Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસ્મય:વહ કૌન થી: ‘કાફે ડી પેરિસ’ની એ મુલાકાત અડીખમ હિઝબુલ્લાહની ઘોર ખોદવામાં નિમિત્ત બની

    1 day ago

    ધૈવત ત્રિવેદી કાળા નાગને ઘોંચપરોણા કરવાની ટેવ હોય તો તેના ડંખથી દૂર રહેવાના કરતબ પણ આવડવા પડે. હિઝબુલ્લાહે એક પછી એક ચોંટિયા તો ભરી લીધા, પણ ઝેરીલું ઈઝરાયેલ ગમે ત્યારે ડંખ મારી દેશે એનો ફડકો એવો બેસી ગયો કે હસન નસરલ્લાહ સતર્કતા અને શંકાશીલતા વચ્ચેનો ભેદ વિસરી ગયો. તેણે નિયમિત રીતે હિઝબુલ્લાહની કેડર બદલવા માંડી. દરેક સહયોગીને એ ઈઝરાયેલનો જાસૂસ હોવાનું માનીને સતત કસોટી કરતો રહે. પોતે ભાગ્યે જ ક્યાંય જાહેરમાં દેખાય. સતત ભૂગર્ભમાં જ રહે અને વિડીયો મેસેજથી અન્યો સાથે સંપર્ક કરે. એ દરમિયાન 1 નવેમ્બર, 2023ના રોજ એક ઘટના બની. હિઝબુલ્લાહના ટોચના નેતા મહમ્મદ રાદનો દીકરો અબ્બાસ દક્ષિણ લેબેનોનના બેત યાહુન શહેરના તેના પિતાના ગુપ્ત નિવાસસ્થાને પહોંચ્યો. મહમ્મદ રાદ અહીં રહે છે એવી માહિતી આંગળીના વેઢે ગણાય એટલા લોકોનેય ન હતી. અબ્બાસે પિતાના ગુપ્ત નિવાસે પહોંચીને પોતાની ગર્લફ્રેન્ડને ફોન કર્યો અને કહ્યું કે હું હાલ અહીં છું એટલે મળી નહીં શકું. એ પછી થોડીવારમાં અબ્બાસ તો ત્યાંથી નીકળી ગયો, પણ અડધી જ કલાકમાં મિસાઈલ હુમલો થયો અને આખી ઈમારત ફૂંકાઈ ગઈ એમાં મહમ્મદ રાદ પણ માર્યો ગયો. હિઝબુલ્લાહના પ્રોટોકોલ મુજબ દરેક હુમલા પછી સઘન છાનબીન થાય. પરિવારજનો, હુમલાના સ્થળે આવ-જા કરનારા લોકોની પૂછપરછ થાય, નિવેદનો લેવાય. એ નિવેદનોની ઝીણવટભરી ચકાસણી થાય અને હુમલો કેમ થયો, સુરક્ષામાં ક્યાં કચાશ રહી ગઈ તેની નોંધ હસન નસરલ્લાહ સુધી પહોંચે. ઈઝરાયેલ જેવા માતેલા દુશ્મન સામે ટક્કર લેવી હોય તો આટલી સતર્કતા રાખવી જ પડે. તો પણ આ એક ઘટનાથી હિઝબુલ્લાહને ખબર પડી ન હોત. પરંતુ રાદને ફૂંકી માર્યો તેના એક મહિના પછી લગાતાર એવી ત્રણ-ચાર ઘટના બની. જાન્યુઆરીમાં સાલેહ અલ સહુરી, વિસ્સામ અલ તવિલ જેવા કમાન્ડરોના ભૂગર્ભ નિવાસ સુધી ઈઝરાયેલની મારકણી મિસાઈલો પહોંચી ગઈ. એ દરેક ઘટનાની છાનબીનમાં એક વાત સામાન્ય હતી. દરેક કિસ્સામાં કમાન્ડરે યા તો પરિવારજને અથવા તો કોઈ નિકટના સાથીદારે ફોન પર કોઈકને સહજ ક્રમમાં જ ઠેકાણા વિશે અને ત્યાં કમાન્ડરની હાજરી વિશે કહ્યું હતું. શિયાળવા જેવા શંકાશીલ હસન નસરલ્લાહને ચેતી જવા માટે આટલું પૂરતું હતું અને તેની શંકા સાચી જ હતી. ઈઝરાયેલે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને હિઝબુલ્લાહના ટોચના નેતાઓ, તેમના સગાંસંબંધીઓના સ્માર્ટ ફોનનો સાઈબર પીછો શરૂ કર્યો હતો. મોબાઈલ ફોન તેના નેટવર્ક ટાવર સાથે સતત જોડાયેલો રહેતો હોય. સ્થળાંતર દરમિયાન મોબાઈલ ફોન સેલ્યુલર નેટવર્કના ટાવરો બદલતો રહે અને સ્થિર સ્થિતિમાં એક જ ટાવર સાથે જોડાયેલો હોય. ઈઝરાયેલના સાઈબર ખેરખાંઓએ હિઝબુલ્લાહના ટોચના કમાન્ડરોના મોબાઈલ લોકેશન પર નજર રાખવા માંડી. નેટવર્કના આધારે જે સ્થાન શંકાસ્પદ લાગે તેને રેડ ઝોનમાં અંકિત કર્યું અને તેની સ્થાનિક જાસૂસી શરૂ કરી. સાઈબર સર્વેલન્સ અને સ્થળ સંબંધિત વાસ્તવિક બાતમીનો તાળો મળે એટલે ઈઝરાયેલની મિસાઈલ વછૂટે અને રેડ ઝોનને કાટમાળના ઢગલામાં ફેરવી નાખે. ઈઝરાયેલની મોડસ ઓપરેન્ડી સમજાયા પછી હસન નસરલ્લાહે ફેબ્રુઆરી, 2024માં એક વિડીયો સંદેશ મારફત ફરમાન જાહેર કરીને હિઝબુલ્લાહના સમગ્ર નેટવર્કમાં મોબાઈલ ફોનના ઉપયોગની પાબંદી ફરમાવી દીધી. મોબાઈલ ફોનનો વપરાશ બંધ કરવો હોય તો પરસ્પર સંપર્ક કેવી રીતે જાળવવો? આસાનીથી ટેપ થઈ શકતા લેન્ડલાઈન ટેલિફોન પર તો નસરલ્લાહને પહેલેથી જ ભરોસો ન હતો. હિઝબુલ્લાહની હાઈટેક એડવાઈઝરી કમિટીની સલાહ પછી સંગઠન માટે પેજરનો ઉપયોગ નક્કી કરાયો. મોબાઈલ ફોનના આગમન પહેલાં કેટલોક સમય પેજર દુનિયાભરમાં ભારે ચલણી બન્યા હતાં. ચશ્માંના ઘરથી નાનકડા કદના પેજર પર સંપર્ક કરવા માટેની પદ્ધતિ આજે તો અજાયબ લાગે એવી હતી. લેન્ડલાઈન ફોન વડે પેજર નંબર પર ફોન કરો એટલે એ કોલ સેન્ટરમાં જાય. ત્યાં તમે મેસેજ લખાવો એટલે કોલ સેન્ટર એ મેસેજ પેજરને મોકલે. પેજર જેની પાસે છે તેને વાઈબ્રેશન કે રિંગ વડે નોટિફિકેશન મળે અને એ રીતે તે મેસેજ મેળવે. આમાં ક્યાંય મોબાઈલનું પગેરું પકડનારું સેલ્યુલર નેટવર્ક ન હતું. આમાં કશે લેન્ડલાઈન ફોન માફક ટેપિંગ પણ થઈ શકતું ન હતું. કોલ સેન્ટરને સાધો તો મેસેજ ચોક્કસ જાણી શકાય, પણ એથી શું ફરક પડે, પેજરધારકનું લોકેશન તો નથી જ મળવાનું. આ સઘળા ફાયદા હોવાથી હિઝબુલ્લાહે મોબાઈલના સ્થાને પેજરને અપનાવવાનું નક્કી કર્યું. હિઝબુલ્લાહ પોતાના સમગ્ર નેટવર્કના મોબાઈલ તોડાવી, છોડાવીને (યાદ રહે, હિઝબુલ્લાહના લડાકુઓએ શબ્દશઃ પોતાના મોબાઈલ તોડતાં વિડીયો બનાવ્યા હતા) પેજર અપનાવવા માગતું હોય તો હજારોની સંખ્યામાં પેજર ખરીદવા પડે. એ માટે પેજર કંપની ભરોસાપાત્ર હોવી જોઈએ. નિયમિત જરૂર પડવાની હોવાથી જથ્થાબંધ ભાવનો ફાયદો પણ મળવો જોઈએ. હિઝબુલ્લાહની ટેક્નિકલ ટીમે પેજર બનાવતી ચાર-પાંચ કંપનીઓનો સઘન અભ્યાસ કર્યો પરંતુ આધુનિક ટેક્નોલોજી છોડીને પેજર જેવી આઉટડેટેડ ચીજ અપનાવવામાં સૌને છોછ હતો અને સલામતીનો ભરોસો પણ ન હતો. એ દરમિયાન એક એવી મુલાકાત ગોઠવાઈ જેને લીધે હસન નસરલ્લાહે પેજરના ઉપયોગ વિશે આખરી મત્તુ મારી જ દીધું. સતત અરાજકતા અને હિંસાથી ઘેરાયેલા બૈરુતમાં એક ખૂણો એવો હતો જે બાકીના બૈરુતથી ખાસ્સો અલગ પડે. અહીં બૈરુતમાં કાર્યરત વિદેશી કંપનીઓના અધિકારીઓ માટે યુરોપીય વાતાવરણ મુજબના જૂના ફ્રેન્ચ કાફે જોવા મળે. લેબેનિઝ યુવાઓ માટે પણ આ સ્થળોનું આકર્ષણ ઘણું. હિઝબુલ્લાહના કમાન્ડરો પણ ઘણી વખત થોડા સુકૂન માટે અહીં મીટિંગ ગોઠવતા હોય. હવે તમારી નજરનો કેમેરા નવી જગ્યાએ સ્થિર કરો. વર્ષ 2023ના ડિસેમ્બર મહિનાનો કોઈ એક દિવસ. સાંજના સમયે ડાઉનટાઉન બૈરુતના ‘ફોશ એલેનબી’ વિસ્તારની ‘કાફે ડી પેરિસ’ કોફી શોપમાં રોજની જેમ ધીમા અવાજે મોઝાર્તની સિમ્ફની વાગી રહી છે. મધ્યમ રોશની વચ્ચે કેટલાક વિદેશીઓ, કેટલાક લેબેનિઝ બિઝનેસમેન કોફીની ચુસ્કી લેતાં ધીમા અવાજે વાતો કરી રહ્યા છે. લેબેનોનમાં કામ કરતા વિદેશીઓ અને વિદેશી કંપનીઓ સાથે કામ કરી રહેલા લેબેનિઝમાં આ સ્થળ બહુ જ લોકપ્રિય હતું. અહીં ફ્રેન્ચ વાનગીઓ, ફ્રેન્ચ તહેઝીબથી ધીમે ધીમે ઊકળતાં પાણીમાં સ્વાદ ભેળવતાં કોફી બીન્સ અને ફ્રેન્ચ મ્યુઝિકનું બેન્ડ લેબેનોનની કાયમી અરાજકતાથી દૂર એક નવતર વિસામો આપનારું હતું. દૂર ખૂણાના ટેબલ પર બેસીને પાંત્રીસેક વર્ષની એક મહિલા અને એક ફૂટડો યુવાન વાતોમાં મશગૂલ છે. ટેબલ પર પડેલાં કેટલાંક પેજર્સ વિશે એ મહિલા તેને સમજાવી રહી છે અને યુવાન પણ બહુ રસપૂર્વક પેજરનાં ફીચર્સ તેમજ એક એક પૂર્જાને ધ્યાનપૂર્વક અવલોકી રહ્યો છે. મોબાઈલનો ઉપયોગ બંધ કરવાના આદેશ પછી પેજર સૌથી શ્રેષ્ઠ વિકલ્પ બની શકે એવું અમેરિકામાં સોફ્ટવેર એન્જિનિયરિંગ ભણેલો એ યુવાન ભારપૂર્વક માની રહ્યો છે. ‘કાફે ડી પેરિસ’ ખાતે એ મહિલા સાથેની મીટિંગ પછી એ યુવાને પેજર વિશે એક પ્રેઝન્ટેશન તૈયાર કર્યું અને પોતાના વડાઓ સમક્ષ રજૂ કર્યું. એ પ્રેઝન્ટેશન નસરલ્લાહ સુધી પહોંચ્યું અને અત્યંત પ્રભાવિત થઈને તેમણે આદેશ કરી દીધોઃ ‘ગોલ્ડ એપોલો કંપનીનાં 5000 પેજર આપણે ખરીદીએ છીએ. હવેથી હિઝબુલ્લાહ સંગઠન દરેક સ્તરે પેજર જ વાપરશે.’ નસરલ્લાહને પેજર માટે સંમત કરનાર એ યુવાનનું નામ વાહેદ અલ ઝરાર. હિઝબુલ્લાહની ટેક ટીમનો એ ખંતીલો એન્જિનિયર અમેરિકાથી સોફ્ટવેર એન્જિનિયરિંગ ભણીને હિઝબુલ્લાહ સાથે જોડાયો હતો. તેના પિતા શમ્સ અલ ઝરાર હિઝબુલ્લાહના એકાઉન્ટિંગ યુનિટ સાથે સંકળાયેલા હતા. વાહેદ પણ વિચારધારા પ્રત્યે પૂરો સમર્પિત, એમાં કોઈ શંકા નહીં. છતાંય હિઝબુલ્લાહે પદ્ધતિ મુજબ વાહેદને અનેક ગાળણે ગાળ્યા પછી સંગઠનમાં જવાબદારી આપી હતી. ‘કાફે ડી પેરિસ’ ખાતે વાહેદની જેની સાથે મુલાકાત થઈ એ મહિલાનું નામ ટેરેસા વૂ. પેજર બોમ્બની સમગ્ર કહાનીનું એ સૌથી ભેદી પાત્ર હતું, જેની વાહેદને ત્યારે કશી ખબર ન હતી. વધુ આવતા રવિવારે
    Click here to Read More
    Previous Article
    સ્ટ્રેઇટ ડ્રાઇવ:જોન્ટી રોડ્સ: વાઈના હુમલા વચ્ચે ગ્રાઉન્ડ ગજવતો સાઉથ આફ્રિકન ચિત્તો
    Next Article
    સફર:વિશ્વભરની રોડ ટ્રિપના વિકલ્પ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment