Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લક્ષ્યવેધ:સાચી દિશા, સારું પરિણામ

    6 hours ago

    સિ વિલ સર્વિસિસની પરીક્ષા પણ એક લાંબી સાધના છે. અહીં માત્ર બુદ્ધિ કે સ્મરણશક્તિની કસોટી થતી નથી; માણસ કેટલો ધીરજવાન છે, પોતાની ભૂલોને કેટલી નિખાલસતાથી સ્વીકારી શકે છે અને નિષ્ફળતા પછી પોતાની જાતને કેટલી નવેસરથી ઘડી શકે છે તેની કસોટી થાય છે. 2023ની સિવિલ સર્વિસિસ પરીક્ષામાં સફળતા મેળવનાર નીરજ ધાકડની સફર આ જ સંઘર્ષની વાત કહે છે. મધ્ય પ્રદેશના મુરેના જિલ્લાના ધૌધા ગામમાં નીરજનો જન્મ થયો. પિતા મોહરપાલ ધાકડ પ્રાથમિક શાળાના શિક્ષક. ગામની સરકારી શાળામાં સાતમા ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી આગળનું શિક્ષણ ગ્વાલિયરમાં મેળવ્યું. હિન્દી માધ્યમમાં ભણેલા નીરજ માટે અંગ્રેજી શરૂઆતમાં એક મોટો પડકાર હતો. હાઈસ્કૂલમાં ગણિત વિષય સાથે અભ્યાસ કર્યો હોવાથી આઈ. આઈ. ટી.ની તૈયારી માટે કોટા જવાની ઇચ્છા હતી. પરંતુ જીવન હંમેશાં આપણી યોજનાઓ પ્રમાણે ચાલતું નથી. ડિસેમ્બર, 2014માં એક અકસ્માતમાં મોટા ભાઈનું અવસાન થયું. પરિવાર પર આવી પડેલી આ આફતે નીરજની પ્રાથમિકતાઓ બદલી નાખી. કોટા જવાનો વિચાર પડતો મૂક્યો. ગ્વાલિયરમાં ઇતિહાસ, રાજનીતિશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર સાથે સ્નાતકનો અભ્યાસ કર્યો. વર્ષ 2017માં સિવિલ સર્વિસિસમાં જવાનું સ્વપ્ન લઈને દિલ્હી પહોંચ્યા. એ પછી શરૂ થઈ એક એવી યાત્રા, જેમાં મહેનત કરતાં વધુ મહત્ત્વનું હતું મહેનતને યોગ્ય દિશા આપવાનું શીખવું. 2019 અને 2020ના પ્રથમ બે પ્રયાસોમાં પ્રીલિમિનરીની પરીક્ષામાં સફળતા મળી નહીં. 2022માં લગભગ 59 માર્ક્સ મળ્યા, જ્યારે ઉત્તીર્ણ થવા માટે લઘુત્તમ 66 માર્ક્સ જરૂરી હતા. આ નિષ્ફળતાએ એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કર્યો: શું માત્ર વધુ મહેનત કરવાથી સફળતા મળશે કે મહેનત કરવાની રીત પણ બદલવી પડશે? આ જ સમયગાળામાં નીરજે ઇતિહાસમાં અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ઓક્ટોબર, 2022માં ‘યુજીસી નેટ-જેઆરએફ’ પણ ક્વોલિફાય કરી. પીએચ.ડી. અને અધ્યાપનનો એક વૈકલ્પિક માર્ગ ખૂલ્યો. હવે તૈયારીમાં નિરાંત અને સ્પષ્ટતા આવી. પાંચમા પ્રયાસ માટે 2023માં નીરજે પોતાની તૈયારીની પદ્ધતિ જ બદલી નાખી. સીસેટને હવે માત્ર ક્વોલિફાઇંગ પરીક્ષા માનીને હળવાશથી લેવાનો પ્રશ્ન જ નહોતો. વિષયવાર અને મુદ્દાવાર નોંધો તૈયાર કરી. નિયમિત મોક ટેસ્ટ આપ્યા. સમયમર્યાદામાં પ્રશ્નો ઉકેલવાની ઝડપ અને ચોકસાઈ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કયા પ્રશ્નનો જવાબ આપવો અને કયો છોડી દેવો, એ નિર્ણય લેવાની ક્ષમતા પણ કેળવી. અભ્યાસનો ભાર હવે માત્ર વાંચન પર નહોતો, પરંતુ પરીક્ષામાં જ્ઞાનના અસરકારક ઉપયોગ પર હતો. અગાઉના પ્રયાસોમાં વીતેલો સમય પણ વ્યર્થ ગયો નહોતો. દરેક પ્રિલિમ્સ પછી નીરજ ફરી વૈકલ્પિક વિષય ઇતિહાસ તરફ વળતા. ચાર વર્ષમાં સમગ્ર અભ્યાસક્રમનું ચાર વખત પુનરાવર્તન કર્યું. પરિણામે 2023માં પ્રિલિમ્સની પરીક્ષા પાર કરી ત્યારે ઇતિહાસ વિષય પર મજબૂત પકડ તૈયાર થઈ ચૂકી હતી. નિષ્ફળતાના વર્ષોમાં થયેલો અભ્યાસ હવે આગળની પરીક્ષામાં મૂડી સાબિત થયો. મેન્સની તૈયારી દરમિયાન દરરોજ છથી બાર કલાક ઉત્તરલેખનનો અભ્યાસ કર્યો. સતત લખવાને કારણે આંગળીઓ પર ચાઠાં પડી ગયાં હતાં. વાંચેલું જ્ઞાન માત્ર યાદ રાખવું પૂરતું નહોતું; તેને મર્યાદિત સમયમાં સ્પષ્ટ, તાર્કિક અને સુવ્યવસ્થિત રીતે રજૂ કરવાની કળા પણ એટલી જ જરૂરી હતી. મેન્સની પરીક્ષા દરમિયાન નીરજને ટાઇફોઇડ થયો. તાવ અને શારીરિક નબળાઈ વચ્ચે પણ પરીક્ષા આપવાનું ચાલુ રાખ્યું. દવાઓથી આવતી ઘેનની અસર ટાળવા માટે દિવસની દવાઓ સાંજે લેવાનું નક્કી કર્યું, જેથી પરીક્ષા દરમિયાન એકાગ્રતા જળવાઈ રહે. પર્સનાલિટી ટેસ્ટના આગલા દિવસે પણ તાવ પાછો ફર્યો. પર્સનાલિટી ટેસ્ટની સાંજે પાંચ વાગ્યે બોર્ડ સમક્ષ હાજર થવાનો વારો આવ્યો. સૂટ પહેરીને રૂમમાં પ્રવેશ્યા પછી નીરજે કોટનાં બટન ખોલીને બેઠક લીધી. અધ્યક્ષે બટન ખોલવાની રીત પર હળવાશથી પૂછ્યું ત્યારે નીરજે સહજતાથી જવાબ આપ્યો. આખા દિવસનો તણાવ હળવો થયો. પરિણામ શું આવ્યું? નીરજનો ઑલ ઇન્ડિયા રેન્ક 747 સાથે લક્ષ્યવેધ સિદ્ધ થયો. નીરજના લક્ષ્યવેધનો મહત્ત્વપૂર્ણ પાઠ માત્ર એ નથી કે પાંચમા પ્રયાસમાં સફળતા મળી. મહત્ત્વનું એ છે કે દરેક નિષ્ફળતાએ તૈયારીને વધુ સમજદાર બનાવી. નબળાઈઓ પારખી, પદ્ધતિ બદલી અને વિકલ્પો શોધ્યા. સંકલ્પનો અર્થ આંખો બંધ કરીને એક જ રસ્તે ચાલતા રહેવું નથી. ક્યારેક અટકવું, પોતાની ભૂલો તપાસવી, દિશા બદલવી અને નવેસરથી શરૂઆત કરવી એ પણ સંકલ્પનો જ ભાગ છે. કદાચ સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો સાચો ભેદ પ્રતિભામાં નહીં, પરંતુ પોતાની જાતને સતત સુધારતા રહેવાની આ તૈયારીમાં રહેલો છે.
    Click here to Read More
    Previous Article
    સાચી સંવેદના:‘એ મારા પેટમાં હતો ત્યારે એણે અજાણતાંય મને લાતો મારી જ હશે ને!’
    Next Article
    કૉલાજ:મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment