Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CJPને ‘પાઠ ભણાવવા’ હિન્દુ રક્ષા દળે 150 લોકો મોકલ્યા:35 કાર્યકરો વિરોધ-પ્રદર્શનમાં ઘૂસી ગયા, લોકોને મારનાર બોલ્યો- પોલીસ મારાથી ખુશ રહે છે

    2 days ago

    10 ઑક્ટોબર 2026ના રોજ દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત હતો. પ્રદર્શનકારીઓને રોકવા માટે બેરીકેડિંગ કરવામાં આવ્યું હતું. ઘણા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ દરમિયાન ભગવા ગમછા પહેરેલા કેટલાક લોકો ત્યાં પહોંચી ગયા. તેમણે પ્રદર્શનકારીઓને માર માર્યો અને લાઠીઓથી ડરાવ્યા. તેમના વીડિયો વાયરલ થઈ ગયા. દિલ્હી પોલીસે ચાર લોકોની ધરપકડ કરી લીધી. વાત માત્ર આ ચાર લોકો સુધી મર્યાદિત નથી. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં સક્રિય હિંદુ રક્ષા દળના નેતાઓએ દાવો કર્યો કે સંગઠનના 150થી વધુ લોકો ત્રણ રાજ્યોમાંથી દિલ્હી ગયા હતા. તેમાંથી 35 લોકો પ્રદર્શન સ્થળ સુધી પહોંચ્યા હતા. ભાસ્કર સાથેની વાતચીતમાં સંગઠનના કાર્યકર્તાઓએ પ્રદર્શનમાં જવા અને પ્રદર્શનકારીઓને ‘પાઠ ભણાવવાની’ વાત કહી. યુપી, ઉત્તરાખંડ અને હરિયાણાથી છોકરાઓ બોલાવ્યા, ગાઝિયાબાદથી 15-20 ગાડીઓ ગઈ હિન્દુ રક્ષા દળના સંયોજક સંકેત કટારા જણાવે છે, ‘અમે દિલ્હીમાં ચારેય બાજુથી પ્રવેશ્યા હતા. સોનીપત, નોઈડા અને ગાઝિયાબાદ તરફથી અનેક યુવાનો અંદર ગયા. સંગઠનના અધ્યક્ષ પિન્કી ભૈયાના પુત્ર હર્ષ ચૌધરી અને ઉત્તરાખંડના અધ્યક્ષ લલિત શર્માના નેતૃત્વમાં 15-20 ગાડીઓ ગાઝિયાબાદથી નીકળી હતી. 150થી વધુ લોકો સાથે હતા.’ ‘બાકીની જગ્યાઓ પરથી પણ ગાડીઓ આવી હતી. હર્ષની પોલીસે રસ્તામાં જ ધરપકડ કરી લીધી. બાકીના લોકોને ગાઝીપુર બોર્ડર પર રોકી દેવામાં આવ્યા. 35 લોકો અંદર પહોંચવામાં સફળ રહ્યા. આમાં દિલ્હીના કાર્યકરો સામેલ નથી.’ સંકેતના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડ, યુપી અને હરિયાણાના 25-30 જિલ્લાઓમાંથી યુવાનો દિલ્હી આવ્યા હતા. તેમની સંખ્યા વધુ હોત, પરંતુ આશરે 30 જિલ્લાઓમાં કાર્યકરોને નજરકેદ (હાઉસ અરેસ્ટ) કરી લેવામાં આવ્યા હતા. માત્ર દિલ્હીમાં જ 130 કાર્યકરો હાઉસ અરેસ્ટ હતા.’ ‘કોંગ્રેસ, આપ અને CJPના પ્રદર્શન પર નજર, ત્યાં જ પાઠ ભણાવીશું’ સંકેત કહે છે, ‘અમે પક્ષોને ચેતવણી આપી રહ્યા છીએ, પછી તે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે CJP; હવે પછી જે કોઈ પણ દિલ્હીમાં પ્રદર્શન કરશે, હિન્દુ રક્ષા દળના સભ્યો તેમાં સામેલ થશે. સનાતન વિરુદ્ધ જે કોઈ પણ બોલશે, તેને ત્યાં જ પાઠ ભણાવવામાં આવશે.’ ‘CJPનું પ્રથમ પ્રદર્શન પણ અમે જોયું હતું. કોમેડિયન કુણાલ કામરાએ માતા સીતા માટે અપશબ્દો કહ્યા, ત્યારે અમે ટ્રિગર (આક્રોશિત) થયા હતા. ત્યારથી આ લોકો અમારી નજરમાં છે. અમારે મજબૂરીવશ કાયદો હાથમાં લેવો પડ્યો, કારણ કે તંત્ર અમારો અવાજ સાંભળી રહ્યું ન હતું.’ CJPના પ્રદર્શનના ત્રણ દિવસ પહેલાં રેલી, અહીં જ થયું આયોજન જંતર-મંતર પર CJPના પ્રદર્શનના ત્રણ દિવસ પહેલાં 7 ઑક્ટોબરે દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત ઇન્દિરા ચોક ખાતે રેલી નીકળી હતી. તેમાં નારા લગાવવામાં આવ્યા હતા— ‘દિલ્હી પોલીસ લઠ્ઠ મારો, અમે તમારી સાથે છીએ.’ રેલીમાં સામેલ હિન્દુ રક્ષા દળના કાર્યકર અભિષેકના જણાવ્યા મુજબ, 6 તારીખથી જ પિન્કી ભૈયાના વીડિયો આવવા લાગ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે કોકરોચોને આ વખતે લાકડીથી પાઠ ભણાવવાનો છે. ત્યારથી જ અમે તૈયાર હતા. ઇન્દિરા ચોકની રેલી ઘણી નાની હતી. 10 ઑક્ટોબરે અસલી ફિલ્મ રિલીઝ થઈ. દિલ્હીમાં રહેતા અમારા અનેક કાર્યકરો તેમાં સામેલ થયા અને પ્લાનિંગ એવું થયું કે પ્રદર્શનકારી બનીને અમે પણ અંદર ઘૂસી જઈશું. ધરપકડ કરાયેલા લોકો કોણ છે? 1. રવીન્દ્ર ગોવિંદ, ગૌ પ્રમુખ, હિન્દુ રક્ષા દળ ‘પોલીસે ચેતવણી આપી છે, છતાં કોકરોચોને મારીશ’ 10 ઑક્ટોબરે પ્રદર્શનકારીઓ સાથે મારપીટના વાયરલ થયેલા વીડિયોમાં રવીન્દ્ર ગોવિંદ જોવા મળ્યો હતો. એક વીડિયોમાં તે કહે છે, ‘મારી પહોંચ છેક ઉપર સુધી છે. બધા પોલીસવાળા મને ઓળખે છે. હું અહીં કોકરોચોનો ઈલાજ કરવા આવ્યો છું.’ ત્યારબાદ રવીન્દ્રના અનેક સ્થળોએ મારપીટ કરતા વીડિયો સામે આવ્યા. દિલ્હી પોલીસે તેને કસ્ટડીમાં લીધો. રવીન્દ્રનું કહેવું છે, ‘હું ગાઝિયાબાદમાં હિન્દુ રક્ષા દળનો ગૌ પ્રમુખ છું. ટ્રાવેલિંગનો નાનો બિઝનેસ છે. ઘણાં મકાનો છે, જેમાંથી ભાડું આવે છે. તેનાથી જ ઘરખર્ચ ચાલે છે. હું ફુલ ટાઈમ સનાતની એક્ટિવિસ્ટ છું. પિન્કી ચૌધરી અમારા અધ્યક્ષ છે. તેમના કહેવા પર જ અમે દિલ્હી ગયા હતા.’ મારપીટ અંગેના સવાલ પર રવીન્દ્રે જણાવ્યું, ‘પહેલાં અમને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમે અમારો જીવ બચાવવા માટે તેમને માર્યા. બીજી એક વાત, ભગવાન રામ વિરુદ્ધ જે કોઈ પણ બોલશે, તેને વિંધી નાખીશું. કોકરોચોને કહેવા માગું છું કે, આંદોલન કરવું હોય તો શાંતિથી કરો. ખોટું બોલશો, તો માર ખાશો.’ પોલીસે ક્યારે ધરપકડ કરી? રવીન્દ્રે જણાવ્યું, ‘પોલીસ રાત્રે 12 વાગ્યે ઉપાડી ગઈ. ચેતવણી આપી કે હવે પછી શાંતિ ભંગ થવી ન જોઈએ, પરંતુ અમારા રામ વિરુદ્ધ કોઈ બોલશે, તો મારીશું. હું ગૌરક્ષક છું. ગાય પર અત્યાચાર થતો જોઉં છું, તો ગમે તે પોલીસ સ્ટેશનમાં ફોન કરી દઉં છું. પોલીસ મને સારા ચરિત્રવાળો યુવાન માને છે અને મારાથી ખુશ રહે છે.’ 2. રમન સૈની, કાર્યકર, હિન્દુ રક્ષા દળ ‘પરિવારને ધમકીઓ મળી રહી છે, કોઈએ આંખ ઉઠાવી તો ચીરી-ફાડી નાખીશ’ રવીન્દ્ર ગોવિંદ સાથે બદામી (બ્રાઉન) શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલો એક વ્યક્તિ પણ મારપીટ કરતો જોવા મળે છે. તેનું નામ રમન સૈની છે. રમન પણ હિન્દુ રક્ષા દળનો કાર્યકર છે. રમનનું કહેવું છે, ‘અમે બીજે ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તો બંધ હતો. પોલીસે કહ્યું કે બીજી તરફથી જાઓ. પેલી તરફ ગયા તો ઘણા લોકોએ ગાડી પર ‘શ્રી રામ’ લખેલું જોઈને અમને ઘેરી લીધા. તેના પર થૂંક્યા પણ ખરા. અમને ગુસ્સો આવ્યો. ત્યારપછી અમે તેમને માર્યા. ધરપકડ બાદ દોઢ જ દિવસમાં જામીન મળી ગયા. હવે મારા ઘર બહાર ભીડ એકઠી થઈ રહી છે અને ધમકીઓ મળી રહી છે. મારા પરિવાર પર જો કોઈ આંચ આવી, તો બધાને ચીરી-ફાડી નાખીશ.’ ચાર લોકોની ધરપકડ, પરંતુ વીડિયોમાં અન્ય ચહેરાઓ પણ સામેલ રવીન્દ્ર અને રમન સિવાય એફઆઈઆરમાં નોંધાયેલા બે લોકો વિવેકાનંદ ઉર્ફે વિક્કી અને કપિલ છે. વિવેક દિલ્હીના બુરારીનો રહેવાસી છે અને ટ્રેડિંગનું કામ કરે છે. કપિલ નોઈડામાં રહે છે અને એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ ચાર શખ્સો ઉપરાંત પણ અન્ય ઘણા લોકો વાયરલ વીડિયોમાં જોવા મળે છે. તેમાં દીપક સિસોદિયા પણ સામેલ છે. દીપક પોતાની જાતને હિન્દુ રક્ષા દળનો કાર્યકર ગણાવે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 4.5 હજાર ફોલોઅર્સ છે. એક વીડિયોમાં દીપક કહેતો સંભળાય છે, ‘કોકરોચો માની જાઓ, નહીંતર અમે મનાવી લઈશું.’ હિન્દુ લીગલ ફંડે નાણાં આપ્યા, તબીબે મદદ કરી મારપીટનો વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસે મોડી રાત્રે 12થી 2 વાગ્યાની વચ્ચે ચારેય આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. સૌથી પહેલાં વિક્કી અને રમનને, ત્યારબાદ કપિલને અને સૌથી છેલ્લે રવીન્દ્રને તેના ઘરેથી પકડવામાં આવ્યો હતો. ચારેય વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા)ની કલમ 126 અને 135 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કલમ 126 કોઈ વ્યક્તિનો રસ્તો જાણીજોઈને રોકવા સાથે સંબંધિત છે, જેમાં એક મહિનાની જેલ અને 5 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. કલમ 135 કોઈ વ્યક્તિને ગેરકાયદે રીતે બંધક બનાવવાના પ્રયાસમાં મારપીટ કરવા અથવા બળપ્રયોગ કરવા સાથે સંબંધિત છે, જેમાં એક વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જામીન મળ્યા બાદ રવીન્દ્ર અને રમનનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં બંને એક જ દિવસમાં જામીન મળી ગયા હોવાની વાત કરે છે. કેટલાક લોકો હાર પહેરાવીને તેમનું સ્વાગત કરતા નજરે પડે છે. રવીન્દ્રના જણાવ્યા મુજબ, જામીન અપાવવામાં અનેક લોકો અને સંસ્થાઓએ મદદ કરી હતી: પહેલા— ડૉ. પ્રકાશ, ડેન્ટિસ્ટ: તેઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. ફેસબુક પર 20 લાખ અને ઇન્સ્ટાગ્રામ પર આશરે 2 લાખ ફોલોઅર્સ છે. ડૉ. પ્રકાશે અનેક વીડિયોમાં લોકોને જંતર-મંતર પહોંચીને પ્રદર્શનકારીઓને પાઠ ભણાવવાની અપીલ કરી હતી. પ્રકાશ વ્યવસાયે ડેન્ટિસ્ટ છે. રવીન્દ્રના કહેવા મુજબ, તેણે પ્રદર્શન સ્થળેથી પ્રકાશને જ વીડિયો મોકલ્યો હતો અને પ્રકાશે તે અનેક જગ્યાએ અપલોડ કર્યો હતો. બીજા— હિન્દુ લીગલ ફંડ: આ સંસ્થાએ ચારેય આરોપીઓના જામીન માટેના મુચરકા ભર્યા હતા. વર્ષ 2024માં ઉદ્યોગસાહસિક રાહુલ દીવાન દ્વારા આ ફંડની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા કાનૂની વિવાદોમાં ફસાયેલા હિન્દુત્વવાદી કાર્યકરોને મદદ પૂરી પાડે છે. સંસ્થાનો ઉદ્દેશ્ય એક હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાનો છે, જેમાંથી અત્યાર સુધીમાં 26 કરોડ રૂપિયાથી વધુનું દાન મળી ચૂક્યું છે. ત્રીજા— નુપૂર જે. શર્મા: રવીન્દ્રના જણાવ્યા અનુસાર, વીડિયો વાયરલ થયા બાદ નુપૂર જે. શર્માએ સૌથી પહેલાં વકીલને પોલીસ સ્ટેશન મોકલ્યા હતા. વકીલનું નામ દીપક છે. નુપૂર જે. શર્મા ન્યૂઝ પ્લેટફોર્મ ‘ઑપ ઇન્ડિયા’ (OpIndia)ના એડિટર-ઇન-ચીફ છે. હિન્દુ રક્ષા દળના અધ્યક્ષ બોલ્યા— ‘50 કેસ નોંધાયા છે, 5 હજાર થશે તો પણ અટકીશું નહીં’ સંગઠનના કાર્યકરો પર લાગેલા હિંસાના આરોપો અંગે પિન્કી ચૌધરીનું કહેવું છે કે તમામ આરોપો સાચા છે અને અમે ભવિષ્યમાં પણ આવું કરતા રહીશું. પિન્કી ચૌધરી કહે છે, ‘પોલીસ પોતાનું કામ યોગ્ય રીતે કરતી હોત, તો હિન્દુ રક્ષા દળને વચ્ચે આવવાની જરૂર જ ન પડત. જુલાઈમાં થયેલા પ્રદર્શનો દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસને પીટી હતી અને પોલીસકર્મીઓ ડરીને ભાગી રહ્યા હતા. તેમના હાથ બંધારણથી બંધાયેલા છે, અમારા નહીં.’ ‘મારા વિરુદ્ધ 50થી વધુ કેસ નોંધાયેલા છે, પરંતુ મને તેની કોઈ પરવા નથી. મારા પર 5 હજાર કેસ પણ થઈ જાય, તો પણ હું દેશનું રક્ષણ કરતો રહીશ.’ અન્ય સંગઠનોની ભૂમિકા પર પ્રશ્નો પ્રદર્શનમાં હિન્દુ યુવા વાહિની, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને RSS સાથે જોડાયેલા લોકોની હાજરી અંગે પણ સવાલો ઊભા થયા હતા. જોકે, RSSના એક વરિષ્ઠ પદાધિકારીનું કહેવું છે કે, ‘બધા આરોપો પાયાવિહોણા છે. એ લોકો કોણ હતા તેની અમને કોઈ જાણ નથી. બજરંગ દળ, VHP કે RSS દ્વારા પોતાના કોઈ કાર્યકરોને ત્યાં જવાનું કહેવામાં આવ્યું ન હતું.’ પોલીસનો પક્ષ જાણવા માટે અમે સેન્ટ્રલ દિલ્હીના ડીસીપી (DCP) રોહિત રાજવીર સિંહ સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે આ મારપીટ અને ઈજા પહોંચાડવાનો મામલો છે. સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે. હાલ આગળની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને અત્યાર સુધી કોઈ સંગઠન વિરુદ્ધ પણ કાનૂની પગલાં લેવાયાં નથી.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રી પર્વે સિટી બસ સેવા રાત્રે દોઢ વાગ્યા સુધી લંબાવાઈ:ચોપાટી રાસોત્સવ માણતા નાગરિકો ‎માટે વધારાની 33 ટ્રીપ શરૂ કરાઈ‎
    Next Article
    ‘કસાબને એક નહીં બબ્બે વકીલ આપો’:ઉજ્જવલ નિકમે કસાબને કેવી રીતે ફાંસીએ પહોંચાડ્યો? કસાબે બિરયાની માગ્યાનું જુઠ્ઠાણું કોણે ચલાવેલું?

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment