Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે માસૂમોના હૃદયના ધબકારા હવે રહેશે સુરક્ષિત:રાજકોટનાં ગંજીવાડા અને પોપટપરાના બે બાળકોના હૃદયની લાખોનાં ખર્ચે થતી અતિ જટિલ સર્જરી RBSK યોજના હેઠળ નિઃશુલ્ક કરાઈ

    7 hours ago

    ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કાર્યરત 'રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ' (RBSK) યોજના આજે રાજ્યના લાખો બાળકો માટે જીવનદાન સાબિત થઈ રહી છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો, જેઓ મોંઘીદાટ ખાનગી હોસ્પિટલોનો ખર્ચ ઉઠાવવા સક્ષમ નથી, તેમના માટે આ યોજના એક સુરક્ષા કવચ બનીને ઉભરી છે. તાજેતરમાં રાજકોટમાં આ યોજના હેઠળ બે માસૂમ બાળકોના હૃદયની અત્યંત જટિલ અને ખર્ચાળ સર્જરીઓ વિનામૂલ્યે સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. આ ઓપરેશન બાદ બંને બાળકોને નવજીવન મળ્યું છે, જેના કારણે તેમના પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં રહેતા નીલેશભાઈ મકવાણાના પરિવારમાં 9 ડિસેમ્બર 2022ના રોજ કરણ નામના બાળકનો જન્મ થયો હતો. સામાન્ય રીતે બાળકનો જન્મ પરિવાર માટે આનંદનો અવસર હોય છે, પરંતુ કરણના કિસ્સામાં જન્મજાત હૃદયની તકલીફ હોવાના સંકેતો મળતા પરિવાર ચિંતાતુર બન્યો હતો. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની મોબાઈલ હેલ્થ ટીમ જ્યારે તેમના વિસ્તારની મુલાકાતે હતી, ત્યારે તપાસ દરમિયાન તબીબોએ આ બાળકની તબિયતમાં ગંભીર ખામી હોવાનું નોંઘ્યું હતું. બાળકની પ્રાથમિક તપાસ બાદ તબીબોએ જણાવ્યું કે તેને તાત્કાલિક હૃદયની સર્જરીની જરૂર છે. આર્થિક સ્થિતિ સામાન્ય હોવાને કારણે નીલેશભાઈ માટે ખાનગી હોસ્પિટલમાં હૃદયનું ઓપરેશન કરાવવું અશક્ય જેવું હતું. આ સમયે RBSK ટીમ તેમની વહારે આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી અને RCHO ની જરૂરી મંજૂરી મેળવીને બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ ગંભીરતાને ધ્યાને રાખીને અમદાવાદની પ્રતિષ્ઠિત યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે બાળકને મોકલવામાં આવ્યો હતો. યુ.એન. મહેતા હોસ્પિટલના નિષ્ણાત હૃદય સર્જન દ્વારા સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી. આ સમગ્ર સારવારનો ખર્ચ સરકાર દ્વારા વહન કરવામાં આવ્યો હતો. આજે કરણ સંપૂર્ણ સ્વસ્થ છે અને સામાન્ય બાળકની જેમ રમી રહ્યો છે. બીજા અત્યંત જટિલ કિસ્સામાં પોપટપરા વિસ્તારમાં રહેતા પ્રદીપભાઈ અને ભૂમિબેન સીતાપરાના પુત્રને પણ આ યોજનાએ નવું આયુષ્ય આપ્યું છે. આ બાળકના જન્મ બાદ તબીબી નિદાનમાં જાણવા મળ્યું હતું કે તેના હૃદયમાં એક અત્યંત જવલ્લે જ જોવા મળતું કાણું છે, જેને તબીબી ભાષામાં 'ટેટ્રાલોજી ઓફ ફેલોટ' (Tetralogy of Fallot) કહેવામાં આવે છે. આ બીમારીમાં બાળકના હૃદયની રચનામાં જન્મજાત ક્ષતિ હોય છે, જેના કારણે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. આ માસૂમ બાળક વારંવાર બીમાર પડતું હતું, તેને સતત તાવ, શરદી અને ઉધરસનો ચેપ લાગી જતો હતો અને સૌથી ચિંતાની વાત એ હતી કે તેનું વજન વધતું નહોતું. પ્રદીપભાઈ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોવાથી સર્જરીનો ખર્ચ સાંભળીને જ ચોંકી ગયા હતા. પરંતુ આ દરમિયાન આંગણવાડીની મુલાકાતે આવેલા ડૉ. રાજવી કાનાબાર અને ડૉ. વિશાલ વાછાણીએ આ પરિવારને હિંમત આપી હતી. તેમણે પરિવારને સમજાવ્યું કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ આ ઓપરેશન વિનામૂલ્યે થઈ શકે તેમ છે. જોકે, બાળકની શારીરિક સ્થિતિ અત્યંત નબળી હોવાથી સર્જરી માટે અમુક વજન હોવું અનિવાર્ય હતું. જેને લઈ અમદાવાદની હોસ્પિટલે ઓછા વજનના કારણે જોખમ હોવાનું જણાવ્યું હતું. બાળકનું વજન વધારવા માટે આરોગ્ય વિભાગ અને આંગણવાડીની ટીમે પાયાના સ્તરે મહેનત શરૂ કરી હતી. આંગણવાડીમાં મળતા 'બાલશક્તિ' પૌષ્ટિક પેકેટમાંથી કેવી રીતે નવી નવી વાનગીઓ બનાવીને બાળકને ખવડાવવી તેનું માર્ગદર્શન માતા ભૂમિબેનને આપવામાં આવ્યું હતું. સતત દેખરેખ અને પૌષ્ટિક આહારને કારણે બાળકના વજનમાં સુધારો થયો હતો. વજન વધ્યા બાદ તેને ફરી અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો, જ્યાં તબીબોએ સફળતાપૂર્વક સર્જરી કરી હતી. મજૂર પરિવાર માટે આ એક ચમત્કાર સમાન ઘટના હતી, કારણ કે જે ઓપરેશન માટે લાખો રૂ. ખર્ચવા પડત, તે એક પણ પૈસો ખર્ચ્યા વગર સંપન્ન થયું હતું. ઉલ્લેખનીય છે કે, આ બંને કિસ્સાઓ દર્શાવે છે કે સરકારની યોજનાઓ માત્ર કાગળ પર જ નહીં, પરંતુ વાસ્તવિકતામાં ગરીબ પરિવારોના જીવનમાં અજવાળું પાથરી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની છે. રાજકોટના બંને પરિવારોએ રાજ્ય સરકાર, આરોગ્ય અધિકારીઓ અને યુ.એન. મહેતા હોસ્પિટલના તબીબોનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું કે જો આ યોજના ન હોત તો કદાચ તેમના બાળકોની સારવાર અશક્ય બની હોત. સરકારની આ લોકકલ્યાણકારી યોજનાના માધ્યમથી આજે બે માસૂમ જીવ બચી ગયા છે અને તેમના ઘરમાં ફરીથી કિલકિલાટ ગુંજી ઉઠ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવારે બોગસ એલસી રજૂ કર્યું:કલ્પનાબેન કોડેકર વિરુદ્ધ ફરિયાદ નોંધવા સૂચના; કુબેરનગર વોર્ડમાં ત્રીજા મહિલા ઉમેદવાર તરીકે જીત્યા હતા
    Next Article
    MK Stalin Loses Stronghold Kolathur To TVK's VS Babu

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment