Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકાસની વાટે:ભાષા: સંવાદનું માધ્યમ, લઘુતાગ્રંથિનું કારણ નહીં

    1 day ago

    હસમુખ પટેલ ત્રણ દાયકાથી અમેરિકામાં સ્થાયી થયેલા એક ગુજરાતી માનસશાસ્ત્રી શિક્ષકોની તાલીમ શિબિરમાં હતા. તેમની અસ્ખલિત ગુજરાતીમાં એક પણ અંગ્રેજી શબ્દ સાંભળવા મળ્યો નહીં. તેઓ શુદ્ધ ગુજરાતી બોલતા હતા એટલું જ નહીં, તેમની વાણીમાં ‘ઉદ્દીપક’ શબ્દ માટે ‘ઉત્પ્રેરક’ જેવો પર્યાય પણ સાંભળવા મળ્યો. તેઓ તેમના અમેરિકાના ગ્રાહકો સાથે અંગ્રેજીમાં જ વાત કરે છે છતાં પણ, આટલું સારું ગુજરાતી કઈ રીતે બોલી શકે છે? કોઈ વ્યક્તિ પોતાની માતૃભાષા સરસ રીતે બોલે કે લખે તો આપણને આશ્ચર્ય થાય તેવા સમયમાં આપણે જીવીએ છીએ! કેટલાક તો એવું માને છે કે અંગ્રેજી શબ્દોના વપરાશ વિના શુદ્ધ ગુજરાતી બોલવું શક્ય જ નથી, કારણ કે કેટલાક શબ્દો માટે આપણી ભાષામાં શબ્દો જ નથી. વાસ્તવમાં એવું નથી, પરંતુ અંગ્રેજોના બસો વર્ષના શાસનને લીધે ગુલામ માનસિકતા આપણા મનમાં ઘર કરી ગઈ છે. અંગ્રેજોએ દુનિયાના ચોથા ભાગ પર રાજ કર્યું. સંસ્થાનોના શોષણને લીધે સો વર્ષ સુધી ગ્રેટ બ્રિટન દુનિયાનો સૌથી સુખી દેશ રહ્યો. તે પછી સો વર્ષ સુધી તે સ્થાન અમેરિકાએ લીધું. અમેરિકાનું ચલણ અને ભાષા આજે આખી દુનિયા વાપરી રહી છે. અંગ્રેજી ભાષા શીખીએ, વેપાર-વણજ માટે તેનો ઉપયોગ કરીએ ત્યાં સુધી ઠીક છે, પરંતુ એવા ઘેલા કે અજ્ઞાન ન બનીએ કે જેથી આપણી માતૃભાષા અને સંસ્કૃતિ ભૂલી જઈએ. મેં પણ અંગ્રેજી બોલતા ન ફાવવાને કારણે ઘણા લાંબા સમય સુધી લઘુતાગ્રંથિ અનુભવી છે. ગાંધીજી પણ તેમાંથી પસાર થયા હતા. પરંતુ તેમણે બહુ ઝડપથી માતૃભાષાને આત્મગૌરવનું માધ્યમ બનાવ્યું. આને લીધે જ તેઓ દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં સામ્રાજ્યવાદી સલ્તનત સામે સફળ લડત ચલાવી શક્યા. દરેક જણ માટે આ એટલું સહેલું નથી. આજે ગામડાનાં મા-બાપ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂકે છે. સરકારી શાળાઓ પણ અંગ્રેજી માધ્યમની થઈ રહી છે. આ બાળકોનાં મા-બાપ કે શિક્ષકોને અંગ્રેજી આવડતું નથી. બાળકોને પણ આવડવાનું નથી. તેઓ અંગ્રેજી ભાષા શીખી નહીં શકે અને માતૃભાષાના ગૌરવથી વંચિત રહી જશે. મને લાગે છે કે ભાષા અંગેનો મારો મનોસંઘર્ષ આવા લોકોને અવઢવ અને લઘુતાગ્રંથિમાંથી બચવા મદદ કરશે. યુપીએસસી (UPSC) સિવિલ સર્વિસ પરીક્ષા ગુજરાતીમાં લેવાય છે તેવી ખબર પડી પછી જ મેં તે પરીક્ષા આપવાનો વિચાર કર્યો. ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપી, કારણ કે મને ખબર હતી કે હું જેટલું સારું ગુજરાતીમાં લખી શકું તેટલું સારું અંગ્રેજીમાં ન લખી શકું. આજે પણ એવું જ છે. કડકડાટ અંગ્રેજી બોલી ન શકવાનો સંકોચ તે વખતે હતો, આજે નથી. મારી દીકરી કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતી હતી. ત્યાં અંગ્રેજી બોલવા પર ભાર નહોતો. ‘તે સારું અંગ્રેજી બોલતાં નહીં શીખે તો!’ આવી ચિંતા મારા મનમાં રહેતી. એ વખતે અમારે ઇંગ્લેન્ડ જવાનું થયું. પોતાના સંતાનો ગુજરાતી ભાષા ભૂલી ન જાય તેની ચિંતા કરતા મા-બાપ મેં ત્યાં જોયાં. મારી ચિંતા ટળી. એક વડીલ સરસ અંગ્રેજી બોલતા હતા. કારણ જાણ્યું તો ખબર પડી કે તેમણે અંગ્રેજી નવલકથાઓ ઘણી વાંચી હતી. હું યુએન (UN) મિશનમાં કોસોવોમાં કામ કરતો હતો. સ્થાનિક લોકો સાથે અમે સંવાદ કરી શકીએ તે માટે અમને લેંગ્વેજ આસિસ્ટન્ટ (ભાષા મદદનીશ) આપવામાં આવેલા. તેઓ અંગ્રેજી લખી શકતા નહોતા પરંતુ કડકડાટ અંગ્રેજી બોલતા હતા. અંગ્રેજી ફિલ્મો જોઈ તેઓ અંગ્રેજી બોલતાં શીખ્યા હતા. આજથી ત્રીસ વર્ષ પહેલાં દિલ્હીમાં જનપથ પર વિદેશી ગ્રાહકોને ગુજરાતી કલા-કારીગરીની સામગ્રી વેચતી અને તેમની સાથે ભાવતાલ કરતી ગુજરાતી અભણ મહિલાઓને જોઈ. વિદેશી ગ્રાહકો સાથે તેઓ કેલ્ક્યુલેટરના માધ્યમથી ભાવતાલ કરતી હતી. આ જ રીતે કેલ્ક્યુલેટરથી વિદેશમાં હીરાનો વેપાર કરનાર ગુજરાતીઓ પણ જોયા. માનવ સભ્યતાના છેલ્લા પાંચ હજાર વર્ષોમાં પણ દુનિયાભરના લોકોએ એકબીજાની ભાષા જાણ્યા વિના સંપર્ક અને વેપાર-વણજ કર્યું છે. અંગ્રેજી શીખવા માટે અંગ્રેજી માધ્યમમાં ભણવું કે ઘરમાં બાળકો સાથે અંગ્રેજી બોલવું જરૂરી નથી તે બરાબર સમજાયું. અંગ્રેજી બોલતા આવડતું હોય તો દુનિયાના ઘણા લોકો સાથે સહેલાઈથી વાતચીત થઈ શકે, તેટલી તેની જરૂરિયાતની ખબર પડી. આગળ લખ્યું તેમ તેના કારણની પણ ખબર પડી. ભાષા વ્યક્તિનો મોભો, દરજ્જો કે ક્ષમતા નક્કી કરે છે તેવું માનીએ તો આપણાથી જુદી ભાષા બોલનાર સામે આપણો આત્મવિશ્વાસ ગગડી જાય. આપણને કડકડાટ અંગ્રેજી આવડતું હોય પણ ફ્રેન્ચ ભાષા આવડતી ન હોય તો ફ્રાન્સમાં લઘુતાગ્રંથિ થશે? ત્યાં તો બલ્કે આપણને એવું થશે કે બિચારા ફ્રેન્ચ લોકોને આપણી જેમ જ અંગ્રેજી આવડતું નથી. આ કઈ માનસિકતા દર્શાવે છે? પેલા માનસશાસ્ત્રી આટલું સરસ ગુજરાતી કેમ બોલતા હતા? કારણ કે તેમણે ભાષાને વાતચીતનું માધ્યમ માની છે, માથે ચડાવી નથી. તેઓ સરસ અંગ્રેજી શીખ્યા છે, પણ ગુજરાતીના ભોગે નહીં. ગુજરાતી ભાષાનું ખોટું ગૌરવ (અથવા: માતૃભાષા પ્રત્યેની વફાદારી) અંગ્રેજી શીખવામાં તેમને અવરોધરૂપ પણ થયું નથી.
    Click here to Read More
    Previous Article
    મજાતંત્ર:ગરબા પછી ઝાપટી શકાય એવા ચટાકા
    Next Article
    મૉન્ટાજ:નાના પાટેકર કેમ આવા હતા?!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment