Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમલપિયાલી:જેને ચાહવા લાગીએ તેનું બધું જ સુંદર લાગે

    13 hours ago

    વિનોદ જોશી મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે; પળપળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે. - જયંતીલાલ આચાર્ય જે અદૃશ્ય કે અગોચર છે તેને વિષે કશું કહી શકાતું નથી. સીધી જ વાત છે કે આપણી નજરમાં કે સમજણમાં આ જગત વિશે આપણી જે જાણકારી છે તે કદી સંપૂર્ણ ન હોઇ શકે. આપણે જેટલું જાણીએ છીએ તે આપણને ઘણીવાર અચંબામાં નાખી દે તેવું હોય છે. એટલું જ નહીં, અજ્ઞાત જગત સાથેનો આપણો પનારો પણ એટલો જ વિસ્મિત કરી દેનારો હોય છે. ઘણીવાર તો એવું પણ લાગે કે સકળ બ્રહ્માંડમાં આપણે પોતે પણ એક વિસ્મય છીએ. લખચોરાસીની ઘોષણા કરનારા આપણા પૂર્વજોએ આ રહસ્યમય વિશ્વની મીમાંસા કરતાં અંતે તો, `આ પણ નહીં અને તે પણ નહીં’ એવું વિધાન કરીને હાથ ધોઈ નાખ્યા છે. આ પંક્તિઓમાં દૃશ્ય છતાં અદૃશ્ય અને અદૃશ્ય છતાં દૃશ્ય એવી ભૂમિકાની અઘરી લાગતી વાત અત્યંત સરળ રીતે કવિએ કરી છે. અહીં જેને મંદિર કહેવાયું છે તે વિશ્વ છે તેમ સમજવાનું છે. તેને માટે `રૂપાળું’ એવું વિશેષણ પ્રયોજાયું છે. તેનો સર્જનહાર પણ `સુંદર’ છે. એ પળેપળ દર્શન આપી રહ્યો છે પણ જેઓ જોઈ શકે છે તેઓ જ એને જોઈ શકે છે. બસ, વાત તો આટલી જ છે. પણ ગૂઢ છે. અહીં સર્જક અને સર્જન બંને સુંદર છે તેવું કહેવાયું છે. જે સુંદરનું સર્જન કરી શકે તે સુંદર જ હોય. સુંદરતાની શી વ્યાખ્યા કરીશું? સર્જનની જૈવિક વ્યાખ્યા તો એવી છે કે જે જીવે છે તે પોતાના જેવા બીજા જીવનું સર્જન કરે છે. કુદરતે જીવનો જીવ સાથેનો આ અતૂટ સંબંધ જોડી આપ્યો છે. આ સંબંધમાં સદૈવ સુંદરતા રહેલી છે. એક મા માટે તેનું સંતાન હંમેશાં સુંદર હોય છે. એક ગાયને હંમેશાં પોતાનું વાછરડું વહાલું લાગતું હોય છે. સુંદરતાની આ ભાવાત્મક ભૂમિકા છે. આ સૌંદર્યને કોઈ આકાર નથી હોતો. તે કેવળ અનુભવ હોય છે. જરા વધુ વિચારી તો ખ્યાલ આવે છે કે કોઈ વસ્તુની સુંદરતા કરતાં આ સૌંદર્ય જુદું અને અનેકગણું ચડિયાતું હોય છે. જીવસૃષ્ટિ સિવાય પણ વિશ્વમાં સૌંદર્યનો અખૂટ ખજાનો છે. એનો રચનાકાર કોણ હશે તે સવાલ તો નિરુત્તર રહેનારો છે. પણ અહીં તો એવું કહેવાયું કે દેખણહારાને તો એ પળેપળ દેખાય છે. જેઓ જોઈ શકે છે તે જ જોઈ શકે છે. `ય: પશ્યતિ સ પશ્યતિ’ એવું ગીતાકારે તો સ્પષ્ટ કહ્યું છે. સવાલ એ થાય છે કે પળેપળ જેઓ દર્શન કરી શકે છે તેવા આ દેખણહારા કોણ હશે? અહીં જ કવિતા પોતાનો અર્થ ખુલ્લો કરે છે. દૃશ્ય અને દૃષ્ટાને ટાંકીને કવિએ અહીં સરળ રીતે મીમાંસા કરી આપી છે કે જેને આ સૌંદર્ય જોવું છે એને દેખાય છે. જેને નથી જોવું એને એ નહીં દેખાય. જોનારની ઈચ્છા પર બધું અવલંબે છે. `જોવું’ એ માત્ર એક ક્રિયા નથી. એ પ્રતીતિ છે અને આ પ્રતીતિ જ સુંદર વિશ્વનો અનુભવ આપનારી છે. પત્થર તો પત્થર જ છે, પણ કોઈ શિલ્પીને તેમાં પ્રતિમા દેખાય તો તે પત્થર એને માટે સુંદર છે. એ પોતાની દૃષ્ટિથી એ પત્થરનો નકામો ભાગ કાઢી નાખી એનાં દર્શન કરી શકે છે. જગત આખું આપણને પળેપળ આવો અનુભવ આપવા માટે આપની સમક્ષ છે. પણ તેની સુંદરતાનો અનુભવ લેવો તે આપણા હાથની જ વાત છે. કવિ સુન્દરમ્ લખે છે : `હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, ને જે અસુંદર તેહ સર્વને કરી મૂકું સુંદર ચાહી ચાહી’ જેને ચાહવા લાગીએ તેનું બધું જ સુંદર લાગવા લાગે. કોઈ હબસી સ્ત્રીને પોતાનું બાળક અસુંદર લાગતું નથી. મનુષ્ય ધારે તો પોતાની સન્મુખ રહેલાં વિશ્વમાંથી પ્રત્યેક પળે સુંદરતા પામી શકે. કવિએ અહીં વિશ્વને મંદિર કહ્યું તેમાં ઘણું ઔચિત્ય છે. મંદિરમાં પૂજાની ભાવના હોય છે. શરણાગતની ભૂમિકા હોય છે. સમર્પિત થઈ જવાનું ઔદાર્ય હોય છે. અગોચર વિશ્વનિયંતાએ જે કંઇ રચ્યું છે તેમાં ભળી જઇ પોતાને તેમાં એકરૂપ બનાવી દેવાની સરળ કૂંચી આપણી પાસે જ છે. વાત વિશ્વની છે પણ એ આપણી વાત પણ છે. આપણે પોતે પણ એક મંદિર છીએ. આખાયે વિશ્વમાં સૌથી રૂપાળું મંદિર તો આપણે જ છીએ જેનાં આપણે પળેપળ દર્શન કરી શકીએ છીએ. વિચારવાનું તો એ રહે છે કે તેને આપણે `રૂપાળું’ રાખી શક્યાં છીએ? કવિતા આપણને બંને છેડેથી ઝાલે છે. વિશ્વ એક મંદિર છે અને આપણે પણ એક મંદિર છીએ. દેખણહારાને જે અને જેટલું દેખાય તેટલું સાચું.
    Click here to Read More
    Previous Article
    થેન્ક યૂ:નેવર ક્વિટ
    Next Article
    રણમાં ખીલ્યું ગુલાબ:સંબંધનો આ ચંદરવો જે ખૂબ સુંદર લાગે છે, હું જ જાણું છું કે એમાં કેટલાયે સાંધા છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment