Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમલપિયાલી:પ્રકાશ નાશવંત છે અને અંધકાર શાશ્વત છે

    19 hours ago

    વિનોદ જોશી આઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા! - ન્હાનાલાલ મ તો આ પંક્તિ વાંચતાં જ ‘બૃહદારણ્યક ઉપનિષદ’નો પ્રસિદ્ધ મંત્ર `તમસો મા જ્યોતિર્ગમય’ યાદ આવી જાય. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવાનું આ નિવેદન જાણે સહુના વતી થયું છે. અંધકાર કોઈને ગમતો નથી. અંધકારમાંથી પ્રકાશમાં જવાની ઈચ્છા સહુકોઈની હોય છે. દર્શનશાસ્ત્ર તો પ્રકાશ અને અંધકારને સદ્ અને અસદ્ સાથે જોડે છે. અહીં પણ એ જ વાત વ્યંજિત થઈ છે. દુરિતના અંધકારમાંથી સુખદ પ્રકાશ તરફની ગતિ તો કોને ન ગમે. પ્રકાશ અને અંધકાર સામસામે છેડે છે. પ્રકાશનું પલ્લું અંધકારના પલ્લા કરતાં નમે છે. અંધકાર ઉપેક્ષિત અને પ્રકાશ અપેક્ષિત. અંધકાર એટલે અવસાદ, પ્રકાશ એટલે આનંદ. યાતના વર્ણવવી હોય તો અંધકાર, ઉમંગ વ્યક્ત કરવા માટે પ્રકાશ. પ્રકાશ એટલે ઉપલબ્ધિ, અંધકાર એટલે હાનિ. અંધકારનું આપણે મન કંઈક આવું અર્થઘટન છે. અંધારું એટલે જાણે પ્રકાશનો દુશ્મન! એનાં આગમનનો જાણે પરાણે સ્વીકાર કરવો પડે, પણ પ્રકાશ નહીં, અંધકાર શાશ્વત છે. અંધકારને તેનું પોતાનું એક સ્વરૂપ છે. આપણે તેની કાળપને લાક્ષણિકતાથી કે પ્રતીકાત્મક રીતે ખોટાં ખાનામાં મૂકતાં હોઈએ તેવું પણ ક્યારેક લાગે. અંધકાર જ આ બ્રહ્માંડનું સર્વોપરી તત્ત્વ છે. તમસમાંથી જ્યોતિ તરફ જવાની અભિલાષા એટલે શાશ્વતથી ક્ષણિક તરફની ગતિ. એ ક્ષણ ગમે તેટલી ઉજળી હોય તોપણ તે સનાતન નથી. સનાતન તો છે અંધકાર. વાત એમ છે કે સૂર્ય છે માટે પ્રકાશ જેવા તત્ત્વના વિચાર થઈ શકે છે. સૂર્ય બ્રહ્માંડમાં ઝળકી રહેલો એક તારો છે. એ તુલનાત્મક રીતે કંઈ બહુ મોટો નથી. સૂર્યથી અનેકગણા મોટા તારા બ્રહ્માંડમાં છે. પરસ્પરના ગુરુત્વબળથી ટકી રહેલા છે. તેમાં ક્યાંક અસંતુલન થાય તો અવકાશમાં અવ્યવસ્થા સર્જાય છે. સૂર્ય આપણાથી નજીકનો તારો છે. તેમાંથી છૂટા પડેલા શનિ, બુધ આદિ ગ્રહોની માફક પૃથ્વી પણ એક ગ્રહ છે. સૂર્ય ન હોત તો પૃથ્વી ન હોત. પણ, સૂર્ય એક તારો છે તો; બ્રહ્માંડના ગુરુત્વબળના અસંતુલનને કારણે ખરી પડતા કે નષ્ટ થઈ જતા તારાઓ જેમ સૂર્યના ભાગ્યમાં પણ ખરી પડવાનો સંભવ લખાયેલો છે. જો એવું થાય તો પછી સૂર્યનો પ્રકાશ મેળવતું ગ્રહો—ઉપગ્રહો આદિનું એનું કુટુંબ અંધકારગ્રસ્ત થઈ જાય. બલ્કે, આ કુટુંબનું અસ્તિત્વ જ રહે નહીં. તો પછી જે બચે તે અંધકાર સિવાય બીજું શું હોય? અંધકાર એક એવી વિરાસત છે, જે કાયમી પણ છે અને વિસ્તીર્ણ પણ છે. પ્રકાશ કરતાં અંધકારનું કદ મોટું છે. પ્રકાશની હાજરીમાં પણ અંધકાર પડછાયારૂપે ફરતો રહે છે. એ સતત પોતાની શાશ્વતીની પ્રતીતિ કરાવતો રહે છે. અંધકાર જોવા માટે આંખોની જરૂર નથી. પ્રકાશ પરાવલંબી છે. આંખો ખૂલે તો જ એ દેખાય. આંખો ક્ષીણ થાય તો પ્રકાશ પણ ક્ષીણ થાય. છેવટે તો આંખોએ બંધ જ થઈ જવાનું હોય છે. એટલે કે પ્રકાશને જોયા કરવાનો પ્રયત્ન નિરર્થક પુરવાર થાય છે. પ્રકાશની હાજરીમાં આપણે આપણી અંદર રહી શકતાં નથી. બહારની દુનિયાનું દર્શન આપણી સમગ્ર ચેતનાને રોકી લે છે. પ્રકાશ આપણું નિયંત્રણ છે. એ આપણા પરનો એક તીવ્ર સકંજો છે. પ્રકાશ એકાંતનો મોટો શત્રુ છે, અંધકાર મિત્ર છે. અંધકારમાં જાતની વધુ નજીક અવાય છે. જાત દેખાતી નથી અને જાતના હોવા વિશેની સભાનતા ટકી રહે છે તેવી સ્થિતિમાં નિર્મોહી, નિર્ભ્રાન્ત બની શકાય છે. અંધકારનો એક જ રંગ છે, કાળો રંગ, પણ પ્રકાશના સપ્તરંગી દમામ કરતાં એની ઘટ્ટતા વધારે છે. અંધકાર આપણને ઑગાળે છે. પ્રકાશ આપણા આકારને ટકાવી રાખે છે. પ્રકાશમાં ટકી રહેલો આકાર આડેઅવળે હરેફરે છે. અંધકારમાં આકાર ઓગળી જાય છે. તેનાં ઓગળી જવા સાથે જ બહારનું જગત અદૃશ્ય થઈ જાય છે અને આપણી અંદર આપણો પ્રવેશ થાય છે. આંખો ન હોય તો અજવાળું નથી અને અજવાળું છે તેથી તો જગત દેખાય છે. આંખો બંધ કરીને પ્રકાશને હડસેલી દેતાં ઋષિમુનિઓને પોતાની અંદર કદાચ એવો પ્રકાશ દેખાતો હશે જે સૂર્યની જેમ એક તારો બનીને ખરી જવા નહીં સર્જાયો હોય. એ અનંત પ્રકાશની પ્રતીતિ માટે જ બધાં ઉધામા હશે. કવિતા સીધી વાત તો કરે જ ક્યાંથી? બાકી તો, પ્રકાશ નાશવંત છે અને અંધકાર શાશ્વત છે. અંધકારને પણ એનું મૂલ્ય છે, છે જ.
    Click here to Read More
    Previous Article
    થેન્ક યૂ:નીતિ અને ન્યાય
    Next Article
    રણમાં ખીલ્યું ગુલાબ:બોલ, બીજો શ્રદ્ધાનો શું પુરાવો બાકી છે? તારી આંસુ સાથે પણ આરતી ઉતારી છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment