Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૉલાજ:ગઝલની કિસ્મત સારી કે ગુજરાતને કિસ્મત કુરેશી પ્રાપ્ત થયા

    11 hours ago

    હરદ્વાર ગોસ્વામી લલાટે લેખ છઠ્ઠીના અને તકદીર મુઠ્ઠીમાં, જીવન જીવી જવાની છે તો છે તદબીર મુઠ્ઠીમાં. હશે કાં આટલી મોટી તે કિંમત બંધ મુઠ્ઠીની? ખૂલી જ્યાં, જોયું તો ન્હોતું કશુંયે હીર મુઠ્ઠીમાં. પંડિતયુગના કવિ બાલથી ગુજરાતી ગઝલની બાલ્યાવસ્થા પ્રારંભાય છે. મણિલાલ દ્વિવેદી, કલાપી, કાન્ત ઈત્યાદિ ગઝલના પાયાના પથ્થર છે. ગાંધીયુગ સુધી પહોંચતાં ગઝલમાં નિરાળો અંદાજ આવે છે. સૉનેટની બોલબાલા વચ્ચે ગઝલને ગોઠવાવામાં ખૂબ તકલીફ પડી. દરેક શેરના સ્વતંત્ર ભાવને કારણે એ યુગના મોટા સર્જક સુન્દરમ્, ઉમાશંકર, રા. વિ.પાઠકે ગઝલનો સ્વીકાર કર્યો ન હતો. તેમ છતાં અસીમ, સગીર, સાબિર, મજનૂ, સાગર, બુલબુલ, નસીમ આદિ ગઝલકારોની જદ્દોજહદ ચાલુ રહી. મરીઝ, ગની, ઘાયલ, શૂન્ય, અનિલ સાથે કિસ્મત કુરેશીનું નામ સન્માન સાથે મૂકી શકાય છે. મુશાયરા પ્રવૃત્તિ દ્વારા ગઝલને ખ્યાત કરનાર એ સમયના ગઝલકારોનો બહુ મોટો ફાળો છે. ગઝલને અરબી-ફારસીની અસરમાંથી મુક્ત કરી. ગુજરાતી ગઝલની કિસ્મત સારી કે કિસ્મત કુરેશી જેવા ગઝલકાર પ્રાપ્ત થયા. માતા દાદુબેન પાસે હિંદુ અને મુસ્લિમની ધર્મકથાઓથી સાહિત્ય અને સંસ્કારનું સિંચન થયું. એક સિપાઈ પરિવારમાં ઉછેર થયો હતો. શિક્ષણ ભાવનગરમાં જ લીધું. ભાવનગરનું સાહિત્યિક વાતાવરણ કોઈને પણ કવિ બનવા પ્રેરે એવું છે. ઈ. સ. 1941માં ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ફારસી ભાષા સાથે મૅટ્રિક થયા. મૅટ્રિક થયા પછી ભાવનગરમાં સેશન્સ કચેરીમાં નોકરી કરી. તાર-ટપાલ ખાતામાં પણ નોકરી કરી. તારની ભાષામાંથી પ્રેરણા મળી કે કાવ્યમાં સાંકેતિક ભાષામાં કહેવાની મજા કંઈ ઔર છે. ઓછા શબ્દોમાં વધુ કહેવાની કળા એટલે કવિતા. ગઝલ ઉપરાંત નઝમ, મુક્તક, હઝલ, રુબાઈયાત, તઝમીન, તશ્મીર, મુખમ્મસ, ગીત, સૉનેટ, કથાકાવ્ય વગેરે અનેક સાહિત્યસ્વરૂપોમાં કલમ ચલાવી છે. તેઓ પરંપરાના પહેરેગીર અને આધુનિકતાને આવકારતા ગઝલનો એક મનોરમ્ય મુકામ છે. ગઝલના મક્કા અને કવિતાના કાશી ભાવનગરમાં એમના શેરોએ શ્વાસ લીધો છે. એ સમયમાં ગઝલગુરુ રાખવાની પરંપરા હતી પણ એમના કોઈ ઉસ્તાદ ન હતા. બેફામ અને નાઝિર જેવા અનેક સુખ્યાત શાયરોના તેઓ ગુરુ રહ્યા છે. ગઝલની ગોઠડી દ્વારા અનૌપચારિક રીતે જ કાવ્યશિક્ષણ આપતા હતા. માથે ઉસ્તાદની પાઘડીનો ભાર નહીં. પોતાને જાતે ગઝલનું અરુઝ શીખવામાં મુશ્કેલી પડી હતી એટલે જ્યારે બીજા કોઈ એમની પાસે ગઝલના છંદ શીખવા આવે તો સમય કાઢીને પણ શીખવતા હતા. ગુજરાતી ગઝલના વિસ્તારને નિમિત્તે જે કોઈ સેવા હોય એ કરવા માટે તત્પર રહેતા હતા. પથિક પરમાર સંપાદિત ‘કિસ્મત કુરેશીનું કવનવિશ્વ’માં એમની ચુનંદી ગઝલો છે. મને લાગે છે કે મારાં તને પૂજન નથી પ્હોંચ્યાં, નકર મુજ દ્વાર પર કાં તુજ ચરણ પાવન નથી પ્હોંચ્યાં ? ભરેલી જિંદગાનીમાં નરી કડવાશ બોલે છે, અમારે કાને તારાં મિષ્ટ સંબોધન નથી પ્હોંચ્યાં. તેમણે પ્રયોગના પ્રયાગમાં પણ ડૂબકી મારી છે. એમણે ગઝલના સ્વરૂપને નુકસાન ન થાય એમ પ્રયોગ કર્યા છે. આજીવન સ્ટેનોગ્રાફર તરીકે કામ કર્યું હોવા છતાં એમની ગઝલ ટાઇપ્ડ નથી બની. એમની ભાષાકીય સજ્જતા કાબિલે દાદ હતી. કાનમાં ગાલગાગાના આવર્તન અને આંખમાં પ્રૂફરીડરની સભાનતા રહી. એવું કહેવાયું છે કે જ્યાં સુધી છોકરી 16 વરસની થતી રહેશે ત્યાં સુધી ગઝલ સર્જાતી રહેશે. માત્ર 16 વરસની કાચી ઉંમરે પરિપક્વ ગઝલ લખનાર ઉમર ચાંદભાઈ કુરેશી 74 વરસ સુધી કિસ્મત કુરેશી બનીને સતત સર્જન કરતા રહ્યા. એમના સહાધ્યાયી અને સુપ્રસિદ્ધ કેળવણીકાર તખ્તસિંહજી પરમાર કહે છે કે ‘કિસ્મતનાં કાવ્યોમાં લોકશિક્ષણ, સંસ્કાર ઘડતર અને સમાજ સુધારણાના પ્રયાસો છે. તેમાં ઊંચું કાવ્યતત્ત્વ, સહજતા છે. ઉપદેશ માટે ઉપદેશ કે ચોખલિયાંવેડા નથી.’ જાણીતા કવિ નાથાલાલ દવે પાસે અભ્યાસ કરતા હતા ત્યારે જ કાવ્યાંકુર ફૂટી ગયા હતા. શાળાનું મુખપત્ર ‘દીપિકા’ના સંપાદકમંડળમાં હતા. આલ્ફ્રેડ હાઈસ્કૂલની વિવિધ પ્રવૃત્તિમાં અગ્રેસર હોવાથી અને મંચ પ્રસ્તુતિમાં અવ્વલ હોવાને કારણે વિદ્યાર્થીકાળમાં જ શાયરનું બિરુદ પામેલા. ભાવનગરમાં ગદ્યસભા અને બુધસભા દ્વારા ઉત્તમ સાહિત્યિક પ્રવૃત્તિઓ થાય છે. કિસ્મતે ‘કર્ણમંથન’ જેવાં કાવ્યાનુવાદ, ‘નાચનિયા’ અને ‘નકીબ’ એ બે બાળવાર્તાના સંગ્રહો અને ‘ઈશ્વરનું મંદિર’ જેવાં નાટ્યાનુવાદ પણ આપ્યા છે. 1944માં સરસ્વતી પ્રેસમાં ‘કહાની’ વાર્તા માસિકના સહતંત્રી તરીકે કાર્ય કર્યું. ગઝલ લખતા હતા પણ સાહિત્યનાં બધાં સ્વરૂપોનું વાંચન કરતા હતા. ઉર્દૂ ભાષામાં ગઝલો લખવાનું ચાલી રહ્યું હતું ત્યારે સંસ્કૃત ભાષાના શબ્દો કિસ્મતભાઈએ પ્રયોજ્યા હતા. એમણે ગઝલમાં સૌરાષ્ટ્રની બોલી સાથે માન્ય ગુજરાતી ભાષાના શબ્દો પ્રયોજ્યા હતા. મન-હંસલા! પરખ તને કરતાં ન આવડ્યું, ચારો વિચાર-મોતીનો ચરતાં ન આવડ્યું. કાજળથી લાલી ગાલની ખરડી ગયાં સદા, અશ્રુને ભાલ પર થઈ સરતાં ન આવડ્યું. કૃષ્ણલાલ શ્રીધરાણી, પ્રહ્લાદ પારેખ, હરીન્દ્ર દવે જેવા સમકાલીન કવિમિત્રો અને ભાવેણાની ભાવસભર સાહિત્યિક આબોહવામાં એમની સિસૃક્ષા સતત સળવળતી રહી. ‘કુમાર’માં પ્રગટ થયેલી ‘કફન કાળા’ને 1976ના વર્ષની શ્રેષ્ઠ ગઝલનું પારિતોષિક અર્પણ થયું હતું. ચિત્રકલા પ્રત્યે અભિરુચિને કારણે એમની ગઝલમાં પણ ચિત્રાત્મકતા પ્રગટી છે. એમના અનેક શબ્દચિત્રો પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થયા છે. સંગીતની સંલગ્નતાને કારણે મુશાયરામાં એમનું તરન્નુમ રંગ લાવતું હતું. ‘ઠેકી જે આવે ધર્મના વાડાની વાડને, એના જ માટે રાખ્યો છે ઈશ્વર ઈનામમાં.’ જેવા શેર દ્વારા શયદાની જેમ વિચારપ્રધાન કવિતાના પુરસ્કર્તા રહ્યા છે. 24 જેટલા સંગ્રહો આપનાર કવિનો 25મો સંગ્રહ મળે એ પહેલાં તો મૃત્યુના મક્તા સુધી પહોંચી ગયા. એમના માનમાં ભાવનગરમાં પ્રતિવર્ષ નોંધપાત્ર ગઝલકારને કિસ્મત કુરેશી સ્મૃતિ કવિ સન્માન એનાયત કરાય છે. કિસ્મતભાઈને ભાવનગરના ગઝલકારો વિકસે એમાં બહુ રસ હતો. પરંપરાથી લઈને આજ સુધી ભાવનગરે અનેક ઉત્તમ ગઝલકારો આપ્યા છે. ભાવનગર જિલ્લામાં વસતા અને ભાવનગરના હોય પણ બહાર વસતા અનેક પ્રતિભાશાળી ગઝલકારો આજે પણ કાર્યરત છે. કિસ્મત કુરેશી એવોર્ડ ભાવનગર જિલ્લાના કેટલા ગઝલકારોને જ અર્પણ થયો છે? પડ્યો છું માર્ગની વચ્ચે મને પથ્થર ન માની લે. બની ઠોકર સુધારું છું મને ઈશ્વર ન માની લે. ભર્યા છે મેલ ભીતરમાં ઘણાયે, જન્મની સાથે, ઠઠારો બહારનો જોઈ મને સુંદર ન માની લે. આવજો… આવતીકાલે જ જાણે કે તમારી પર અંધાપો ઊતરી પડવાનો છે તેમ સમજીને તમારી આંખો વાપરજો. આ રીતે બીજી ઇન્દ્રિયોનો પણ પૂરેપૂરો ઉપયોગ કરજો. સૃષ્ટિએ તમારી સન્મુખ પાથરેલાં સુખ અને સૌંદર્યના એકેએક પાસાને માણજો. - હેલન કેલર
    Click here to Read More
    Previous Article
    સુખની શોધ:રાગ અને દ્વેષ-દુઃખનાં મુખ્ય બે કારણ
    Next Article
    લક્ષ્યવેધ:કમ્ફર્ટ ઝોન છોડ્યો, બાજી પલટાઇ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment