Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૉલાજ:આપણું શરીર કબ્રસ્તાન છે?

    16 hours ago

    હરદ્વાર ગોસ્વામી સાધુને એક માણસે આશરો આપ્યો. યજમાને ઓઢવા આપેલ ધાબળો સાધુને બહુ ગમ્યો, એમને થયું શિયાળાની શરૂઆત જ થઈ છે. આગળ જતાં આ ધાબળો બહુ કામ લાગશે એમ વિચારી, વહેલી સવારે વહેલા જાગીને યજમાનને કહ્યા વગર ધાબળો લઈને જતા રહ્યા. થોડી વારમાં પાછા ફર્યા અને યજમાનને ધાબળો પાછો આપ્યો. યજમાને કહ્યું, ‘એ તમે રાખો, મારે સવારે આપને ભેટ જ આપવો હતો’. સાધુએ કહ્યું, ‘જીવનમાં પહેલી વાર મને ચોરી કરવાનો વિચાર આવ્યો, મને એ કહે કે તેં મને જમાડ્યું એ અન્ન ક્યાંથી લાવેલો?’ યજમાને કહ્યું, ‘બાબા ગુસ્સે ન થતા પણ ઘરમાં કશું હતું નહીં તો સાધુને ભૂખ્યા ન રખાય એટલે ચોરી કરીને લાવેલો.’ જેવો અન્ન એવો ઓડકાર. આદિમાનવ પહેલાં ફળો અને કાચું માંસ ખાતો હતો, પછી સુસંસ્કૃત થતાં માંસાહારથી શાકાહાર તરફ વળ્યો. શાકાહારીને ‘ઘાસફૂસ ખાનારા’ કહી એની મજાક ઉડાવવામાં આવે છે પણ એ જ શ્રેષ્ઠ આહાર છે. શાકાહાર શરીર અને મન પર હકારાત્મક અસર કરે છે. જીવનના સંતુલનને શાકાહાર ગોઠવે છે, કેમ કે એ જ કુદરતી ક્રમ છે. શાકાહાર હવે ગ્લોબલ ટ્રેન્ડ બની રહ્યો છે. પ્રાચીન ગ્રીસમાં પાયથાગોરસે પશુ માંસનો વિરોધ કર્યો હતો. પહેલાં ઇંગ્લેન્ડમાં શાકાહારીને ‘પાયથાગોરિયન્સ’ કહેતા હતા. જૈન ધર્મના 24મા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીએ અહિંસાના સંદેશની સુવાસ ફેલાવી હતી. ‘વેજીટેરિયન’ શબ્દ ‘વેજીટેબલ’ પરથી નહીં પણ લૅટિન શબ્દ ‘વેજીસ’ પરથી આવ્યો છે. એનો અર્થ નિરોગી, તાજું અને ચેતનાસભર એવો થાય છે. એક સમયે ‘ફ્લેક્સિટેરિયન’ શબ્દ પણ પ્રચલિત થયો હતો, જેનો અર્થ થાય છે મોટા ભાગે શાકાહારી હોય પણ ક્યારેક ક્યારેક માંસાહાર કરી લે તે. શાકાહારી સારા અને માંસાહારી ખરાબ એવું હોતું નથી, શાકાહાર એક સુચારુ જીવનશૈલીની વાત છે. શાકાહારનો પ્રથમ ઉલ્લેખ ઈ.સ. પૂર્વે 6ઠ્ઠી શતાબ્દીમાં પ્રાચીન ભારત અને પ્રાચીન ગ્રીસમાં જોવા મળે છે. 1812માં માર્થા બ્રધરટને ‘વેજીટેબલ કૂકરી’ નામનું સૌપ્રથમ પુસ્તક લખ્યું હતું. ઈ. સ. 1809 ઉત્તર-પશ્ચિમ ઇંગ્લેન્ડમાં વિલિયમ કાઉહર્ડ નામના વ્યક્તિએ ચર્ચમાં આવતાં પહેલાં દારૂ અને માંસાહાર છોડવાં પડશે, એવો નિયમ કરેલો. આ તો અદ્દલ હિંદુ માન્યતા પ્રમાણેની વાત! આમ કરવાથી લોકો ચર્ચમાં સારી રીતે પ્રેયર કરી શકતા હતા. શાકાહાર દિવસ ઊજવાય છે પણ માંસાહાર દિવસ ઉજવાતો હોય એવું ધ્યાનમાં નથી. એક કિલો માંસના ઉત્પાદન માટે અંદાજે 15,000 લિટર પાણી વપરાય છે, તેની સરખામણીએ એક કિલો ઘઉં પકવવા માટે માત્ર 1,200 લિટર અને એક કિલો તાજાં શાકભાજી ઉગાડવા માટે 300થી 500 લિટર પાણીની જ જરૂર પડે છે. બાયોલૉજિકલ સાયન્સ કહે છે કે માનવ શરીરની કુદરતી રચના એવી છે કે માણસને શાકાહાર વધુ અનુકૂળ આવે. અનેક સુપરસ્ટાર્સે પણ સંપૂર્ણ રીતે શાકાહાર અપનાવ્યો છે. ‘સ્વસ્થ જીવનશૈલીનો આધાર શાકાહાર’ પુસ્તકમાં રાજશ્રી મહાદેવિયા કહે છે: ‘માણસ રોજ કાર્ય સારી રીતે કરી શકે એના માટેનું બળ આહારમાંથી મળે છે.’ આહારને ચાર વિભાગમાં વહેંચી શકીએ: 1. શક્તિદાયક આહાર, જેમાં કાર્બોહાઇડ્રેટ, ચરબી અને પ્રોટીનને મૂકી શકો. 2. દેહવર્ધક આહાર, જેમાં પ્રોટીન, ખનિજદ્રવ્યો અને વિટામિન ‘ડી’ને ગણાવી શકાય. 3. રક્ષણાત્મક આહાર, જેમાં વિટામિન્સ, ખનિજદ્રવ્યો અને પ્રોટીન આવે છે. 4. ક્રિયાને નિયંત્રિત કરતો આહાર, જેમાં પાણી, પ્રોટીન અને રેસાને ગણી શકાય. માંસાહારી પ્રાણીઓનાં આંતરડાં ખૂબ જ ટૂંકાં હોય એટલે સડી જતા માંસનો ખોરાક શરીરમાંથી ઝડપથી બહાર નીકળી જાય છે. તેની સરખામણીએ માણસનાં આંતરડાં શરીરની લંબાઈ કરતાં 10થી 12 ગણાં લાંબાં હોય છે. તે રેસાથી ભરપૂર શાકાહારી ખોરાકને પચાવવા માટે અનુકૂળ છે. આપણા દાંત અનાજ અને શાકભાજીનું પાચન સારી રીતે કરી શકે છે, જે માંસ ફાડી શકે એવા ધારદાર નથી. આપણું શરીર મૃત પ્રાણીઓનું કબ્રસ્તાન છે? મનુસ્મૃતિમાં કહેવાયું છે કે ‘માંસાહાર ન કરનારી વ્યક્તિ અશ્વમેધના પુણ્ય જેટલી અધિકારી બને છે.’ અમેરિકામાં છેલ્લાં બેથી વધુ વર્ષમાં શાકાહારીઓની સંખ્યા 600 ટકા વધી, અનેક દેશોમાં આ સંખ્યા વધી રહી છે. વિશ્વની વસ્તી હાલ આઠ અબજ કરતાં વધુ છે, વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે ત્યારે વૈજ્ઞાનિકોએ પ્લેનેટરી હેલ્થ ડાયેટ બનાવ્યો છે. જેનાથી પર્યાવરણને નુકસાન ન પહોંચે અને આટલી મોટી વસ્તી માટે ભોજનનો પુરવઠો મળી રહે. શાકાહારી ભોજન લેવાથી હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ ઘટે છે. આહારમાં ફળો, શાકભાજી અને અનાજનો ઉપયોગ કરવાથી શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી અને વજન નિયંત્રણમાં રહે છે. સંતુલિત શાકાહારી જીવનશૈલી જીવતા લોકો લાંબું અને સ્વસ્થ આયુષ્ય ભોગવે છે. શાકાહારના પાયામાં રહેલી ભાવના ‘અહિંસા’ છે. કોઈ પણ જીવને નુકસાન પહોંચાડ્યા વિના જીવવું એ જ સાચી માનવતા છે. શાકાહાર પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવે છે. ‘ધ વેજીટેરિયન’ દક્ષિણ કોરિયાનાં લેખિકા હાન કાંગ દ્વારા લખાયેલી નવલકથા છે, જેને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. આ નવલકથા એક એવી સ્ત્રીની વાર્તા છે જે હિંસા અને માનવીય ક્રૂરતાથી ત્રાસીને માંસાહાર છોડી દે છે અને સંપૂર્ણપણે શાકાહારી બનવાનો નિર્ણય લે છે. આ નિર્ણય તેના પરિવાર અને આજુબાજુના લોકો સાથેના તેના સંબંધોમાં ગંભીર ટકરાવ પેદા કરે છે. ચાઇનીઝ બુદ્ધિસ્ટ સાધુઓ ઈંડાં અને કાંદા વગરનું શાકાહારી ભોજન લેતા હોય છે, કેટલાક તો છોડને હાનિ ન પહોંચે એટલે જૈન લોકો જેમ કંદમૂળ પણ ખાતા ન હતા. તેઓ માનતા કે ‘શાકાહારી ભોજનથી સાત્ત્વિક વિચાર આવે છે.’ મુસ્લિમો માંસાહાર કરતા હોય છે પણ સૂફી સંતો સાધના દરમિયાન શાકાહાર લેવાનું પસંદ કરે છે. જેનાથી લાંબો સમય ધ્યાનમાં બેસી શકાય છે. બૌદ્ધ ધર્મ માને છે કે ‘આપણે કોઈના શરીરમાં પ્રાણ આરોપી શકતા નથી તો કોઈનો પ્રાણ લેવાનો આપણને હક નથી’. સત્તરમી સદીના ઉત્તરાર્ધ સુધી મોટે ભાગે એવું જ માનવામાં આવતું હતું કે પ્રાણીઓને વિચારશક્તિ નથી તેથી તે મનુષ્ય માટે સાધનરૂપ છે. માંસાહારની ફેવર કરતા કેટલાક લોકોએ એવો ભ્રમ ફેલાવેલો કે ‘શાકાહારી ભોજનથી શરીરમાં પ્રોટીનની ખામી ઊભી થાય છે અને તેઓ માંસાહારી જેવા બળવાન નથી હોતા.’ ઋતુ ઋતુ પ્રમાણે મળતાં લીલાં શાકભાજી રોગો સામે ઢાલ બનીને ઊભાં રહે છે. શાકાહારી સમાજમાં મુખ્યત્વે બ્રાહ્મણ, જૈન, વૈષ્ણવ, લિંગાયત (દક્ષિણ ભારત) અને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો આવે છે. ભોજનના ત્રણ પ્રકાર છે: 1. સાત્ત્વિક ભોજન, જે મન શુદ્ધ રાખે છે અને શાકાહાર હોય છે. 2. રાજસી ભોજન, જેનાથી પ્રમાદ અને મગજ તેજ રહે, જેમાં ડુંગળી, લસણ, વધુ તેલ-મસાલા ઇત્યાદિ આવે છે. 3. તામસી ભોજન, જેમાં વાસી અને તીખો ખોરાક અને માંસાહાર આવે છે. આ ત્રણમાંથી તમે કયું ભોજન લો છો? આવજો... વિશ્વ આશ્ચર્યજનક વસ્તુઓથી ભરેલું છે પણ મનુષ્યથી મોટું આશ્ચર્ય બીજું કોઈ નથી. - સોફોક્લીસ
    Click here to Read More
    Previous Article
    સુખની શોધ:યોગિક પદ્ધતિથી ક્રોધ ઉપર કાબૂ મેળવવાના ઉપાય
    Next Article
    લક્ષ્યવેધ:ટાંકો તૂટ્યો,હિંમત નહીં

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment