Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લક્ષ્યવેધ:રિટેક, રિસેટ, રિઝલ્ટ

    23 hours ago

    કે ટલીક નિષ્ફળતાઓ તાત્કાલિક સમજાતી નથી. એ ક્ષણે તો માત્ર નિરાશા જ થાય, પરંતુ સમય જતાં સમજાય કે એ અનુભવે આપણને કંઈક શીખવ્યું હતું, જે સફળતા કદાચ ન શીખવી શકી હોત. ગામિની સિંગલાની યુપીએસસી સિવિલ સેવા પરીક્ષાની સફર આવી જ કંઈક વાત કરે છે. 2021ની સિવિલ સર્વિસિસ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 3 મેળવનાર ગામિની માટે આ મુકામ સુધી પહોંચવાનો માર્ગ સીધો નહોતો. પ્રથમ પ્રયાસમાં તેઓ પ્રિલિમિનરી પણ પાસ કરી શક્યાં નહોતાં પરંતુ એ નિષ્ફળતાને અંતિમ ચુકાદો માનવાને બદલે તેમણે પોતાની તૈયારીને ફરી તપાસી, ભૂલો સ્વીકારી અને આગળ વધવાનો માર્ગ બદલ્યો. એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વખતે ગામિનીએ ‘જે. પી. મોર્ગન’ જેવી કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરી હતી. અભ્યાસ પૂરો થાય તે પહેલાં જ તેમની પાસે કોર્પોરેટ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરવાની તક હતી. સુરક્ષિત નોકરી અને ઉજ્જવળ ભવિષ્યની શક્યતા સામે હતી. છતાં, માણસના જીવનમાં કેટલીક પસંદગીઓ માત્ર સુવિધા કે આર્થિક સુરક્ષાના આધારે થતી નથી. ક્યારેક મનમાં ઊઠતો એક સવાલ આખી દિશા બદલી નાખે છે: જે જીવન આપણી સામે છે, શું એ જ જીવન આપણે જીવવા માગીએ છીએ? ડ્રાઇવિંગ લાઇસન્સની પ્રક્રિયા દરમિયાન એક જિલ્લા કલેક્ટર સાથે થયેલી વાતચીતે ગામિનીને સિવિલ સર્વિસિસ તરફ વિચારવા પ્રેર્યાં. કામમાંથી મળતો સંતોષ માત્ર હોદ્દા પર નહીં, પરંતુ કામ પ્રત્યેના અભિગમ પર પણ આધાર રાખે છે. આ વિચાર તેમના મનમાં રહી ગયો. તેમણે કોર્પોરેટ નોકરીની તક છોડીને સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણયમાં એક અનિશ્ચિત ભવિષ્ય સામે નિશ્ચિત વર્તમાનને છોડવાનું જોખમ હતું. પરંતુ તેમણે પોતાના માટે કયો માર્ગ વધુ અર્થપૂર્ણ હતો, એ પ્રશ્નનો જવાબ શોધવાનું પસંદ કર્યું. પ્રથમ પ્રયાસમાં નિષ્ફળતા મળી. મહેનત કરી હોવા છતાં પ્રિલિમ્સ પાસ ન થતાં સ્વાભાવિક રીતે નિરાશા થઈ હશે. પરંતુ નિષ્ફળતામાંથી બહાર આવવા માટે સૌથી પહેલાં એ સમજવું પડે કે ક્યાં ખોટ રહી ગઈ. ગામિનીએ પોતાની તૈયારીનું નિષ્પક્ષ મૂલ્યાંકન કર્યું. NCERTનાં પુસ્તકોમાંથી પાયો તૈયાર કર્યો હતો, પરંતુ પુનરાવર્તન પૂરતું નહોતું. પરીક્ષા નજીક આવતાં અખબાર વાંચવાની નિયમિતતા જળવાઈ નહોતી. મુખ્ય પરીક્ષા માટે ઉત્તરલેખનની પ્રેક્ટિસ પણ મોડેથી શરૂ કરી હતી. મોક ટેસ્ટ આપી હોવા છતાં વાસ્તવિક પરીક્ષાના દબાણનો સામનો કરવા માટે પૂરતી તૈયારી થઈ નહોતી. પુસ્તકો સામે બેસવું એક વાત છે; મનમાં ઊઠતા પ્રશ્નો અને શંકાઓ વચ્ચે એકાગ્રતા જાળવી રાખવી બીજી. ગામિનીએ બીજા પ્રયાસ માટે પોતાની પદ્ધતિમાં ફેરફાર કર્યા. મુખ્ય પરીક્ષાના ઉત્તરલેખનની પ્રેક્ટિસ વહેલી શરૂ કરી, અખબાર વાંચવાની નિયમિતતા જાળવી અને પુનરાવર્તનને વધુ મહત્ત્વ આપ્યું. આ ફેરફારોમાં કોઈ વિશેષ યોજના નહોતી. તેમણે માત્ર એટલું કર્યું કે પ્રથમ પ્રયાસે જે ખામીઓ હતી, તેને બીજી વખત અવગણી નહીં. આ બાબત દેખાય છે એટલી સાદી નથી. ઘણી વાર નિષ્ફળતા પછી આપણે વધુ મહેનત કરવાનો સંકલ્પ કરીએ છીએ, પરંતુ એ મહેનત કઈ દિશામાં થઈ રહી છે તે તપાસતા નથી. વધુ કલાકો અભ્યાસમાં વિતાવવાથી જ તૈયારી વધુ સારી બને એવું નથી. વાંચેલી બાબત યાદ રહેવી, તેને સમજવી અને પરીક્ષામાં મર્યાદિત સમયમાં યોગ્ય રીતે રજૂ કરી શકવી—આ બધું અલગ કૌશલ્ય છે. ગામિનીએ પોતાની તૈયારીમાં આ તફાવતને ઓળખ્યો. તેમણે અભ્યાસની સાથે બ્રેકનું મહત્ત્વ પણ સમજ્યું. સવારે ટૂંકા વિરામ લેતાં અને સાંજે આરામ માટે વધુ સમય ફાળવતાં. પ્રીલિમિનરીના લગભગ એક મહિના પહેલાં માનસિક થાક અનુભવાયો ત્યારે તેમણે અડધો દિવસ વેબ સિરીઝ જોવામાં વિતાવ્યો. લાંબી તૈયારીમાં દરેક ક્ષણને અભ્યાસમાં ફેરવી દેવી શક્ય નથી. ક્યારેક થોડો સમય પુસ્તકોમાંથી દૂર રહેવું પણ ફરી એકાગ્ર થવામાં મદદરૂપ બને છે. ગામિનીએ ટોપ ટેનમાં સ્થાન મેળવવાનું લક્ષ્ય વ્હાઇટબોર્ડ પર લખ્યું હતું. લક્ષ્ય સ્પષ્ટ રાખવું એક વાત છે; રોજિંદા જીવનમાં તેની તરફ આગળ વધતા રહેવું બીજી. તેમની તૈયારી આ બંને વચ્ચેનો સંબંધ જાળવવાનો સતત પ્રયાસ હતી, પરંતુ જીવન ક્યારેય સંપૂર્ણપણે આપણા આયોજન પ્રમાણે ચાલતું નથી. પરીક્ષા પછી તેમના દાદાનું અવસાન થયું. આવી ઘટનાઓ કોઈ અભ્યાસયોજના પ્રમાણે આવતી નથી અને ન તો દરેક મુશ્કેલીનો કોઈ સરળ ઉપાય હોય છે. તેમ છતાં, તેમણે પોતાની તૈયારીની લય જાળવવાનો પ્રયાસ કર્યો. મે, 2022માં UPSCનું પરિણામ જાહેર થયું ત્યારે ગામિની સિંગલાએ ઓલ ઇન્ડિયા રેન્ક 3 પ્રાપ્ત કર્યો. લક્ષ્યવેધ સિદ્ધ થયો. પાછળથી તેમણે ‘How I Topped the UPSC and How You Can Too’ પુસ્તક દ્વારા પોતાના અનુભવો અન્ય ઉમેદવારો સાથે વહેંચ્યા. તેમણે પોતાની ભૂલો ઓળખી, તૈયારીની પદ્ધતિ બદલી અને ફરી પ્રયત્ન કર્યો. ગામિની સિંગલાની સફરનો સાર કદાચ આટલો જ છે: ક્યારેક સફળતા માટે લક્ષ્ય બદલવાની જરૂર હોતી નથી; એ લક્ષ્ય સુધી પહોંચવાની રીત બદલવી પૂરતી હોય છે.
    Click here to Read More
    Previous Article
    અમલપિયાલી:અવઢવથી મોટો મુંઝારો બીજો કોઈ નથી
    Next Article
    કૉલાજ:ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણી અને ગાળપુરાણ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment