Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૉન્ટાજ:નાના પાટેકર કેમ આવા હતા?!

    1 day ago

    પાર્થ દવે મદદ, સેવા, ગુસ્સેલ સ્વભાવ, મોંફાટ પ્રકૃતિ અને ધારદાર અભિનય પાછળનું કારણ ‘વિશ્વનાથ નાના પાટેકર’નું બાળપણ, ખાધેલી ઠોકરો અને ગરીબી છે. ‘મહાસાગર’ નામના નાટકના ત્રણ શૉ હતા. વિક્રમ ગોખલે, મોહન ભંડારી અને ત્રીજી એક વ્યક્તિ: એ ત્રણ અભિનેતા હતા. ત્રીજી વ્યક્તિના પિતા શૉ દરમિયાન મૃત્યુ પામ્યા. બાકીના શૉ કેન્સલ કરવાનું બધાએ કહ્યું, પણ પેલાએ ના પાડી. બીજો શૉ ચાલુ થયો. એમાં એક દૃશ્ય આવે છે; જેમાં વિક્રમ ગોખલે પેલી વ્યક્તિને પૂછે છે: ‘તારા પિતાજી ક્યાં છે?’ અને પેલાએ સામે કહેવાનું હોય છે કે, ‘હશે ક્યાંક, બે મહિના પહેલાં આવ્યા હતા.’ પણ વિક્રમ ગોખલે એ સંવાદ બોલી જ નહોતા શકતા. જીભ ઊપડતી જ નહોતી; કારણ કે બધાને ખબર હતી કે ખરેખર એના પિતાનો મૃતદેહ અંતિમસંસ્કારની રાહ જુએ છે. નાટક ચાલુ હતું, દર્શકો જોઈ રહ્યા હતા, એટલે પેલી વ્યક્તિએ સામેથી યાદ અપાવ્યું; કહ્યું કે, ‘બોલ.. તું શું કહેવા માગે છે?!’... અને એ શૉ પૂરો થયો. બીજા અને ત્રીજા શૉની વચ્ચેના સમયમાં પિતાજીના અંતિમસંસ્કાર થયા. શૉ જરૂરી હતો; કેમ કે શૉમાંથી મળતા પૈસા જરૂરી હતા! પિતાનું મૃત્યુ પણ સરકારી હોસ્પિટલમાં, તેમની સારવાર કરાવવા જેટલા પૈસા ન હોવાથી થયું હતું. આવાં અંગત દુઃખોનાં બચાવેલાં આંસુને કૅમેરા સામે રડીને વેચી નાખનાર એ અભિનેતાનું નામ છે: નાના પાટેકર! નાના પાટેકર લોકોને તેમનાં પાત્રો જેવા સનકી, મૂડી ને ગરમ મિજાજી લાગ્યા! તેમના દોસ્તો ઓછા, પણ દોસ્તો પાસે કિસ્સાઓ વધારે! જે સાચું છે એ કહી દેવાની ખુમારી અને જૂઠું કોઈનું સાંભળી ન શકે. બાળપણ દરિયાકિનારે વીત્યું, એટલે સ્વભાવ સમંદર જેવો! સૌ જાણે છે એમ, ‘નામ ફાઉન્ડેશન’ હેઠળ ખેડૂતો માટે ખૂબ કામ કર્યું. વર્ષો પહેલાં નાનાએ મરાઠીમાં એક પીસ લખેલો. મુંબઈગર દોસ્ત હિતેશ જોશીએ તેનો અનુવાદ કર્યો હતો. 8મી ઑક્ટોબરે નાના ગયા ત્યારે તેમની કોઈ ફિલ્મ કે સંવાદ નહીં, બલ્કે આ લખાણ યાદ આવ્યું હતું. તેમાં જીવનના ઘણા જવાબો છે; તમનેય જડશે. ભાષાકીય ફેરફાર સાથે મૂક્યું છે, જુઓ! ઑવર ટુ નાના: ‘ઉંમરના તેરમા વર્ષે, 1963માં નોકરીએ લાગ્યો. સ્કૂલ પત્યા પછી ઘરે કંઈ હોય તો તે ખાઈને આઠ કિલોમીટર ચાલતા નીકળી પડવાનું. રાત્રે નવ-સાડા નવે ફરી ત્યાંથી આઠ કિમી ચાલતા પાછા આવવાનું. ઘરે પહોંચતાં સાડા અગિયાર, ક્યારેક બાર પણ વાગતા. ફરી સવારે પોણા છએ ઊઠીને સ્કૂલે જવાનું. નોકરીમાં મહિને રૂપિયા પાંત્રીસ ને સાંજનું એક ટાણાનું ભાણું મળતું. જતી વખતે અને આવતી વખતે એમ બે વાર રસ્તામાં સ્મશાન આવતું, ક્યારેય કોઈ ભૂત દેખાયો નહીં. પેટમાંની ભૂખનો ભૂત, દુનિયાનાં બધાં ભૂતોથી ભયાનક હોય છે. કોઈ પણ નિશાળ ન શીખવી શકે એવી વસ્તુઓ સંજોગ અને અનુભવ શીખવી દે છે.’ નાના કહે છેઃ ‘આવનારી ક્ષણ કેટલી પણ દુઃખદાયક હોય, સામે જઈને એને ભેટવાનું હતું. મારે મરવાનું નહોતું! બીજો કોઈ પર્યાય જ નહોતો ને! રાતના કામ ઉપર જમતી વખતે, પાછળ ઘરે રહેલાં ભાઈ અને મા-બાપની યાદ આવતી. ‘એમણે કાંઈ ખાધું હશે કે’ એવો વ્યર્થ વિચાર મનમાં આવતો અને પેટની ભૂખની આગમાં જ ન જાણે ક્યાં ભસ્મ થઈ જતો! અડધી રાત્રે પાછાં ફરતી વખતે રસ્તો સૂમસાન લાગતો. અનેક વાર દારૂડિયા પજવતા. જેમતેમ એમની નજર ચૂકવી આગળ નીકળી જતો; પાછળ વળીને જોતો, એ હજુય ગાળો આપતા હોય. હું પણ અંતર રાખી એમને મા-બેનની વળતી ગાળો આપતો; રસ્તા ઉપરના પથ્થરો તો હતા જ મદદે. પરિણામની ચિંતા નહોતી. કાલનો વિચાર નહોતી. બસ આવેલી ક્ષણને સાચવી લેવાની હતી. અહેસાસ જ ન થાય એ રીતે મોતનો ડર ગાયબ થઈ રહ્યો હતો. આંખો સામેના અનુભવો તેરમા વર્ષે ત્રીસમા વર્ષની સમજ સીંચતા જતા હતા. રસ્તામાં ઘણી વાર પાછા ફરતી વખતે ફૂટપાથ ઉપર ચાલતો શૃંગાર જોવા મળતો. એકીસાથે ઘૃણા અને કિશોરવય સહજ સંવેદન અનુભવતો!’ ‘ઉનાળાની ગરમીલી બપોરોમાં ચાલતા કામ ઉપર જતી વખતે, રસ્તામાં આવતી ઉડુપી રેસ્ટોરાંમાંથી આવતી સુગંધને લીધે અજાણતા જ ચાલ ધીમી પડી જતી. એકવાર ત્યાં થાક ખાવા રોકાયો, પેલાએ અંદરથી બે ઈડલી લાવી હાથ ઉપર મૂકી અને હું ગુસ્સામાં ચીસ પાડ્યો: ‘હું કાંઈ ભિખારી નથી!’ ત્યાંથી નીકળ્યો તો આંખમાંનાં આંસુને લીધે આખો રસ્તો ધૂંધળો લાગ્યો. રાત્રે ઊંઘમાં હું રડતો હતો એવું સવારે માએ કહ્યું. એમનાં ખૂબ પૂછ્યાં બાદ મેં જે સાચું હતું એ કહી દીધું અને સ્કૂલે ગયો. બપોરે ઘરે પાછો આવ્યો ત્યારે બારીમાંથી જોયું તો મા-બાપ રડતાં હતાં. હું બહાર થોડા આંટા મારી પછી જ ઘરે ગયો. ત્યાં સુધી વરસાદ પસરી ચૂક્યો હતો. રોટલીની સુવાસની સમકક્ષ સુગંધ દુનિયાનાં કોઈ પણ ફૂલમાં નથી! તહેવારોમાં આજુબાજુનાં ઘરોમાંથી મીઠાઈઓની સુગંધ આવતી. ખાવાનું મન થતું. આજે મીઠાઈઓથી નફરત છે. કોઈ મીઠો માણસ પણ મળે કે એની ઉપર પણ એમ જ સંશય આવે!’ ‘મારી સૌથી બેસ્ટ દોસ્ત: ભૂખ! શું નથી આપ્યું એણે? એ ઉંમરનો અનંત પ્રવાસ! બધી જ શિક્ષાનો રસ્તો પેટમાંથી જ છે. હું ખાઉં છું, એ કલ્પના જ સુખદ હતી એ દિવસોમાં. અને અભિનયમાંથી પણ છેલ્લે શું સરે છે? કલ્પના જ તો! ભૂખ સિવાય હજુ એક દોસ્ત હતો, અપમાન. એકવાર એ આવે અને પચાવતાં આવડે કે એક પ્રકારની વરિષ્ઠતા અને સંતોષ આવી જાય ચહેરા પર! ઊઠીને લડતાં કે ન લડીને સમાધાન કરતાં આવડી જાય. મને ‘ભૂખ અને અપમાન’ની યુનિવર્સિટીમાંથી શિક્ષણ મળ્યું છે. દુનિયાની કોઈ પણ સમસ્યા હવે મને હડબડાવી શકવાની નહોતી. ગમે તેટલી ઊંચાઈએથી મને ફેંકો, હું બિલાડીની જેમ ચાર પગે પોતાનું સંતુલન જાળવી લઈશ, એ ખાતરી હતી, અને છે!’ ગુડ બાય, નાના પાટેકર! }
    Click here to Read More
    Previous Article
    વિકાસની વાટે:ભાષા: સંવાદનું માધ્યમ, લઘુતાગ્રંથિનું કારણ નહીં
    Next Article
    ડૂબકી:નારીચેતનાનું અંતિમ લક્ષ્ય

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment