Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિડન ટ્રુથ:પ્રણવ મંત્ર ‘ૐ’નું સાકાર સ્વરૂપ શ્રીયંત્ર

    16 hours ago

    જયેશ દવે શાક્ત પરંપરામાં દસ મહાવિદ્યા સાથે વિદ્યા શબ્દ જોડાયેલો છે એ જ રીતે શ્રીકુળને શ્રીવિદ્યા તરીકે ઓળખીએ છીએ. ભૌતિક અને સાંસારિક સિદ્ધિઓ માટે તો આ વિદ્યાઓનો ઉપયોગ થાય છે પરંતુ ચેતનાને પરમ શિખર પર લઈ જવા માટે શ્રીવિદ્યા (શ્રીકુળ) અને કાલીકુળ એ બે માર્ગ છે. બંનેનું લક્ષ્ય શિવ અને શક્તિનું ઐક્ય અને તેના દ્વારા પરમચેતનાની પ્રાપ્તિનું જ છે પરંતુ બંનેની સાધના પદ્ધતિમાં તફાવત છે. કાલીકુળમાં (વિદ્યા) અધિષ્ઠાત્રી દેવી મહાકાલી છે અને તેમનું ઊર્જા સ્વરૂપ તીવ્ર, ઉગ્ર, સંહારક અને પરિવર્તનશીલ છે અહીં લક્ષ્યને પામવાનો સાધના માર્ગ વામાચાર, કૌલાચાર કે અઘોરી - અવધૂત માર્ગ છે. શ્રીવિદ્યામાં અધિષ્ઠાત્રી દેવી લલિતા ત્રિપુરસુંદરી છે તેમનું ઊર્જા સ્વરૂપ પ્રકાશમાન, સૌમ્ય અને સંવાદિતાપૂર્ણ ગણાય છે. શ્રીકુળનો સાધના માર્ગ દક્ષિણાચાર અને સમયાચાર ગણવામાં આવે છે. આ બંને સાધના માર્ગનું અંતિમ લક્ષ્ય એક છે પરંતુ તેનો દૃષ્ટિકોણ અલગ છે. કાલીકુળમાં સૃષ્ટિની ક્ષણભંગુરતા, ભૌતિક આભાસ, માયા અને અહંકારના મૂળમાં ઘા કરી તેનો નાશ કરવાનો દૃષ્ટિકોણ છે. જે પરમતત્ત્વને પામવામાં બાધક છે તેને કઠોરતાથી ક્ષીણ કરી પરમચેતનાને પ્રાપ્ત કરવા અહીં સાધના કરવામાં આવે છે. શ્રીવિદ્યામાં સૃષ્ટિને મિથ્યા નહીં પરંતુ પરાશક્તિના જીવંત વિસ્તરણ તરીકે જોવામાં આવે છે. એકમાં તીવ્ર આંચકા સાથે આંતરિક ચેતનાને જાગ્રત કરી પરમચેતનાને પામવાની વાત છે જ્યારે બીજામાં ગુરુ-શિષ્ય પરંપરા, દીક્ષા અને સાધનાના ક્રમશઃ સોપાનો સર કરી ચેતનાને જાગ્રત કરવાની વાત છે. બંનેમાં આંતરચેતના એટલે કે કુંડલિનીનું મહત્ત્વ તો રહેલું છે જ. શ્રીકુળમાં પણ મૂલાધારથી સાધનાની શરૂઆત થાય છે પરંતુ એક પછી એક ચક્રોના ભેદન સાથે ચેતનાને ઊર્ધ્વગતિ આપવામાં આવે છે. આથી જ કૌલાચાર કે વામાચાર સાધનામાં અઘરી છે જ્યારે શ્રીવિદ્યાની સાધના શાંત અને ક્રમશઃ આગળ લઈ જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો કાલીકુળમાં નશ્વર માયાનો વિસ્ફોટ સાથે નાશ છે જ્યારે શ્રીવિદ્યામાં માયાનો ક્રમશઃ વિલય છે. શ્રીવિદ્યા સાધનામાં શ્રીયંત્રનું મહત્ત્વ છે. શ્રીયંત્ર માત્ર શ્રીવિદ્યાની સાધનાનું જ નહીં સામાન્ય જનની દૈનિક પૂજા અને આરાધના સુધી સ્થાપિત થઈ ચૂક્યું છે અને તેના પાછળ લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવાનો હેતુ કેન્દ્રસ્થાને છે. ચોક્કસપણે શ્રીવિદ્યા અને શ્રીયંત્ર ભૌતિક અને આધ્યાત્મિક બંને માટે ઉપયુક્ત ગણવામાં આવે છે પરંતુ આ યંત્રની રચના અને તેનું રહસ્ય તેથી પણ અદભુત છે. પરશુરામ કલ્પસૂત્ર, ત્રિપુરા રહસ્ય તથા આદિ શંકરાચાર્ય કૃત ‘સૌંદર્યલહરી’માં શ્રીવિદ્યા અને શ્રીયંત્રના તાત્ત્વિક રહસ્યો તથા નિયમો, આરાધનાના સૂત્રો જણાવ્યા છે. આ ઉપરાંત ‘યોગિનીહૃદય’, ‘વરિવસ્યા રહસ્ય’ સહિતના ગ્રંથો પણ શ્રીચક્ર, શ્રીયંત્ર અને શ્રીવિદ્યાના મહત્ત્વ અને રહસ્ય વિશે જણાવતા પ્રમાણિત ગ્રંથો છે. ‘યોગિનીહૃદય’માં શ્રીયંત્રમાં અસ્તિત્વના ત્રણેય સ્વરૂપ એક સાથે હોવાનું જણાવ્યું છે. સ્થૂળ - બ્રહ્માંડીય સૃષ્ટિ અને પંચમહાભૂતોનું નિર્માણ, સૂક્ષ્મ - ષટ્ ચક્રો, પ્રાણ અને નાડીઓ તથા પરમ - બ્રહ્મ, પરમચેતના. આ રીતે સમગ્ર અસ્તિત્વની વાત શ્રીયંત્રમાં છે. જો ગાણિતિક અને વૈજ્ઞાનિક રીતે જોઈએ તો શ્રીયંત્ર એક અદ્ભુત આકૃતિ છે. 4 અને 5 ત્રિકોણથી બનેલા શ્રીચક્રમાં વિષમ સમન્વય બને છે જે દર્શાવે છે કે સૃષ્ટિ સ્થિર અને જડ નથી તે સતત ગતિશીલ અને સર્જનાત્મક છે. શ્રીયંત્રમાં ત્રિકોણોના ખૂણાઓ તેમજ કેન્દ્રથી બહાર તરફ વિસ્તરતી ત્રિજ્યાઓનો ગુણોત્તર (રેશિયો) કુદરતના ગોલ્ડન રેશિયો મુજબ છે. ગોલ્ડન રેશિયો કે જે ગુણોત્તર પર બ્રહ્માંડની આકાશગંગાઓનો આકાર, ડીએનએની સંરચના અને ભૌતિક જગતની વાત કરીએ તો ઇજિપ્તના પિરામિડ રચાયેલા છે. આ જ રેશિયો શ્રીયંત્ર ધરાવે છે. ધ્વનિ તરંગો અને તેની ભૌતિક જગત પર અસરના પ્રયોગોને સાયમેટિક્સ એક્સપેરિમેન્ટ કહેવામાં આવે છે. આ પ્રયોગ મુજબ પ્રણવ મંત્ર ‘ૐ’ના શુદ્ધ ધ્વનિ તરંગ કોઈ માધ્યમ પર આપાત કરવામાં આવે ત્યારે તે તરંગોની અસરથી શ્રીચક્ર જેવી રચના બને છે. આ રીતે બ્રહ્માંડના મૂળનાદનું દૃશ્યમાન સ્વરૂપ શ્રીચક્ર - શ્રીયંત્ર છે. અહીં પણ જોઈ શકાય છે કે શિવ અને શક્તિ, શુદ્ધ ચેતના અને કાર્યશીલ પરમચેતના અલગ નથી. એક અપ્રગટ અને સ્થિર છે બીજી પ્રગટ અને પરિવર્તનશીલ છે. આમ શ્રીચક્ર સૃષ્ટિ, બ્રહ્મ, પરમશક્તિને સમજવા માટેનું ગાણિતિક અને ભૌમિતિક મહાજ્ઞાન પણ છે. શ્રીયંત્ર અને શ્રીવિદ્યાના અધિષ્ઠાત્રી દેવી ત્રિપુરસુંદરી છે પરંતુ આ યંત્ર અને વિદ્યાનો વ્યાપ આદ્યશક્તિનાં તમામ સ્વરૂપો સુધી વ્યાપ્ત છે. આ વાત કરીશું આગળના ક્રમે.
    Click here to Read More
    Previous Article
    રણમાં ખીલ્યું ગુલાબ:સંબંધનો આ ચંદરવો જે ખૂબ સુંદર લાગે છે, હું જ જાણું છું કે એમાં કેટલાયે સાંધા છે
    Next Article
    દેશ-વિદેશ:ચેતવણીને જ્યારે અવગણવામાં આવે છે...

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment