Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૂડ માઇન્ડ:ઉદાસીનતાના અંધકારમાં ભક્તિનો દીવો

    1 day ago

    ડો. સ્પંદન ઠાકર કનિશાબહેન 42 વર્ષનાં હતાં. છેલ્લા થોડા સમયથી તેમના જીવનમાં એક પછી એક તણાવ આવી રહ્યા હતા. પતિના કામને કારણે તેમની સાથેનો સમય ઓછો થઈ ગયો હતો. બાળકો મોટાં થતાં પોતાની દુનિયામાં વ્યસ્ત રહેવા લાગ્યાં હતાં. ઘરની જવાબદારીઓ તો હતી જ, પરંતુ હવે તેમને લાગવા માંડ્યું હતું કે ઘરમાં બધાની જરૂરિયાતોનું ધ્યાન રાખનારું કોઈ છે, પણ તેમની લાગણીઓ સમજવા માટે કોઈ નથી. વર્ષોથી તેમણે પોતાની ઇચ્છાઓને પાછળ રાખી હતી. મન દુભાય ત્યારે ચૂપ રહેવું, થાક લાગે તો પણ કામ પૂરું કરવું અને પોતાની તકલીફો બીજાને ન કહેવી. આ તેમની ટેવ બની ગઈ હતી. ધીમે ધીમે આ બધા તણાવનો ભાર વધવા લાગ્યો. જે વાતો પહેલાં સહન કરી લેતાં હતાં, એ હવે અસહ્ય લાગતી. તેમને વારંવાર રડવું આવતું, ઊંઘ બગડી ગઈ હતી અને પહેલાં ગમતી પ્રવૃત્તિઓમાં પણ રસ રહ્યો નહોતો. સૌથી વધારે પીડા ત્યારે થતી જ્યારે મનમાં વિચાર આવતો, ‘આખી જિંદગી બધા માટે જીવ્યાં, પણ હવે મારા જીવનમાં મારા માટે શું છે?’ આ માત્ર થોડા દિવસોની ઉદાસી નહોતી. સતત માનસિક તણાવ, એકલતા, લાગણીઓને દબાવી રાખવાની ટેવ અને જીવનમાં પોતાનું મહત્ત્વ ઓછું થઈ ગયું હોવાની લાગણી તેમના ડિપ્રેશન પાછળનાં મહત્ત્વનાં પરિબળો હતાં. સારવાર દરમિયાન કાઉન્સેલિંગથી કનિશાબહેનને સમજાયું કે દરેકની ખુશીની જવાબદારી પોતાની નથી અને પોતાની લાગણીઓ વ્યક્ત કરવી એ સ્વાર્થ નથી. તેમણે પોતાની જરૂરિયાતો ઓળખવાનું, પરિવાર સાથે મનની વાત કરવાનું અને પોતાની સંભાળ રાખવાનું શરૂ કર્યું. ડૉક્ટરની સલાહ મુજબ દવા પણ શરૂ કરવામાં આવી. આ જ સમય દરમિયાન તેમના જીવનમાં એક બીજો બદલાવ આવ્યો. એક દિવસ તેઓ મંદિરમાં ગયાં. વર્ષોથી પૂજા કરતાં હતાં, પરંતુ આ વખતે પ્રાર્થનાનો અર્થ જાણે બદલાઈ ગયો હતો. પહેલાં તેઓ ભગવાન પાસે પોતાની મુશ્કેલીઓ દૂર કરવાની માગણી કરતાં. હવે તેઓ પ્રાર્થનામાં પોતાના મનની વાત કહેતાં અને અંદરથી હિંમત મેળવવાનો પ્રયત્ન કરતાં. ધીમે ધીમે તેમને એક વાત સમજાવા લાગી,શ્રદ્ધા એટલે માત્ર ભગવાન પર ભરોસો રાખવો નહીં, પરંતુ ભગવાને આપેલી પોતાની અંદરની શક્તિને પણ ઓળખવી. તેમને સમજાયું કે પરિસ્થિતિ હંમેશાં પોતાની ઇચ્છા પ્રમાણે નહીં બદલાય, પરંતુ પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ કેળવી શકાય છે. ભજન અને પ્રાર્થનાથી તેમને શાંતિ મળતી, આધ્યાત્મિક વિચારો તેમને જીવનને નવા દૃષ્ટિકોણથી જોવામાં મદદ કરતા અને રોજની થોડીક પ્રાર્થના તેમને પોતાના મન સાથે જોડાવાનો સમય આપતી. હવે તેઓ દરેક મુશ્કેલીને પોતાની નિષ્ફળતા માનતાં નહોતાં. દુઃખ થાય તો તેને સ્વીકારતાં, જરૂર પડે તો મદદ માગતાં અને ધીમે ધીમે પોતાની જિંદગીમાં પોતાને પણ સ્થાન આપવા લાગ્યાં. તેમની સમસ્યાઓ એકાએક દૂર થઈ નહોતી. પરંતુ સારવાર, પરિવારનો સહકાર, પોતાની વિચારસરણીમાં આવેલા બદલાવ અને આધ્યાત્મિકતાના સહારે જીવન પહેલાં કરતાં વધુ સહ્ય અને અર્થપૂર્ણ લાગવા માંડ્યું. ડિપ્રેશન ઘણી વાર જીવનના સતત તણાવ, એકલતા અને ભાવનાત્મક થાક વચ્ચે ઊંડું બની શકે છે. તેમાંથી બહાર આવવા માટે યોગ્ય સારવાર અને કાઉન્સેલિંગ મહત્ત્વનાં છે. તેની સાથે ભક્તિ અને આધ્યાત્મિકતા વ્યક્તિને આશા, સ્વીકાર અને આંતરિક શક્તિનો અનુભવ કરાવી શકે છે. મૂડ મંત્ર : ભગવાન પરની શ્રદ્ધા આપણને દરેક મુશ્કેલીમાંથી જાદુઈ રીતે બહાર નથી કાઢતી, પરંતુ ક્યારેક એ જ શ્રદ્ધા આપણને પોતાની અંદરની શક્તિ ઓળખતાં અને ફરી એક ડગલું આગળ વધતાં શીખવે છે.
    Click here to Read More
    Previous Article
    પાંચમો વેદ:વાળ ખૂબ જ ખરે છે, તેને ખરતા અટકાવવા માટે શું કરવું જોઈએ?
    Next Article
    મીઠી મૂંઝવણ:લગ્ન થયાં ત્યારે પતિ અને સાસરિયાંમાં સૌ ખૂબ સાચવતાં હતાં, હવે તેમના વર્તનમાં પરિવર્તન આવી ગયું છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment