Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'માતા સીતા વોરિયર પ્રિન્સેસ હતાં, વિવાદ શા માટે?':'રામાયણ'માં સીતાનો અવાજ આપનાર ગુજ્જુ એક્ટ્રેસ અમીની ત્રાડ; કહ્યું- રણબીરને જોતાં જ બોલતી બંધ થઈ ગઈ'

    एक दिन पहले

    નિતેશ તિવારીની મેગા બજેટ ફિલ્મ 'રામાયણ'માં માતા સીતાના પાત્રને પડદા પર સાઈ પલ્લવીએ જીવંત કર્યું છે, પરંતુ તેના પાત્રનો અવાજ એક ગુજરાતી એક્ટ્રેસ અને ડબિંગ આર્ટિસ્ટ અમી ત્રિવેદીએ આપ્યો છે. આ તક અમીને કેવી રીતે મળી? સાઈ પલ્લવી સામે ડબિંગ કરતી વખતે તે કેટલી નર્વસ હતી? અને સીતાના વોરિયર સ્વરૂપને લઈને ઊભા થયેલા વિવાદને તે કેવી રીતે જુએ છે? આવા અનેક સવાલોના જવાબ અમીએ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં આપ્યા હતા. ઇન્ટરવ્યૂની શરૂઆત અને અંત 'જય શ્રી રામ'ના નાદ સાથે કરનાર અમીએ ડબિંગના પડકારો, નિતેશ તિવારીની વર્કિંગ સ્ટાઈલ, રણબીર કપૂરની રિયલ લાઈફમાં ‘રામ’ જ જેવી સાદગી અને પોતાની ગુજરાતી ફિલ્મોની સફર વિશે પણ રસપ્રદ અનુભવો શેર કર્યા હતા. ફિલ્મનો ભાગ બનવાની ઈચ્છા થઈ ને ભગવાને તે પૂરી કરી! અમી ત્રિવેદીએ જણાવ્યું કે જ્યારે 'રામાયણ' ફિલ્મની જાહેરાત થઈ ત્યારે તે એક પ્રોજેકટમાં વ્યસ્ત હતી. ન્યૂઝમાં ફિલ્મ સાથે જોડાયેલા મોટા સ્ટાર્સનાં નામ વાંચીને તેને પણ આ મેગા પ્રોજેક્ટનો ભાગ બનવાની ઈચ્છા થઈ હતી. જોકે, તેને તક મળશે એવી કોઈ ખાતરી નહોતી. ઓડિશન ચાલી રહ્યાં હતાં ત્યારે એક થર્ડ પાર્ટી તરફથી અમીને ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ મેલ વોઈસ (પુરુષના અવાજ)ના વિકલ્પો વિશે પૂછ્યું હતું. ત્યારે અમીએ સામેથી જ સવાલ કર્યો કે શું ફીમેલ વોઈસ (સ્ત્રીના અવાજ)ની જરૂર નથી? આ રીતે વાતચીત બાદ તેણે માતા સીતાના પાત્ર માટે ઓડિશન આપ્યું. ઓડિશન વખતે તેની સામે વોઈસ ઇન્ડસ્ટ્રીના બે સિનિયર અને જાણીતા આર્ટિસ્ટ બેઠા હતા. તેમને જોઈને અમીને લાગ્યું હતું કે તેની પસંદગી થવી મુશ્કેલ છે. જોકે, માઈક પર તેનો અવાજ સાંભળ્યા બાદ ડબિંગ ડિરેક્ટરે કહ્યું કે- તેનો અવાજ આ પાત્ર સાથે બરાબર મેળ ખાય છે. ત્યારબાદ સ્ટારબક્સમાં એક પ્રોફેશનલ મીટિંગ દરમિયાન જ્યારે સિલેક્શનનો મેસેજ મળ્યો ત્યારે અમીની ખુશીનો પાર રહ્યો નહોતો. તેણે કહ્યું- મારી ઈચ્છા હતી આ પ્રોજેકટનો હિસ્સો બનું અને ભગવાને તે ઈચ્છા પૂર્ણ કરી. સાઈ પલ્લવી સાથે કામ કરવાનો અનુભવ અમી માટે આ પ્રોજેક્ટનો સૌથી યાદગાર અનુભવ સાઈ પલ્લવી સાથેની મુલાકાતનો રહ્યો. અમદાવાદમાં અન્ય એક પ્રોજેક્ટનું શૂટિંગ પૂરું કર્યા બાદ અમી સવારે ફ્લાઈટમાં મુંબઈ ડબિંગ માટે પહોંચી. સ્ટુડિયો પહોંચીને તેને ખબર પડી કે ત્યાં ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારી, પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા અને એક્ટ્રેસ સાઈ પલ્લવી પણ હાજર છે. આ જાણીને અમી થોડી નર્વસ થઈ ગઈ હતી. જોકે, ડબિંગ શરૂ થાય તે પહેલાં સાઈ પલ્લવીએ તેની સાથે ખૂબ જ સહજતાથી વાત કરી હતી અને પોતાના પાત્રને લઈને થોટ પ્રોસેસ પણ શેર કર્યો હતો. અમીના જણાવ્યા મુજબ, સાઈ પલ્લવીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે- તેણે ભગવાનને પ્રાર્થના કરી હતી કે, 'મારા થકી તમારે જે કામ કરાવવું હોય તે કરાવો.' આ વાતને ધ્યાનમાં રાખી, મેં પણ એવી રીતે જ કામ કર્યું. મેડિટેશન અને ઇન્ટરમિટન્ટ ડાયટિંગ જેવી બાબતોમાં બંનેની પસંદ મળતી આવતી હોવાથી તેમની વચ્ચે શરૂઆતથી જ સારું ટ્યુનિંગ બની ગયું હતું. 'ડબિંગ એટલે માત્ર અવાજ આપવો નહીં, પાત્રને ફરી જીવવું' અમીના મતે ડબિંગ માત્ર કલાકારના અવાજ સાથે અવાજ મેળવવાની પ્રક્રિયા નથી. પડદા પર કલાકારે જે ભાવ અને લાગણીઓ સાથે પાત્ર ભજવ્યું હોય, તેને માઈક પાછળ ફરીથી જીવવું પડે છે. આ ફિલ્મમાં નિતેશ તિવારીની બારીકાઈનો પણ તેને અનુભવ થયો હતો. તેઓ નાનામાં નાની ભૂલ કે અવાજના ખોટા સૂરને પણ તરત પકડી લેતા હતા. અમીના જણાવ્યા મુજબ, અયોધ્યા છોડવાના સીનમાં સાઈ પલ્લવીની આંખોમાં આંસુ અને તૂટતા અવાજ જોઈને તે પોતે પણ ભાવુક થઈ ગઈ હતી. બીજી તરફ, જંગલના એક સીનમાં તેના અવાજમાં થોડો ડર આવી ગયો હતો. ત્યારે નિતેશ તિવારીએ તેને રોકીને સમજાવ્યું કે સીતા એક 'વોરિયર પ્રિન્સેસ' છે, એટલે તેના અવાજમાં ડર નહીં, પરંતુ બહાદુરી દેખાવી જોઈએ. સીતાના રૂપમાં શૂર્પણખા આવે છે તે સીન પણ અમી માટે પડકારજનક રહ્યો હતો. આ સીનમાં જરૂરી ભાવ વ્યક્ત કરવાની સાથે મર્યાદા જાળવવા માટે તેણે ખાસ મહેનત કરવી પડી હતી. ‘પરિવાર પણ મારો અવાજ ન ઓળખી શક્યા’ ભાઈબીજના તહેવાર પર અમીના 50 સભ્યોના સંયુક્ત કુટુંબે સાથે મળીને ફિલ્મ જોઈ હતી. પરિવારના સભ્યોએ તેના કામનાં ખૂબ વખાણ કર્યાં હતાં. જોકે, તેના દિયરે આપેલું કોમ્પ્લિમેન્ટ સૌથી યાદગાર રહ્યું. તેણે કહ્યું હતું, 'તેં બહુ સરસ કામ કર્યું છે, પણ વચ્ચે-વચ્ચે મેકર્સે સાઈ પલ્લવીનો જ અવાજ રાખ્યો છે ને?' પરિવારના સભ્યને પોતાનો અવાજ અને સાઈ પલ્લવીનો મૂળ અવાજ અલગ પાડવો મુશ્કેલ લાગ્યો હતો, એ વાતથી અમી ખૂબ ખુશ થઈ હતી. 'માતા સીતા માત્ર કોમળ નહીં, વોરિયર પ્રિન્સેસ હતાં' ફિલ્મમાં સીતાના વોરિયર સ્વરૂપ અને તેના ફાઈટ સિક્વન્સને લઈને સોશિયલ મીડિયા પર થતી ચર્ચા અંગે અમીએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેણે જણાવ્યું કે તેણે અમીશ ત્રિપાઠીનું પુસ્તક 'સીતા' વાંચ્યું છે, જેની શરૂઆત જ એક ફાઈટ સિક્વન્સથી થાય છે. તેના મતે, સીતા ધરતીપુત્રી છે અને તેમનું વ્યક્તિત્વ માત્ર કોમળતા પૂરતું સીમિત નથી. અમીના મતે, આજના સમયમાં ફિલ્મોમાં હિંસા અને અશ્લીલ ભાષાનું પ્રમાણ વધી રહ્યું છે. એવા સમયે 'રામાયણ' જેવી ફિલ્મો દ્વારા આપણા મૂળભૂત સંસ્કારો, વડીલોનાં વચનનું માન રાખવાની ભાવના અને ત્યાગ જેવા મૂલ્યોને ફરી યાદ કરાવવામાં આવે છે. આજની પેઢી અને ખાસ કરીને મહિલાઓએ પણ આ મૂલ્યોમાંથી પ્રેરણા લેવી જોઈએ. સીતા માતાના અવાજનું ડબિંગ માત્ર 2 દિવસમાં પૂરું કર્યું અમીનો મૂળ અવાજ થોડો શાર્પ છે, જ્યારે સાઈ પલ્લવીના અવાજમાં બેઝ અને થોડો ક્રેક છે. આ તફાવતને ધ્યાનમાં રાખીને અમીએ પોતાના અવાજમાં ખાસ મોડ્યુલેશન કર્યું હતું, જેથી પડદા પર સાઈ પલ્લવીના પાત્ર સાથે તેનો અવાજ સ્વાભાવિક રીતે મેળ ખાય. આટલા મોટા પ્રોજેક્ટમાં ડબિંગની પ્રક્રિયા લાંબી હશે એવું માનવામાં આવે, પરંતુ અમીએ જણાવ્યું કે તેનું કુલ ડબિંગ બે દિવસમાં અંદાજે 5થી 6 કલાકમાં પૂરું થયું હતું. રણબીર કપૂરને જોઈને 'હેલો' પણ ન બોલી શકી ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ વખતે અમીની મુલાકાત રણબીર કપૂર અને ફિલ્મના શ્રીરામ સાથે થઈ. રણબીરને સામે જોઈને તે એટલી અભિભૂત થઈ ગઈ હતી કે 'હેલો' પણ ન બોલી શકી. તેણે માત્ર પાછળથી હાથ ઊંચો કરીને અભિવાદન કર્યું હતું. રણબીરની બધા સાથે હળીમળીને રહેવાની સાદગી તેને ખૂબ ગમી. VFX જોઈને થિયેટરમાં સીટીઓ મારવાનું મન થાય! ફિલ્મના વિશાળ બજેટ અંગે વાત કરતાં અમીએ મજાકમાં કહ્યું- મને તો મારા પૈસા મળી ગયા છે, ખબર નહીં 4000 કરોડ છે કે નહીં. ઉપરાંત તેણે VFXના વખાણ કરતાં કહ્યું - 'અવતાર' અને 'ગ્રેવિટી' જેવી ફિલ્મો સાથે જોડાયેલા મેકર્સે 'રામાયણ'ના યુગને પડદા પર જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મના વિઝ્યુઅલ્સ એટલા ભવ્ય છે કે તેને જોઈને થિયેટરમાં સીટીઓ મારવાનું મન થાય છે. ફિલ્મના બીજા ભાગને લઈને પણ અમી ઉત્સાહિત છે. એટલું જ નહીં તેણે કહ્યું- હું આ તક મળી એ માટે ભગવાનની આભારી છું પણ સાથે સાથે ‘રામાયણ’માં એક રોલ કરવા ઈચ્છું છું, તો બસ એ પ્રાર્થના ચોક્કસથી કરીશ કે 2028માં પાર્ટ-2 આવે ત્યારે દર્શકો મને પણ પડદા પાછળ નહીં પડદા પર જોવે. 16 વર્ષની ઉંમરથી શરૂઆત, અનેક ગુજરાતી ફિલ્મોમાં આપ્યો અવાજ અમી ત્રિવેદીની ડબિંગની સફર આજથી નહીં, પરંતુ 16 વર્ષની ઉંમરથી શરૂ થઈ હતી. તેણે જણાવ્યું કે 16થી 23 વર્ષની ઉંમર દરમિયાન તેણે હિતેન કુમાર, નરેશ કનોડિયા અને હિતુ કનોડિયાની અનેક ગુજરાતી ફિલ્મોમાં નોન-ગુજરાતી એક્ટ્રેસ માટે ડબિંગ કર્યું હતું. ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેણે 'હેરી પોટર', 'સુપરમેન' અને ડિઝનીનાં કાર્ટૂન પાત્રો માટે પણ અવાજ આપ્યો છે. આગામી સમયમાં તે 'અંબાજી એક્સપ્રેસ' અને 'હું કોણ' (વર્કિંગ ટાઈટલ) જેવી ગુજરાતી ફિલ્મોમાં જોવા મળશે. હાલ તેણે ટેલિવિઝનમાંથી થોડો બ્રેક લઈને થિયેટર પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. માતા સીતા સામે આવે તો શું માંગશે? વાતચીતના અંતે અમીને પૂછવામાં આવ્યું કે, જો ખરેખર માતા સીતા સામે આવે તો તે તેમની પાસે શું માંગશે? તેના જવાબમાં અમીએ કહ્યું કે તે કોઈ માંગણી કરવાને બદલે માત્ર તેમનો આભાર માનશે. સાથે જ સમાજમાં સારા મૂલ્યો ટકી રહે અને લોકોમાં સંસ્કારો તથા સદભાવના જળવાઈ રહે તેવી પ્રાર્થના કરશે. ઇન્ટરવ્યૂનો અંત પણ 'જય શ્રી રામ'ના નાદ સાથે થયો હતો.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 900 અંક વધીને 83900 પર ટ્રેડિંગ:નિફ્ટીમાં 250 અંકોનો ઉછાળો; આઈટી અને બેન્કિંગ શેરોમાં સૌથી વધુ ખરીદી
    Next Article
    બાઇક પર જતો પરિવાર એસટીની અડફેટે..પિતા-પુત્ર-પુત્રી બાદ માતાનું પણ મોત:પાછળ વિલાપ કરનારું પણ કોઈ ના બચ્યું, અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઇવે પર અકસ્માતમાં 5ના મૃત્યુ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment