Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાવણનો પવિત્ર પૂર્વ ઈતિહાસ:રાવણનું તર્પણ

    1 day ago

    મારું નિવેદન જરા જુદું પણ લાગે. રાવણમાં કેટલીક ખામીઓ જરૂર છે. પરંતુ રાવણનો પૂર્વ ઈતિહાસ જુઓ તો ક્યારેક એ શંકરનો ગણ છે. શંકરના ગણ પાપી ન હોઈ શકે. એનામાં થોડી કમજોરી છે. એણે નારદને કહ્યું કે જરા અરીસામાં જુઓ! એવી મજાક કરી એ એની કમજોરી છે. રાવણના એક અવતારમાં એનું પૂર્વચરિત્ર જય-વિજય છે. વૈકુંઠના દ્વારપાળ જેવાતેવા ન હોઈ શકે. રાવણના મહિમા પ્રત્યે આંખ આડા કાન નહીં કરી શકાય. વૃંદાવાળા પ્રસંગમાં જઈએ તો રાવણ એક બહુ જ બળવાન એવા જલંધરના રૂપમાં સમાજમાં આવ્યો છે; જેની પત્ની વૃંદા અત્યંત પતિવ્રતા હતી. રાવણ પોતાના પૂર્વજન્મમાં સત્યકેતુ નામના બાપનો એક સારો દીકરો છે, જે બીજા જન્મમાં રાવણ થયો. એનું પૂર્વજીવન પ્રતાપભાનુ છે. સૂર્ય જેમ એ માણસ પ્રતાપી છે. મેં તો `માનસ-રાવણ’રૂપે દશાનન પર દસ કથાઓ કરી છે. રાવણ કંઈક વિશેષ છે. પૂર્વજીવન સારું છે એનું. તો પછી એવો રાક્ષસ કેમ બન્યો, એવો સવાલ થાય ત્યારે `રામચરિતમાનસ’માં એનો બચાવ થયો છે; એના પૂર્વજોની શૃંખલા બતાવવામાં આવી છે, જેમાં કોઈ ખરાબ નથી. રાવણની આખી પિતૃપરંપરા નિષ્કલંક છે, વિમલ છે, નિર્મલ છે. તો આ રાવણને કેવી રીતે જસ્ટિફાય કરીશું? રાવણના કુળ, એની પિતૃપરંપરા માટે ત્રણ શબ્દ; એક તો પવિત્ર પરંપરા પાવન, અમલ-નિર્મલ અને અનૂપ. તો પછી એ રાક્ષસ કેમ થયો? કહે છે, એનો કોઈ દોષ નથી. બ્રાહ્મણોએ શાપ આપ્યો એટલે એવું થયું. તો કોણ દોષિત છે? નિયતિ જ જવાબદાર છે. બહુ તટસ્થ દૃષ્ટિથી જુઓ તો રાવણ સારો માણસ હતો. પરંતુ બ્રાહ્મણોએ શાપ આપ્યો એટલે પાપી થઈ ગયો. તો ન્યાય કરવો જોઈએ. આનો મતલબ એ નથી કે રાવણને હું આદર્શના રૂપમાં સ્થાપી રહ્યો છું. રાવણમાં દસ વાતો એવી છે, જેમાં પાંચ શ્રેષ્ઠ છે, પાંચ નબળી છે. આ દસ માથાંવાળો માણસ છે. એમાં દસ વસ્તુ તમે જોઈ શકશો. એનામાં પાંચ વસ્તુ સારી છે. ઈમાનદારીથી વિચારશો તો એ પાંચ વસ્તુ તો સ્વીકારવી પડશે. જો સમચિત્તથી વિચારશો તો જણાશે કે રાવણ બળવાન છે. એ સારું લક્ષણ છે એનામાં. એણે `હનુમાનચાલીસા’નો પાઠ કર્યો છે કે નહીં એની મને ખબર નથી પરંતુ એને એ તો ખબર છે કે મારા ગુરુ હનુમાન છે. અને જેના ગુરુ હનુમાન જેવા હોય એનામાં ત્રણ વસ્તુ આવી જ જાય છે બળ, બુદ્ધિ અને વિદ્યા. રાવણ બળવાન છે. બીજું, રાવણ બુદ્ધિમાન છે. રાવણ વિદ્યાવાન છે. યુદ્ધના મેદાનમાં જે વિદ્યાઓનો એ ઉપયોગ કરે છે! ચોથું લક્ષણ રાવણનું, રાવણ તપવાન છે. શંકર કહે છે કે મેં અને બ્રહ્માએ બંને મળીને વરદાન આપ્યાં છે. ભુજબળ તો જુઓ એનું કે જે માણસ શંકર સહિત કૈલાસને ઉઠાવી લે છે! એનાથી બુદ્ધિમાં બળવાન કોણ હોઈ શકે? બહુ બુદ્ધિમાન છે એ. પાંચમી બાબત એ કે રાવણ ધનવાન છે. રાવણ સુવર્ણપ્રેમી છે; એટલા માટે મારીચને જ્યારે સીતાના અપહરણની યોજના સમજાવે છે ત્યારે મારીચ સુવર્ણમૃગ બને એવી જ વાત એના દિલમાં આવે છે. પાંચ વસ્તુ બહુ જ સબળ છે રાવણના જીવનની. પરંતુ એની સામે પાંચ થોડી કમજોરી છે. રાવણ નીતિવાન નથી અને રાવણ ધર્મવાન નથી. ત્રીજું, રાવણ શીલવાન નથી. અંગદે ઉપહાસ કર્યો, રાવણ, તું પરનારીનું અપહરણ કરે છે, એ તારી ધર્મશીલતા છે? તો રાવણ શીલવાન નથી. શીલવાન એ છે, જે જુએ સૌને પરંતુ એની આંખોમાં વાસના ન હોય, ઉપાસના હોય. રાવણ ધર્મશીલ પણ નથી. નીતિવાન નથી. નથી એ શીલવાન. રાવણનો ચોથો નબળો પક્ષ એ કે રાવણ ભક્તિવાન નથી. રાવણ સ્વયં કબૂલ કરી રહ્યો છે કે મારાથી ભજન નહીં થાય; હું ભક્તિ નહીં કરી શકું. તો રાવણ ધર્મવાન નથી; નીતિવાન નથી; શીલવાન નથી; ભક્તિવાન નથી. પાંચમો નબળો પક્ષ તલગાજરડી દૃષ્ટિએ છે તે એ કે રાવણ રૂપવાન નથી. રાવણમાં રૂપ નથી; શોભા નથી રાવણની. આ પાંચ અભાવ અને પાંચ બળવત્તર પક્ષ છે એવો રાવણ પણ `રામાયણ’નું એક મહત્ત્વનું પાત્ર છે. મૂળતઃ એનું કુળ, એની પિતૃપરંપરા અનૂપ છે; ક્યાંય જોટો ન જડે એવી છે. છતાં પણ શાપને કારણે એક બાધ્યતા પેદા થઈ ગઈ એટલે એ પાપરૂપ, કામરૂપ અને હિંસક થઈ ગયો. પ્રપંચી થઈ ગયો. છતાં રાવણની જે મૂળભૂત વાતો છે એનો વિચાર કરવો જ પડશે. (સંકલનઃ નીતિન વડગામા)य/nitin.vadgama@yahoo.com
    Click here to Read More
    Previous Article
    ડૂબકી:નારીચેતનાનું અંતિમ લક્ષ્ય
    Next Article
    માય સ્પેસ:દુર્ગાઅષ્ટમી અને અનંતનો આવિર્ભાવ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment