Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસ્તિત્વની અટારીએથી:શ્વેતવસ્ત્રાવૃતા પૃથ્વી એટલે શરદપૂર્ણિમા

    15 hours ago

    ભાગ્યેશ જહા કશું સ્થાયી નથી, એટલે ભારતીય વિચાર સનાતન હોવા છતાં બધું પરિવર્તનશીલ છે. ઉત્સવોના રૂપરંગ બદલાતા જાય છે. કેટલીક મૂળભૂત પરંપરાઓ સચવાઈ રહે છે, જીવનની અનેક બાબતો સાથે સમય તરકીબ કરે છે. જો તમે દોષ શોધવાની ફેશનમાં ન ફસાયા હો, તો મનુષ્યની નવું કરવાની, જોવાની દૃષ્ટિ વિકસે છે. દૂધપૌંઆ અને રાસગરબા છોડીને શરદપૂર્ણિમા દૂર જઈને ઊજવવાનું બને તો શું થાય, ચમત્કારથી સહેજ પણ ઓછો ન ગણી શકાય એવો અનુભવ થાય. આ વર્ષે દેહરાદૂન જઈને જ શરદપૂર્ણિમા ઊજવવી પડે એવું ગોઠવાયું. દેહરાદૂનથી દસેક કિલોમીટર દૂર એક ગામ છે, ‘થાનો’. નાનકડું, ન જડે તેવું, અડધું ઊંઘમાં હોય તેવું, કશી મહત્ત્વાકાંક્ષા વગરના મહોલ્લાઓ, અને થોડી એકલવાયી દુકાનો. ત્યાંથી લેખકગાંવ જવાય પણ એની વાત ક્યારેક કહીશું. મારે તો તમને ખૂબ ઉતાવળથી એક હોટેલમાં લઈ જવા છે, જેનું નામ ‘પર્વત’, એના એક પરિસરમાં ગોઠવવા છે જ્યાં ચારેક કલાકમાં શરદપૂર્ણિમા ઊજવવી છે. હોટેલનું નામ છે એવા જ ગુણ. નાનકડી હોટેલ પણ આંગણું ચોખ્ખું, લીલુંછમ, ચાંદનીને આવકારી શકે એવું. પર્વતમાળા એ ‘શિવાલિક’ની ભવ્યતા ધરાવે. અમે 34° ડિગ્રીમાંથી સીધા 14° ડિગ્રી પર પહોંચી ગયા. પણ ઇચ્છા શરદપૂર્ણિમાની હતી, આ દિવસે ચંદ્રોદય જોવાની હતી. રોજ ક્ષયની છાયામાં ઊગતો ચંદ્ર આજે મહારાજાની અદામાં ઊગવાનો હતો. વાતાવરણની ઠંડક અમને શારદીય શ્વાસમંડળમાં ગોઠવતી હતી, સામે ઊભેલી પર્વતમાળા કોઈ મિલનોત્સુક યુવતી જેવી થતી જતી હતી. મારી જિજ્ઞાસા પણ કાલિદાસની શબ્દાવલીને જીવવાની હતી. ઋતુસંહારમાં કાલિદાસ કહે છે, काले प्रफुल्लकमलोत्पलकान्तियुता ખીલેલાં કમળદળથી શોભતા સરોવરની કાંતિ જેવી એક રાત્રિ આવી રહી હતી. ચારે બાજુ વનરાજીમાં એક પ્રકારની પ્રફુલ્લિતતા છલકાતી હતી. જેમ કુલીન અને વિદ્વાન વ્યક્તિની સાથે રહેનાર સાધારણ વ્યક્તિ પણ કેટલીક અસામાન્યતાઓ પ્રાપ્ત કરે છે એમ હિમાલયના આંગણામાં વિકસેલાં વૃક્ષોમાં પણ એક પ્રકારની ‘હિમાલયતા’ ઝૂલે છે. મને વૃક્ષના પાંદડાં હંમેશાં એની જીભ જેવાં લાગ્યાં છે, કારણ મેં અનેક વૃક્ષો સાથે સંબંધ બાંધ્યા છે, એમના પર્ણમર્મર સાંભળ્યા છે, જ્યાં સહુમાં આવી રીતે કોઈ મદમસ્ત પવન ઋતુનો સંદેશ લઈને ફરતો હોય ત્યારે એનો અવાજ એક અલૌકિક ધ્વનિ બની જતો હોય છે. આ તો શરદની રાત્રિ, પૂર્ણિમાની પ્રાગટ્ય ક્ષણ. જે પવન કોઈ એક દિવસે ઋષિના શરીર પર વીંટળાઈને મંત્ર બન્યો હશે, એનો વંશજ ગણી શકાય એવા પવનનું એક ઝાપટું જાણે જગાડી રહ્યું હતું. દૂર ક્ષિતિજ પર ચંદ્ર ઊગી રહ્યો હતો, જાણે પૂર્ણતાની પાતળી સ્વરરેખાઓ કાન પાસે, અજવાળાની આંગળીઓ દોરી શકે એવી ઝીણી રૂપેરી તેજરેખાઓ આંખ પાસે, ભસ્મના ત્રિપુણ્ડ જેવી વિચારરેખાઓ મનના પ્રાંગણે પ્રગટી રહી છે! આ અસાધારણ ઘટના છે, કારણ પૂર્ણિમા આવી રહી છે. ઉપનિષદના ઋષિએ જ્યાંથી પૂર્ણતાનો નાદ ગાયો હતો એ ભૂભાગ પર ઊભા રહીને આ ચંદ્રોદય જોવો એ ઘટના એક સાથે ભૌગોલિક, પર્યાવરણીય બનતી બનતી આધ્યાત્મિક બની રહી હતી. ધીરે ધીરે ચંદ્રમહારાજ આખી પૃથ્વીને નિહાળી રહ્યા હોય એવું ચંદ્રચક્ષુના ભ્રમરવિલાસથી અનુભવ્યું ત્યારે ઉમાશંકરનો આકંઠ પ્રેમ અને રવીન્દ્રનાથની પંક્તિ ‘આમાર આકાશ, આમાર બાતાશ, મારે પ્રાણ બાજે બાંશી…’ જાગી ઊઠી. મન ઓગળવા માંડ્યું, એમ થાય કે એક રવીન્દ્રનાથને ગમતી હતી એવી આરામખુરશીમાં બેસીને આ ચાંદનીમાં પગ બોળી રાખું. સઘળી ચેતનાને પલાળી દઉં, મનને ચંદ્રના પહેલા ‘શિવશક્તિ પોઇન્ટ’ પર પૃથ્વીલોકના પ્રતિનિધિ તરીકે એક હરણની જેમ છૂટું મૂકી દઉં. કોઈ રાત્રિના પંખીની પાંખમાં સંતાઈ જઈને એની હૂંફથી હિમાલયની ઠંડીને થોડી હંફાવી દઉં. શ્વેતવસ્ત્રાવૃતા પૃથ્વી એટલે શરદપૂર્ણિમા આ અલૌકિક અનુભૂતિને હડસેલા મારવા આવેલા ઠંડા પવનો ફાવતા જતા હતા. રૂમમાં જઈને હીટર, રજાઈઓથી વીંટળાઈ જઈને બેઠો છું. રૂમની એક બાજુનું વિશાળકાય બારણું કાચનું હતું એટલે મારા પ્રેમને પામેલી ચાંદની એની ચિક્કાર આમંત્રણભીની આંખે એ કાચની બહાર હીંચકે બેઠેલી અને બારણું ખટખટાવી રહી હતી. પોણી ઊંઘ પછી બ્રહ્મમુહૂર્તમાં ઊઠ્યો ત્યારે કાચની બહાર એ જ ભવ્યતા પથરાયેલી હતી, ઠંડી મને બહાર જતાં રોકતી હતી, પણ આ પારદર્શક કાચનું બારણું ઉપનિષદના મંત્રની જેમ મારા મનનું બારણું ખોલતું હતું. જાપાનીઝ લેખક હારુકી મુરાકામીના પાત્રની જેમ હું બહાર ગયા સિવાય જ બહાર રહેલા હીંચકા પર જઈને બેઠો. બહાર એકદમ ઘટ્ટ ચાંદનીનું એક સરોવર સ્થિર બનીને ચમકતું હતું, એના કિનારે વિકસેલું વન એક મહાકાવ્ય વાંચતા વિદ્યાર્થીની જેમ આકાશ વાંચી રહ્યું હતું. પહોળાં પાંદડાંવાળાં મહાકાય વૃક્ષ કોઈ વૃદ્ધની જેમ ધ્યાનમાં બેઠાં હોય એમ સ્થિર હતાં. એને વળગેલી એક વેલીનાં પાંદડાં પર એક હિંસક ચિત્તાની નજર ચોંટેલી હોય એવો એક ડાઘો દેખાતો હતો. ઊંડી ખીણ સુધી ઊતરેલી ચાંદની સમુદ્રમાં નહાવા પડેલી કોઈ સુંદરી પોતાની કોમળતા સાચવી રાખે એવી રીતે પોતાનાં વસ્ત્રો સંકોરીને ઉપર આવતી હતી. આવી પ્રગાઢ શાંતિમાં નિસર્ગ જે પ્રેમ કરે છે એને શબ્દો સુધી લાવવાની મારી શક્તિ નથી. સવારે એક બતકપરિવાર રાતની ચાંદનીની શ્વેતત્વચા ઓઢીને આવ્યું હોય, સ્વયં સરસ્વતી જ હોય એવું લાગે! ‘ૐ પૂર્ણમિદમ્’ એવું લખું છું ત્યારે અધૂરપ અને મધુરપથી આકંઠ ઊભરાતો હોઉં છું.
    Click here to Read More
    Previous Article
    કવર સ્ટોરી:સ્ટારલિંક : નવી શક્યતાઓ વચ્ચે પડકારો
    Next Article
    સુખની શોધ:યોગિક પદ્ધતિથી ક્રોધ ઉપર કાબૂ મેળવવાના ઉપાય

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment