Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખબરનામા:જી-પોપ ને લોકપ્રિય બનાવનાર સ્વરા ઓઝા

    10 hours ago

    લજ્જા દવે પંડ્યા ચાર વર્ષની ઉંમરે ‘હું તારો લાલો’ ગીતથી લોકપ્રિયતા મેળવનારી સ્વરા ઓઝા આજે જી-પોપ મ્યુઝિકથી ગુજરાતી સંગીત ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી છે. ‘ફાયરમેન’ અને ‘ટેમ્પરેચર હાઈ’ જેવાં તેના ગીતો ગુજરાતી સંગીતના બદલાતા મિજાજને રજૂ કરે છે. તેના માતા સંગીત શિક્ષક રહી ચૂક્યા છે અને ગણતરીના મહિલા મ્યુઝિક ડાયરેક્ટરોમાંના એક છે. માતા પુત્રીની આ જોડી ગીત લખવાથી માંડીને મ્યુઝિક કમ્પોઝ કરવાનું, વીડિયો રેકોર્ડ કરી એડિટિંગ કરવાનું અને આઉટફિટ્સ તૈયાર કરવાનું કામ જાતે કરે છે. તેમના માટે સંગીત માત્ર પર્ફોર્મન્સ નથી, પરંતુ સાથે મળીને કંઈક નવું રચવાનો આનંદ પણ છે. તાજેતરમાં અરુણાચલ પ્રદેશના ઝીરો ફેસ્ટિવલમાં પરફોર્મ કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર બનીને સ્વરાએ પોતાની સંગીતયાત્રામાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. હવે તે ઈન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટમાં પણ ભાગ લેવા જઈ રહી છે. પોતાની સંગીતયાત્રા, ગુજરાતી સંગીતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવાની સફર અને માતા સાથેના સર્જનાત્મક જોડાણ વિશે સ્વરા સાથે થયેલી વાતચીતના અંશો... પ્રશ્ન : ગીત બનાવવાની પ્રોસેસના મોટા ભાગના કામ તમે જાતે જ કરો છો. આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી અઘરું શું લાગે અને સૌથી વધુ મજા શેમાં આવે? સ્વરા : હું અને મારી મમ્મી સાથે મળીને આ બધા કામ કરીએ છીએ. નાનપણથી મેં મારા મમ્મીને મ્યુઝિક ટીચરની જવાબદારીમાં ન આવતું હોય તેવા કામ પણ શીખીને કરી લેતાં જોયા છે. તેમને સતત કંઈક નવું શીખવાની મજા આવે છે અને જ્યાં સુધી તેમાં પરફેક્શન ન મળે ત્યાં સુધી તેઓ શીખતાં રહે છે. કદાચ એટલે જ અમને કોઈ કામ બીજા પાસે કરાવ્યું હોય અને તે અમારા સમય પ્રમાણે પૂરું ન થાય તો બેચેની થવા લાગે છે, પછી અમે જાતે જ એ કામ શીખીને કરવા માંડીએ છીએ. ગીતોમાં મ્યુઝિક પ્રોગ્રામિંગનો ભાગ મમ્મી સંભાળે છે, જ્યારે બાકીનાં કામ અમે સાથે મળીને કરીએ છીએ. સૌથી અઘરું કામ એડિટિંગ છે. મને મારું એડિટિંગ જાતે કરેલું જ વધારે ગમે છે, એટલે અમે એડિટર્સ પણ રાખ્યા નથી. આખી પ્રક્રિયામાં મારો સૌથી ફેવરિટ ભાગ મમ્મીની સાથે કામ કરવાનો છે. બધાને આવી તક નથી મળતી, આ મારું સૌભાગ્ય છે. અમારા બધાનું ક્ષેત્ર એક જ હોવાથી સાથે કામ કરવાની મજા પણ અલગ છે. ગીતની પહેલી લાઇન લખાય ત્યારથી હું તેમાં જોડાયેલી હોઉં છું. ગીત તૈયાર થતું હોય ત્યારે ઘરમાં મારી નાની- દાદી પણ એ ગાવા લાગતા હોય તેવો માહોલ સર્જાય. એટલે અમને તો મ્યુઝિક મેકિંગની પ્રોસેસમાં જ એટલો આનંદ આવે છે ને કે તે અપલોડ થયા પછી તેનું શું થશે તે વિચાર જ અમને નથી આવતો. પ્રશ્ન : ગુજરાતી સંગીતમાં G-Pop જેવી કેટેગરીને નવી પેઢી સુધી પહોંચાડવામાં કયા પડકારોનો આવ્યા? સ્વરા : ગુજરાતીઓ જે પ્રકારનું સંગીત સાંભળવા ટેવાયેલા હોય તેનાથી અલગ કંઈક રજૂ કરવામાં આવે ત્યારે આપણને તેને સ્વીકારવામાં સમય લાગે છે. આપણે ત્યાં તો કોઈ કશુંક નવું કરવાનો પ્રયાસ કરે તો લોકો એવું પૂછે કે આવું કરવાની જરૂર શું હતી? આપણું સંગીત પહેલેથી જ ખૂબ સમૃદ્ધ છે. ગરબા અને લોકસંગીત તો વૈશ્વિક સ્તરે ઓલરેડી પહોંચી ગયા છે. એવામાં કંઈક નવું ઉમેરવું એ થોડુંક પડકારજનક છે. વળી, અમને તો કશું નવું ન કરીએ તો પણ બેચેની થાય એટલે અમે દરેક ગીતમાં કંઈક અલગ કરવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે જ અમારા બધા ગીત એકબીજાથી સાવ અલગ મિજાજના છે. પરંતુ ગુજરાતી શ્રોતાઓને આવું સંગીત સાંભળવાની આદત નહોતી એટલે શરૂઆતમાં તેમને આ વસ્તુ સ્વીકારતા વાર લાગી હતી હવે તો લોકોનો પ્રેમ અને પ્રતિસાદ મળવા લાગ્યો છે, એનો ખૂબ આનંદ છે. પ્રશ્ન : સોશિયલ મીડિયા પર નેગેટિવ કોમેન્ટ્સ આવે ત્યારે તમે તેને કેવી રીતે લો છો? સ્વરા : હું તો તેને ખાસ પ્રોસેસ કરતી જ નથી. હું નેગેટિવ કોમેન્ટ્સને પણ પોઝિટિવ રીતે લઉં છું. કોઈ વ્યક્તિએ મેં શું પહેર્યું છે, મારું ગીત કેવું છે એના પર ધ્યાન આપે છે અને કોમેન્ટ કરવા માટે સમય કાઢે છે, એનો અર્થ એ છે કે હું લોકો સુધી પહોંચી શકવામાં સફળ રહી છું. એ જ વાતનો આનંદ છે. પ્રશ્ન : સંગીત સિવાય તમે તમારી માતા પાસેથી કઈ વાત શીખ્યાં છો, જે તમને સતત પ્રેરણા આપે છે? સ્વરા : સૌથી મહત્ત્વની વાત છે સ્વતંત્ર રહેવું. કોઈ ન હોય તો પણ આપણું કામ અટકી ન જવું જોઈએ, એ હું તેમની પાસેથી શીખી છું. મને ગાતાં આવડે છે, પરંતુ આજના સમયમાં એકલી એ જ ટેલેન્ટ હોય તે પૂરતું નથી. કમ્પોઝિશન કરવું, એડિટિંગ કરવું, લોકો સાથે વાત કરવી, વીડિયો બનાવવો અને તેને લોકો સુધી પહોંચાડવો..આ બધી બાબતો શીખવી જરૂરી છે. આ બધું મેં તેમની પાસેથી શીખ્યું છે. સાથે જ તેમણે મને પોતાની જાત પર વિશ્વાસ રાખતાં પણ શીખવ્યું છે. આજે પણ મહિલા મ્યુઝિક ડિરેક્ટર્સની સંખ્યા ખૂબ ઓછી છે તો મારી મમ્મીના સમયમાં તો મહિલાઓ આ ક્ષેત્રમાં આવી શકે તે વાત પણ લોકો સહેલાઈથી સ્વીકારી શકતા નહોતા છતાં તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું. તેમનો આ જ વાત મને સતત પ્રેરણા આપે છે. પ્રશ્ન : ઘણી યુવતીઓ કંઈક નવું કરવા માગે છે, પરંતુ લોકો શું કહેશે એ વિચારીને આગળ વધી શકતી નથી. તેમને તમે શું કહેશો? સ્વરા : લોકો બે દિવસ વાત કરશે અને પછી ભૂલી જશે. જ્યારે તમે કંઈક નવું કરવા નીકળો ત્યારે કોઈ તમારી મદદ કરવા નહીં આવે, પરંતુ તમે સફળ થશો ત્યારે એ જ લોકો કહેશે કે અમને તો પહેલેથી ખબર હતી કે તમે જીવનમાં કંઈક કરી બતાવશો. વળી, યુવતી હોવું એ જ પોતાની રીતે બહાદુરી અને શક્તિની વાત છે એટલે પોતાની જાત પર વિશ્વાસ રાખી તમે જે લાઇફ બનાવવા માગો છો તે કરતા રહો. આફ્રિકાના આ દેશે બ્યુટી સ્પર્ધા રદ કરી નેશનલ સાયન્સ પ્રોગ્રામ શરૂ કર્યો મહિલાઓની પ્રતિભાને ઓળખવા માટે સૌંદર્યને બદલે જ્ઞાન અને વિજ્ઞાનને મહત્ત્વ આપવાનો એક પ્રયાસ આફ્રિકાના બુર્કિના ફાસો દેશમાં થયો છે. અહીંની સરકારે બ્યુટી સ્પર્ધાઓ પર વિવિધ નિયમો લાદી દીધા છે સાથે જ યુવતીઓને વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન આપવા માટે ‘હાકિલી મુસ્સો’ નામની રાષ્ટ્રીય વિજ્ઞાન સ્પર્ધા શરૂ કરાઈ છે. સપ્ટેમ્બર 2026માં યોજાયેલી આ સ્પર્ધામાં દેશભરમાંથી પસંદ કરાયેલી 84 યુવતીઓએ ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં પોતાની પ્રતિભા બતાવી હતી. ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો છોકરાઓ માટે વધુ યોગ્ય છે એવી રૂઢીગત માન્યતાને બદલવા અને યુવતીઓને પોતાની ક્ષમતા બતાવવાની તક આપવા માટે આ પહેલ શરૂ કરાઈ છે. સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર યુવતીઓને ઇનામ, સ્કોલરશિપ અને લેપટોપ જેવી ભેટો અપાઈ હતી. આ ઉપરાંત, તમામ 84 સ્પર્ધકોને પણ આગળના અભ્યાસ માટે સ્કોલરશિપ અને અન્ય શૈક્ષણિક સુવિધાની વ્યવસ્થા ત્યાંની સરકારે કરી છે. બુર્કિના ફાસોએ બ્યુટી પેજન્ટ સ્પર્ધાઓ પર અંગે ઘણાં નિયમો બનાવી લગભગ રૉક લગાવી દીધી છે. એ જ વર્ષે યુવતીઓની વૈજ્ઞાનિક પ્રતિભાને ઓળખવા માટે આવી સ્પર્ધા યોજાઈ, જેના કારણે આ પહેલની ખાસ ચર્ચા થઈ રહી છે. યુવતીઓને પોતાની બુદ્ધિ, જ્ઞાન અને મહેનતના આધારે આગળ વધી કારકિર્દી બનાવે તે દિશામાં સરકાર પોતે પણ એટલી જાગૃત હોય તે કેટલી સરસ વાત છે. સાંભળવામાં તકલીફ ધરાવતા લોકોની સુરક્ષા માટે ડીવાઈસ બનાવ્યું પોતાને પડતી મુશ્કેલીમાંથી બીજાની મદદ કરવાનો વિચાર આવે ત્યારે નવી શોધનો જન્મ થાય છે. ભારતીય મૂળની ગાર્ગી અગ્રવાલે આ વાત સાચી સાબિત કરી છે. સાંભળવામાં તકલીફ ધરાવતા લોકોની સુરક્ષા માટે તેણે ‘સિવો-ગો’ (SIVO.GO) નામનું ખાસ ડિવાઇસ બનાવ્યું છે. તેની આ શોધ 2026ના જેમ્સ ડાયસન એવોર્ડમાં બ્રિટનની નેશનલ વિજેતા બની છે. આ સાથે તેને 5,000 પાઉન્ડનું ઇનામ પણ મળ્યું છે. ગાર્ગીને પોતાને અને તેની બહેનને પણ સાંભળવામાં તકલીફ છે. પોતાના જેવા લોકોને લોકોને રોજિંદા જીવનમાં કેટલી મુશ્કેલીઓ પડે તેનો તેને અનુભવ છે. ખાસ કરીને સૂતી વખતે કે નાહતી વખતે સાંભળવાનું ડિવાઇસ કાઢી નાખ્યું હોય ત્યારે આગનું એલાર્મ વાગે કે કોઈ દરવાજો ખખડાવે તો તેની જાણ થતી નથી. આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે તેણે ‘સિવો-ગો’ બનાવ્યું. આ ડિવાઇસ આગના એલાર્મ અને દરવાજાની બેલ જેવા અવાજોને ઓળખે છે અને લાઇટ, વાઈબ્રેશન અને સ્ક્રીન પર મેસેજ આપીને વ્યક્તિને એલર્ટ કરે છે. દરવાજો ખખડાવવામાં આવે તો તેની જાણ કરવા માટે પણ તેમાં ખાસ સેન્સર છે. આ ડિવાઇસની ખાસિયત એ છે તે ઇન્ટરનેટ વગર પણ કામ કરી શકે છે. ગાર્ગીએ પોતાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે આ ડિવાઇસ બનાવ્યું હતું. હવે મળેલી એવોર્ડની ધનરાશિથી તે આ શોધને વધુ સારી બનાવી રોજિંદા ઉપયોગ માટે તૈયાર કરવા પર કામ કરશે. ગાર્ગીનો હેતુ એવો ડિવાઇસ બનાવવાનો છે, જે સાંભળવામાં તકલીફ ધરાવતા લોકોને વધુ સુરક્ષિત અને આત્મવિશ્વાસભર્યું જીવન જીવવામાં મદદ કરે. આંતરરાષ્ટ્રીય સ્કીઇંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો કર્ણાટકની ભવાની થેક્કડાએ ન્યૂઝીલેન્ડમાં યોજાયેલી ક્રોસ-કન્ટ્રી સ્કીઇંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. 22 ઑગસ્ટે યોજાયેલી મેરિનો મુસ્ટર સ્પર્ધામાં મહિલાઓના 30+ એજ ગ્રુપની 21 કિલોમીટરની રેસ તેમણે 1 કલાક, 34 મિનિટ અને 38 સેકન્ડમાં પૂરી કરી હતી. આ સિદ્ધિ સાથે ભવાની સત્તાવાર વર્લ્ડલોપેટ સ્કીઇંગ ફેડરેશનની સ્પર્ધામાં ભાગ લેનાર અને મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યાં છે. આ અગાઉ 2025-26ની શિયાળુ સિઝનમાં ઇન્ટરનેશનલ સ્કી એન્ડ સ્નોબોર્ડ ફેડરેશનની સ્પર્ધામાં મેડલ જીતનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા બન્યાં હતાં. તેઓ ફિસ ક્રોસ-કન્ટ્રી સ્કી વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ તેમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય ક્રોસ-કન્ટ્રી સ્કીઅર પણ છે. હાલમાં ભવાની ન્યૂઝીલેન્ડના સ્નો ફાર્મ ખાતે આંતરરાષ્ટ્રીય તાલીમ લઈ રહ્યાં છે. તેમની તાલીમ અને વિદેશમાં સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન તથા કર્ણાટક સરકાર તરફથી સહયોગ મળ્યો છે. બરફ પર લાંબા અંતરની રેસમાં પોતાની ક્ષમતા સાબિત કરનાર ભવાનીની સફર દર્શાવે છે કે સતત મહેનત અને યોગ્ય તક મળે તો ભારતીય ખેલાડીઓ સ્કીઈંગ જેવી ભારતમાં ઓછી જાણીતી ગેમ્સમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ખોબામાં દરિયો:કાશ
    Next Article
    પરખ:સાવધાન... કેમેરો જોઇ રહ્યો છે!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment