Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શબ્દ સકળ પૃથ્વીના:નોબેલ વિજેતાનું સર્જન

    2 days ago

    અજયસિંહ ચૌહાણ ઉમાશંકર જોશીનું એક પુસ્તક છે ‘શૈલી અને સ્વરૂપ’. પ્રતિભાવાન સર્જકની પોતીકી શૈલી હોય છે અને એ જે સ્વરૂપમાં સર્જન કરે છે, તે સ્વરૂપની પોતાની વિશેષતાઓ. કેટલાક સર્જકો સ્વરૂપના સાંચામાં કથ્ય અને કથનને ઢાળે છે. તો, કેટલાક સ્વરૂપને જ નવો ઘાટ આપે છે. ઘણા સર્જકો એવા હોય છે, જે સ્વરૂપના રૂઢ માળખાને તોડી નવાં સાહસો પણ કરતા હોય. આવી અટપટી અધ્યાપકીય ચર્ચાનું કારણ છે વર્ષ 2026નું સાહિત્યનું નોબેલ પારિતોષિક. શૈલી અને સ્વરૂપના સીમાડા તોડવા માટે જાણીતાં કેનેડિયન કવિ-લેખિકા એન કાર્સન (Anne Carson)ને નોબેલ પારિતોષિક જાહેર થયું છે. એમને નોબેલ પારિતોષિક જાહેર થતાં દુનિયાના સાહિત્ય જગતનું ધ્યાન એમના તરફ ખેંચાયું છે. ચારે તરફ એમની શૈલીની ચર્ચા થાય છે. ગ્રીક પુરાકથાઓનો એમને વિશેષ અભ્યાસ છે. એમની ‘Autobiography of Red’ અને ‘Eros the Bittersweet’ જેવી કૃતિઓના કેન્દ્રમાં ગ્રીક પુરાકથાઓ છે. સમૂહ માધ્યમોની ચર્ચાઓ અને લખાણો પરથી એટલો ખ્યાલ આવે કે કાર્સનના લેખન અને શૈલીને સમજવા માટે વિશેષ અભ્યાસ આવશ્યક છે. એમની કેટલીક કૃતિઓની આસ્વાદાત્મક ભૂમિકાએ ચર્ચા કરી શકાય. એ દૃષ્ટિએ જોતાં મને ‘ધ બ્યૂટી ઑફ ધ હસબન્ડ’ (The Beauty of the Husband, 2001) નવલકથામાં રસ પડ્યો. હવે અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે એને કાવ્ય ગણવું, નિબંધ ગણવો કે નવલકથા! કારણ કે એનું પેટા શીર્ષક છે ‘29 ટેંગોમાં એક કાલ્પનિક નિબંધ’ (A Fictional Essay in 29 Tangos). ‘કાવ્યમય નવલકથા’ તરીકે પણ એનું સ્વરૂપગત વિભાગીકરણ કરવામાં આવે છે. આપણે ત્યાં સુરેશ જોષીની ‘મરણોત્તર’ નવલકથાના સ્વરૂપને લઈને આવી ચર્ચાઓ થઈ છે. ‘ધ બ્યૂટી ઑફ ધ હસબન્ડ’ના સ્વરૂપ બાબતે ગડમથલ હોઈ શકે; પણ એનું કથાવસ્તુ રસપ્રદ છે. પહેલું વાક્ય કીટ્સને અર્પણ કર્યું છે. વાક્ય જેને ઉદ્દેશીને કહેવાયું છે, એણે કહ્યું હતું કે કીટ્સ ડૉક્ટર છે? ‘સર્જનો કહે છે કે ઘાનો પોતાનો પ્રકાશ હોય છે. જો ઘરના દીવા રામ થઈ જાય તો તમે આ ઘામાંથી નીકળતા તેજથી પંપાળી શકો.’ આટલું કહી એ વાચકને ઉદ્દેશે છે. એ રીતે વાચકને આ કૃતિનો હિસ્સો બનાવે છે. કૃતિની કથક સ્ત્રી છે. એનું નામ નથી; એ અનામી છે. એ જે પુરુષ-પતિ વિશે વાત કરે છે, એ પણ અનામી છે. કથક માત્ર 15 વર્ષની ઉંમરે એ પુરુષના પ્રેમમાં પડી હતી. પુરુષ અત્યંત દેખાવડો અને આકર્ષક છે; એની સુંદરતાના મોહપાશમાં બંધાઈ લગ્ન કરે છે. લગ્ન પછી પતિ સતત જૂઠું બોલે છે અને પરસ્ત્રીઓ સાથે સંબંધો રાખે છે. એ એની આદત છે. નાયિકા એના જૂઠાણાં, પત્રો પકડી પાડે છે, છતાં એને તરત છોડી શકતી નથી. એ પોતાની જાતને વારંવાર એક જ પ્રશ્ન પૂછે છે કે શા માટે એ આવા વિશ્વાસઘાતીને છોડી શકતી નથી? કારણ છે એની સુંદરતા. પતિની સુંદરતા જ પોતાની સૌથી મોટી નબળાઈ છે; એ નાયિકા જાણે છે. એ પોતે બુદ્ધિશાળી અને સમજદાર છે છતાં પતિની સુંદરતા એટલી અમોઘ છે કે તેના બધા જ અવગુણો-વિશ્વાસઘાતને ઢાંકી દે છે. કાર્સન દર્શાવે છે કે સુંદરતામાં એક એવી આકર્ષક શક્તિ છે, જે મનુષ્યની તર્કબુદ્ધિને પંગુ બનાવી દે છે. પતિની સુંદરતા જ એને આ બધું સહન કરવા મજબૂર કરે છે. વર્ષો સુધી આ અસહ્ય માનસિક યાતના ચાલ્યા કરે છે. વિશ્વાસઘાત પછી ફરી જોડાવાના અનેક પ્રયાસો પછી અંતે સંબંધ તૂટી જાય છે અને બંને અનામી છૂટાછેડા લે છે. આ કથામાં એક મહત્ત્વનું સહાયક પાત્ર છે રે. એ ચિત્રકાર છે અને પતિનો મિત્ર છે. રે બંનેના જીવનને તટસ્થ ભાવે જુએ છે. એને નાયિકા સાથે આત્મીય મૈત્રી છે. રેનું પાત્ર જાણે કે સંબંધની બહાર રહીને વાસ્તવિકતાનું દર્પણ બને છે! પાત્રોને અનામી રાખવાથી આ રચના એક વ્યક્તિગત આપવીતી ન રહેતાં કોઈ પણ વ્યક્તિના તૂટતા પ્રણયજીવનની સાર્વત્રિક કથા બની જાય છે. અંતે કથા આ શબ્દોથી પૂરી થાય છે: ‘તું જ એ છે જે બચી નીકળ્યો.’ વાતને સીધી ન કહીને કહેવી: ‘પ્રિય પડછાયા, મેં આ હળવેથી લખ્યું છે. તેની શરૂઆત! મારો અંત. પણ કવિઓ કહે છે તેમ, આ બધું આખરે તો જૂન મહિનાના એ વાદળી ચંદ્ર અને એક કલંકિત રાત પાસે આવીને અટકે છે. અમુક ‘ટેંગો’ નૃત્યો સ્ત્રીઓ વિશે હોવાનો ડોળ કરે છે, પણ આને તો જો. આ કોણ છે? તું જે આંસુના નાનકડા પ્રતિબિંબમાં દેખાય છે. જો હવે હું આ પાનાને એવી રીતે વાળું છું કે તને એમ લાગે કે એ તું જ છે.’ પુસ્તક ઓગણત્રીસ ‘ટેંગો’માં વહેંચાયેલું છે. ટેંગો એક એવું નૃત્ય છે, જેમાં બંને નર્તક એકબીજાની એકદમ નજીક આવે, સાથે ફરે છે અને પાછાં ક્ષણવારમાં ઝટકા સાથે છૂટા પડે. ‘ટેંગો’ આ કથાના બંને પાત્રો વચ્ચે ચાલતા આકર્ષણ, તણાવ, સંઘર્ષ અને દૂરતાનું પ્રતીક બને છે. કીટ્સની કવિતામાં એક અત્યંત જાણીતી પંક્તિ છે ‘Beauty is truth, truth beauty’. કાર્સન આ આખા પુસ્તકમાં કીટ્સના આ સિદ્ધાંતની કસોટી કરે છે. અંતે લાગે છે કે સૌંદર્ય હંમેશાં સત્ય કે શિવ હોય જ એવું નથી હોતું. સુંદરતા મોટા ભાગે વાસનાને જન્મ આપે છે. આ કૃતિમાં પણ હોમર, સોક્રેટિસ વગેરે હાજર છે. સામાન્ય વ્યવહાર અને ભાષામાં પુરુષ માટે ‘હેન્ડસમ’ શબ્દ વપરાતો હોય છે અને ‘બ્યૂટીફુલ’ શબ્દ સ્ત્રી માટે રૂઢ થયેલો છે. પરંતુ કાર્સને અહીં જાણીજોઈને શીર્ષક અને સમગ્ર કૃતિમાં ‘બ્યૂટી’ શબ્દ પતિ માટે વાપર્યો છે. સદીઓથી સાહિત્યમાં એવું બનતું આવ્યું છે કે પુરુષ સ્ત્રીના સૌંદર્યનું વર્ણન કરે, તેના મોહમાં અંધ બને અને સ્ત્રી માત્ર એક સુંદર વસ્તુ બનીને રહે. અહીં કાર્સને એ રૂઢિ ઉલટાવી નાખી છે.
    Click here to Read More
    Previous Article
    ‘કસાબને એક નહીં બબ્બે વકીલ આપો’:ઉજ્જવલ નિકમે કસાબને કેવી રીતે ફાંસીએ પહોંચાડ્યો? કસાબે બિરયાની માગ્યાનું જુઠ્ઠાણું કોણે ચલાવેલું?
    Next Article
    દેશી ઓઠાં:બાંધી મૂઠી લાખની

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment