Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૂબકી:નારીચેતનાનું અંતિમ લક્ષ્ય

    1 day ago

    ગુજરાતી સહિત ભારતીય ભાષાઓનાં સાહિત્યમાં નારીશક્તિની પ્રતિષ્ઠા કરતી ઉત્તમ કૃતિઓ રચાઈ છે. એવી કૃતિઓમાં ભારતીય મહાકાવ્યો અને પુરાણોની કથાઓને આજના સમયની નારીઓની સમસ્યાને કેન્દ્રમાં રાખી આધુનિક અર્થઘટનો સાથે નવેસરથી નિરૂપવામાં આવે છે. તેલુગુ સાહિત્યમાં પણ ઘણી લેખિકાઓએ તે પ્રકારના નારીવાદી અભિગમની વાર્તાઓ આપી છે. એમાં એક નામ છે ‘વૉલ્ગા’ ઉપનામથી લખતાં લેખિકા પી. લલિતા કુમારી. એમના એક વિશિષ્ટ વાર્તાસંગ્રહ ‘વિમુક્તા’માં એમણે નારીવાદી અભિગમથી સીતાના પાત્રને કેન્દ્રમાં રાખી પાંચ વાર્તાઓ આપી છે. એ વાર્તાસંગ્રહ માટે વૉલ્ગાને વર્ષ 2015નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ગુજરાતી સાહિત્યકાર મીનલ દવેએ આ સંગ્રહની વાર્તાઓનો ગુજરાતી અનુવાદ ‘વિમુક્તા’ નામે જ પ્રકાશિત કર્યો છે. મીનલબહેન કહે છે તેમ આ વાર્તાઓમાં પશ્ચા દભૂ ભલે રામાયણની હોય, પરંતુ એમાં સીતાના નિમિત્તે નારીના તન-મનને મુક્ત કરવાની મથામણને વાચા આપવામાં આવી છે. આ સંગ્રહમાં રામે સીતાનો ત્યાગ કર્યો પછી એ વાલ્મીકિના આશ્રમમાં રહેતાં હતાં તે સમયની ઘટનાઓની વાર્તાઓ છે. વૉલ્ગાએ કલ્પના કરી છે કે તે સમય દરમિયાન સીતા શૂર્પણખા, અહલ્યા, પરશુરામનાં માતા રેણુકા અને લક્ષ્મણની પત્ની અને પોતાની નાની બહેન ઊર્મિલાને વિવિધ નિમિત્તે મળે છે. એમને મળીને સીતા જાણી શકે છે કે તે સ્ત્રીઓ કષ્ટ અને અપમાન ભોગવ્યા પછી પણ પરાજિત થઈ નથી, વધારે સશક્ત બની છે. એમની જીવનદૃષ્ટિમાં નવું તેજ ઉમેરાયું છે. અહીં ‘વિમુક્તા’ સંગ્રહની એક અદભુત વાર્તા ‘પુનર્મિલન’ની વાત કરવી છે. એક સાંજે વનમાં વિહાર કરવા ગયેલા પુત્રો લવ અને કુશને પાછા આવતાં મોડું થયું છે, એથી સીતાને ચિંતા થાય છે. થોડી વાર પછી બંને પુત્રો આવે છે, તેઓ વનમાંથી લીલાં, પીળાં, સફેદ રંગોનાં સુંદર અને અલગ જ પ્રકારની સુગંધથી મઘમઘતાં પુષ્પો ચૂંટી લાવ્યા છે. સીતાએ પણ એવાં સુંદર પુષ્પો જોયાં નથી. પુત્રો કહે છે કે તેઓ આ પુષ્પો ‘નંદનવન’થી પણ સુંદર એક ઉદ્યાનમાંથી લાવ્યા છે. એ ઉદ્યાન નાક-કાન કાપી નાખવામાં આવ્યાં હોય એવી કુરૂપ સ્ત્રીએ બનાવ્યો છે. એ સાંભળતાં જ સીતાને લાગે છે કે તે સ્ત્રી ‘રામથી મોહિત થયેલી’ અને એની સજા ભોગવી ચૂકેલી શૂર્પણખા જ હોઈ શકે. બીજે દિવસે એ શૂર્પણખાને મળવા ઉદ્યાનમાં જાય છે. સીતા પીઠ વાળીને ઊભેલી શૂર્પણખાને જોતાં જ ઓળખી જાય છે, પરંતુ શૂર્પણખા સીતાને પહેલી નજરે ઓળખી શકતી નથી, સીતા પોતાનું નામ જણાવે છે ત્યારે એ ડઘાઈ જાય છે – ‘સીતા? આ સીતા છે? એ કેટલી બદલાઈ ગઈ છે!’ સીતા કહે છે કે શ્રીરામે એનો ત્યાગ કર્યો છે અને એ વાલ્મીકિના આશ્રમમાં રહે છે. શૂર્પણખા અવાક્ થઈ જાય છે. એ સીતા-રામ વચ્ચેના ઉત્કટ સ્નેહને જાણતી હતી. એ જ કારણે એણે ઘણાં વર્ષો પોતાનાં નાક-કાન ગુમાવ્યાં હતાં. શૂર્પણખા એની કુરૂપતા પર વિજય મેળવીને સાચા સૌદર્યની શોધમાં સફળ થઈ છે. એ કહે છે, ‘જીવતાં-જીવતાં હું મજબૂત બનતી ગઈ અને સાચા સૌંદર્યનો મર્મ પામ્યા પછી મને સાચો આનંદ પણ મળ્યો.’ એનાં નાક-કાન કાપીને અપમાનિત કરવામાં આવી પછી એ ‘હરતો-ફરતો જ્વાળામુખી’ બની ગઈ હતી એ રામ, લક્ષ્મણ અને સીતા પ્રત્યે ઝેર ઓકતી રહી હતી, પરંતુ પછી વેરભાવના અને દ્વેષમાંથી બહાર નીકળવવા માટે, ફરીથી સુંદરતાને ચાહવા માટે, ‘રૂપ અને અરૂપનાં મૂળ તત્ત્વને પામવા’ માટે જાત સાથે સંઘર્ષ કરતી રહી ‍અને ધીરેધીરે કુદરતે ચારે બાજુ છૂટા હાથે વેરેલી સુંદરતા તરફ સભાન થતી ગઈ હતી. એ સીતાને કહે છે , ‘પ્રકૃતિ સૌંદર્ય અને કુરૂપતા વચ્ચે કોઈ ભેદ કરતી નથી એ સમજવા મેં ઘણી મથામણ કરી છે… મારી આંખને દરેક પદાર્થ સુંદર લાગવા માંડ્યો, જાત અને જગતને ઘૃણા કરતી હું હવે મને પોતાને અને દરેક વસ્તુને પ્રેમ કરતી થઈ ગઈ.’ શૂર્પણખાની બદલાયેલી જીવનદૃષ્ટિ એને શરીરની કુરૂપતામાંથી મુક્ત કરી આંતરિક સૌંદર્યની ઉપાસક બનાવી દે છે. એની શારીરિક કુરૂપતા અર્થહીન બની ગઈ છે કારણ કે એ એની ભીતર અલભ્ય એવા સૌંદર્યને પામી શકી છે. શૂર્પણખાની સૌંદર્યસાધનાની અપૂર્વતાને સીતા સમજી શકે છે. એ બોલી ઊઠે છે – ‘તું કેટલી રૂપાળી છે!’ એ વિચારે છે – શૂર્પણખાના જીવનમાં આવેલી કસોટી પોતાની અગ્નિપરીક્ષાથી જરા પણ ઊતરતી નથી. રામાયણનાં બે સ્ત્રીપાત્રોને સામસામે લાવીને વાર્તાકાર વૉલ્ગા ચીલાચાલુ નારીવાદી વાર્તાઓથી આ વાર્તાને એક અલગ સ્તર પર લઈ ગયાં છે. જે સ્ત્રીને કારણે સીતાનું અપહરણ થયું, લંકાના અશોકવનમાં કેદ રહેવું પડ્યું. પોતાને શુદ્ધ સાબિત કરવા અગ્નિપરીક્ષા આપવી પડી એ જ સ્ત્રી શૂર્પણખાની વીતકકથા સંભળીને સીતાને લાગે છે કે શૂર્પણખા સ્વયંને શોધી શકી છે અને પોતાની સાચી ઓળખ મેળવી શકી છે; એથી જ હવે એના મનમાં કોઈ સંતાપ, પીડા, વેર લેવાની ભાવના રહી નથી. દુ:ખ અને અપમાનની અગ્નિપરીક્ષામાંથી પસાર થયેલી બે સ્ત્રીઓનું પુનર્મિલન એમને અસ્તિત્વની જંજીરમાંથી મુક્ત કરી ઊર્ધ્વગામી બનવાનો માર્ગ બતાવે છે. નવા અર્થઘટન સાથે લખાયેલી આ નારીવાદી પુરાકથાનું એ ચરમબિંદુ છે. વાર્તાના વહેણમાં ચુકાઈ જતી નાનકડી ઘટના, સીતાનો સંવાદ અને એનો ગૂઢાર્થ ધ્યાનથી સમજીએ તો સીતાએ પણ શોધી કાઢેલી પોતાની સાચી ઓળખનો મર્મ સમજાય છે. એ ઉદ્યાનમાં આવે છે ત્યારે શૂર્પણખા ખાતરી કરવા માટે પૂછે છે, ‘સીતા એટલે શ્રીરામની…’ સીતા તરત જ એને ‘પત્ની’ શબ્દ બોલતી અટકાવી પોતાની ઓળખાણ આ રીતે આપે છે, ‘હું સીતા છું, જનકની પુત્રી, જાનકી. હું ભૂમિનું સંતાન છું.’ કદાચ બધી બાહ્ય ઓળખમાંથી મુક્ત થયા પછી જ નારી પોતાની મૂળ ઓળખ મેળવી શકે છે – અને એ જ હોય છે નારીચેતનાનું અંતિમ લક્ષ્ય.
    Click here to Read More
    Previous Article
    મૉન્ટાજ:નાના પાટેકર કેમ આવા હતા?!
    Next Article
    રાવણનો પવિત્ર પૂર્વ ઈતિહાસ:રાવણનું તર્પણ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment