Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘કસાબને એક નહીં બબ્બે વકીલ આપો’:ઉજ્જવલ નિકમે કસાબને કેવી રીતે ફાંસીએ પહોંચાડ્યો? કસાબે બિરયાની માગ્યાનું જુઠ્ઠાણું કોણે ચલાવેલું?

    2 days ago

    20 જુલાઈ, 2009. મુંબઈની આર્થર રોડ જેલ. ઇલેક્ટ્રિફાઇડ કાંટાળી ઊંચી કાળમીંઢ પથ્થરોની દીવાલોની અંદર ઊભી કરાયેલી ખાસ અદાલતમાં મહિનાઓથી એક કેસ ચાલી રહ્યો છે. આજે એ જ કેસમાં એક પોલીસ અધિકારી જુબાની આપવાના છે. પરંતુ તે પહેલાં કઠેડામાં ઊભેલો આરોપી તેના વકીલ તરફ ઝૂકે છે અને કાનમાં કંઇક કહે છે. પછી વકીલ ન્યાયાધીશને કહે છે, ‘મિ. લોર્ડ, મારો અસીલ કંઈક કહેવા માગે છે.’ અને બીજી જ ક્ષણે કોર્ટમાં એવું વાક્ય ગૂંજ્યું, જેની કોઇને અપેક્ષા નહોતી. આરોપીએ કહ્યું, ‘સાહેબ, મૈં ગુનહગાર હૂં.’ કોર્ટરૂમમાં એક સેકન્ડ માટે સન્નાટો છવાઈ જાય છે. આ અવાજ હતો અજમલ અમીર કસાબનો, જે મુંબઈ પર 2008માં થયેલા 26/11 ના લોહિયાળ આતંકી હુમલાના દસ હુમલાખોરોમાંથી એકમાત્ર જીવતો પકડાયેલો આતંકવાદી હતો. પરંતુ ખરેખરો આંચકો હજુ આવવાનો બાકી હતો. તેની સામે બેઠેલા સરકારી વકીલ ઉજ્જવલ નિકમ ઉભા થાય છે અને ‘ઓબ્જેક્શન, મિ લોર્ડ’ કહીને આ કબૂલાતનો વિરોધ કરે છે. આ દલીલ ખરેખર ઇન્ટરેસ્ટિંગ હતી, કેમ કે ઉજ્જવલ નિકમ કસાબને ફાંસી આપવાના મિશનથી જ સરકાર વતી આ કેસ લડી રહ્યા હતા. તો પછી તેમણે કસાબે ‘ગિલ્ટી’ હોવાનું સ્વીકાર્યું તેનો વિરોધ શા માટે કર્યો? *** ‘પ્રહાર’ ફિલ્મ પહેલાં જાણો, ઉજ્જવલ નિકમની અસલી કહાની ભારત પર થયેલા સૌથી મોટા આતંકી હુમલા એવા 26/11 અટેક્સને આવતા મહિને 18 વર્ષ પૂરાં થશે. પરંતુ તેમાં જીવતા પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને ફાંસીના માંચડા સુધી પહોંચાડનારા પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જવલ નિકમ પર બનેલી ફિલ્મ ‘પ્રહાર’ બે દિવસ પહેલાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં એક્ટર રાજકુમાર રાવે ઉજ્જવલ નિકમની ભૂમિકા ભજવી છે. તે નિમિત્તે નિકમ સાહેબે અમુક ડિટેલ્ડ મીડિયા ઇન્ટરવ્યૂઝ આપ્યા છે, જેમાં તેમણે કસાબને ફાંસીના ગાળિયા સુધી પહોંચાડવાની આખી જદ્દોજહદ ડિટેલમાં વર્ણવી છે. આજના ‘ખાખી કવર’માં વાત કરીએ દેશની આ સૌથી મોટી કોર્ટરૂમ ટ્રાયલ વિશે. *** અંધારી રાત્રે મોતની કાર ધસી આવી આ લોહિયાળ સ્ટોરી શરૂ થાય છે 27 નવેમ્બર, 2008ના રોજ મધ્યરાત્રિએ. લોકેશનઃ ગિરગાંવ ચોપાટી પરની એક પોલીસ ચોકી. એક ગુપ્ત માહિતી મળે છે કે એક ચોરાયેલી કાર આ તરફ આવી રહી છે. દૂરથી આંખો આંજી દે તેવી હેડલાઇટ ફ્લેશ થાય છે, જે ત્યાં હાજર પોલીસકર્મીઓની આંખોમાં શૂળની જેમ ભોંકાય છે. પોલીસ બૂમ પાડે છે, ‘લાઇટ બંધ કરા, કારની અંદરની લાઇટ ચાલુ કરો!’ જવાબમાં કારના વાઇપર સ્ટાર્ટ થઈ જાય છે અને લાગે છે, વિન્ડશિલ્ડ પર પાણી છંટાઈ જાય છે. આથી અંદર કોણ છે તે જોવું ઇમ્પોસિબલ બની જાય છે. પછી ડ્રાઇવર કારને રિવર્સમાં લેવાનો પ્રયાસ કરે છે, અને કાર ડિવાઇડર સાથે અથડાય છે અને અટકી જાય છે. મોતનો ખેલ ખેલીને આવ્યા હતા આતંકીઓ બંને બાજુથી પોલીસ આગળ વધે છે. ત્યારે કોઇને ખબર નહોતી કે તે કારના સ્ટિયરિંગ વ્હીલ પર આતંકી અબુ ઇસ્માઇલ હતો, અને તેની બાજુમાં બેઠેલો અજમલ આમિર કસાબ. બંને જણા મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસમાં અને અન્યત્ર મોતનો ખેલ ખેલીને આવ્યા હતા. નિઃશસ્ત્ર પોલીસકર્મીએ AK-47વાળા કસાબને પકડી લીધો! પરંતુ અત્યારે બંને જણા જાણે શરણાગતિ સ્વીકારતા હોય તેમ હાથ ઊંચા કરે છે, અને પછી અચાનક ઇસ્માઇલ ગોળીબાર કરે છે. સબ ઇન્સ્પેક્ટર ભાસ્કર કદમ વળતો ગોળીબાર કરે છે. આ દરમિયાન, કસાબ બહાર પડી જાય છે અને તેની રાઇફલ તેના તરફ આગળ વધી રહેલા પોલીસકર્મીઓ પર તાકી દે છે. તેમાં આસિ. સબ ઇન્સ્પેક્ટર તુકારામ ઓમ્બલે અને સંજય ગોવિલકર પણ હતા. બંનેમાંથી કોઈની પાસે હથિયાર નહોતાં. ઓમ્બલેને ગોળીઓ વાગી, પરંતુ તે પડતાં પડતાંય ઝપટ મારીને કસાબને કચકચાવીને બાથ ભીડી લે છે. આ દરમિયાન કસાબની AK-47 રાઇફલ પોતાની તરફ પકડી રાખે છે. તે જ ક્ષણે બાકીના પોલીસકર્મીઓએ પણ કસાબ પર લાકડીઓથી હુમલો કર્યો અને તેની રાઈફલ છીનવી લીધી. આ સાથે જ કસાબ જીવતો પકડાઈ ગયો. આ હુમલામાં સંજય ગોવિલકર બચી ગયા, પરંતુ આતંકીઓની ગોળીઓથી ગંભીર રીતે ઘાયલ થયેલા ઓમ્બલે શહીદ થઈ ગયા. બાદમાં તેને મરણોત્તર અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. 166 લોકો, 18 સિક્યોરિટી પર્સન્સનો ભોગ લેવાયો 29 નવેમ્બરના રોજ આતંકી હુમલાઓનું હુતાશન શાંત થયું ત્યાં સુધીમાં બાકીના નવ હુમલાખોરો માર્યા ગયા હતા, અને 166 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. હવે દેશનું ધ્યાન એક જ વ્યક્તિ પર કેન્દ્રિત હતું જેની પાસે આખા કાવતરાની ચાવી હતી. અજમલ કસાબ. નિકમ દીકરીનાં લગ્નમાં હતા, ને હુમલાના ન્યૂઝ આવ્યા 17 ડિસેમ્બર, 2008ના રોજ મહારાષ્ટ્ર સરકારે ઉજ્જવલ નિકમને સરકારના પક્ષનું નેતૃત્વ કરવા માટે નિયુક્ત કર્યા. રાજ્યને નિકમ પર વિશ્વાસ હતો, જેમણે અગાઉ 1993ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ અને પ્રમોદ મહાજન હત્યા જેવા હાઈ પ્રોફાઇલ કેસ સફળતાપૂર્વક લડ્યા હતા. પરંતુ અત્યારે પહેલી લડાઈ કોર્ટમાં નહીં, પણ ઓફિસોમાં લડવાની હતી. 26/11નો હુમલો થયો ત્યારે નિકમ ગોવાના પણજીમાં પોતાની દીકરીનાં લગ્નના રિસેપ્શનમાં વ્યસ્ત હતા. તેમને આ હુમલાની ખબર પડી અને ન્યૂઝ મળ્યા કે આ ગંભીર હુમલામાં સામાન્ય લોકો ઉપરાંત હેમંત કરકરે, અશોક કામટે અને વિજય સાળસ્કર જેવા સિનિયર પોલીસ અધિકારીઓ તેમાં શહીદ થયા છે. નિકમ પોતાનો પ્રસંગ ટૂંકાવીને બીજા જ દિવસે મુંબઈ પહોંચી ગયા. અગાઉના કેસને કારણે નિકમ ઓલરેડી ‘ઝેડ પ્લસ’ સિક્યોરિટીમાં હતા. ‘માત્ર કસાબ નહીં, આખા પાકિસ્તાનને આંટીમાં લો’ નિકમના જણાવ્યા મુજબ, અધિકારીઓએ તેમને કહ્યું કે તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રીનો અભિપ્રાય હતો કે ચાર્જશીટ ફક્ત CST સ્ટેશન અને કામા હોસ્પિટલ સુધી મર્યાદિત હોવી જોઈએ. તેની પાછળનું લોજિક સિમ્પલ હતું: કસાબ ફક્ત ત્યાં હતો, તેથી ટ્રાયલ ટૂંકી રહેશે અને ફાંસી ઝડપી થશે. પરંતુ નિકમે આ મતને નકારી કાઢ્યો. તેમની દલીલ હતી કે દસ આતંકવાદીઓ અલગ અલગ સ્થળોએ એકસાથે હુમલો કરી રહ્યા હતા, જેનો અર્થ એ કે હુમલો પૂર્વઆયોજિત હતો. આ દસ જણા તો ફક્ત ફૂટ સોલ્જર્સ હતા, તેમણે જેમના ઇશારે આ મોતનો ખેલ ખેલ્યો હતો તે ખરેખરા ગુનેગારો હતા. પોલીસ કમિશનર સંમત થયા અને સમગ્ર કાવતરાને આવરી લેતી ચાર્જશીટ તૈયાર કરવામાં આવી. આ નિર્ણયથી ખાતરી થઈ કે પાકિસ્તાન સુધી ફેલાયેલું કાવતરું કોર્ટના રેકોર્ડમાં નોંધાય. ‘હા, હું ગુનેગાર છું’: કસાબે ગુનો સ્વીકાર્યો, પણ… ફેબ્રુઆરી 2009માં કસાબે પોતે પોતાનો ગુનો કબૂલ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આવા નિવેદનનું મૂલ્ય ફક્ત ત્યારે જ રહે છે જો તે બળજબરી વિના આપવામાં આવ્યું હોય. તેથી 17 ફેબ્રુઆરીના રોજ સવારે 10:45 વાગ્યે મેજિસ્ટ્રેટે તેને પોલીસથી અલગ કર્યો, પૂછ્યું કે શું કોઈએ તેની સાથે મારપીટ કરી છે કે ધમકી આપી છે? અને તેને વિચારવા માટે 24 કલાકનો સમય આપ્યો. બીજા દિવસે તેને ફરીથી કહેવામાં આવ્યું કે તે ઇચ્છતો હોય તો ના પાડી શકે છે. પરંતુ કસાબ અડગ રહ્યો, અને તેના જવાબમાં કોઈ પસ્તાવો દેખાતો ન હતો. મેજિસ્ટ્રેટે બીજા 48 કલાકનો સમય આપ્યો. અંતે, 20 ફેબ્રુઆરીએ ત્રણ દિવસની ચેતવણી પછી, તેનું સ્ટેટમેન્ટ નોંધવાનું શરૂ થયું. ફરીદકોટનો છોકરો કસાબ જે ‘અબુ મુજાહિદ’ બન્યો તેનું સ્ટેટમેન્ટ કસાબ નામના આતંકીના આખા જીવનનો પરિચય આપે છે. પાકિસ્તાનના પંજાબના ફરીદકોટનો માંડ ચોથા ધોરણ સુધી ભણેલો એક છોકરો, જે મજૂર તરીકે કામ કરતો હતો. તેના પિતા સાથે ઝઘડો થયા પછી તે લાહોરમાં રહ્યો અને મુઝફ્ફર લાલ ખાન સાથે મિત્રતા કરી. નવેમ્બર 2007માં બંને વધુ સારા રોજગારની શોધમાં રાવલપિંડી પહોંચ્યા. તે સમયે અજમલ માત્ર 20 વર્ષનો હતો. ત્યાં ‘જમાત-ઉદ-દાવા’ના હોવાનો દાવો કરનારા લોકો ઘરે ઘરે જઈને કાશ્મીરની ‘આઝાદી’ માટે દાન માગી રહ્યા હતા. આ નામની પાછળ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા કાર્યરત હતું. બંને મિત્રો તેમનાં ભાષણોથી પ્રભાવિત થયા અને ‘જેહાદ’ માટે ભરતી થયા. રોજગારની તેમની શોધ તેમને મુરિદકેમાં એક ટ્રેનિંગ કેમ્પમાં લઈ ગઈ. આતંકી હુમલામાંથી છટકવાની કસાબ પાસે ત્રણ તક હતી આ તે સ્થાન છે જ્યાં નિર્ણાયક ટ્વિસ્ટ આવે છે. મુઝફ્ફરના મોટા ભાઈને લાગે છે કે કંઇક ખોટું થઈ રહ્યું છે, આથી તે મુઝફ્ફરને ત્યાંથી લઇ જાય છે. પરંતુ કસાબ તે કેમ્પમાંથી હટ્યો નહીં. આ કેમ્પમાં ટ્રેનિંગ લઈ રહેલા બીજા દસ જણા એવું કહીને ત્યાંથી ભાગી ગયા કે આ તેમની ‘જિહાદ’ નથી. કસાબ હજીયે ન ભાગ્યો. ત્યાં તેને હથિયારો ચલાવવાની, ફિઝિકલ એક્સર્સાઇઝની ટ્રેનિંગ આપવામાં આવી. ટ્રેનિંગ કેમ્પ પછી તેને 1300 રૂપિયા આપીને એક અઠવાડિયા માટે પોતાના ગામે મોકલાયો. યાને કે તેની પાસે આ આતંકી હુમલામાંથી છટકવાની વધુ એક તક હતી. છતાં તે પાછો ફર્યો. કસાબ બન્યો અબુ મુજાહિદ, ભારતમાં ઘુસવા બન્યો ‘સમીર દિનેશ ચૌધરી’! હવે તેને એક નવું નામ મળ્યું: અબુ મુજાહિદ. કરાચીમાં દરિયો પાર કરવાની, તરવાની, પાણીમાં શ્વાસ રોકવા વગેરેની મરીન ટ્રેનિંગ અપાઈ. ટાર્ગેટ હતું મુંબઈ. અબુ ઇસ્માઇલ તેનો સાથીદાર બન્યો. વેશ બદલવા માટે તેને એક કોલેજનું નકલી આઇડેન્ટિટી કાર્ડ મળ્યું: ‘સમીર દિનેશ ચૌધરી,’ બેંગલુરુનો એક ‘સ્ટુડન્ટ’. નિકમે કોર્ટમાં આનો ખુલાસો કર્યો. કાર્ડ પર જે કોલેજનું નામ સરનામું હતું તે બેંગલુરુમાં અસ્તિત્વમાં જ નહોતી. અને જે સરનામું હતું તે પ્લોટના માલિકે જુબાની આપી કે ત્યાં કોઈ રહેતું નથી. 22 નવેમ્બર, 2008 ની સવારે તેમની બોટ દરિયામાં જવા નીકળી. મુંબઈ દેશની આર્થિક રાજધાની હોવાને કારણે અને દરિયાઈ માર્ગે ત્યાં પહોંચી શકાય તે થિયરીથી આતંકી હુમલા માટે મુંબઈની પસંદગી કરવામાં આવી હતી. કસાબે યુ-ટર્ન માર્યો, ‘હું તો સગીર છું’ 17 એપ્રિલ, 2009. નિકમ સ્પેશિયલ જસ્ટિસ એમ. એલ. તહલિયાની સમક્ષ કેસ શરૂ કરવાના હતા. તે જ દિવસે કસાબના વકીલ અબ્બાસ કાઝમીને કબૂલાતની નકલ મળી અને તેને પાછી ખેંચવા માટે અરજી દાખલ કરી. ટ્રેનિંગ કેમ્પ, મરીન ટ્રેનિંગ, કમાન્ડર, મુંબઈમાં પ્રવેશવાનો રસ્તો તમામ ડિટેલ્સ કાગળ પર હતી, અને જે વ્યક્તિએ તે આપ્યું હતું તે હવે તેનો ઇનકાર કરી રહ્યો હતો. નિકમને સમજાયું કે કેસ હવે કસાબની ‘હા’ પર ટકી શકે નહીં. તેમણે પુરાવા સાથે શું બન્યું તે સાબિત કરવું પડશે. પછી કસાબે એક નવી યુક્તિ અજમાવી, તેણે દાવો કર્યો કે હુમલા સમયે તે સગીર હતો! (જો એ દલીલ સાબિત થાય તો તેને ફાંસી ન થઈ શકે). પરંતુ ડૉક્ટર અને જેલ સુપ્રિન્ટેન્ડેન્ટે કહ્યું કે તેણે પોતે તેની ઉંમર 21 વર્ષ જણાવી હતી, અને હાડકાંની ગ્રોથ પ્લેટ્સનાં ટેસ્ટિંગથી પણ તે પુખ્ત હોવાનું સાબિત થઈ ગયું. 2 મે, 2009ના રોજ ન્યાયાધીશે તેને પુખ્ત જાહેર કર્યો. કઠેડામાં એક છોકરી, એક માતા અને એક ફોટોગ્રાફર જૂન 2009માં જે લોકોએ તે રાત જીવી હતી તેઓએ જુબાની આપવાનું શરૂ કર્યું. 10 જૂનના રોજ દેવિકા રોટાવન નામની લગભગ દસ વર્ષની એક બાળકીએ પોતાની વીતકકથા જણાવી. હુમલા વખતે ઘાયલ થયેલી આ બાળકી હજુયે યોગ્ય રીતે ચાલી શકતી નહોતી. છ મહિના પહેલાં તે પોતાના પિતા સાથે CST પર ટ્રેનની રાહ જોતી હતી ત્યારે અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ થયો અને તે વખતે તેને ગોળી વાગી હતી. તેણે તે માણસ તરફ ઈશારો કર્યો જે તેણે ગોળી ચલાવતો જોયો હતો. ‘તમારું બાળક આતંકીએ માર્યું હોય તો તમને પીડા સમજાય’ બીજા દિવસે નફીસા કુરેશી આવી. તે ગર્ભવતી હતી અને તેની છ વર્ષની પુત્રી આફરીન સાથે ટ્રેનની રાહ જોઈ રહી હતી. બંનેને ગોળી વાગી હતી. નફીસા બચી ગઈ, પરંતુ આફરીન તેના હાથમાં મૃત્યુ પામી. પૂછપરછ દરમિયાન બચાવ પક્ષે દલીલ કરી કે તેની જુબાની ખોટી હતી અને પોલીસે તેના પર દબાણ કર્યું હતું. નફીસાનો જવાબ દેશભરમાં હેડલાઇન્સમાં સ્થાન પામ્યો: ‘તમારું બાળક મર્યું નથી, તમે ત્યાં હતા પણ નહીં, એટલે તમારા માટે આ વાત કરવી સહેલી છે.’ કસાબને કેમેરામાં કેદ કરનારા ફોટોગ્રાફરની વ્યથા 15 જૂનના રોજ ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના ફોટોગ્રાફર સેબેસ્ટિયન ડિસોઝા ત્યાં પહોંચ્યા, જેમના 100થી વધુ ફોટોગ્રાફ્સ, જેમાં ઘણા બ્લર હતા, પરંતુ તેમાં કસાબ રાઇફલ સાથે સ્પષ્ટ દેખાતો હતો. પૂછપરછ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે તેમણે હુમલાખોરોનો પીછો કરવાનું અને ફોટોગ્રાફ્સ લેવાનું કેમ ચાલુ રાખ્યું નહીં. તેમનો જવાબ ત્રણ શબ્દોમાં હતો: ‘હું ડરી ગયો હતો.’ નિકમ સ્વીકારે છે કે સૌથી મુશ્કેલ કાર્ય આવા સાક્ષીઓને રજૂ કરવાનું હતું, જેમણે બધું ગુમાવ્યું હતું તેમને પહેલાં પ્રોત્સાહિત કરવાની જરૂર હતી. તેઓ એ પણ સ્વીકારે છે કે કેટલીક જુબાનીઓ દરમિયાન તેઓ પોતે પણ ઇમોશનલ થઈ ગયા હતા. પોરબંદરની ‘કુબેર’ બોટ હાઇજેક કરી, દસ આતંકી મુંબઈમાં ઘુસ્યા કસાબ મુંબઈ કેવી રીતે પહોંચ્યો તેનો જવાબ દરિયામાંથી જડ્યો. 27 નવેમ્બરના રોજ પોરબંદરના એક પરિવારની બોટ ‘કુબેર’ કોસ્ટ ગાર્ડને મળી. નાવિક અમરસિંહ સોલંકીનો મૃતદેહ એન્જિન રૂમમાં પડ્યો હતો. સેટેલાઇટ ફોન, GPS અને નોટબુક બોટના પાટિયા નીચે ક્યાં છુપાયેલી હતી તેનું લોકેશન પણ કસાબે પોલીસને બતાવ્યું. 23 નવેમ્બરના રોજ પોતાની બોટના એન્જિનનો બેલ્ટ બગડી ગયો છે તેવું બહાનું કાઢીને કસાબ એન્ડ કંપનીએ મદદ માગી હતી અને કુબેરને હાઇજેક કરી લીધી હતી. બોટ પર મળેલા જેકેટ પરના પરસેવાના ડાઘના DNA કસાબના ડીએનએ સાથે મેળ ખાતા હતા. રબર બોટનો યામાહા એન્જિન નંબર જાપાનથી કરાચી મોકલવામાં આવેલા કન્સાઇનમેન્ટ સાથે મળ્યો હતો. બોટ પર મળેલાં ગુલાબી પેકિંગ ફોમ જેવી વસ્તુઓ CST સ્ટેશન, કામા હોસ્પિટલ અને તાજ નજીક પણ મળી આવી હતી. યાને કે આ બધાનો સોર્સ એક જ હતો. મુંબઈના કિનારે પહોંચીને હુમલાખોરો અલગ થઈ ગયા હતા. હુમલા વખતે આતંકીઓને અમેરિકાથી કૉલ કેમ આવતા હતા? પછી આવી ફોનલાઇન. હુમલા દરમિયાન હુમલાખોરોને ‘+1’ કોડ ધરાવતા નંબર પરથી ફોન કૉલ આવી રહ્યા હતા. યાને કે તે ફોન અમેરિકાથી આવી રહ્યા હતા. પરંતુ ઇન્વેસ્ટિગેશનમાં પોલીસ ઇન્ટરનેટ કોલિંગ (VoIP) દ્વારા અમેરિકાના ન્યુ જર્સીની કંપની ‘Callphonex’ સુધી પહોંચી. ઓક્ટોબર 2008માં ‘ખડક સિંહ’ નામના ગ્રાહકે ભારતીય હોવાની ઓળખ આપીને Callphonexની આ VoIP કૉલિંગ સર્વિસનો લાભ લીધો હતો, પરંતુ પૈસા પાકિસ્તાન અને ઇટાલીના એજન્ટો દ્વારા આવ્યા હતા. 25 નવેમ્બરના રોજ કંપનીના માલિકે ઇમેઇલ કરીને તેનું કારણ પૂછ્યું, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. બીજા દિવસે મુંબઈ પર હુમલો થયો. ‘અમેરિકાને પણ ખબર પડે કે ભારતમાં તપાસ કેવી રીતે થાય છે’ ન્યૂ યોર્કમાં FBI લેબે તૂટેલા GPS પરથી કરાચી-મુંબઈ રૂટ-પોઇન્ટ કાઢ્યા. આ માટે FBI એજન્ટની જુબાની જરૂરી હતી. કોર્ટમાં નિકમે પોતાની વાત પર અડગ રહીને FBIના એજન્ટને વીડિયો કોન્ફરન્સિંગથી નહીં, પરંતુ રૂબરૂ આવીને જુબાની અપાવી, જેથી અમેરિકા પણ જોઈ શકે કે ભારતમાં તપાસ કેવી રીતે થાય છે. 20 જુલાઈનું સિક્રેટ: નિકમે કસાબની કબૂલાતને કેમ નકારી કાઢી? હવે પાછા એ સવારની વાત કરીએ. ફેબ્રુઆરીમાં કસાબે અમરસિંહ સોલંકી નામના નાવિકની હત્યા કરવાની કબૂલાત કરી હતી. 20 જુલાઈના રોજ તેણે ગુનાની કબૂલાત કરી, પણ પોતાની વાત બદલી નાખી: હવે ખૂની અબુ શોએબ હતો, અને તે પોતે એન્જિન રૂમમાં નહોતો. મૃતદેહ એ જ હતો, બોટ એ જ હતી, પણ ખૂની બદલાઈ ગયો હતો, અને નવો ખૂની આજની તારીખે ઓલરેડી મૃત્યુ પામ્યો હતો. કસાબ ગુનો કબૂલ કરી રહ્યો હતો અને તેમાંથી છટકી પણ રહ્યો હતો. ન્યાયાધીશે નિકમને પૂછ્યું કે શું તેઓ આ સ્ટેટમેન્ટને સ્વીકારી રહ્યા છે કે કેમ, કારણ કે કોર્ટનો ચુકાદો તેના પર આધારિત હશે. નિકમે ના પાડી. તેમણે દલીલ કરી કે આ અર્ધ-સત્ય સ્વીકારવાથી મૃત્યુદંડની માગણી માટેના આધાર નબળા પડી જશે. એક ‘અર્ધ સત્ય’ આખા કેસને ડુબાડી દેશે. ‘કસાબને એક નહીં, બબ્બે વકીલ આપો’ પછી એક તોફાન આવ્યું. 23 જુલાઈના રોજ, કસાબના વકીલ કાઝમીએ કેસ છોડી દેવાની ઇચ્છા વ્યક્ત કરી. વક્રતા જુઓ કે જે વકીલનું કામ આરોપીને દોષિત ઠેરવવાનું હોય, તેવા નિકમને ન્યાયાધીશના કહેવાથી આરોપીના વકીલને જાળવી રાખવામાં મદદ કરવી પડી, કારણ કે નિકમને ડર હતો કે આખી પ્રક્રિયા ફરીથી શરૂ કરવી પડશે. આ કેસની શરૂઆતમાં પણ કસાબ વતી કેસ લડવા માટે કોઈ તૈયાર નહોતું, સ્વાભાવિક રીતે જ એક આતંકીનો કેસ લડવા બદલ તેમને પર્સનલ અને પ્રોફેશનલ જિંદગીમાં ભયંકર બદનામીનો સામનો કરવો પડે. તે વખતે ઉજ્જવલ નિકમે કોર્ટ સમક્ષ આજીજી કરી કે કસાબને એક નહીં, બલકે બે વકીલ આપવા જોઇએ, જેથી આખી દુનિયામાંથી કોઈ એવું ન કહી શકે કે ભારતમાં કસાબની ફેર ટ્રાયલ નહોતી થઈ! પાછળથી લગભગ 300 સાક્ષીઓના સોગંદનામાની ઊલટતપાસ અંગે કસાબના વકીલ કાઝમી અને કોર્ટ વચ્ચે ઉગ્ર દલીલ થઈ, અને તેમને દૂર કરવામાં આવ્યા. એડવોકેટ કે. પી. પવારે તેમનું સ્થાન લીધું. 18 ડિસેમ્બર, 2009ના રોજ, કસાબે એક નવી વાર્તા કહી: તે જુહુમાં ભાડે રાખવા માટે રૂમ શોધવા ગયો હતો, મૂવી જોવા ગયો હતો, અને હુમલા પહેલાં પોલીસે તેની ધરપકડ કરી હતી! તેણે કોર્ટમાં પહેલીવાર રબર બોટ જોઈ. અબુ ઇસ્માઇલ? ‘મને ખબર નથી કે તે કોણ છે.’ આ ખૂની હુમલામાં તેનો સાથીદાર હવે તેના માટે અજાણ્યો હતો! ‘મટન બિરયાની’નું જૂઠાણું કોણે અને શા માટે ચલાવ્યું? એક સ્ટોરી આખા દેશની મેમરીમાં ઊંડે સુધી કોતરાઈ ગઈ છે: કસાબે જેલમાં મટન બિરયાની માગી હતી. માર્ચ 2015માં નિકમે પોતે સ્વીકાર્યું કે તેમણે પોતે જ આ બનાવટી સ્ટોરી ઘડી કાઢી હતી! કોર્ટમાં કસાબ રડતો હોવાના અહેવાલો ફરવા લાગ્યા હતા, અને તેમને ડર હતો કે પબ્લિકની સહાનુભૂતિ તેના તરફ વળી જશે. આથી તેમણે ન્યાયાધીશ સાથેની વાતચીતમાં બિરયાનીનો ઉલ્લેખ કર્યો. બહાર ન્યૂઝ ચેનલોની OB વાનમાંથી ‘કસાબ માંગે બિરયાની’ જેવા બ્રેકિંગ ન્યૂઝ ફ્લેશ થવા લાગ્યા. કાઝમીએ બીજા દિવસે ફરિયાદ કરી. નિકમના મતે કસાબ તેમની વાતચીત સમજી શક્યો નહીં અને માથું નમાવીને ચૂપ રહ્યો. ચુકાદો: કસાબને મૃત્યુદંડ, બે નિર્દોષ છૂટ્યા 3 મે, 2010ના રોજ કોર્ટે કસાબને દોષિત ઠેરવ્યો. અન્ય બે આરોપીઓ ફહીમ અંસારી અને સબાઉદ્દીન અહેમદ પર મુંબઈનાં લેન્ડમાર્ક્સના હાથથી દોરેલા નકશા નેપાળ થઈને પાકિસ્તાનમાં દાણચોરી કરવાનો આરોપ હતો. એક નકશો અબુ ઇસ્માઇલના ખિસ્સામાંથી મળી આવ્યો હોવાના અહેવાલ છે. જોકે, કાઠમંડુવાળી આ થિયરી કોર્ટને ગળે ઊતરી નહીં, કેમ કે અબુના એન્કાઉન્ટર અને મૃત્યુ પછી પણ કાગળ પર કરચલી કે લોહીના ડાઘ ન હોવાનું જાણવા મળ્યું, જે શક્ય નહોતું. બંનેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા, અને તેમનો નિર્દોષ છુટકારો સુપ્રીમ કોર્ટ સુધી માન્ય રહ્યો. ‘કસાબને તો હથિયાર બનાવાયો હતો’ 6 મે, 2010ના રોજ કસાબને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. 21 ફેબ્રુઆરી, 2011ના રોજ બોમ્બે હાઈકોર્ટે તેની પુષ્ટિ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં બચાવ પક્ષે એક ગરીબ, ઓછા શિક્ષિત છોકરાની છબિ રજૂ કરી હતી જેને અન્ય લોકો દ્વારા હથિયાર બનાવવામાં આવ્યો હતો. પરંતુ 29 ઓગસ્ટ, 2012ના રોજ ન્યાયાધીશોએ ગણાવ્યું કે કસાબ પાસે આ આતંકી કૃત્ય ન આચરવાની ઘણી તકો હતી, પરંતુ તે આ ઘટનાને અંજામ આપવા માટે મક્કમ હતો. કોર્ટે તેની મોતની સજાને બરકરાર રાખી. ઓપરેશન "X": એક મેસેજ સાથે આતંકનો અંત આવ્યો રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ 5 નવેમ્બર, 2012ના રોજ કસાબની દયા અરજી ફગાવી દીધી. 19 નવેમ્બરના રોજ કસાબને ચૂપચાપથી પુણેની યરવડા જેલમાં લઈ જવામાં આવ્યો. 20 નવેમ્બરના રોજ રાત્રે લગભગ 9 વાગ્યે વરિષ્ઠ પોલીસ અધિકારી મીરાં બોરવણકર સરકારી વાહન છોડીને મોટરસાઇકલ પર જેલમાં પહોંચ્યા, જેથી કોઇનું ધ્યાન ખેંચાય નહીં. તેમની પાસે એક લેપટોપ અને એક ડોંગલ હતું. ગૃહમંત્રીએ તેમને ફાંસી પછી તરત જ મોકલવા માટે એક મેસેજ તૈયાર રાખવા કહ્યું હતું. આ ઓપરેશનનું કોડનેમ ‘ઓપરેશન એક્સ’ રાખવામાં આવ્યું હતું. છેલ્લી ઘડીએ કસાબની હાલત કેવી હતી? કસાબને 21 નવેમ્બર, 2012ના રોજ સવારે 7:30 વાગ્યે ફાંસી આપવામાં આવી. બોરવણકરે પાછળથી કસાબને ‘સંપૂર્ણપણે ભાંગી પડેલા, કોઇક વિચારોમાં ખોવાયેલા માણસ’ તરીકે વર્ણવ્યો. કસાબનો મૃતદેહને જેલના પરિસરમાં દફનાવવામાં આવ્યો. કસાબને ફાંસી આપી દેવાયાના સમાચાર નિકમને રાજ્યના ગૃહમંત્રી પાસેથી માહિતી મળી, કેમ કે નિકમ આ ખૂફિયા પ્રક્રિયાથી અજાણ હતા. વર્ષોની જુબાની, દલીલો, અપીલો અને સતત માથે ઝળુંબતા હુમલાનો અંત એક જ મેસેજ સાથે થયો. નિકમ BJP માટે ચૂંટણી લડ્યા, પણ હારી ગયા! પોતાની પોપ્યુલર ઇમેજને એનકેશ કરવા માટે ઉજ્જવલ નિકમ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર મુંબઈ નોર્થ-સેન્ટ્રલથી હારી ગયા હતા. રાષ્ટ્રપતિએ જુલાઈ 2025માં તેમને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા હતા. 26/11ના અન્ય આતંકીઓ ક્યાં છે? ને શું કરે છે? આ હુમલાનો અન્ય આરોપી ડેવિડ કોલમેન હેડલી અમેરિકામાં અમેરિકામાં 35 વર્ષની સજા ભોગવી રહ્યો છે. ડેવિડનો બાળપણનો મિત્ર અને 26/11ના અન્ય ગંભીર અપરાધી તહવ્વુર રાણાને 10 એપ્રિલ, 2025ના રોજ અમેરિકાથી પ્રત્યાર્પણ કરીને દિલ્હી લાવવામાં આવ્યો હતો અને NIA દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. તે હાલમાં તિહાર જેલમાં છે. NIA એ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે, તેના પરના આરોપો હજુ સુધી સાબિત થયા નથી. હાફિઝ સઈદ, ઝકીઉર રહેમાન લખવી અને સાજિદ મીરને ભારત 26/11 ના મુખ્ય કાવતરાખોર માને છે, અને ત્રણેય પાકિસ્તાનમાં છે. ત્યાંની અદાલતોએ 2022 માં સઈદને 31 વર્ષની જેલની સજા ફટકારી હતી, 2021 માં લખવીને 15 વર્ષની અને 2022 માં મીરને 15 વર્ષની સજા ફટકારી હતી, પરંતુ આ કેસો આતંકવાદી ભંડોળના કેસ માટે હતા, જે 26/11 ના કેસ સાથે સીધા સંબંધિત નહોતા. ભારત તેમના પ્રત્યાર્પણની માગ કરી રહ્યું છે. અબુ જુંદાલ કથિત હેન્ડલરોમાંનો એક હતો, જેને 2006ના ઔરંગાબાદ શસ્ત્ર કબજા કેસમાં 2016માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 26/11ના કાવતરામાં તેની ભૂમિકાનો અલગથી કેસ ચાલી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    CJPને ‘પાઠ ભણાવવા’ હિન્દુ રક્ષા દળે 150 લોકો મોકલ્યા:35 કાર્યકરો વિરોધ-પ્રદર્શનમાં ઘૂસી ગયા, લોકોને મારનાર બોલ્યો- પોલીસ મારાથી ખુશ રહે છે
    Next Article
    શબ્દ સકળ પૃથ્વીના:નોબેલ વિજેતાનું સર્જન

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment