Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લક્ષ્યવેધ:ટાંકો તૂટ્યો,હિંમત નહીં

    17 hours ago

    ચં દેરીની જૂની પત્થરની ગલીઓ પર બપોરનો તાપ ઢળતો હતો. એ જ વખતે એક બાળકે પહેલી વાર ખાખી વર્દી જોઈ. તેના પોલીસ ઇન્સ્પેક્ટર કાકા કડક ઇસ્ત્રી કરેલી વર્દીમાં બહાર આવ્યા. તેમના ખભા પરના પિત્તળના તારલા સૂર્યપ્રકાશમાં ચમકી ઊઠ્યા. એવા નાનકડા નગરમાં, જ્યાં નગરપાલિકાના ડ્રાઇવરના દીકરા વિવેકના મનમાં એ દૃશ્ય કોતરાઈ ગયું. હાથશાળના લયબદ્ધ અવાજો અને જૂના કિલ્લાઓનાં ખંડેરો વચ્ચે એક સ્વપ્ને જન્મ લીધો - એક દિવસ તે પણ આવી જ વર્દી પહેરશે, પણ સ્વપ્ન જોવું સહેલું હતું, તેને સાકાર કરવું નહીં. વિવેક યાદવના પિતા નગરપાલિકાની જીપ દિવસના 12 કલાક ચલાવીને મહિને સાત હજાર રૂપિયા કમાતા. માતા આંગણવાડીમાં કામ કરતી અને વધારાના 2.5 હજાર કમાવવા મોડી રાત સુધી સિલાઇ-મશીન ચલાવતી. આખા પરિવારની માસિક આવક હતી દસ હજાર રૂપિયા. આટલી આવકમાં ઘર ચલાવવાનું, દીકરાને ભણાવવાનો ખર્ચ કાઢવાનો અને ભવિષ્યની આશા જીવંત રાખવાની. માતા સોયના ટાંકા વાગેલી આંગળીઓથી સિલાઇકામ કરતી, છતાં ફરિયાદ કરતી નહીં. ગીતાની એક વાત શીખી હતી - કર્મ કરતા રહેવું, ફળની અપેક્ષા રાખ્યા વિના. કદાચ તેને ખ્યાલ પણ નહોતો કે રોજ રાતે સિલાઇ-મશીન ચલાવીને તે પોતાના દીકરાને નિષ્કામ કર્મનો પાઠ ભણાવી રહી હતી. ‘દિલ્હી યુનિવર્સિટી’ની ‘હિન્દુ કૉલેજ’માં ઇતિહાસનો અભ્યાસ કરવા પહોંચેલા વિવેકને સમજાયું કે મોટા શહેરમાં ભણવાની ધગશની સાથે પૈસા પણ જોઈએ. ઓરડાનું ભાડું જ તેના પરિવારની આખી આવક જેટલું થઈ જતું. માતા-પિતા પર બોજ ન પડે એ માટે તેણે ‘વિજય નગર’ અને ‘કમલા નગર’માં સાંજે ટ્યૂશન આપવાનું શરૂ કર્યું. દિવસ દરમિયાન કૉલેજ, સાંજે બીજાં બાળકોને ભણાવવાનું અને રાતે પોતાનો અભ્યાસ. પરીક્ષા આપવા બીજાં શહેરોમાં જવાનું થાય ત્યારે અનારક્ષિત ડબ્બામાં મુસાફરી કરતો અને ક્યારેક રેલવે પ્લેટફૉર્મ પર જ રાત વિતાવતો. ભવિષ્ય માટે તેણે બીજો રસ્તો પણ ખુલ્લો રાખ્યો. અનુસ્નાતકની પદવી, બી. એડ. અને ‘યુજીસી-નેટ’ પૂર્ણ કરીને શિક્ષક બનવાની લાયકાત મેળવી. સરકારી સેવામાં સફળતા ન મળે તો પરિવારને આર્થિક ટેકો આપી શકાય, એ વિચાર પણ તેની તૈયારીનો ભાગ હતો. ત્યાર પછી શરૂ થયો નિષ્ફળતાઓનો લાંબો સિલસિલો. ‘મધ્ય પ્રદેશ લોકસેવા આયોગ’, ‘કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ’, તલાટી, શાળાઓની ભરતી અને દિલ્હી પોલીસની શારીરિક કસોટી - લગભગ 20 સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેને નિરાશા મળી. વિવેક માટે પણ સૌથી મુશ્કેલ સવાલ હતો - આટલી મહેનત પછી પણ સફળતા કેમ મળતી નથી? કોરોના મહામારીને કારણે તેને પાછા ચંદેરી આવવું પડ્યું. 2023ની યુ. પી. એસ. સી. પ્રીલિમિનરી પરીક્ષા માત્ર બે માર્ક્સથી ચૂકાઈ ગઈ. થોડા દિવસ પછી બીજી એક રાજ્યસ્તરીય પરીક્ષામાં નિષ્ફળતા મળતાં વિવેકને સમજાયું કે જવાબ બીજે ક્યાંક નહીં, પોતાની તૈયારીમાં શોધવો પડશે. તેને પોતાની માતાનું સિલાઇ-મશીન યાદ આવ્યું. ટાંકો બગડે તો તે ફરીથી સીવતી; મુશ્કેલી આવે તો કામ અટકાવતી નહીં. વિવેકે પણ પોતાની ભૂલો ઓળખીને ફરી શરૂઆત કરવાનું નક્કી કર્યું. તેણે પાછલાં દસ વર્ષનાં ‘સી-સેટ’નાં પ્રશ્નપત્રો ઉકેલ્યાં. ખાસ કરીને સંખ્યાપદ્ધતિના પ્રશ્નો પર મહેનત કરી. કયા પ્રશ્નમાં સમય બગડે છે, ક્યાં ગણતરીમાં ભૂલ થાય છે અને ઝડપ કેવી રીતે વધારવી - દરેક બાબત પર ધ્યાન આપ્યું. સતત અભ્યાસથી કેટલીક ગણતરીઓ તે 30 સેકન્ડમાં પૂરી કરવા લાગ્યો. હિન્દીને પોતાની ભાષાને જ શક્તિ બનાવી. નિબંધ અને નીતિશાસ્ત્રમાં વિચારો સ્પષ્ટ રીતે રજૂ કરવાની પ્રેક્ટિસ કરી. મોંઘી કોચિંગ સંસ્થાઓને બદલે સ્વાધ્યાય, પાછલાં વર્ષોનાં પ્રશ્નપત્રો અને નિયમિત ઉત્તરલેખન તેની તૈયારીનો આધાર બન્યાં. પરિણામ જાહેર થયું. તેની પસંદગી ભારતીય રેલવે મેનેજમેન્ટ સેવામાં થઈ. વર્ષોની મહેનતને પરિણામ મળ્યું હતું, પરંતુ બાળપણમાં જોયેલી ખાખી વર્દીનું સ્વપ્ન હજુ અધૂરું હતું. 2024માં પાંચમા પ્રયાસે અખિલ ભારતીય ક્રમ 487 મેળવીને આખરે તેણે આઈ. પી. એસ.નું પદ હાંસલ કર્યું. નગરપાલિકાની જીપ ચલાવતા પિતાનો દીકરો હવે અધિકારી છે. જે માતા રાતના અંધારામાં સિલાઇ-મશીન ચલાવીને દીકરાના અભ્યાસ માટે પૈસા ભેગા કરતી હતી, તેના ત્યાગને જાણે નવો અર્થ મળ્યો હતો! આ લક્ષ્યવેધ માત્ર એક પરીક્ષા પાસ કરવાની વાત નથી. તે એવા પરિવારની વાત છે, જેણે મર્યાદિત આવક વચ્ચે પણ સ્વપ્ન જોવાનું છોડ્યું નહીં; અને એવા યુવાનની, જેણે વારંવાર નિષ્ફળ થયા પછી પણ પોતાની જાત પર વિશ્વાસ રાખવાનો રસ્તો શોધ્યો. વિવેક માટે ખાખી વર્દી માત્ર નોકરી નહોતી. એ સ્વમાનનું સ્વપ્ન હતું - જે સાકાર થયું વર્ષોની મહેનત, નિષ્ફળતાઓમાંથી શીખવાની તૈયારી અને ફરી ઊભા થવાની હિંમતથી.
    Click here to Read More
    Previous Article
    કૉલાજ:આપણું શરીર કબ્રસ્તાન છે?
    Next Article
    થેન્ક યૂ:નીતિ અને ન્યાય

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment