Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવ્યભાસ્કરનાં અહેવાલ બાદ તંત્ર જાગ્યું:રાજકોટ મનપાનાં સૌપ્રથમ પાર્ટીપ્લોટને ખુલ્લો મુકવાનાં નિયમો જનરલ બોર્ડમાં મુકાશે, મંજૂરી બાદ ડિસેમ્બરથી બુકીંગ શરૂ થવાની શક્યતા

    1 day ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રથમ વખત પાર્ટીપ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીનાં હસ્તે 2 મહિના પહેલા લોકાર્પણ છતાં પ્રજા માટે પાર્ટી પ્લોટને ખુલ્લો મૂકવામાં ન આવતા દિવ્યભાસ્કર દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેને લઈને કુંભકર્ણ નિંદ્રામાં સુતેલુ તંત્ર સફાળું જાગ્યું છે. અને પાર્ટી પ્લોટને જાહેર જનતા માટે ખુલ્લો મુકવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી જનરલ બોર્ડમાં આ પાર્ટીપ્લોટ માટેના નિયમો મંજૂર કરવામાં આવશે. અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ભાડાનાં દર નક્કી કરી ટૂંક સમયમાં એટલે કે લગભગ ડિસેમ્બરનાં પ્રારંભથી જ બુકીંગ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. એટલે કે આગામી લગ્નગાળાની સિઝન દરમિયાન લોકોને ખાનગી પાર્ટી પ્લોટનાં પ્રમાણમાં ખૂબ ઓછા ભાડે પાર્ટી પ્લોટ મળી શકશે. પ્રાપ્ત વિગત મુજબ અગાઉ પાર્ટીપ્લોટના ઉપયોગ માટેના નિયમો નિશ્ચિત થયેલા ન હોવાથી, કોમ્યુનિટી હોલ અને પાર્ટીપ્લોટ બંને પ્રકારના સ્થળોના ઉપયોગ માટે એકસસરખી અને સુવ્યવસ્થિત વહીવટી પ્રક્રિયા અમલમાં આવે તે હેતુથી આ સંકલિત નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. આગામી જનરલ બોર્ડમાં આ નિયમોને મંજૂરી મળ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં ભાડાનાં દર સહિતની બાબતો નક્કી કરવામાં આવશે. અને ટૂંક સમયમાં જ પાર્ટીપ્લોટનું બુકીંગ શરૂ કરી દેવામાં આવશે. આ પાર્ટી પ્લોટ ખુલ્લો મુકવામાં આવતા જ આગામી લગ્નગાળાની સીઝનમાં સામાન્ય અને મધ્યમ વર્ગની પ્રજાને મોટો લાભ મળશે. શહેરમાં અત્યાર સુધી ખાનગી પાર્ટીપ્લોટના મસમોટા ભાડા ચૂકવવા પડતા હતા, જેના કારણે સામાન્ય પરિવારો માટે સામાજિક પ્રસંગો યોજવા આર્થિક રીતે બોજરૂપ બનતા હતા. જોકે હવે રાજકોટ મનપાનો સૌપ્રથમ પાર્ટીપ્લોટ ખુલ્લો મુકાતા નાગરિકોને ખાનગી પાર્ટીપ્લોટના ઊંચા ભાડા ભરવામાંથી મોટી મુક્તિ મળશે અને રાહત દરે તમામ આધુનિક સુવિધા સાથેની વિશાળ જગ્યા ઉપલબ્ધ થશે. કોમ્યુનિટી હોલ કે પાર્ટીપ્લોટના બુકીંગ માટેના નિયમો મનપાના તમામ કોમ્યુનિટી હોલમાં થોડા સમયથી પ્રસંગની જરૂરીયાત ધ્યાને લઇ લાઇવ ફૂડ કાઉન્ટરની મંજૂરી આપવામાં આવી છે. નવા નિયમોમાં કોમ્યુનિટી હોલની સાથે પાર્ટી પ્લોટમાં પણ ભોજનના લાઇવ કાઉન્ટર રાખવાની છૂટ આપવામાં આવશે. જોકે, દરેક લાઇવ કાઉન્ટર પાસે ફાયર સેફ્ટીનાં સાધનો રાખવા ફરજિયાત રહેશે. સાધનોનો ઉપયોગ જાણતી વ્યક્તિ પણ સ્થળ પર હાજર રાખવી પડશે. સાથે જ લાઇવ કાઉન્ટરમાંથી ધુમાડો ફેલાય નહીં તથા હોલની છત, દીવાલ કે અન્ય મિલકતને નુકસાન ન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવાની સંપૂર્ણ જવાબદારી ભાડે રાખનારની રહેશે. મહાપાલિકાના કોમ્યુનિટી હોલ કે પાર્ટી પ્લોટમાં ઈંડાં કે માંસાહારી વાનગીઓ બનાવી શકાશે નહીં. નિયમનો ભંગ કરનારનું બુકિંગ રદ કરવા, ડિપોઝિટ જપ્ત કરવા તથા સ્થળ ખાલી કરાવવા સુધીની કાર્યવાહી થઈ શકશે. મનપાના કોમ્યુનિટી હોલ કે પાર્ટી પ્લોટમાં ધુમ્રપાન કરવા તથા પાન, માવા, ગુટખા કે તમાકુનું સેવન પર પ્રતિબંધ રહેશે. નિયમનો ભંગ કરનાર પાસેથી દંડ વસૂલવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્થળની સંપૂર્ણ સફાઈ કરાવી કચરાનો યોગ્ય નિકાલ કરવાની જવાબદારી પણ ભાડે રાખનારની રહેશે. હોલ કે પાર્ટી પ્લોટનું બુકિંગ રદ કરાવવાના કિસ્સામાં કાર્યક્રમની તારીખને ધ્યાનમાં રાખીને નિયત ટકાવારીની રકમ કાપ્યા બાદ બાકીની રકમ પરત કરવામાં આવશે. બુકિંગની તારીખ બદલવી હોય તો ભાડાની 10 ટકા રકમ ભર્યા બાદ એક વખત તારીખ બદલવાની તક મળી શકશે. જોકે મનપાના કાર્યક્રમો, ખાસ ઠરાવથી ફાળવણી માટેના હક્કો કમિશ્નર પાસે રહેશે. વોઇસ પોલ્યુશન, ફટાકડા ન ફોડવા સહિતના નિયમો લાગુ રહેશે. હવે હોલ અને પાર્ટી પ્લોટનું લગ્ન માટેનું બુકીંગ 180 દિવસ અગાઉ થઇ શકે છે. નવરાત્રિ પહેલાં ગરબા કે ડાન્સની પ્રેકિ્ટસ માટે પાર્ટી પ્લોટનો ઉપયોગ કરવો હોય તો નિયત ભાડા ઉપરાંત 50 ટકા વધારાની રકમ ચૂકવવી પડશે. આવા બુકિંગ માટે પણ અવાજ, સમયમર્યાદા, સ્વચ્છતા અને ફાયર સેફ્ટીના તમામ નિયમોનું પાલન ફરજિયાત રહેશે. ગરબા ડાન્સ કલાસ માટે પાર્ટી પ્લોટની ખુલ્લી તારીખમાં જ બુકીંગની તારીખથી વધુમાં વધુ 30 દિવસ અગાઉ બુકીંગ કરી શકાશે. કોમ્યુનિટી હોલ કે પાર્ટીપ્લોટના બુકીંગ માટેના નિયમો અનુસાર લગ્ન, સગાઈ, શ્રીમંત, જનોઈ, મેળાવડા અને ઉત્સવ જેવા સામાજિક પ્રસંગો માટે બુકીંગના અગાઉના દિવસના સાંજે 5:00 કલાકથી બુકીંગના દિવસના સાંજે 4:00 કલાક સુધી એટલે કે કુલ 23 કલાક માટે ભાડું અને ડિપોઝિટ નક્કી કરવામાં આવ્યા છે. ઉપરાંત, સરકારી, અર્ધસરકારી તેમજ કોર્પોરેશનના રજિસ્ટર્ડ કર્મચારી મંડળોના ઉપયોગ માટે ડિપોઝિટની રકમ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે અને માત્ર નિયત ભાડાના દરે જ હોલ કેપ્લોટ ફાળવવામાં આવશે. બુકીંગ પ્રક્રિયાને પારદર્શક અને સરળ બનાવવા માટે અરજદારો ઓનલાઈન અથવા રાજકોટ મનપાના એસ્ટેટ વિભાગ ખાતે રૂબરૂ આવીને નિયત ફોર્મ ભરીને બુકીંગ કરી શકશે. લગ્નસરાના પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ કે પાર્ટીપ્લોટનું બુકીંગ વધુમાં વધુ 180 દિવસ અગાઉ થઈ શકશે, જ્યારે અન્ય સામાન્ય પ્રસંગો માટે વધુમાં વધુ 60 દિવસ અગાઉ બુકીંગ કરાવી શકાશે. નવા ખુલ્લી રહેલી તારીખોમાં સળંગ બે દિવસના વપરાશ માટે અથવા ગમે તેટલા દિવસોનું રિઝર્વેશન એકસાથે કરવાની છૂટ પણ આપવામાં આવી છે. પાર્ટીપ્લોટ કે હોલના ઉપયોગ દરમિયાન શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક જોગવાઈઓ કરાઈ છે. પરિસરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે અને અવાજનું પ્રદૂષણ ન થાય તે માટે લાઉડસ્પીકરના ઉપયોગ બાબતે પણ નિયમોનું પાલન કરવાનું રહેશે. જો નિયમ વિરુદ્ધનું પ્રદૂષણ ફેલાવવામાં આવશે તો સ્થળ તાત્કાલિક ખાલી કરાવી ડિપોઝિટની રકમ જપ્ત કરવાની સત્તા તંત્ર પાસે રહેશે. આ ઉપરાંત લોન, ફૂલછોડ કે બાગાયતને નુકસાન પહોંચાડવું પ્રતિબંધિત છે અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતા પ્રમાણમાં સિક્યુરિટી ગાર્ડ રાખવાના રહેશે. જો કોઈ કારણસર બુકીંગ કેન્સલ કરાવવું પડે તો તેના માટે પણ સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં સમય મર્યાદાને આધારે વહીવટી ચાર્જ કે ડિપોઝિટ કાપીને બાકીની રકમ પરત કરવાની જોગવાઈ છે. વૈશ્વિક મહામારી કે યુદ્ધ જેવી વિશેષ પરિસ્થિતિમાં બુકીંગ રદ થાય તો ભાડા અને ડિપોઝિટની પૂરી રકમ પરત મળશે. આ નિયમો અને માર્ગદર્શિકાઓ આગામી સમયમાં બનનાર તમામ કોમ્યુનિટી હોલ તથા પાર્ટીપ્લોટ માટે પણ લાગુ પડશે અને કાયદો તથા નિયમોની સમિતિ મારફત સામાન્ય સભામાં મંજૂરી માટે મુકવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    4 વર્ષ સુધી ટ્રોમામાંથી પસાર થયા એક્ટ્રેસ સુસ્મિતા મુખર્જી:કરોડોનું દેવું હતું, આર્થિક તંગી અંગે કહ્યું- માત્ર છેલ્લાં 1 હજાર રૂપિયા બચ્યાં હતાં
    Next Article
    કાલાવડના હરિપર મેવાસામાં ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું:રહેણાંક મકાનમાં SOGનો દરોડો; 486 લિટર દૂધ -વનસ્પતિ ઘી મળ્યું; ફૂડ વિભાગે શંકાસ્પદ દૂધના નમૂના સીલ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment