^* આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપેલી જાહેરાત પર ક્લિક કરતા જ સીધી વોટ્સએપ ચેટનો ઓપ્શન આવ્યો. અમે તેમાં Hi લખીને વાતચીત શરૂ કરી. તરત સામેથી સવાલ આવ્યો. હેકર: હું તમને કેવી રીતે મદદ કરી શકું? રિપોર્ટર: તમે શું-શું હેક કરી આપો છો? હેકર: અમે નીચે મુજબની 10 સર્વિસ પૂરી પાડીએ છીએ. રિપોર્ટર: આ બધી સર્વિસની કિંમત શું છે? હેકર: પહેલાં તમે સિલેક્ટ કરીને કહો કે તમને કઈ સર્વિસ જોઈએ છે, એ પછી હું તમને તેની ચાર્જ જણાવું. અમે અહીંયાંથી વાત અટકાવી દીધી અને બીજા હેકરનો સંપર્ક કર્યો, જેથી આ લોકોની કામ કરવાની પદ્ધતિ જાણી શકાય. એકાઉન્ટ નંબર-2 rodiya_$%^* આ દરમિયાન અમારી વાતચીત rodiya_$%^* નામની આઇડી ચલાવતા હેકર સાથે પણ થઇ રહી હતી. તેણે પણ વાતચીતની શરૂઆતમાં જ હેકિંગની વિવિધ સર્વિસનું મેનુકાર્ડ અમને મોકલી આપ્યું. લિસ્ટ લાંબુ હતું, જેમાં ટીકટોક પણ સામેલ હતું, જે ભારતમાં પ્રતિબંધિત છે. અગાઉની માફક ફરી એકવાર અમે ભાવ પૂછ્યો. આ હેકરે પણ પહેલાં સર્વિસ જાણીને પછી જ આગળ વધવાનું જણાવ્યું. એકાઉન્ટ નંબર-3 ethical_$%^* જો કે, અમારી સૌથી રસપ્રદ વાતચીત તો ethical_$%^* સાથે થઈ. અમે તેને મેસેજ મોકલ્યો તરત જ તેનો ભાવ સાથેનો મેનુકાર્ડ આવી ગયો. આમાં કુલ 9 ઓપ્શન હતા. તેમાં સૌથી સસ્તી સર્વિસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવાની હતી. માત્ર 599 રૂપિયામાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવાની ઓફર!!!, જ્યારે ફોન એક્સેસ કરવાની કિંમત 899 રૂપિયા હતી, જે સૌથી મોંઘી સર્વિસ હતી. તેણે અમને સર્વિસ સિલેક્ટ કરવા કહ્યું. આ હેકર સાથે ડીલ કરવાનું અમે નક્કી કર્યું. જેમાં આગળ જતા ચોંકાવનારા ખુલાસા થવાના હતા. જ્યારે હેકરે કહ્યું, તમે ટાર્ગેટને આખો ફોન જ હેક કરાવી લો મૂળ વાત તો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવાથી શરૂ થઈ હતી. પરંતુ જેમ-જેમ હેકરે માહિતી આપવાનું ચાલુ કર્યું, એટલે અમે તેની પહોંચ ક્યાં સુધી છે એ જાણવા બીજા કેટલાક પ્રશ્નો કર્યા. જેમાં સૌથી મહત્વનો પ્રશ્ન હતો મોબાઇલની ફોટો-વીડિયો ગેલેરીનો. આ સમયે હેકરે જે સલાહ આપી એ એકદમ ચોંકાવનારી હતી. તેણે જેનો ફોન હેક કરવાનો હતો એના માટે “ટાર્ગેટ” શબ્દ પણ વાપર્યો. હેકર: તમે એક કામ કરો, આખો ફોન એક્સેસ કરાવી લો. તેમાં ટાર્ગેટનો આખો ફોન તમારી સ્ક્રીનમાં ચાલશે. રિપોર્ટર: એ કેટલા સમય સુધી ચાલશે? હેકર: આખું વર્ષ ચાલશે. રિપોર્ટર: પણ તમે હેક કેવી રીતે કરશો? ટાર્ગેટ પાસે કોઈ કોલ તો નહીં જાય ને? તેને કોઈ નોટિફિકેશન તો નહીં મળે ને? હેકર: કંઈ નહીં થાય, ટાર્ગેટને જાણ નહીં થાય. કોઈ મેસેજ કે નોટિફિકેશન નહીં જાય, અમે આખું કામ સોફ્ટવેરથી કરીએ છીએ. આટલી વાત થયા પછી હેકરે એક ક્યુઆર કોડ મોકલી દીધો. તેણે કહ્યું કે પેમેન્ટ કરી સ્ક્રીનશોટ મોકલી આપો. QR કોડ મોકલતા જ હેકર વિશે એક ખુલાસો થયો જો કે અમે આ પ્રોસેસમાં ઉતાવળ કર્યા વગર હેકરની ધીરજની પરીક્ષા પણ લેવા માગતા હતા. એટલે બે દિવસ સુધી જાણી જોઈને કોઈ જ જવાબ ન આપ્યો. પછી તેણે જ રિમાન્ડર મોકલ્યું અને ફરી એકવાર પેમેન્ટ અને ફોન હેક કરવાના અંતિમ પડાવ બાબતે વાતચીત શરૂ થઈ. અમે બે દિવસ પહેલા મોકલેલા ક્યુઆર વિશે પૂછ્યું કે શું એના પર જ પેમેન્ટ કરીએ? પણ હેકરે ના પાડી દીધી અને કહ્યું કે મને તમારો નંબર આપો, હું તેમાં એક ક્યુઆર વોટ્સએપ કરું છું, એમાં પેમેન્ટ કરી દેજો. પેમેન્ટ એપ્લિકેશને એલર્ટ આપ્યું, આ QRથી પેમેન્ટ ન કરતા હવે પછી આ હેકરનું નવું જ રૂપ જોવા મળ્યું. અમે તેણે મોકલેલા ક્યુઆર પર પેમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો તો ફોન-પે એપ્લિકેશને જ ના પાડી દીધી. આ પેમેન્ટ એપ્લિકેશને સિક્યોરિટી કારણથી જે તે ક્યૂઆર કોડ પર પેમેન્ટ ન કરવા ચેતવ્યા. UPIમાં અનમોલ નાગર નામ આવ્યું. આમ, પહેલીવાર અમને સોશિયલ મીડિયા આઈડી પાછળ છૂપાયેલા હેકરનું નામ મળ્યું. જે સાચું પણ હોઇ શકે અને ખોટું પણ. અમે હેકરને મેસેજ કર્યો કે તમે મોકલેલા ક્યુઆર કોડ પર પેમેન્ટ નથી થતું. સિક્યોરિટી એલર્ટ કેમ આવે છે? હેકરે કોઈ ખુલાસો આપ્યા વગર તરત જ બીજો એક ક્યુઆર કોડ મોકલી દીધો અને તેના પર પેમેન્ટ થઈ જશે એમ કહ્યું. આખું ફોન હેક કરવાની ડીલ પ્રમાણે નવા ક્યુઆર કોડ પર 899 રૂપિયાનું પેમેન્ટ થઈ પણ ગયું અને UPIમાં આ વખત અનમોલ નાગર નહીં પણ મહાવીર સૈનીનું નામ આવ્યું. અમે આ પ્રોસેસ દરમિયાન પળેપળની ખબર સાયબર ક્રાઇમને આપી રહ્યા હતા. અહીંથી જ આ આખા સ્કેમનો અસલી ચહેરો સામે આવવાનો શરૂ થયો. એ સ્પષ્ટ થવા લાગ્યું કે આ કોઈ એક વ્યક્તિનું કામ નથી, પણ આખી ગેંગ મળીને ગેરકાયદેસર ધંધા કરી રહી છે. એક આખો ફોન હેક કરવાના 899 રૂપિયા પેમેન્ટ કરીને અમે સ્ક્રીનશોટ મોકલી દીધો. તેનો વળતો મેસેજ આવ્યો, કામ શરૂ થઈ ગયું છે. જો કે, બે મિનિટ પછી હેકરે એક સ્ક્રીનશોટ મોકલ્યો અને ચોંકાવનારો ખેલ શરૂ થયો. આ રીતે હેકરે અમને ટાર્ગેટ સામે ખુલ્લા પડી જવાની ધમકી આપી. પરંતુ તેની અસલી મોડસ ઓપરેન્ડી પણ છતી થઈ. પહેલાં ઓછી કિંમત બતાવીને ગ્રાહકને જાળમાં ફસાવવો અને પછી 'રિફંડેબલ'ના નામે મોટી રકમ માગવી. પણ હજુ ખરો ખેલ તો બાકી હતો. રિપોર્ટર: જો પેમેન્ટ રિફન્ડ જ મળવાનું હોય તો તમે પેમેન્ટ કરી દો, હું તમને 200 રૂપિયા વધારે આપી દઈશ. હેકર: ના, પહેલાં જે બેંક એકાઉન્ટમાંથી પેમેન્ટ થયું હતું તેમાંથી જ પેમેન્ટ કરવું પડશે અને રિફન્ડ પણ એ જ એકાઉન્ટમાં થશે. રિપોર્ટર: તમારા પર ભરોસો કેવી રીતે કરું? તમે ફરી કહેશો કે હજુ પેમેન્ટ કરો, નહીંતર કોડ જશે. હેકર: બેફિકર રહો, ફરીથી આવું નહીં થાય. આ એક જ વાર પેમેન્ટ કરવું પડશે. રિપોર્ટર: પણ ટાર્ગેટે કેવી સિક્યોરિટી તેના ફોનમાં રાખી છે? હેકર સીધો જવાબ આપવાને બદલે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો. રિપોર્ટરે થોડા વધારે સવાલો કર્યા એટલે હેકર ગુસ્સે થઈ ગયો હેકર: તમારે પેમેન્ટ કરવાનું છે કે નથી કરવાનું? સોફ્ટવેરમાં ખાલી 9 મિનિટનો જ સમય છે. હું સોગંદ ખાઈને કહું છું કે એક મિનિટ પછી પેમેન્ટ રિફન્ડ મળી જશે. રિપોર્ટર: મને મારા 899 રૂપિયા રિફન્ડ મળી શકશે? હેકર: ના, એ રિફન્ડ નહીં મળે. રિપોર્ટર: તમે કયું સોફ્ટવેર વાપરો છો? હેકર: લિનક્સ આ વાતચીત દરમિયાન હેકરે એક વીડિયો પણ વ્હોટ્સએપ મારફતે મોકલી આપ્યો. તેણે લખ્યું કે ‘જુઓ આ રેકોર્ડિંગ છે, જેમાં અમે એક ટાર્ગેટનો ફોન એક્સેસ કરીને આપ્યો છે.’ આ વીડિયો જોયા પછી અમે પેમેન્ટ કરવાની તૈયારી દર્શાવી. પરંતુ હવે અમે પણ એક પાસો ફેક્યો. હેકરે હેક કરેલા ફોનનો વીડિયો ડેમો સ્વરૂપે મોકલ્યો હેકરની ધમકી- ટાર્ગેટના ફોનમાં વારંવાર નોટિફિકેશન જઈ રહી છે જો 1987 રૂપિયા આપવા છતાં પણ હેકર કામ ન કરી આપે એવી સંભાવના હતી. એટલે અમે પેમેન્ટ થયાની AIથી રિસિપ્ટ બનાવીને અને તેને મોકલી આપી. હેકરનો OK મેસેજ આવી ગયો પણ ત્રણ જ મિનિટમાં તેણે અસલી રંગ દેખાડ્યો. ફરી એક સ્ક્રીનશોટ તેણે મોકલ્યો જેમાં અલગ-અલગ સમય માટેના પ્લાન લખ્યા હતા. તેણે કહ્યું કે ‘કોઈ પણ એક પ્લાન સિલેક્ટ કરો અને 4550 રૂપિયાનું પેમેન્ટ કરો. પરંતુ ચિંતા ના કરતા 4500 રૂપિયા રિફન્ડ મળશે.’ આમ, અમારી શંકા સાચી પડી. અમે ફરીથી રિસિપ્ટ બનાવી અને તેને મોકલી આપી. તેણે ફરીથી OK પણ કહી દીધું. જો કે, બે મિનિટ પછી તેના મેસેજ આવ્યા કે અગાઉના બંને પેમેન્ટની રિસિપ્ટ ફેક છે. થોડીવાર પછી હેકરે અમને ફોન કર્યો અને ધમકીના સ્વરમાં કહ્યું, ‘અમને પેમેન્ટ નથી મળ્યું અને ટાર્ગેટના ફોનમાં વારંવાર નોટિફિકેશન જઈ રહી છે, હવે જે કંઈ થાય તેમાં તમારી જવાબદારી છે.’ જો કે, નોંધવા જેવી વાત એ છે કે જે ફોન હેક કરવા માટે અમે હેકરને કહી રહ્યા હતા, અને તેના પર નોટિફિકેશન જવાનો હેકર દાવો કરતો હતો એ ફોન તો અમારી સામે જ ટેબલ પર પડ્યો હતો. તેમાં એક પણ પ્રકારની નોટિફિકેશન નહોતી આવી. જ્યારે હેકરને લાગ્યું કે હવે બાજી હાથમાંથી જઈ રહી છે, ત્યારે સોફ્ટવેર કે હેકિંગની વાતો બાજુ પર રહી ગઈ અને તેણે કાયદાકીય કાર્યવાહી અને જેલની ધમકીઓ આપવાનું શરૂ કર્યું. હેકર: જો તમે પેમેન્ટ નહીં કરો તો ટાર્ગેટનો ફોન આખો બ્લોક થઈ જશે, ફોનમાં વારંવાર નોટિફિકેશન પણ જશે અને જો ટાર્ગેટ પોલીસ ફરિયાદ કરશે તો આમાં તમને 6 વર્ષની જેલ થશે. રિપોર્ટર: પણ હેક તો તમે કરો છો, એટલે જેલ તો તમને થશે ને? હેકર: ના, મારી પાસે બધા પુરાવા છે કે આ કામ તમે મારી પાસે કરાવો છો, એટલે હું આમાં નહીં ફસાઉં... તમે ફસાશો. રિપોર્ટર: મને લાગે છે તમે હેકિંગનું કામ નથી કરતા, માત્ર પૈસા પડાવવાના ધંધા કરો છો. હેકર: ના, એવું નથી. આ છેલ્લી વાર પેમેન્ટ કરી દો, પછી તે પાછું આવી જશે. તમે મારી સાથે ગેમ કરો છો. તમે પેમેન્ટ કરતા નથી ને ખોટી રિસિપ્ટ મોકલો છો. રિપોર્ટર: બેંકમાં મારા કોન્ટેક્ટ છે. તમારો IFSC કોડ આપો અને બેંકનું નામ કહો, હું સીધું ચેક કરાવી લઉં છું. આટલું સાંભળતા જ હેકરે તરત જ ફોન કાપી નાખ્યો. જો કે ઇન્વેસ્ટિગેશનનો હજુ મહત્વનો પડાવ બાકી હતો. અમારી પાસે બે ક્યુઆર કોડ અને બે વ્યક્તિની UPI ID હતી. આ તમામ ડેટા અમે સાયબર સેન્ટર ફોર એક્સલન્સને સોંપ્યો, જેથી તેઓ પોતાના ટેકનિકલ રિસોર્સીસથી આવા ગુનેગારોને ઝડપી શકે. તેમની પ્રાથમિક તપાસમાં આ તમામ ગઠિયા રાજસ્થાનના નીકળ્યા છે. જોકે આ કેસ તપાસને આધીન હોવાથી વધારે વિગતો જાહેર કરાય એમ નથી. પણ ટૂંક સમયમાં પોલીસ દ્વારા આ રેકેટનો મોટાપાયે પર્દાફાશ થઇ શકે છે.
    Click here to Read More
    Previous Article
    MPમાં સિઝનમાં પહેલીવાર પારો 9°Cથી નીચે:રાજસ્થાન-બિહાર, છત્તીસગઢમાં વરસાદનું એલર્ટ; દિવાળીના 10 દિવસ બાદ પણ દિલ્હીની હવા ખરાબ
    Next Article
    વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોએ ₹1.25 કરોડની ઠગાઈ કરી:ડાકોરમાં મંદિર બનાવવાનું કહી રાજકોટમાં મંદિરે નિવૃત્ત શિક્ષણાધિકારીને શીશામાં ઉતાર્યા; કહ્યુ- વિદેશથી દાન આપનારને સાટાખત બતાવવું પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment