Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણમાં ખીલ્યું ગુલાબ:બારણું જોજે ને માથું સાચવીને આવજે, મારા દરવાજે જરા નીચો નમીને આવજે

    7 hours ago

    અમદાવાદના ડોમેસ્ટિક ઍરપોર્ટ પરથી ઊપડેલું વિમાન જ્યારે ચેન્નાઈના ઍરપોર્ટ પર ઊતર્યું ત્યારે બપોરના બાર વાગ્યા હતા. દક્ષિણ ભારતના આકાશમાંથી ઊનાળો ભરપૂર આગ વરસાવી રહ્યો હતો. થોડી વાર પછી વિમાનમાં બેઠેલા પૅસેન્જર્સ પોત-પોતાની બૅગ્સ લઈને જેટ વેમાં થઈને ઍરપોર્ટમાં દાખલ થયા, પૅસેજમાં થઈને પોતાનો મોટો સામાન લેવા માટે કન્વેયર બેલ્ટ પાસે જઈને ઊભા રહ્યા. આ ભીડમાં એક પ્રવાસી રસેન્દુ રાંદેરી નામનો પચીસેક વર્ષનો યુવાન પણ હતો. બીજાઓના મનમાં ડેસ્ટિનેશન પર પહોંચી ગયાનો આનંદ છવાયેલો હતો જ્યારે રસેન્દુના મનમાં કંઈક જુદું જ ચાલી રહ્યું હતું. રસેન્દુના પિતાનો ગાર્મેન્ટ્સનો બિઝનેસ હતો. ત્રીસેક વર્ષથી ચાલતો એમનો ધંધો ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સુધી સીમિત રહ્યો હતો. પિતા હવે પોતાના આ બિઝનેસને સાઉથનાં રાજ્યોમાં પ્રસરાવવા માગતા હતા. યુવાન દીકરા રસેન્દુને એમણે પડકાર આપતા હોય તેવી રીતે કહ્યું હતું, ‘તને ચેન્નાઈ મોકલું છું. તારા માટે અજાણ્યું શહેર છે. આપણા બિઝનેસ માટે તો સાવ જ અજાણ્યું શહેર છે. ત્યાં આપણને કોઈ ઓળખતું નથી. ત્યાંના બજારમાં ઊભા રહેવાની જગ્યા તારે ખુદ તૈયાર કરવાની છે. હોટલમાં રહેજે, બહારનું ખાજે. માલનાં સેમ્પલ્સ લઈને, કાળઝાળ ગરમીમાં રિક્ષામાં બેસીને ભટકજે, વેપારીઓને મળજે અને આપણો માલ ખરીદવા માટે કન્વિન્સ કરજે. આ તારી પહેલ-વહેલી ટ્રિપ છે. પહેલી ટ્રિપમાં જો એક જ વેપારી પાસેથી નાનો તો નાનો, એક પણ ઑર્ડર લઈ આવીશ તો હું માનીશ કે મારો ધંધો મારા દીકરાના હાથમાં સલામત છે. એક વાર તું કમાતો થઈ જા પછી તારા લગ્ન પણ...’ પિતાનાં સપનાંઓનો ભાર લઈને રસેન્દુ પોતાના સામાનની વાટ જોતો ઊભો રહ્યો. દૂરની કાળી દીવાલની આરપાર નીકળતો પીળચટ્ટો તાપ એની ચામડીને દઝાડી દેવાની જાણે રાહ જોઈ રહ્યો હતો! એના કરતાં પણ મોટી ચિંતા રસેન્દુને એ સતાવી રહી હતી કે બહાર જઈને એ કરશે શું? કોઈ સારી, સસ્તી હોટેલ શોધવી પડશે, ઘરનું ભોજન ખાવા માટે ટેવાયેલા જીભને ઇડલી, ઢોંસા અને ઉત્તપમ જમાડવા પડશે, ન આવડતી ભાષા બોલનારી પ્રજાને ભાંગી-તૂટી અંગ્રેજીમાં પોતાની વાત સમજાવવી પડશે, અહીંના સ્થાનિક વેપારીઓની અવહેલના અને અણગમો સહન કરવો પડશે અને આવા સંજોગોમાં દસ-વીસ ડ્રેસિઝનો નાનો એવો ઓર્ડર મેળવવો પડશે. જો આ બધું કરવામાં નિષ્ફળતા મળશે તો એ પિતાની નજરમાંથી નીચો પડી જશે. અને રહી વાત લગ્નની. એ તો કેવા રીતે સંભવે? અલબત્ત, પોતે દેખાવડો હતો, સંસ્કારી હતો, ગ્રેજ્યુએટ થયેલો હતો, ખાધે-પીધે સુખી માતા-પિતાનો દીકરો હતો પણ આ સુખ બાપકમાઈનું સુખ હતું, આપકમાઈનું નહીં. પરણવા માટે આપકમાઈ હોવી જરૂરી ગણાય, જો સુંદર પત્ની પ્રાપ્ત કરવી હોય તો. બાકી તો જગતમાં દરેક ડબ્બાને એનું ઢાંકણું મળી જ રહેતું હોય છે. આવા વિચારોમાં વ્યસ્ત રસેન્દુની નજરમાં એક દૃશ્ય પડ્યું. એક ત્રીસેક વર્ષની દેખાતી સ્ત્રી પરેશાનીમાં લાગી રહી હતી. એ એકલી હતી, એની કાંખમાં આઠેક મહિનાનું બાળક હતું, બીજા હાથમાં હેન્ડબેગ હતી, ખભા પર પટ્ટાવાળું પર્સ લટકતું હતું. અને આટલું ઓછું હોય તેમ એની મોટી વજનદાર બૅગ (એક અથવા એકથી વધારે) કન્વેયર બેલ્ટ પરથી આવવાની હતી. જમણાં હાથ વડે ઊંચકેલું બાળક સરકી જતું હતું, એને સંભાળવા જાય ત્યાં ડાબા ખભા પરથી પર્સનો પટ્ટો નીચે ઊતરી જતો હતો, હાથમાં રહેલી બૅગ નીચે મૂકે તો એ ચોરાઈ જવાનો ભય હતો, હેન્ડબેગમાં કિંમતી વસ્તુઓ હતી. એના ગોરા ચહેરા પર એ. સી.ની ઠંડકમાં પણ પરસેવાનાં બુંદ ઊપસી આવ્યાં હતાં. ત્યાં જ ગોળ ફરતા બેલ્ટ પરથી આવી રહેલી મોટી વજનદાર સૂટકેસ પર એની નજર પડી. એ હડબડાઈ ઊઠી. રસેન્દુની અંદર રહેલી ગુજરાતી સંસ્કારિતા એક પળમાં ઊભરી આવી. એવી જ ત્વરાથી ઊભરી આવી એની ગુજ્જુ હિંદી.‘લાવો, તુમ્હારી બચ્ચીકો મૈં ઉઠા લેતા હૂં. યે હેન્ડબેગ ભી મુઝે દે દો. વો મોટી સૂટકેસ મૈં ટ્રોલી પર રખ લેતા હૂં. તુમ આરામસે આઓ મેરે પીછે પીછે.’ રસેન્દુ જેમ બોલતો ગયો, તેમ કરતો ગયો. પેલી સ્ત્રીએ ‘હાશ’ થઇ. એણે પૂછ્યું: ‘તમે ગુજરાતી છો?’ ‘તુમકો કૈસે ખબર પડ ગઈ?’ રસેન્દુને આશ્ચર્ય થયું. સ્ત્રી હસી પડી, ‘ક્યુંકી મેરી હિંદી ભી તુમ્હારે જૈસી હી હૈ.’ બહાર આવતાં સુધીમાં સ્ત્રીએ જણાવી દીધું, ‘મારું નામ કવિતા. ચેન્નઈમાં મારાં પપ્પાનું ઘર છે. ડિલિવરી પછી હું પહેલી વાર પિયરમાં જઈ રહી છું. મને મદદ કરવા બદલ તમારો આભાર, ભાઈ. તમે ક્યાં જવાના છો?’ ‘નક્કી નથી. તમે કોઈ હોટલનું નામ આપી શકો? અને ત્યાં જવા માટે કૅબ પણ....?’ રસેન્દુએ સંકોચસહ પૂછ્યું. ‘કૅબ કરવાની શી જરૂર છે? મને લેવા માટે પપ્પાએ કાર મોકલી જ છે. તમે પણ બેસી જજો. રસ્તામાં કોઈ હોટલ આવશે તો તમને....’ કવિતાને ઋણ ઉતારવાનો સંતોષ થઈ રહ્યો હતો. રસ્તામાં હોટલ આવે તે પહેલાં જ એક મોટું બિલ્ડિંગ આવ્યું. કવિતા બોલી, ‘એ મારા પપ્પાની ઓફિસ છે. પપ્પા અને ભાઈ અત્યારે ઓફિસમાં જ બેઠા હશે. ઘરે તો રાત્રે આવશે. હું એમને ઓફિસમાં જ મળી લઉં. તમે પણ ચાલો મારી સાથે.’ બિલ્ડિંગ અને ઓફિસની ઝાકઝમાળ જોઈને રસેન્દુ ઠીંગરાઈ ગયો. શેઠ જમનભાઈએ દીકરીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. મોટાભાઈ પ્રીતમે પૂછ્યું, ‘સાથે આ ભાઈ છે એ કોણ?’ કવિતાએ ટૂંકાણમાં વાત કરી, ‘એમનું નામ તો હું નથી જાણતી પણ એ બહુ ભલા માણસ છે. આપણા ગુજરાતી જ છે. એમણે મને હેલ્પ ન કરી હોત તો આજે હું...’ ‘વાહ! ભાઈ, તમે બેસો, ચા-પાણી લીધા વગર હું જવા નહીં દઉં. તમે મારી વહાલી દીકરીને મદદરૂપ બન્યા છો. એમ જવા ન દેવાય. શું નામ છે તમારું? ચેન્નાઈમાં પહેલી વાર આવ્યા છો? કોઈ સગું-વ્હાલું છે? આવવાનું પ્રયોજન?’ રસેન્દુ શેઠજીના સવાલોના મુદ્દાસર જવાબો આપી રહ્યો હતો ત્યારે શેઠ જમનભાઈ એનો ચહેરો, આંખો અને હાવ-ભાવ વાંચી રહ્યા હતા. રેડીમેડ ગાર્મેન્ટ્સવાળી વાત સાંભળીને એ ચમક્યા, ‘હવે તમારે બીજા કોઈ વેપારીને મળવાની જરૂર નથી. અમારા પરચેઝ ડિપાર્ટમેન્ટમાં તમારી પ્રોડક્ટ્સના સેમ્પલ્સ આપી દો. હું સાંજ પહેલાં તમને એકાવન લાખના માલનો ઓર્ડર આપી દઉં છું. હોટલમાં રહેવાની જરૂર નથી. કવિતા તમને અમારા બંગલે લઈ જશે. બેટા, કવિતા, મહેમાનને સારી રીતે સાચવજે અને કિયારાને કહેજે કે મહેમાનને ગાડીમાં બેસાડીને આખું ચેન્નઈ બતાવે. મિ. રસેન્દુ, આટલું પૂરતું છે? મારી દીકરીની તકલીફના સમયે એની સાથે ઊભા રહેવાના બદલામાં હું બીજું શું કરી શકું?’ રસેન્દુ પૂરા સાત દિવસ શેઠજીના બંગલામાં રહ્યો, એમની બાવીસ વર્ષની દીકરી કિયારાની સાથે શહેરમાં હર્યો-ફર્યો, પાછો અમદાવાદ પહોંચ્યો ત્યારે એના પિતાને બેવડી ખુશીના સમાચાર આપ્યા, ‘એકાવન લાખનો ઓર્ડર લઈને આવ્યો છું અને શેઠજીની રૂપાળી દીકરીનું દિલ પણ જીતીને આવ્યો છું. પૂજ્ય પિતાજી, આટલું પૂરતું છે?’ (શીર્ષકપંક્તિ: ખલીલ ધનતેજવી)
    Click here to Read More
    Previous Article
    થેન્ક યૂ:નવા વર્ષે પંચ પ્રણ
    Next Article
    હિડન ટ્રુથ:આત્મા શરીરથી કંઇક વિશેષ છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment