Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રિપિટકાચાર્ય મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન:ભારતમાં બૌદ્ધધમ્મ અને પાલિ સાહિત્યના પુનર્જાગરણ માટે દુર્લભ ગ્રંથો શોધનાર પ્રખર સાધક-વિદ્વાન

    7 hours ago

    ડૉ. હરપાલ બૌદ્ધ બૌ દ્ધજગતમાં મહાપંડિત રાહુલ સાંકૃત્યાયનનું નામ મુઠ્ઠી ઊંચેરું છે. ભારતમાં બૌદ્ધધમ્મ અને પાલિ સાહિત્યના પુનરુત્થાનમાં ‘ભિક્ખુત્રયી’નું બહુ મોટું યોગદાન છે – પંડિત રાહુલ સાંકૃત્યાયન, ભિક્ખુ જગદીશ કાશ્યપ અને ભદંત આનંદ કૌસલ્યાયન. આ સાથે અનાગારિક ધમ્મપાલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, દલાઈ લામા અને આચાર્ય સત્યનારાયણ ગોયંકાનું પણ વિશેષ યોગદાન રહેલું છે. પંડિત રાહુલ સાંકૃત્યાયનનો જન્મ 9 એપ્રિલ, 1893માં ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના ‘પંદહા’ ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. બાળપણનું નામ ‘કેદારનાથ’ હતું. બાળપણથી જ કેદારનાથનો સ્વભાવ ઘુમક્કડ હતો. 13 વર્ષની ઉંમરે તેમણે ઘર છોડ્યું હતું અને નાની વયમાં તેમણે કોલકાતા, બનારસથી લઈને હિમાલય સુધી સાહસિક પ્રવાસ કરી લીધો હતો. સંસ્કૃતના અધ્યયન માટે તેઓ બનારસ ગયા. સંસ્કૃત સાથે તેમણે અંગ્રેજી અને ઉર્દૂનું ઊંડું અધ્યયન કર્યું. 1912માં તેઓ બિહારના સારન જિલ્લામાં પરસાના મહંતના શિષ્ય બન્યા અને રામોદર દાસ નામ ધારણ કર્યું. અહીંના વૈભવી ઠાઠમાઠથી મન અશાંત બનતાં મઠ છોડી દીધો. ત્યારબાદ તેઓ દક્ષિણ ભારત ગયા અને તમિલ ભાષા શીખી લીધી. પછી આગ્રા પહોંચી આર્યસમાજની સંસ્થામાં રહીને અધ્યયન શરૂ રાખ્યું. આ પછી તેઓ લાહોરની ડી. એ. વી. કોલેજના સંસ્કૃત વિભાગમાં જોડાયા અને આર્યસમાજની વિચારધારાથી પ્રભાવિત થયા. આર્યસમાજી પંડિત કાલીચરણના સંપર્કમાં આવી આર્યસમાજી બન્યા. અહીં તેમણે સંસ્કૃત, અરબી, ફારસી, ઉર્દૂનો અભ્યાસ કર્યો. તેઓ શાસ્ત્રાર્થમાં નિપુણ બન્યા અને અનેક વિદ્વાનોને પરાજિત કર્યા. માનસિક શાંતિ ન મળતાં તેમણે આર્યસમાજ પણ છોડી દીધો. 1917માં લખનઉ ખાતે પૂજ્ય બૌદ્ધ ભિક્ખુ બોધાનંદ સાથે સંપર્કમાં આવ્યા, જેનાથી જીવનમાં નિર્ણાયક વળાંક આવ્યો. મહાથેર બોધાનંદ સાથેના સંવાદથી બૌદ્ધધમ્મનો પરિચય થયો અને વધુ જાણવાની જિજ્ઞાસા દૃઢ બની. 1920માં 27 વર્ષની વયે તેઓ પ્રથમ વાર લુંબિની ગયા જ્યાં તથાગત બુદ્ધનો જન્મ થયો હતો. આ પછી બોધગયા, સારનાથ અને કુશીનગર ગયા. રાજગીર, નાલંદા અને શ્રાવસ્તી જેવાં બૌદ્ધ ઐતિહાસિક સ્થળોની ધમ્મયાત્રા કરી. તેમણે આ ધમ્મયાત્રાનું ભાવપૂર્ણ અને કાવ્યાત્મક ભાષામાં આલેખન કર્યું છે. 1926માં તેઓ લદ્દાખના જોખમી માર્ગે કાશ્મીર થઈને લેહ પહોંચ્યા અને વિવિધ બૌદ્ધ વિહારોની મુલાકાત લીધી. જ્ઞાન અને શાંતિની શોધ તેમને ભગવાન બુદ્ધ અને બૌદ્ધધમ્મ તરફ દોરી ગઈ. આજીવન બૌદ્ધ ભિક્ખુ અને ઉપાસક બની તેમણે ભારતમાં બૌદ્ધધમ્મને પુનઃસ્થાપિત કર્યો. આ શોધ તેમને શ્રીલંકા, તિબેટ, ચીન, બર્મા તરફ દોરી ગઈ. શ્રીલંકાના પ્રસિદ્ધ ‘વિદ્યાલંકાર પરિવેણ વિહાર’માં સંસ્કૃત ભણાવવા મહાબોધિ સોસાયટી દ્વારા તેમને મોકલવામાં આવ્યા. 16 મે, 1927ના રોજ તેઓ વિદ્યાલંકાર પરિવેણમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે નિયુક્ત થયા. અધ્યાપન સાથે પાલિ ભાષા અને પાલિ સાહિત્યનો વિશદ અભ્યાસ કર્યો તેમજ સમગ્ર પાલિ ત્રિપિટકમાં નિપુણતા મેળવી. પાલિ સાહિત્યના અધ્યયને તેમનું જીવન બદલી નાખ્યું. ‘વિદ્યાલંકાર પરિવેણ’ના બૌદ્ધ આચાર્ય પાસે બૌદ્ધધમ્મની દીક્ષા લીધી, ધમ્મમાં પ્રવ્રજિત થયા અને ‘રાહુલ’ નામ ધારણ કર્યું. વિદ્યાલંકાર પરિવેણ દ્વારા તેમને ‘ત્રિપિટકાચાર્ય’ની ઉપાધિથી વિભૂષિત કરવામાં આવ્યા. શ્રીલંકાવાસ દરમિયાન સિંહલી ભાષા શીખી અને હિન્દીમાં એક પુસ્તક પણ લખ્યું. વસુબંધુની પ્રસિદ્ધ કૃતિ ‘અભિધમ્મકોશ’ પર સંસ્કૃતમાં ટીકા રચી. ત્યારબાદ નેપાળ થઈને દુર્ગમ તિબેટ તરફ પ્રયાણ કર્યું. પગપાળા તથા ખચ્ચર પર સવાર થઈ 19 જુલાઈ, 1929ના રોજ તિબેટની રાજધાની લ્હાસા પહોંચ્યા. દલાઈ લામા માટે સંસ્કૃતમાં 151 છંદો રચી, તેનો તિબેટી ભોટ ભાષામાં અનુવાદ કરી સુંદર હસ્તલિપિમાં પહોંચાડ્યો. તિબેટમાં બૌદ્ધ ગ્રંથોનો અભ્યાસ કરી 16,000 ભોટ શબ્દોનો સંગ્રહ નાની કાપલીઓ પર કર્યો અને નેપાળી તથા સંસ્કૃતમાં અનુવાદ કર્યો. એકત્ર કરેલી પાંડુલિપિઓ, ચિત્રો અને અન્ય ગ્રંથો 22 ખચ્ચરો પર લાદી મંગોલ ભિક્ખુ ધર્મકીર્તિ સાથે 24 એપ્રિલ, 1930ના રોજ લ્હાસાથી ભારત તરફ રવાના થયા. 39 દિવસની દુષ્કર મુસાફરી બાદ કાલિમપોંગ, કોલકાતા થઈ શ્રીલંકા પહોંચ્યા. વિનય અને સૂત્રના 108 ખંડોયુક્ત કંજૂર અને અભિધમ્મના 125 ખંડોયુક્ત તંજૂર ઉપરાંત 1,619 તિબેટી પાંડુલિપિઓ અને ચિત્રો સાથે લાવ્યા. આ અણમોલ ભંડોળ તેમણે પટના સંગ્રહાલયને અર્પણ કર્યું. તે ‘કાશીપ્રસાદ જાયસવાલ’ વિભાગમાં સચવાયેલું છે. 1930માં તેમનો પ્રથમ ગ્રંથ ‘બુદ્ધચર્યા’ પ્રકાશિત થયો. પાલિ ગ્રંથોનો હિન્દીમાં અનુવાદ કર્યો. રાહુલ સાંકૃત્યાયન, ભદંત આનંદ કૌસલ્યાયન અને ભિક્ખુ જગદીશ કાશ્યપ – આ ‘ભિક્ખુત્રયી’ તથા અનાગારિક ધમ્મપાલ અને મહાબોધિ સોસાયટીના પ્રયાસોથી ધમ્મપદ, મજ્ઝિમ નિકાય, ઉદાન, સુત્તનિપાત, જાતક અને મિલિન્દ-પન્હ ગ્રંથો હિન્દીમાં સુલભ બન્યા. અનુસંધાન પાના નં: 6 પર... ત્રિપિટકાચાર્ય મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન 1934થી 1938 દરમિયાન તેઓ પુનઃ ત્રણ વાર તિબેટ ગયા. જાપાન, કોરિયા, સોવિયેત રશિયા અને ઈરાન પણ ગયા. તિબેટમાંથી અન્ય 20 બૌદ્ધ ગ્રંથો લાવ્યા અને સંપાદન-પ્રકાશન કર્યું. ધૂળ ભરેલા ઓરડાઓમાંથી પ્રમાણવાર્તિકભાષ્યની પૂર્ણ પાંડુલિપિ, પ્રમાણવાર્તિકના પ્રથમ અધ્યાયની ઉપ-ટીકા અને આચાર્ય અસંગ રચિત ‘યોગાચારભૂમિ’ની સંપૂર્ણ પ્રત શોધી કાઢી. 1937માં ‘લેનિનગ્રાડ યુનિવર્સિટી’માં 17 નવેમ્બર, 1937થી 13 જાન્યુઆરી, 1938 સુધી સંસ્કૃતનું અધ્યાપન કરાવ્યું. ભારતમાં પરત ફરી 1938 પછી કિસાન આંદોલનમાં જોડાઈ જેલવાસ ભોગવ્યો. ફેબ્રુઆરી, 1940માં ‘મોતીહારી કિસાન સંમેલન’ના અધ્યક્ષ બન્યા અને ભાષણના આરોપસર ફરી જેલ થઈ. તેમનું પુસ્તક ‘વોલ્ગાથી ગંગા’ 20 ઐતિહાસિક વાર્તાઓનો સંગ્રહ છે. ‘માનવ સમાજ’માં માનવતાની પ્રગતિનું ઐતિહાસિક વિવરણ છે. તેમણે જીવન-વૃત્તાંત પાંચ ખંડમાં લખ્યો છે. ‘બૌદ્ધ સંસ્કૃતિ’માં દેશ-વિદેશમાં બૌદ્ધ સંસ્કૃતિના વિકાસનો ચિતાર આપ્યો છે. ‘વિનય પિટક’નો હિન્દી અનુવાદ કરી ભિક્ખુ-ભિક્ખુણીઓની આચારસંહિતા પ્રગટ કરી. તેઓ અસાધારણ બુદ્ધિજીવી, ચિંતક, દાર્શનિક, પ્રજ્ઞા-કરુણાના માર્ગી ભિક્ખુ, ઇતિહાસકાર, પુરાતત્ત્વવિદ, ભાષાવિદ, સ્વાતંત્ર્ય સેનાની અને સાહિત્યકાર હતા. હિન્દી, સંસ્કૃત, ઉર્દૂ, ફારસી, તિબેટી, ચીની, રશિયન સહિત અનેક ભાષાઓના જાણકાર હતા. તેમણે 150થી વધુ પુસ્તકો રચ્યાં. મહાપંડિતે 14 એપ્રિલ, 1963ના રોજ દાર્જિલિંગ ખાતે અંતિમ શ્વાસ લીધા. પાલિ સાહિત્યની સેવા કાજે તેઓ સદા અવિસ્મરણીય રહેશે.
    Click here to Read More
    Previous Article
    અસ્તિત્વની અટારીએથી:પ્રિ-દિવાળીનો ડિજિટલ ગોસમોટાળો...
    Next Article
    વિચારોના વૃંદાવનમાં:પ્રત્યેક સવારે ઊગતો સૂરજ એટલે જિંદગીની કોરી સ્લેટ પર નવો અવસર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment