Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માય સ્પેસ:દુર્ગાઅષ્ટમી અને અનંતનો આવિર્ભાવ

    1 day ago

    અંકશાસ્ત્ર હોય, કે જીવનનું તત્ત્વજ્ઞાન—કેટલાક અંકો માત્ર ગણતરી માટે નથી હોતા. એમની પાછળ એક પ્રતીક, એક લય અને કદાચ કોઈ ગૂઢ સંકેત હોય છે. ‘8’ એવો જ એક અંક છે. આજે અષ્ટમી છે. નવરાત્રિના 9 દિવસમાં 8મો દિવસ વિશેષ શક્તિનો દિવસ માનવામાં આવે છે. ‘અષ્ટમી’ એટલે 8મી તિથિ. દુર્ગાષ્ટમી શક્તિના એક વિશિષ્ટ બિંદુનું પ્રતીક છે. 8 એટલે અષ્ટ. અષ્ટદિશા, અષ્ટસિદ્ધિ, અષ્ટલક્ષ્મી, અષ્ટાંગ યોગ, અષ્ટપ્રકૃતિ અને શક્તિની ઉપાસનામાં અષ્ટમીનું મહત્ત્વ છે. 8ને સીધો ઊભો રાખીએ તો તે ‘8’ છે, અને એને આડો કરી દઈએ તો આપણી આંખ સામે ઊભું થાય છે ∞— Infinity, અનંત. પ્રતીક તરીકે 8નો અંક અને અનંત વચ્ચેનો સંબંધ અત્યંત રસપ્રદ છે. 8ના અંકને આડો કરતાં એની કોઈ શરૂઆત કે અંત દેખાતો નથી. એને ઇન્ફિનિટી કહે છે, અનંત—અંત અને આરંભ ન હોય એવું બ્રહ્માંડ. જીવન પણ એવું જ છે. જન્મ પછી મૃત્યુ અને મૃત્યુ પછી શું—એ પ્રશ્નનો જવાબ આપણી પાસે ન હોય, પરંતુ ભારતીય દર્શન જીવનને ક્યારેય એક સીધી રેખા તરીકે જોતું નથી. અહીં સમય પણ ચક્ર છે, ઋતુઓ પણ ચક્ર છે, કર્મ પણ ચક્ર છે અને જન્મ-મૃત્યુ પણ ચક્ર છે. ભારતીય શાસ્ત્રોએ પુનર્જન્મની વાત કરી છે માટે મૃત્યુ પછીનો જન્મ અને જન્મ થયો એટલે મૃત્યુ નિશ્ચિત એવો આ પ્રતીકાત્મક પ્રવાસ ભારતીય વિચારને બહુ નજીક લાગે છે. ∞ ચિહ્ન સૌપ્રથમ અંગ્રેજ ગણિતશાસ્ત્રી John Wallis (જોન વૉલિસ) ઈ. સ. 1655માં ગણિતમાં વાપર્યું હતું. તેમણે તેને એવી રાશિ માટે વાપર્યું જેની કોઈ અંતિમ સીમા ન હોય—અર્થાત્ અનંત. એ વિચાર હજારો વર્ષ જૂનો છે. ભારતીય તત્ત્વજ્ઞાન અને ગણિતમાં અનંતની કલ્પના બહુ પ્રાચીન છે. ખાસ કરીને ઉપનિષદનું જાણીતું વાક્ય— पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥ અર્થાત્ પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લો, તો પણ પૂર્ણ જ બાકી રહે—આ વિચારને આજના ગણિતીય ‘infinity’ સાથે સીધો સમાન ન ગણવો જોઈએ, પરંતુ અસીમતા/અનંતતા અંગેની ભારતીય વિચારપરંપરા કેટલી જૂની હતી તે દર્શાવે છે. ∞ આકૃતિ ક્યાંથી આવી એની ચોક્કસ માહિતી નથી. કેટલાક ઇતિહાસકારો માને છે કે તે પ્રાચીન રોમન 1000ના ચિહ્ન CIƆƆમાંથી વિકસ્યું હોઈ શકે; કેટલાક તેને ગ્રીક અક્ષર ω (ઓમેગા) સાથે જોડે છે. પરંતુ આ સર્વસ્વીકાર્ય નથી. કેટલાક લોકો એને બે શૂન્યનું સંયોજન માને છે. બે શૂન્ય સાથે મૂકવામાં આવે ત્યારે શૂન્યથી શૂન્યનો પ્રવાસ બને છે. ગ્રહો ગોળ છે. તમામ તારાઓ અને બ્રહ્માંડ એક વિશાળ શૂન્ય છે. શૂન્યમાંથી જો શૂન્ય કાઢી લેવામાં આવે તો શૂન્ય જ રહે અને શૂન્ય ઉમેરવામાં આવે તો પણ શૂન્ય જ રહે... આ ફિલોસોફી આપણને સમજાવે છે કે, બ્રહ્માંડમાં આપણું અસ્તિત્વ શૂન્ય છે. આપણને આ વિશાળ બ્રહ્માંડમાંથી હટાવી દેવામાં આવે તો પણ બ્રહ્માંડને ફેર નહીં પડે અને આપણે જન્મ લઈને આ બ્રહ્માંડમાં શ્વાસ લઈએ, આપણા અસ્તિત્વને ટકાવી રાખવાનો સંઘર્ષ કરીએ એથી પણ આ વિશાળ બ્રહ્માંડને ફેર ન પડે. પ્રતીકાત્મક રીતે ‘8’ અને ‘∞’ વચ્ચેનો સંબંધ અદભુત છે. સીધું ‘8’ જાણે બે બંધ વર્તુળ છે. આડું ‘∞’ એ જ બે વર્તુળોને ગતિ આપી દે છે. અર્થાત્, જે સીમિત હતું તે અનંત બની ગયું. કદાચ માણસના જીવનમાં પણ સૌથી મોટો ફેરફાર બહારની પરિસ્થિતિ બદલવાથી નહીં, દૃષ્ટિકોણને થોડો ફેરવવાથી આવે છે. ઊભા 8ને, આડો કરી દો એટલે જે દુઃખ આપણને ભયાનક અને અસહ્ય લાગે છે, એ જ એક નવી શરૂઆત બની શકે છે. સાથે જ ઇન્ફિનિટી કહે છે કે, કશું જ સ્થિર નથી, સુખ પણ નહીં અને દુઃખ પણ નહીં! જે તૂટવું વિનાશ લાગે છે, એ જ મુક્તિ બની શકે. જે એકાંત સજા લાગે છે, એ જ સાધના બની શકે. 8ને ફક્ત થોડું ફેરવવું પડે છે અને અસ્તિત્વ અનંત બની જાય છે. દુર્ગાષ્ટમીની દેવી પણ એવું જ શીખવે છે. એ અંધકાર દૂર કરવા નથી આવતી; એ આપણને અંધકારમાં આંખ ખોલવાનું શીખવે છે. કારણ કે જીવનમાં બધા અસુર બહાર નથી. કેટલાક અસુરો આપણી અંદર છે. ભય અને નકારાત્મકતા શુંભ અને નિશુંભ છે. અહંકાર મહિષાસુર છે. અસુરક્ષા ધૂમ્રલોચન છે. અતિઆસક્તિ રક્તબીજ છે. પોતાને સતત અધૂરા માનવાની ટેવ કે ફરિયાદ કરતા રહેવાની આદત પણ ચંડ અને મુંડ છે અને કદાચ સૌથી મોટો અસુર છે—તમસ્ (ભીતરનો અંધકાર). શક્તિની ઉપાસના એટલે માત્ર દીવો, ધૂપ, નૈવેદ્ય અને ગરબા નહીં. શક્તિની સાચી ઉપાસના ત્યારે શરૂ થાય છે જ્યારે માણસ પોતાની ભીતર એક એવું સત્ય શોધે છે જે પરિસ્થિતિ કરતાં મજબૂત અને વિશાળ છે. નવરાત્રિની અષ્ટમીને આપણે દુર્ગાષ્ટમી કહીએ છીએ પણ પ્રશ્ન એ છે કે 9 દિવસની સાધનામાં 8મો દિવસ આટલો મહત્ત્વનો શા માટે? કદાચ કારણ એ છે કે 9 પૂર્ણતા છે, પરંતુ 8નો અંક પૂર્ણતા પામતા પહેલાંનું સૌથી છેલ્લું નિર્ણાયક બિંદુ છે. જાણે શિખર પહેલાંનું છેલ્લું ચઢાણ. જાણે પ્રસવ પહેલાંનો અંતિમ વેદનાકાળ. જાણે યુદ્ધમાં વિજય પહેલાંની સૌથી ભયંકર રાત. શક્તિનો જન્મ ક્યારેય સહજતા અને સરળતાથી થતો નથી. એ ઘર્ષણમાંથી જન્મે છે. એ વિદ્રોહ અને આક્રોશમાંથી જન્મે છે. પીડા અને અંધકારમાંથી પ્રવાસ કર્યા પછી જ શક્તિનો જન્મ થાય છે. દેવી દુર્ગાની આખી કલ્પના એ જ ક્ષણમાંથી ઉદभભવે છે જ્યાં દેવતાઓની અલગ અલગ શક્તિઓ અસુર સામે નિષ્ફળ જાય છે, જ્યારે એ તમામ શક્તિ એકત્ર થાય છે અને દેવીના સ્વરૂપનું સર્જન થાય છે. સહુ દેવતાઓ પોતપોતાની શક્તિ-આયુધ દેવીને સમર્પિત કરે છે ત્યારે દુર્ગા જન્મે છે. માણસના જીવનમાં પણ એવું જ છે. જ્ઞાન, હિંમત, સંકલ્પ, મહેનત, આવડત કે ઇચ્છા ને ક્રિયા અલગ હોય ત્યાં સહુ નબળા પડી જાય છે, પરંતુ આ બધું એક દિશામાં, એક ઉદ્દેશ્ય અને એક તત્ત્વ બનીને એકત્ર થાય ત્યારે સામાન્ય માણસ અસામાન્ય કાર્ય કરી શકે છે. આ જ દુર્ગા છે અને આ અષ્ટમીનો અર્થ છે.
    Click here to Read More
    Previous Article
    રાવણનો પવિત્ર પૂર્વ ઈતિહાસ:રાવણનું તર્પણ
    Next Article
    એન્કાઉન્ટર:શું ટ્રેનના પાટાની જેમ માણસો સીધા ચાલી ન શકે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment