Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અવ્યવસ્થા બાદ વહીવટી તંત્ર હવે સો. મીડિયાના સહારે:પ્રવાસીઓની નારાજગી દૂર કરવા તંત્ર દ્વારા વિદેશી પ્રવાસીઓના સુખદ અનુભવોના ઈન્ટરવ્યુ શેર કરી બ્રાન્ડિંગની કવાયત

    7 घंटे पहले

    સામાન્ય રીતે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજકીય પક્ષો, વેપારી સંસ્થાઓ કે મોટા ઉદ્યોગો પોતાના પ્રચાર અને બ્રાન્ડિંગ માટે ઇન્ફ્લુએન્સર્સની મદદ લેતા હોય છે. હવે આ જ રાહે કચ્છનું વહીવટીતંત્ર પણ ચાલ્યું છે. દિવાળી વેકેશન દરમિયાન રણોત્સવ અને કચ્છના પ્રવાસન સ્થળોએ રહેલી અવ્યવસ્થા અને ક્ષતિઓના કારણે દેશભરના પ્રવાસીઓએ સોશિયલ મીડિયા પર ‘’કચ્છ ન આવવા’’ની અપીલ કરતા વીડિયો વાયરલ કર્યા હતા. આ નેગેટિવ પબ્લિસિટીથી સફાળા જાગેલા તંત્રએ અંદાજે 20 દિવસ બાદ ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે, જેમાં વિવિધ વિભાગોની કમિટીઓ બનાવી સંકલન સાધવાની સાથે હવે સોશિયલ મીડિયા પર પ્રવાસીઓના સારા અનુભવોના વીડિયો અપલોડ કરી પોઝિટિવ માર્કેટિંગનો સહારો લીધો છે. દિવાળી વેકેશનના તહેવારોમાં કચ્છ ફરવા આવેલા દેશભરના પ્રવાસીઓને ટ્રાફિક, પ્રાથમિક સુવિધાઓના અભાવ અને અવ્યવસ્થાનો કડવો અનુભવ થયો હતો. અનેક મુસાફરોએ પોતાની વ્યથા ઠાલવતા વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા, જેમાં અન્ય પ્રવાસીઓને કચ્છ ન આવવાની સલાહ આપવામાં આવી હતી. આ ઘટનાથી કચ્છના પ્રવાસન ઉદ્યોગ અને વહીવટીતંત્રની છબીને મોટો ફટકો પડ્યો હતો. આ સમગ્ર વિવાદ બાદ અંતે બે દિવસ અગાઉ વહીવટીતંત્રની ઊંઘ ઊડી છે. તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી વિવિધ કમિટીઓની રચના કરી અધિકારીઓને ચોક્કસ જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેના ભાગરૂપે શનિવારે ખુદ ધોરડો ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતથી પ્રવાસન અને ધોરડો સાથે સીધો સંબંધ ધરાવતા PGVCL, માર્ગ અને મકાન વિભાગ (RB) તેમજ પંચાયત સહિતના તમામ વિભાગો અચાનક સક્રિય થયા છે અને મેદાનમાં ઉતર્યા છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર થયેલા નુકસાનને ભરપાઈ કરવા તંત્રએ ડિજિટલ માર્કેટિંગની વ્યૂહરચના અપનાવી છે. ખુદ કલેક્ટરના સત્તાવાર સોશિયલ મીડિયા આઈડી પરથી કચ્છ ફરવા આવેલા વિદેશી પ્રવાસીઓના સારા અનુભવોના ઇન્ટરવ્યુ, તેમજ ‘’રન ટુ ઇન્ફિનિટી’’ ( એકલ - બાંભણકા રોડ) ના આકર્ષક વીડિયો અપલોડ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જો સકારાત્મક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો, પ્રવાસનને વેગ આપવા અને નકારાત્મક છબી ભૂંસવા માટે તંત્રની આ માર્કેટિંગ પ્રક્રિયા આવકારદાયક અને સાચી દિશાની છે. જોકે, આ પ્રયાસ દિવાળી વેકેશન બાદ એટલે કે ઘણો મોડો શરૂ થયો છે. તેમ છતાં, “જાગ્યા ત્યારથી સવાર” ગણીને વહીવટીતંત્રએ પ્રવાસીઓનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે મહેનત કરવી પડી છે, તે હકીકત સ્વીકારવી રહી. ‘નેગેટિવ રિવ્યુ’ પ્રવાસન ઉદ્યોગ પર અવળી અસર પ્રવાસન ક્ષેત્રના નિષ્ણાતોના મતે, આજના ડિજિટલ યુગમાં 80% થી વધુ પ્રવાસીઓ કોઈપણ સ્થળે ફરવા જતા પહેલા ઈન્સ્ટાગ્રામ, યુ ટ્યુબ અને ફેસબુક પર તેના રિવ્યુ અને તાજેતરના વીડિયો જુએ છે. જ્યારે પ્રવાસીઓના કડવા અનુભવોના વીડિયો વાયરલ થાય છે, ત્યારે તેની સીધી અસર આગામી સિઝનના હોટલ અને ટેન્ટ સિટીના બુકિંગ પર પડે છે. આ જ કારણોસર હવે સરકારી તંત્રએ પણ પરંપરાગત જાહેરાતો છોડીને પ્રવાસીઓના લાઈવ ફીડબેક વીડિયો મૂકવાની ફરજ પડી છે. રણોત્સવ : કલેક્ટરે રિસોર્ટ અને ટેન્ટ સિટીમાં પ્રવાસીઓ સાથે સંવાદ સાધી પ્રતિભાવો મેળવ્યા કચ્છમાં આવતા પ્રવાસીઓની નારાજગી બાદ તંત્ર એક્શનમાં : કલેક્ટર સહિતનો કાફલો રણમાં ઊતર્યો રણોત્સવમાં અવ્યવસ્થા અને પ્રવાસીઓમાં વ્યાપેલી નારાજગી બાદ આખરે જિલ્લા વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. પ્રવાસીઓનો કચ્છનો અનુભવ યાદગાર બનાવવા કલેક્ટર અનિલ રાણાવસિયાએ વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સફેદ રણની મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. કલેક્ટરે પ્રવાસીઓના પ્રતિભાવો જાણ્યા હતા. રણોત્સવ કોર કમિટી સાથેની બેઠકમાં સ્ટોલ ફાળવણી, ઊંટગાડી-ઘોડાગાડી નિયમન, વોચ ટાવર પર 108 ઈમરજન્સી સહિત આરોગ્ય સેવાઓ અને વીજળી સપ્લાય અંગે માર્ગદર્શન અપાયું હતું. હયાત અને નિર્માણાધીન શૌચાલય બ્લોકની પ્રગતિ ચકાસી પાર્કિંગ-2 સહિત જરૂરિયાત મુજબ પીવાના પાણીના નવા પોઈન્ટ ઊભા કરવા સૂચના અપાઈ હતી. ભુજથી ધોરડો સુધીના રૂટ પર ટ્રાફિક નિયમન, માર્ગ મરામત અને ગુજરાત પ્રવાસન નિગમના આગામી પ્રોજેક્ટ્સની સમીક્ષા કરાઈ હતી. નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા, આરટીઓ અનિલ ગોસ્વામી, ભુજ પ્રાંત અધિકારી એમ.જે. નાકિયા, નાયબ ડીડીઓ માધુરી પટેલ, ડીવાયએસપી મનિષા દેસાઈ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરી, એસટી વિભાગીય નિયામક વિપુલ ચૌધરી સહિત મામલતદાર, RB, PGVCL, સહિતના વિભાગના અધિકારીઓ જોડાયા હતા. કલેક્ટર, DDO અને SPએ ટિકિટ-પરમિટનો જાત અનુભવ કર્યો કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ સબરસ બસ સ્ટેન્ડ ખાતે ટિકિટ તથા રણ પરમિટ બુકિંગનો જાત અનુભવ કર્યો હતો. કલેક્ટરે સબરસ પાર્કિંગની મુલાકાત લઈ વોચ ટાવર સુધીની બસ સેવા, પાર્કિંગ વ્યવસ્થા અને બીએસએફ ચેકપોઈન્ટનું નિરીક્ષણ કરી સરહદી સુરક્ષા તેમજ પોલીસ સંકલન અંગે બીએસએફ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ‘નો પ્લાસ્ટિક-નો સ્પિટિંગ ઝોન’નો કડક અમલ, દંડની સૂચના સફેદ રણની કુદરતી સુંદરતા જાળવવા ‘નો પ્લાસ્ટિક’ અને ‘નો સ્પિટિંગ ઝોન’ના જાહેરનામાના અમલીકરણ પર ભાર મુકાયો હતો. પ્રવાસીઓને જાગૃત કરવા મોબાઈલ મુવિંગ ટીમની કામગીરી ચકાસાઈ હતી. રણ વિસ્તારમાં કચરો ન ફેંકાય તેની ખાસ તકેદારી રાખવા, જરૂર જણાય ત્યાં દંડનીય કાર્યવાહી કરવા અને સફાઈ માટે સ્ટાફની ઘટ હોય તો ત્વરિત પૂરતી વ્યવસ્થા ગોઠવવા કલેક્ટરે સૂચના આપી હતી. ભુજ |પીવાના પાણી અને ખેડૂતોના પ્રશ્નો ચર્ચાયા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક પણ ધોરડોમાં મળી પ્રવાસીઓની અસુવિધા અને ભારે ભીડને પગલે તંત્ર હવે એક્શમાં આવ્યું છે. તેવામાં શનિવારે કચ્છ કલેક્ટરના અધ્યક્ષસ્થાને ધોરડો ગામે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજ તાલુકાના હાજીપીર, ભીટારા, લુણા સહિત બન્નીમાં પીવાના પાણી વિતરણની સમસ્યા અંગેના પ્રશ્નની રજૂઆત કરી હતી. કલેક્ટરએ આ પ્રશ્નને લઈને પાણી પુરવઠા વિભાગ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને તાત્કાલિક બોર નિર્માણ સહિતના વૈકલ્પિક આયોજન તેમજ લાંબા ગાળાની યોજના બનાવીને પાણી વિતરણના પ્રશ્નનું નિવારણ લાવવા સૂચના આપી હતી. આ ઉપરાંત, ધારાસભ્યએ ખેડૂતોને કુવા બનાવવા માટે બે ગુંઠા સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયામાં એનઓસીથી વિલંબ થવાના પ્રશ્નની રજૂઆત કરી હતી. કલેક્ટરએ ત્વરિત જ અરજીઓનો નિકાલ કરવા અધિકારીઓને જણાવ્યું હતું. વધુમાં બેઠકમાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં નાગરિકોને પીવાનું પાણી કોઈ જ મુશ્કેલી વગર ઉપલબ્ધ થાય એ જ વહીવટીતંત્રની પ્રાથમિકતા છે. પાણી વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા અધિકારીઓને સંકલન કરીને કામગીરી કરવા સૂચના આપી હતી.
    Click here to Read More
    Previous Article
    જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવના હસ્તે ક્લિનિકનું ઉદ્ઘાટન:પ્રાગપરમાં લીગલ એઇડ ક્લિનિક શરૂ, ગ્રામજનોને મળશે કાનૂની માર્ગદર્શન
    Next Article
    બોટાદ:પોલીસની ફરજમાં અવરોધ ઊભો કરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment