Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૉલાજ:ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણી અને ગાળપુરાણ

    22 hours ago

    હરદ્વાર ગોસ્વામી આરોપી: ‘સાહેબ આ માણસ બહુ ગંદી ગાળો બોલતો હતો એટલે મેં એને માર્યો.’ વકીલ: ‘કેવી ગાળો?’ આરોપી: ‘સારા માણસ સાંભળી ન શકે એવી.’ વકીલ: ‘સારું જજસાહેબના કાનમાં કહી દે.’ ગાળ શબ્દ બોલતાં જ કેટલાકના નાકનું ટેરવું ચડી જશે અને કેટલાકના કાનનું ટેરવું ઊતરી જશે. કેટલાક ગાળને હથિયાર જેમ વાપરે છે અને કેટલાક ઢાલ જેમ. કેટલાક ગાળને ધમકાવવા માટે વાપરે છે અને કેટલાક પોતાની ભૂલ ઢંકાઈ જાય એ માટે. કેટકેટલા પ્રસંગોએ ગાળ કામ આવે છે. એક ગાળમાં આખી ઘટનાનો નિચોડ આવી જતો હોય છે. ઘણા એક ગાળમાં ગુસ્સે થઈ જતા હોય છે પણ આપણે ત્યાં શાસ્ત્રોમાં 100 ગાળ સહન કરવાનું કહેવામાં આવ્યું છે. શિશુપાલે કૃષ્ણને 100 ગાળો આપી હતી. કેટલીક વાર ગાળ ફાયદામાં પણ રહેતી હોય છે. ગાળ ઘીની નાળ... અત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણી ચાલે છે. એમાં પ્રમુખપદ માટે ઉષા ઉપાધ્યાય અને કિરીટ દૂધાત વચ્ચે કાંટા કી ટક્કર છે. બંનેના ટેકેદારો વચ્ચે સોશિયલ મીડિયામાં જંગ જામી છે. (આગામી વર્ષોમાં હવે બે દેશ વચ્ચે યુદ્ધ પણ સોશિયલ મીડિયામાં જ થશે અને ઝુકરબર્ગ હારજીતનો ફેંસલો આપશે). આ વખતે સાહિત્યકારો ગાળો પર ઊતરી આવ્યા છે. બે કટકા બોલવામાં બે મિનિટનો પણ વિચાર ન કર્યો. નવા સર્જન જેમ નવી ગાળો પણ શોધી કાઢી છે. સોનેટસર્જકોની ગાળ એટલી અઘરી હોય કે સામાન્ય ભાવકને ટપ્પો પણ ન પડે અથવા તો 14 દિવસ બાદ સમજાય. ગઝલગાળ તરત કમ્યુનિકેટ થાય એટલે શીઘ્ર સોટીની શક્યતાઓ વધી જાય છે. ગીતગાળ સાંભળવામાં સૂરીલી લાગે અને અછાંદસગાળ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરી થાય એ જ સમજાતું નથી. યજ્ઞેશ દવેના ‘મારી શેરી’ નામક અછાંદસની શરૂઆત આમ થાય છે, ‘જ્યાં બાળક ભાષા પહેલાં ગાળ શીખે છે’. સ્વનામધન્યોની ગામ ભરીને ગાલીગલોચ સાંભળ્યા પછી આ નાચીજને વિચાર આવ્યો કે ‘હવે બાળસાહિત્ય જેમ ગાળસાહિત્ય પણ આવશે’. જેમાં સંપાદકની ગાળ ખાધેલા લેખકોની લખચોરાશી લાગણી વ્યક્ત કરવામાં આવશે. જોડણીકોશમાં ભલે ગાળને સ્થાન ન મળ્યું હોય પણ આવા શબ્દોનો એક અલગ જોડણીકોશ બનશે. આ કલુષિત વાતાવરણમાં એક સકારાત્મક વાત નોંધવી રહી કે બંને પ્રમુખપદના દાવેદારોએ અપશબ્દો સામે ખોંખારીને વિરોધ નોંધાવ્યો છે. ભાષા જ્યારે વધુ પડતી ગળી થઈ ગઈ હશે ત્યારે પહેલી ગાળનું સર્જન થયું હશે. ગરિમાપૂર્ણ ભાષા સુસંસ્કૃત સમાજનો પડઘો છે. ગાળોનો દબદબો આખા વિશ્વમાં છે અને દરેક ભાષામાં પર્યાપ્ત માત્રામાં એ શોભે છે. ગાળ એટલે ભાષાનું આક્રમક સ્વરૂપ. ભાષા આપણા વ્યક્તિત્વનો પરિચય આપે છે. એક માણસે કહ્યું, ‘હું ગાળો બોલવાની હોય ત્યારે અંગ્રેજીમાં જ બોલું છું, મારી ભાષાને શું કામ અપશબ્દો થકી ભ્રષ્ટ કરું?’ ગાળનું પણ એક વ્યાકરણ હોય છે. ગાળવીર જાણે છે કે હળવી ગાળથી પ્રારંભ થાય છે અને ભારેખમ ગાળથી વાક્ય પૂરું થાય છે. મોટા ભાગની ગાળ મહિલા સાથે જોડાયેલી છે ત્યારે તાજેતરમાં ‘સેલ્ફી વિથ ડોટર’ સંસ્થાએ હરિયાણાના સિરસા ગામથી ‘ગાળો બંધ’નું અભિયાન હાથ ધર્યું છે. જેની જવાબદારી દીકરીઓએ લીધી છે. પુરુષો બેડ વર્ડ્ઝ બોલે એ ‘અપશબ્દ ટ્રેકિંગ ચાર્ટ’માં નોંધવામાં આવશે. ગાળમીટરથી ખબર પડશે કે ‘કોણ કેટલી ગાળ બોલ્યું?’ સૌથી વધુ ગાળ દિલ્હી રાજ્યમાં બોલાય છે. (જોકે ગાળ ખાવાની સજ્જતા ધરાવતા લોકો પણ ત્યાં વસે છે). આપણે જેને ગાળો આપીએ છીએ એ કાશ્મીર ગાળ બોલવામાં સૌથી છેલ્લા રાજ્ય તરીકે આવે છે. (ત્યાં ગાળ બોલવાનું મન થાય ત્યારે લોકો બોમ્બ ફોડી નાખે છે) એક સર્વે પ્રમાણે મહાનગરોમાં છોકરા કરતાં છોકરી ડબલ ગાળો બોલે છે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જાય ત્યારે આવું થતું હોય છે. જંતરમંતર આંદોલનમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી પણ એ ‘પ્રધાન’ તો રહ્યા જ. જેન-ઝીએ જીભ ભરીને વડાપ્રધાનને ગાળો આપી હતી. વડાપ્રધાને એ સૌને માફ કર્યા એ એમની મહાનતા હતી. યુવાનો અને વડીલો વચ્ચે આટલો તફાવત રહેવાનો. મધ્ય પ્રદેશના બુરહાનપુર બોરસદ ગામે ગાળને ગામવટો આપવાનો નિશ્ચય કર્યો. આ ગામમાં ગાળો બહુ બોલાતી હતી એટલે ગાળ બોલનારને ખિસ્સાસફાઈ (500 રૂ. દંડ) અને ગામસફાઈ કરવાનો નિયમ ઘડ્યો. મિત્રો દ્વારા દેવાયેલી ગાળ મીઠી લાગે છે. એ જ ગાળ જો અજાણ્યો આપી જાય તો તાતી તલવાર નીકળી પડે. ‘એને હું ગાળ દઈ બોલાવી શકું છું’ મતલબ ગાઢ સંબંધ છે. ગાળ બોલે એ ખરાબ હોય એ ધારી લેવું ખોટું છે. ગાળોની રાજધાની સુરતમાં સૌથી દિલેર લોકો વસે છે. કેટલાકને રોજની 50 ગાળ ન બોલે તો મોં મોળું હોય એવું લાગે. કોઈ ન મળે તો સાંજે એ અરીસામાં ઊભા રહીને ફટકારી દે. ક્રોધને શાંત કરવાનો અકસીર ઈલાજ એટલે ગાળ. આજકાલ સ્ક્રિપ્ટની અનિવાર્યતાના ઓઠા નીચે OTT પર વાંધાજનક વૈખરી વાણીનો વરસાદ હોય છે. કેટલીક કૃતિઓમાં પણ વાસ્તવિક વર્ણનના નામે ગાળો આલેખાય છે. ક્યારેક કોઈને ગાળ દેવાથી ખૂન થયાના દાખલાઓ પણ છે. જીભ કાબૂમાં એનો જીવ કાબૂમાં. કરીએ આળ તો ખાઈએ ગાળ... પહેલાંના સમયમાં અલિખિત ગાલીપ્રદાન સાહિત્ય હતું. દક્ષિણ ભારતમાં વરસાદ મેળવવા સ્ત્રીઓ દ્વારા અભદ્ર ગીતો ગાવામાં આવતાં હતાં. ઘણા પ્રસંગોમાં એક રૂમમાં સ્ત્રીઓ એકઠી થઈ ગાળો દ્વારા પોતાની હતાશાનો હવન કરે છે. એક રમત એવી પણ છે કે પોતાની સાસુને સુસંગત ગાળ બોલવાની અને પતિના સંદર્ભે અશ્લીલ હરકત કરવાની. કોઈને નુકસાન ન થાય એમ ગાળપુરાણ પ્રગટ કરીને સ્ત્રીઓનું કેથાર્સિસ થતું હતું. એ સમયે પુરુષો તો ગમે તે રીતે પોતાનું વિરેચન કરતા ત્યારે સ્ત્રીઓ માટે આ જ રસ્તો હતો. ફટાણામાં ફલાણાને દીધેલ ગાળ ઉભય પક્ષે આનંદ આપે છે. ઉત્તર ભારતમાં આજે પણ હોળીના તહેવારમાં જુગુપ્સાપ્રેરક ટૂચકા કહેવાની પરંપરા છે, જેમાં નિર્દોષ આનંદ સાથે ઉત્તેજનાની ઊલટીઓ થાય છે. પહેલાં અંગ-ઉપાંગો સંદર્ભે ગાળો હતી, સ્ત્રીકેન્દ્રી નહીં. ખજુરાહોના મંદિરમાં કલાત્મકતાના સંસ્પર્શને અશ્લીલ કહેનારા અરસિક અડબોથ છે ત્યારે એને ગાળ દેવાનું મન થાય. મનોવિજ્ઞાન કહે છે કે વાદવિવાદ વકરે ત્યારે ગાલીગલોચ પર માણસ આવે છે. આજે બાળકો પણ ગાળો બોલે છે. સોશિયલ મીડિયાની અસર અને પેરન્ટિંગના પ્રશ્નો! સ્વામી વિવેકાનંદ જ્યારે બાળપણમાં શાળાના એક વિદ્યાર્થી પાસેથી શીખેલી ગાળ બોલેલા ત્યારે પિતાએ ઘરે ભણાવવાનું શરૂ કરેલું. એક વાર શિક્ષકે કહ્યું, ‘ગાળો બોલે એ નર્કમાં જાય.’ ત્યારે એક બાળકે કહેલું, ‘શું મારા પિતા નર્કમાં જશે?’ એક સમય હતો કે ગાળો કૉલેજમાં સાંભળવા મળતી. જૂના જમાનાની ફિલ્મોમાં ગાળ વિલન જ બોલતો. ધર્મેન્દ્ર ‘કુત્તે કમીને’ જેવી હલકીફૂલકી ગાળ એની કૅરિઅરમાં કેટલી વાર બોલ્યો હશે? ગાળ સંભાળવી સારી પણ ખાવી સારી નહીં. બધા શબ્દો ખૂટી જાય ત્યારે અંતિમ શબ્દ ગાળ હોય છે. આવજો... ચિંતા એ જીવનના કાટરૂપ છે, તે જીવનની ઉજ્જવળતાનો નાશ કરે છે અને તાકાતને નબળી પાડે છે. - ટ્રાયન એડવર્ડ્ઝ
    Click here to Read More
    Previous Article
    લક્ષ્યવેધ:રિટેક, રિસેટ, રિઝલ્ટ
    Next Article
    સુરત સિવિલ કેમ્પસની હોસ્ટેલમાં મેડિકલના વિદ્યાર્થીએ ઊંઘની 21 ગોળી ગટગટાવી:29 ઓક્ટોબરથી MBBSની પરીક્ષા શરૂ થવાની હતી, તણાવમાં પગલું ભર્યાની ચર્ચા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment