Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લક્ષ્યવેધ:કમ્ફર્ટ ઝોન છોડ્યો, બાજી પલટાઇ

    12 hours ago

    કેટલાંક સપનાંઓનો અંત આવતો નથી. તે મનના કોઈ શાંત ખૂણે બેસી રહે છે. જીવન આગળ વધે છે, રોજિંદી જવાબદારીઓ વધે છે, નવા રસ્તાઓ ખુલે છે; છતાં, ક્યારેક કોઈ એક ક્ષણે એ જૂનું સ્વપ્ન ફરી સામે આવી ઊભું રહે છે. જાણે પૂછતું હોય— મને ખરેખર ભૂલી ગયા છો કે માત્ર ભૂલવાનો પ્રયત્ન કરો છો? શુભંકર પ્રત્યુષ પાઠકના જીવનમાં પણ આવું જ એક સ્વપ્ન હતું. પિતા સિવિલ સેવામાં હતા. વહીવટી સેવાનું વાતાવરણ અજાણ્યું નહોતું. સ્કૂલના દિવસોમાં શુભંકરને ઇતિહાસ, ભૂગોળ અને નાગરિકશાસ્ત્રમાં ખાસ રસ પડતો નહીં. તેમને ગણિત ગમતું. ત્યાં પ્રશ્ન હતો, તર્ક હતો અને ઉકેલ સુધી પહોંચવાની મથામણ હતી. ઇતિહાસનાં પાનાં પર ફેલાયેલી ઘટનાઓ અને રાજવ્યવસ્થાના લાંબા પાઠ તેમને ગોખણપટ્ટી જેવા લાગતા. કદાચ ત્યારે તેમને લાગતું હશે કે પોતાની ક્ષમતાઓ ઓળખી લીધી છે. જીવનમાં કયો રસ્તો પસંદ કરવો તે પણ નક્કી થઈ ગયું છે, પરંતુ ઉંમરના એક પડાવે આપણે જે નિર્ણયને અંતિમ માનીએ છીએ, જીવન ઘણી વાર તેની સામે બીજો પ્રશ્ન મૂકી દે છે. આઈ. આઈ. ટી.માં પ્રવેશ મેળવવાની પ્રથમ કોશિશ નિષ્ફળ ગઈ. અધિકારીના પુત્ર તરીકે તેમની સાથે જોડાયેલી અપેક્ષાઓએ આ નિષ્ફળતાને વધુ ભારે બનાવી હશે. એક વર્ષનો વિરામ લીધો અને ફરી તૈયારી કરી. આઈઆઈટી ધનબાદ ઇલેક્ટ્રિકલમાં પ્રવેશ લીધો પરંતુ કોલેજના ત્રીજા વર્ષમાં ફરી વહીવટી સેવાનું સ્વપ્ન દરવાજો ખખડાવે છે. પાઠ્યપુસ્તકો ખોલ્યાં. વાંચવાનું શરૂ કર્યું. થોડા સમયમાં જ જૂની શંકાઓ પાછી ફરી. જે વિષયો સ્કૂલમાં નાપસંદ હતા, તે જ વિષયો હવે વધુ વિશાળ સ્વરૂપે સામે ઊભા હતા. ગ્રેજ્યુએશન પછી બેંગ્લોર ગયા. સિસ્કો નામની સંસ્થામાં સૉફ્ટવેર ડેવલપર તરીકે નોકરી મળી. જીવનની ગાડી પાટે ચડી ગઈ હતી. નિયમિત આવક, ટેકનોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી અને ભવિષ્યની એક વ્યવસ્થિત રૂપરેખા. સ્વપ્ન જાણે પાછળ રહી ગયું હતું. પછી વર્ષ 2020 આવ્યું. મહામારીને કારણે ઘરેથી કામ કરવાની વ્યવસ્થા શરૂ થઈ. બહારની દુનિયા અનિશ્ચિતતામાં ઘેરાઈ હતી, ત્યારે શુભંકરને પોતાની અંદરનો એક જૂનો પ્રશ્ન ફરી સંભળાયો— શું ખરેખર હું આ પરીક્ષા પાસ કરી શકું તેમ નથી, કે પછી મેં ક્યારેય પૂરતો પ્રયત્ન જ કર્યો નથી? આ વખતે તેમણે પ્રશ્નને ટાળ્યો નહીં. સવારે પાંચ વાગ્યે ઊઠીને બે કલાક અભ્યાસ કરવો, અખબાર વાંચવું, પછી આઠથી દસ કલાક નોકરી કરવી અને સાંજે કોચિંગમાં જોડાવું— આ દિનચર્યાનો ભાગ બન્યું. એક જ દિવસમાં બે અલગ ભવિષ્યો માટે મહેનત ચાલતી હતી. દિવસના પંદર કલાક સુધી સ્ક્રીન સામે રહેવું પડતું. એક તરફ વર્તમાનની જવાબદારી હતી, બીજી તરફ ભવિષ્યની અનિશ્ચિતતા પરંતુ આ વખતે એક ફેરફાર થયો હતો. વિષયો હજી અઘરા હતા, મહેનત હજી જરૂરી હતી; છતાં, પોતાની અસમર્થતા અંગેનો જૂનો ખ્યાલ વિખેરાઈ રહ્યો હતો. ફેબ્રુઆરી 2021માં તેમણે નોકરી છોડી. સુરક્ષિત આવકનો રસ્તો છોડીને સંપૂર્ણ સમય તૈયારીમાં લગાવવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયમાં જોખમ હતું. પરીક્ષાનું પરિણામ કોઈના હાથમાં હોતું નથી. પરંતુ પોતાની ક્ષમતાને પૂરતી તક આપ્યા વિના પાછા હટી જવું પણ સ્વીકાર્ય નહોતું. તૈયારી શરૂ થઈ ત્યારે એક બીજી વાત સમજાઈ. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્યારેક વાંચવા કરતાં શું વાંચવું તેની યાદી બનાવવામાં જ વધુ સમય વીતી જાય છે. એક પુસ્તક પૂરું થાય તે પહેલાં બીજું હાથમાં આવી જાય છે. જ્ઞાન વધારવાની ઉતાવળમાં પુનરાવર્તન પાછળ રહી જાય છે. શુભંકરે મર્યાદિત પુસ્તકો પસંદ કર્યાં. રાજવ્યવસ્થા માટે એમ. લક્ષ્મીકાંત, આધુનિક ઇતિહાસ માટે સ્પેક્ટ્રમ, પ્રાચીન ઇતિહાસ માટે જૂનાં પાઠ્યપુસ્તકો અને ભૂગોળ માટે અગિયારમા-બારમા ધોરણનાં પુસ્તકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ગણિતને વૈકલ્પિક વિષય તરીકે પસંદ કર્યો અને બંને વચ્ચે સંતુલન જાળવ્યું. મુખ્ય પરીક્ષા નજીક આવી ત્યારે ઉત્તરલેખન પર ધ્યાન આપ્યું. કારણ કે જાણવું અને સમયસર વ્યક્ત કરવું— બંને જુદી કળાઓ છે. પરીક્ષાના સાત મિનિટમાં જે વાત સંક્ષિપ્ત અને સચોટ કરવાની છે. રણનીતિ સફળ રહી અને પહેલા પ્રયાસમાં જ પર્સનાલિટી ટેસ્ટ. વ્યક્તિત્વ કસોટી દરમિયાન બિહારની કાયદો અને વ્યવસ્થા, રોકાણ, વિદેશનીતિ અને અનામત જેવા ગંભીર વિષયો પર પ્રશ્નો પૂછાયા. વાતાવરણ ઔપચારિક હતું. વાતચીતના અંત તરફ પેનલે ઇન્ટરવ્યૂની પરિસ્થિતિ અંગે ગીત ગાવા કહ્યું તો શુભંકરે કિશોરકુમારના ગીતની પંક્તિ સંભળાવી ‘આજ ઉનસે પહલી મુલાકાત હોગી.’ 30 મે, 2022ના રોજ પરિણામ જાહેર થયું. શુભંકર અને તેમના ભાઈ ઉમેદવારોની યાદીમાં તેમનો ક્રમાંક શોધી રહ્યા હતા. અપેક્ષા બહુ ઊંચી નહોતી. પરંતુ યાદીમાં તેમનો ક્રમાંક અગિયારમો હતો— સમગ્ર ભારતમાં અગિયારમો. લક્ષ્યવેધ સિદ્ધ. એક સમયે જે પરીક્ષા તેમને પોતાની પહોંચની બહાર લાગતી હતી, એ જ પરીક્ષામાં તેમણે પ્રથમ પ્રયાસમાં આ સ્થાન મેળવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કૉલાજ:ગઝલની કિસ્મત સારી કે ગુજરાતને કિસ્મત કુરેશી પ્રાપ્ત થયા
    Next Article
    થેન્ક યૂ:નેવર ક્વિટ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment