Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણમાં ખીલ્યું ગુલાબ:બોલ, બીજો શ્રદ્ધાનો શું પુરાવો બાકી છે? તારી આંસુ સાથે પણ આરતી ઉતારી છે

    20 hours ago

    શતરૂપા ઓફિસમાંથી છૂટીને એના ટુ વ્હીલર ઉપર બેસીને ઘર તરફ જઈ રહી હતી ત્યારે એની નજર એક ગાર્ડન ઉપર પડી. શતરૂપા પણ રોજની જેવી હતી, રસ્તો પણ એ જ હતો અને માર્ગમાં આવતો ગાર્ડન પણ એનો એ જ હતો. પણ આજે શતરૂપાનો મૂડ અલગ હતો. શતરૂપાનો મૂડ મહિનામાં બે-ત્રણ વાર બદલાઈ જતો હતો. આમ પણ એને ગાર્ડનમાં બેસવાનું ગમતું હતું. નાનપણમાં મમ્મી-પપ્પાની સાથે એ લગભગ રોજ સાંજે ઘરની પાસે આવેલા ગાર્ડનમાં રમવા જતી હતી. કોલેજના યૌવનભર્યા દિવસોમાં પ્રેમી આનર્તની સાથે રોજ બપોરની રિસેસમાં એ ગાર્ડનમાં એક ઘટાદાર વૃક્ષની છાયામાં બેસીને પ્રેમીના ખોળામાં માથું મૂકીને ભવિષ્યનાં સંસારી માળાનાં તણખલાં ભેગાં કરતી રહેતી હતી. અને હવે? હવે પાંત્રીસ વર્ષની વયે શતરૂપા સાવ એકલી હતી. મમ્મી-પપ્પા બે મહિનાના અંતરે મૃત્યુ પામ્યાં હતાં, આનર્ત એને છોડીને પોતાની બીજી જિંદગી, નવો માળો રચવા માટે ચાલ્યો ગયો હતો. શતરૂપા પાસે એની નોકરી હતી, એક બંધ મકાન હતું જે માત્ર એનાથી જ બંધ થતું હતું અને રોજ સાંજે એનાથી જ ખૂલતું હતું અને સાંજ પછી શરૂ થતું રાતભરનું એકાંત હતું. ક્યારેક શતરૂપાને ગાર્ડનમાં જવાનો અને ત્યાંના એક બાંકડા પર બેસીને આવતા-જતા લોકોને જોવાનો મૂડ આવતો હતો. આમ પણ એ પોઝિટિવ એટિટ્યૂડ ધરાવતી સ્ત્રી હતી. ગાર્ડનને જોઈને ભૂતકાળ યાદ આવે અને માતા-પિતા અથવા આનર્ત સાથે વિતાવેલા સુખભર્યા સમયને યાદ કરીને રડી ઊઠે એવી વ્યક્તિ શતરૂપા હરગિજ ન હતી. એ તો સુખી દિવસોને સ્મરીને સુખ અનુભવનારી શતરૂપા હતી. આજે પણ એને બગીચામાં બેસવાનું મન થયું. ઘરે એની રાહ જોનારું કોઈ ન હતું. આજે એકટાણું હોવાથી રાતનું ભોજન બનાવવાની ચિંતા પણ ન હતી. એણે ગાર્ડનના ગેટની બહાર એનું ટુ વ્હીલર પાર્ક કર્યું, ગાર્ડનમાં એ દાખલ થઈ, છૂટીછવાઈ ભીડની વચ્ચેથી માર્ગ કાઢીને એ પોતાના પસંદીદા બાંકડા પર જઈને બેસી ગઈ. એની સામેની ખુલ્લી જગ્યામાં કેટલાંક બાળકો ધૂળમાં બેસીને રમી રહ્યાં હતાં. બે-ત્રણ નાની છોકરીઓ ઝૂલા ખાઈ રહી હતી. પાંચ-છ કિશોરો દોડાદોડીની રમત રમી રહ્યા હતા. બાળકોનું ધ્યાન રાખવા માટે મમ્મીઓ પણ આવી હતી. ક્યાંક ચોટલા-પરિષદ જામી હતી, ક્યાંક બે મમ્મીઓનું ગ્રૂપ હળવી કસરતો અને યોગાસનો કરવામાં મગ્ન હતું. શતરૂપાની બરાબર સામેના બાંકડા પર એક યુવાન અને યુવતી બેઠાં હતાં અને હાથમાં હાથ પકડીને પ્રેમભરી ગુફ્તગૂ કરી રહ્યાં હતાં. એમનો અવાજ તો સંભળાઈ રહ્યો ન હતો, પણ એમના હાવભાવ અને દેહભાષા, નેત્રભાષા, શરીરના એક-એક કોષની ભાષા આટલે દૂરથી પણ સમજાઈ રહી હતી. શતરૂપાનું મન પંદર-સત્તર વર્ષ પહેલાંના સમયમાં સરકી ગયું. આવા જ કોઈ ગાર્ડનમાં, આવા જ એક બાંકડા પર બેસીને, આવી જ રીતે હાથમાં હાથ પકડીને આનર્તે એક દિવસ એને પૂછ્યું હતું, ‘શતરૂપા, મારે એક જ સંતાન જોઈએ, એ પણ દીકરી જ, અદ્દલ તારા જેવી. તારું નામ શતરૂપા છે, દીકરીનું નામ હું સહસ્રરૂપા રાખીશ.’ ‘આપણી દીકરી મારાં કરતાં અનેકગણી સુંદર હશે. હું એનું નામ લક્ષરૂપા કે કોટિરૂપા રાખીશ.’ શતરૂપાએ પોતાનું મસ્તક આનર્તના ખભા ઉપર ઢાળી દીધું હતું, પછી એ આનર્તના કાનમાં ગણગણી હતી: ‘હું આપણી દીકરીને જીવ કરતાં પણ વધુ જતનથી ઉછેરીશ, જાળવીશ, એને રમાડીશ, વહાલ કરીશ, તારી અડધી કમાણી અને રમકડાં લઈ આપવામાં વાપરી નાખીશ, એને ગાર્ડનમાં લઈ આવીશ અને એને પૃથ્વી ઉપર સ્વર્ગનો આભાસ…’ સપનાંની હવેલી ચણાઈ રહી હતી, સપનાંની ઈમારતને ક્યાં કોઈ એફ. એસ.આઈ. (ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ)ની મર્યાદા નડે છે? પ્રેમી-પ્રેમિકા જેટલું ઈચ્છે એટલું બાંધકામ કરી શકે છે. છ જ મહિના પછી બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. કારણ નાનું હતું, બ્રેકઅપ મોટું હતું... અને કાયમી હતું. શતરૂપાએ ધારી લીધું કે કદાચ એ પોતાના પ્રેમસંબંધના ભાલ ઉપર કોઈની નજર ન લાગે એ માટેનું કાળું ટપકું કરવાનું ચૂકી ગઈ હતી. વિધાતાની જ નજર લાગી ગઈ. અતીતના સપનામાં ખોવાઈ ગયેલી શતરૂપા કોઈનો અવાજ સાંભળીને વર્તમાનના પટલ પર પાછી ફરી. એક યુવાન મમ્મી એના બાળકને લઈને ઊભી હતી: ‘બહેન, તમે મારા બાબાને થોડીવાર માટે સાચવશો, પ્લીઝ? હું ત્યાં મારી ફ્રેન્ડઝની સાથે થોડીક વાર અંતાક્ષરી રમીને પાછી આવું ત્યાં સુધી...?’ શતરૂપાએ બે-અઢી વર્ષના દીકરા સામે જોયું. એની કુંવારી છાતીમાં માતૃત્વ છલકાયું, ‘થોડીવાર માટે શા માટે? તમારે જ્યાં સુધી રમવું હોય ત્યાં સુધી રમી શકો છો. મારે બીજું કંઈ કામ નથી. હું આને પ્રેમથી રમાડીશ. શું નામ છે દીકરાનું?’ ‘દેવ.’ નામ કહીને દેવ-માતા દૂર આવેલા શૅડ હેઠળ બેસીને એની વાટ જોઈ રહેલી બહેનપણીઓ પાસે ચાલી ગઈ. શતરૂપાને તો જાણે દેવના રૂપમાં દેવરાજ ઇન્દ્ર મળી ગયો! દેવ દેખાવડો હતો, વાચાળ હતો, હસમુખો, રમતિયાળ અને મળતાવડો હતો. અજાણી શતરૂપાને જોઈને રડવાને બદલે એ એની સાથે એવો રમવા માંડ્યો જાણે ભવોભવની ઓળખાણ હોય! સાંજનો એ એક કલાક શતરૂપા માટે સોનાની લગડી જેવો બની ગયો. એ પણ દેવની સાથે ગાર્ડનની જમીન પર બેસી ગઈ, ભીની માટીમાં ખાડો કરીને રમવા લાગી. દેવે ભીની માટીમાંથી રમકડાં ઘડ્યાં. એકાદ કલાક પછી દેવની મમ્મી આવી પહોંચી, ‘થેન્ક યૂ વેરી મચ, બહેન. તમે ખૂબ સારાં છો. તમારા કારણે જ હું મારી ફ્રેન્ડઝની સાથે…’ આટલું બોલી ત્યાં એ સ્ત્રીનો મોબાઈલ રણકવા લાગ્યો. શતરૂપાની પાસે બાંકડા પર બેસીને એ સ્ત્રી પોતાના મોબાઈલ પર વાત કરી રહી, ‘હા, બોલો. તમે ઘરે આવી ગયા? અત્યારે? કેમ આટલા વહેલા? આજે ઓફિસમાં કામ ઓછું હતું એમ ને? ના, હું ક્યાંય રખડવા નથી ગઈ. હું તો દેવને રમાડવા માટે ગાર્ડનમાં લઈ આવી છું. બસ, હમણાં જ નીકળું છું. તમારો ફોન ન આવ્યો હોત તો પણ હું એક-બે મિનિટમાં ગાર્ડનમાંથી નીકળવાની જ હતી. ચલો, ફોન મૂકું છું.’ એ સ્ત્રીએ દેવને ઝડપથી ઊંચકી લીધો, ફરી એક વાર શતરૂપાને ‘થેન્ક યૂ’ કહ્યું અને ગાર્ડનની બહાર નીકળી ગઈ. શતરૂપાના મનની સ્થિતિ કેવી હતી? આમ તો નોર્મલ જ હોવી જોઈતી હતી, પણ જસ્ટ એકાદ મિનિટ પહેલાં કંઈક એવું બની ગયું હતું કે શતરૂપા ભીતરથી પૂરેપૂરી ખળભળી ઊઠી હતી. શું બન્યું હતું? દેવની મમ્મી જ્યારે બાંકડા પર બેસીને દેવના પપ્પાની સાથે વાત કરી રહી હતી ત્યારે એના મોબાઈલ સ્ક્રીન ઉપર કૉલ કરનાર પુરુષનો ફોટો ઝબકી રહ્યો હતો. બાજુમાં બેઠેલી શતરૂપાની નજર અનાયાસ સ્ક્રીન પર પડી અને એ ચોંકી ઊઠી. એ ચહેરો આનર્તનો હતો. એ રાત્રે ક્યાંય સુધી શતરૂપા ઊંડા વિચારોમાં ડૂબેલી રહી. જો તે નેગેટિવ વિચારોવાળી સ્ત્રી હોત તો ભાંગી પડી હોત, પણ આ તો શતરૂપા હતી. એણે ઈશ્વરનો આભાર માન્યો, ‘હે ભગવાન! આખરે તેં મારી ઈચ્છા પૂર્ણ કરી ખરી. આનર્તના સંતાનને રમાડવાનું સુખ તેં મને આપ્યું ખરું. લાગે છે કે મારા પ્રેમસંબંધના ભાલ પર તું કાળું ટપકું કરવાનું ભૂલી ગયો હતો, પણ વિધાતાએ એક તલના દાણા જેવું ચિહ્ન મૂકી દીધું હશે.’ (શીર્ષકપંક્તિ: ગૌરાંગ ઠાકર)
    Click here to Read More
    Previous Article
    અમલપિયાલી:પ્રકાશ નાશવંત છે અને અંધકાર શાશ્વત છે
    Next Article
    હિડન ટ્રુથ:આત્મા અને ચેતના વચ્ચે શું તફાવત?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment