Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણમાં ખીલ્યું ગુલાબ:સંબંધનો આ ચંદરવો જે ખૂબ સુંદર લાગે છે, હું જ જાણું છું કે એમાં કેટલાયે સાંધા છે

    14 hours ago

    અંશુલના મૃત્યુને છ મહિના થઈ ગયા પછી લોકોએ અભિજ્ઞાને સલાહ આપવાનું શરૂ કર્યું, ‘તારે હવે પુનર્લગ્ન કરી લેવા જોઈએ.’ પાડોશમાં રહેતા નટુકાકાને અભિજ્ઞાએ આજે સવારે જ વિનંતી કરી હતી, ‘કાકા, તમે તમારા મકાનનો પ્રોપર્ટી ટેક્સ ભરવા જાઓ ત્યારે મારા ઘરનો પણ ભરતા આવશો? મારે જોબ પર જવાનું છે, અમારો સાહેબ કડક છે, મને ખુરશી પરથી ચસકવા પણ નથી દેતો.’ નટુકાકાએ અભિજ્ઞાના હાથમાંથી બિલની નોટિસ તો લઈ લીધી, પણ આટલું કહ્યા વિના એ ન રહ્યા, ‘દીકરી, આ બિલ તો હું ભરી આપીશ પણ તું ક્યાં સુધી જીવતરને આવાં થીગડાં મારીને ચલાવીશ? આવું એક જ કામ થોડું છે! સ્ત્રી બધાં કામને પહોંચી વળી ન શકે. મારું માને તો બીજાં લગ્ન કરી લે.’ ‘ના, કાકા. તમારાથી કામ ન થાય તેવું હોય તો ના કહી દેજો, બાકી બીજી વાર પરણવાની વાત તો કરતા જ નહીં.’ અભિજ્ઞાએ નટુકાકાના હાથમાં બિલની રકમ મૂકી દીધી અને વાત ઉપર પૂર્ણવિરામ પણ મૂકી દીધું. જે ઓફિસમાં અભિજ્ઞા જોબ કરતી હતી ત્યાં તો આ વાત રોજની થઈ ગઈ હતી. એની ડાબી-જમણી, આગળ-પાછળ બેસતાં મંદાબહેન, નવીન, તૃષ્ણા અને તપનભાઈ પ્રતિદિન અભિજ્ઞાને આ એક જ સલાહ આપતાં રહેતાં હતાં : ‘અભિ, રિ-મેરેજ કરી લે. આપણો સમાજ પુરુષપ્રધાન સમાજ છે. જો એમાં તું એકલી રહેવા જઈશ તો ક્યાંક ને ક્યાંક તારે કોમ્પ્રોમાઇઝ કરવું જ પડશે. પછી કોઈ શ્રીમંત પરિણીત પુરુષનું ઉપવસ્ત્ર બનીને જીવવાનો વારો આવશે. એના કરતાં…’ અભિજ્ઞાનો જવાબ એક જ રહેતો હતો, ‘એ વાત તો તમે કરતા જ નહીં. અંશુલની સાથેનું મારું લગ્ન એ સામાન્ય લગ્ન ન હતું, અમારું તો પ્રેમલગ્ન હતું.’ એક વાર રસ્તામાં પ્રો. મહાસુખભાઈ સર મળી ગયા. અભિજ્ઞા જ્યારે કૉલેજમાં હતી ત્યારે તેઓ ગુજરાતી વિષય ભણાવતા હતા. અત્યારે નિવૃત્તિનો સમય ગુજારી રહ્યા હતા. અભિજ્ઞાનું કોરું કપાળ જોઈને એમને આંચકો લાગ્યો. પૂછવાથી જાણવા મળ્યું કે તેમની પ્રિય સ્ટુડન્ટ યુવાનીમાં જ ગંગાસ્વરૂપ થઈ ગઈ છે. પિતા જેવા વાત્સલ્યભાવથી એમણે સલાહ આપી, ‘દીકરી, તારે લાંબી જિંદગી કાપવાની છે. એકલી થાકી જઈશ. હવે જમાનો બદલાઈ ગયો છે. હું માનું છું કે તારે યોગ્ય પાત્ર શોધીને…’ ‘સર, તમે પણ આવી સલાહ આપશો?’ અભિજ્ઞા નારાજ થઈ ગઈ, ‘તમે અમને લગ્ન વિશે શું ભણાવ્યું હતું એ તમને યાદ છે?’ પ્રોફેસરસાહેબે જાણીજોઈને અજાણ્યા થઈ ગયા, ‘ના, મને યાદ નથી.’ અભિજ્ઞાએ કહ્યું, ‘પણ મને યાદ છે, સર. તમે કહ્યું હતું, ‘દેહલગ્નની વિધવાને પુનર્લગ્ન સમાન બીજું કોઈ પુણ્ય નથી અને સ્નેહલગ્નની વિધવાને પુનર્લગ્ન સમાન કોઈ પાપ નથી.’ સર, મેં અને અંશુલે સ્નેહલગ્ન કર્યાં હતાં. હવે તમે ઊઠીને મને પાપ કરવાનું કહો છો?’ બિચારા પ્રોફેસરસાહેબ! છોભીલા પડી ગયા, અભિજ્ઞાના મસ્તક પર હાથ મૂકીને ‘સુખી રહેજે’ એવા આશીર્વાદ આપીને ચાલતા થયા. આખું જગત જાણે અભિજ્ઞાની પાછળ પડી ગયું હતું! રોજ રાત્રે જોબ પરથી છૂટીને ઘરે આવીને અભિજ્ઞા રડી પડતી હતી. અંશુલ સાથે ગાળેલા દિવસો, લગ્ન પહેલાંનો પરિણય-ગાળો, લગ્ન પછીનાં સ્નેહપૂર્ણ દિવસો અને રંગીન રાતો, ભલે બે વર્ષનો તો બે વર્ષનો પણ ઉચ્ચતમ સુખનો એ સહેવાસ, આ બધું સંભારીને એ રડી લેતી હતી. બે વર્ષનું લગ્નજીવન માણતાં પહેલાં ત્રણ વર્ષ એ બંને પ્રેમસંબંધમાં રહ્યાં હતાં. અંશુલનાં મમ્મી તો મૃત્યુ પામ્યાં હતાં, પપ્પા આ લગ્નની વિરુદ્ધમાં હતા, તેમ છતાં અંશુલ પોતાના નિર્ણયમાં અડગ રહ્યો હતો. અભિજ્ઞાએ પૂછ્યું હતું, ‘તારા પપ્પાની વિરુદ્ધ જઈને તું મારી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે, લગ્ન કર્યા પછી તારું મન બદલાઈ તો નહીં જાય ને? તું મને છોડી નહીં દે ને?’ ‘આ તપતા સૂરજની સાક્ષીએ વચન આપું છું, તને હથેળીના છાંયડામાં જીવનભર સાચવીશ.’ આટલું કહીને પછી તરત અંશુલે પણ પૂછી લીધું હતું, ‘ધારી લે કે મને કંઈ થઈ ગયું, એક્સિડન્ટમાં મારો પગ કપાઈ ગયો કે એક આંખ ચાલી ગઈ, કોઈ ગંભીર બીમારીના લીધે હું કમાતો બંધ થઈ ગયો, ત્યારે તું...?’ ‘તને કંઈ નહીં થાય, અંશુ, મને મારા પ્રેમ પર વિશ્વાસ છે. અને એક ક્ષણ પૂરતું હું ધારી લઉં કે તને એવું કશુંક થઈ ગયું તો પણ હું તારી હતી, છું અને તારી જ રહીશ. ઈશ્વરની સાક્ષીએ વચન આપું છું.’ અભિજ્ઞા ગદગદ થઈ ગઈ. અને હવે એ જ અંશુલના પપ્પા સલાહ આપી રહ્યા હતા, ‘અભિજ્ઞા, તારે રિ-મેરેજ કરી લેવા જોઈએ.’ અભિજ્ઞાએ સસરાજી સામે ધારદાર દલીલ કરતા આ સવાલ પૂછ્યો હતો, ‘પપ્પાજી, સાચું કહેજો, જો હું મૃત્યુ પામી હોત અને અંશુલ અત્યારે જીવતો હોત તો તમે એને આ જ સલાહ આપી હોત?’ અંશુલના પપ્પાએ જે કહ્યું તેમાં ભારોભાર કડવાશ છલકાતી હતી, ‘અભિજ્ઞા, મારો દીકરો મારી સલાહ ક્યારે માનતો હતો? મેં તો એને તારી સાથે લગ્ન ન કરવાની સલાહ આપી હતી. એ માન્યો હતો? જો મારી વાત પૂછતી હોય તો હું ચોક્કસ એવું માનું છું કે સ્ત્રી હોય કે પુરુષ એના માટે એકલાં જીવનપંથ કાપવાનું કપરું છે. જે લોકો લગ્ન નથી કરતાં તેઓ પણ જીવનમાં ક્યારેક તો એકલતાથી પીડાતા જ હોય છે. માટે મેં તને સાચી સલાહ જ આપી છે. તારે ન માનવું હોય તો તારી મરજી!’ ‘પપ્પાજી, હું એક જ કારણથી તમારી સલાહને નહીં સ્વીકારું. મેં અને અંશુલે માત્ર લગ્ન નહોતાં કર્યાં, અમે પ્રેમલગ્ન કર્યાં હતાં.’ લગભગ દસ મહિના વીતી ગયા. એક દિવસ સવારના સમયે ફ્લેટની ડોરબેલ વાગી. અભિજ્ઞાએ બારણું ઉઘાડ્યું. એક અજાણી યુવતી ઊભી હતી. બેહદ ખૂબસૂરત એ યુવતીનો ચહેરો ઉદાસ હતો, વસ્ત્રો સાદાં હતાં, કપાળ કોરું હતું. એ પૂછી રહી, ‘અભિજ્ઞા તમે જ છો? હું આરસી. મુંબઈથી આવી છું.’ અભિજ્ઞા માટે આ ચહેરો, આ નામ બધું અજાણ્યું હતું, પણ એણે યુવતીને ડ્રોઇંગરૂમમાં આવકારી. પછી પૂછ્યું, ‘તમે કોણ? અહીં આવવાનું પ્રયોજન?’ ‘હું અંશુલની બીજી પત્ની છું. અંશુલ એની ઓફિસના કામ માટે અવારનવાર મુંબઈ આવતા હતા. અમે મળ્યાં, પ્રેમમાં પડ્યાં અને પછી પરણી ગયાં. અંશુલે તમને મારા વિશે કંઈ ના કહ્યું હોય, પણ મને તમારા વિશે બધું જ જણાવેલું છે. અમે કાયદાની છટકબારીનો લાભ લઈને મેરેજ કર્યાં હતાં. હવે જ્યારે અંશુલ નથી રહ્યા ત્યારે મને લાગ્યું કે મારે તમને મળવું જોઈએ. અમારો એક પુત્ર પણ છે, જે આબેહૂબ અંશુલ જેવો જ દેખાય છે. હું એને ગાડીમાં બેસાડીને આવી છું. તમે કહો તો લઈ આવું.’ કહીને આરસી ગઈ. દસેક મિનિટ પછી પાછી આવી. એના હાથમાં દોઢ વર્ષનો દીકરો હતો જે અભિજ્ઞાની સામે હસી રહ્યો હતો. અભિજ્ઞાને લાગ્યું કે એ બાળકના નિર્દોષ સ્મિતની પાછળ એક બેવફા પુરુષનું લુચ્ચું હાસ્ય ઝળકી રહ્યું હતું. (શીર્ષકપંક્તિ: અનિલ ચાવડા)
    Click here to Read More
    Previous Article
    અમલપિયાલી:જેને ચાહવા લાગીએ તેનું બધું જ સુંદર લાગે
    Next Article
    હિડન ટ્રુથ:પ્રણવ મંત્ર ‘ૐ’નું સાકાર સ્વરૂપ શ્રીયંત્ર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment