Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસ્તિત્વની અટારીએથી:પ્રિ-દિવાળીનો ડિજિટલ ગોસમોટાળો...

    7 hours ago

    ભાગ્યેશ જહા છ ગનલાલ બિલકુલ તમારા જેવા જ છે! એટલે કે પ્રિ-દિવાળીના ગૃહકાર્યનો શિકાર! મનોચિકિત્સકો એવા તારણ પર આવ્યા છે કે ખરીદી અને ગૃહકાર્ય આ બંનેથી ઊભો થયેલો સ્ટ્રેસ દૂર કરવા ફટાકડા ફોડવા. મંદોદરીએ રાવણને એવું નહોતું કહ્યું કે તમારા દશે માથાં સાચવીને અંદરના રૂમમાં પંખા સાફ કરી દો કારણ કે આપણા નગરમાં રામ આવવાના છે અથવા તમારા રામ રમી જવાના છે! એવું કહેવાય છે કે દરેક યુગમાં તમારે શિરે આવનારા દુઃખના ઉપાયો તમારી આસપાસ જ હોય છે! છગનલાલ પણ પોતે સ્ક્રીન-એજર (હવે ટીન-એજરના બદલે સ્ક્રીન-એજર) હોવાથી સોશિયલ મીડિયા પરની એક જાહેરાત જોઈને થોડી શાંતિ અનુભવી! છગનલાલને પણ અનુભવે જણાયું છે કે શાંતિ સમજથી આવતી નથી પણ શાંતિ ગ્લોબલ હોય કે લોકલ ખરીદવી જ પડે છે! દિવાળીમાં તમે કોઈ હિલ સ્ટેશન પર ફરવા જાઓ કે કોઈ રિસોર્ટમાં આરામ કરવા જાઓ એ પૂરતું નથી, કારણ કે એ તો ઉત્સવોની શાંતિ છે, પણ ઉત્સવો પહેલાં કામવાળીએ બગાડેલા ઘરને સાફ કરવાનો જે સ્વચ્છતા-શ્રમનો મહિમા છે એ અનેરો અને અનોખો ગુજરાતી પ્રયોગ છે. સોશિયલ મીડિયામાં જેણે કોઈ દિવસ કંઈ ઘરકામ ન કર્યું હોય એવી એક મહિલા બોલી રહી હતી; ‘ભલે દિવાળી આવી, પણ તમારા કંટાળાનો અંત દૂર કરે તેવી એક અદભુત એપ ડેવલપ કરી છે, જે તમને પ્રિ-દિવાલી પરિશ્રમમાં મદદ કરશે!’ પછી ઘરમાં સફાઈ કરતા રોબોટનો કચરો સાફ કરતા પતિદેવોની બાજુમાં એક યુનિફોર્મમાં ઊભેલી યુવતી દેખાય છે, પંખાની નજીક પહોંચેલી યુવતી પોતાના દુપટ્ટાથી પંખાની પાંખો સાફ કરે એ સુખદ દૃશ્ય પણ દેખાતું હતું! આજે જ એપ ડાઉનલોડ કરો, પ્રિ-દિવાલી-હેલ્પ ડોમેસ્ટિક દુઃખભંજક સ્ટાર્ટ-અપ. છગનલાલ આ જાહેરાતને જ ડાઉનલોડ કરવા માંડ્યા. ક્યાંક અદૃશ્ય થઈ જાય તો! એપ શોધવા માટે, એમના મુખ પર ધીરે ધીરે કોલંબસને પણ પ્રાપ્ત નહોતી થઈ એવી જિજ્ઞાસા પ્રસરી રહી હતી. પેલી કહેવત છે ને ‘હિંમતે મર્દા તો મદદે ખુદા!’ એના જેવી જ કહેવત ખખડી રહી હતી, મગજમાં! પત્નીની મદદમાં પતિ, તો પતિની મદદમાં ટેક્નોલોજી! ઍપ ડાઉનલોડ કરી, એના અક્ષરો મોટા હોવા છતાં પણ શરતો અને બોલીઓ (ગુજરાતીમાં ટી એન્ડ સી કહેવાય છે) ન વાંચી. સીધું જ રજિસ્ટ્રેશન કરાવી લીધું. પહેલું પેમેન્ટ રૂપિયા એકસો નવાણું ભરી દીધું. એમને એમ હતું કે ફટાફટ સર્વિસ પસંદ કરશે તો બીજા દિવસે પત્નીના આશ્ચર્ય વચ્ચે જુદાં જુદાં કામ માટે, જુદાં જુદાં રૂમ માટે, જુદી જુદી છાજલીઓ માટે સફાઈ કામદારો નહીં પણ ક્લિનલીનેસ મેનેજર્સ કે હેપીનેસ હેલ્પર્સ જેવા કોર્પોરેટ હોદ્દાવાળા દેખાવમાં (માત્ર દેખાવમાં જ!) સ્માર્ટ યુવક-યુવતીઓ પોતાને આંગણે ઊભરાશે! પણ તમે આધુનિક હો એટલે સરળ ઉપાય બતાવી શકો એવું જરૂરી નથી! ઍપના પહેલા જ પાને ચાર આંકડાનો નંબર આવ્યો અને નીચે લખેલું હતું કે આ નંબર ડાયલ કરો અને જીવનને સરળ બનાવો. છગનલાલને તરસ લાગી હતી અને વૉશરૂમ પણ જવું હતું પણ સામે દેખાતા સુખને ખાતર એમને પોતાની શારીરિક સગવડોનો ભોગ આપી ચાર આંકડા ડાયલ કર્યા, એની સાથે જ એ એક ડિજિટલ ડિઝનીલેન્ડ જેવા કોઈ જુદા જ વિશ્વમાં જાગ્યા હોય એવું લાગ્યું, ‘ગુજરાતી માટે એક ડાયલ કરો, આપકી સહાયતા હિન્દી મેં ચાહિયે તો દો ડાયલ કીજીએ, ઇફ યૂ વોન્ટ આસિસ્ટન્સ ઇન ઇંગ્લિશ ડાયલ થ્રી…’ આટલું સાંભળતાં જ છગનલાલના મનમાં અનેક કસ્ટમર કેરના કારમા અનુભવોની કષ્ટભરેલી કરાલકાળયાદી કમલનયન સમક્ષ તરવા લાગી, પણ એમનો આત્મવિશ્વાસ હતો કે આ પરીક્ષાનો દિવસ છે, અને સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ ન્યાયે કપાળ પર પરસેવો વળ્યો નહોતો તેમ છતાં પણ તેમણે પોતાનું કપાળ લૂછ્યું. ફોનના સ્ક્રીન પર આવેલા ડાયલ પર એક દબાવીને પોતાનો માતૃભાષાપ્રેમ પ્રગટ કર્યો. તરત જ કેસેટ વાગી, ‘જો તમારે માત્ર ખૂણે ખૂણેથી કચરો કાઢવો હોય તો એક દબાવો, ઘરમાંથી તમામ પ્રકારની પસ્તી વેચવાની હોય અને કાઢવાની હોય તો એમાં મદદ જોઈતી હોય તો બે દબાવો, જો કચરા સાથે પોતું પણ કરાવવું હોય તો ત્રણ દબાવો, પંખા અને બાકીનું બધું ફર્નિચર સાફ કરાવવું હોય તો ચાર દબાવો, બધા જ કાચ લૂછવાના હોય તો પાંચ દબાવો અને આ બધું જ કરાવવું હોય તો છ દબાવો.’ ઉત્સાહમાં છગનલાલે છનું બટન દબાવ્યું. ફરીથી પ્રશ્ન આવ્યો, ‘આભાર, જો તમે પત્ની હો તો એક દબાવો અને પતિ હો તો બે દબાવો.’ છગનલાલે બેનું બટન દાબ્યું, એટલે ફરી પ્રશ્ન આવ્યો, ‘તમારા પત્નીના સ્વભાવ બાબતમાં પ્રામાણિક ઉત્તર આપો, અમારી ટીમ કામ કરતી હોય ત્યારે તમારા પત્ની કચકચ કરવાના હોય તો એક દબાવો, અમને દર બે કલાકે ચા-નાસ્તો આપવાના હો તો બે દબાવો, તમારાં પત્ની ગરોળીથી ડરતા હોય તો ત્રણ દબાવો અને તમે તમારી પત્નીથી ડરતા હો તો ચાર દબાવો. ડર લાગવાના કિસ્સા હોય તો નીચેની નિશાની પર વિડીયો અપલોડ કરો.’ છેલ્લે છગનલાલે વિડીયો અપલોડ કર્યો જેમાં જાડી ગરોળી, કર્કશ ચીસ, પુરુષના રડવાનો અવાજ અને ફૂટેલા ફટાકડાની કરચો એડિટ કરી ઉમેરી.
    Click here to Read More
    Previous Article
    સુખની શોધ:કર્મથી આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ
    Next Article
    ત્રિપિટકાચાર્ય મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન:ભારતમાં બૌદ્ધધમ્મ અને પાલિ સાહિત્યના પુનર્જાગરણ માટે દુર્લભ ગ્રંથો શોધનાર પ્રખર સાધક-વિદ્વાન

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment