Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુખની શોધ:રાગ અને દ્વેષ-દુઃખનાં મુખ્ય બે કારણ

    10 hours ago

    હસમુખ અઢિયા પતંજલિએ જીવનમાં દુઃખનાં પાંચ મુખ્ય કારણો આપ્યાં છે. એમાંનાં બે કારણો છે- રાગ (આસક્તિ) અને દ્વેષ. મોટાભાગના લોકો આસક્તિને પ્રેમ સમજીને દુઃખી થાય છે. આસક્તિ એક નકારાત્મક ગુણ છે જે જીવનમાં દુઃખ જ લાવે છે. પ્રેમ વ્યક્તિને આઝાદ કરે છે પરંતુ આસક્તિ બંધન સર્જે છે. પ્રેમ અને આસક્તિ વચ્ચેનો તફાવત આ ઉદાહરણ દ્વારા સમજી શકાય છે: જે માતા પોતાના બાળકને પ્રેમ કરે છે, તે બાળક બીમાર પડે ત્યારે તેને સાજું કરવા માટે પોતાનાથી શક્ય બધું કરશે. એ પ્રેમ છે. પરંતુ જો તે બાળકની અતિશય ચિંતાને કારણે એ સમયે પોતે જ બીમાર પડી જાય, તો એ આસક્તિ છે. આસક્તિ હંમેશાં પ્રતિકૂળ પરિણામ લાવનારી હોય છે. માતા-પિતા પ્રેમ સમજીને પોતાનાં બાળકોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. સંતતિને પોતાના જીવનના ધ્યેયો પૂરા કરવા માટે દૂર જવા દેતા નથી, તે ફક્ત આસક્તિને કારણે છે, પ્રેમને કારણે નહીં. જો આપણે કોઈને પ્રેમ કરીએ છીએ, તો આપણે તેના શ્રેષ્ઠ હિતમાં જે હોય તે જ કરવું જોઈએ. દુઃખનું બીજું કારણ દ્વેષ છે. સૌને અણગમતી વસ્તુઓ, વ્યક્તિઓ કે પરિસ્થિતિઓ પ્રત્યે દ્વેષ હોય છે. કોઈને પણ ગરીબી કે બીમારી જોઈતી નથી. આપણને એવા લોકો પ્રત્યે પણ દ્વેષ હોય છે, જેમને આપણે આપણી દુઃખની સ્થિતિ માટે જવાબદાર માનીએ છીએ. દ્વેષ આપણા મનમાં એક પ્રબળ નકારાત્મક લાગણી ઉત્પન્ન કરે છે, જે આપણને દુઃખી બનાવે છે. સુખી થવા માટે, આપણે જીવનમાં આપણી આસક્તિઓ અને દ્વેષો પર ધ્યાન આપવાની જરૂર છે. તેને ઓળખ્યા બાદ, આપણે તેને ધીમે ધીમે દૂર કરવા પ્રયત્નો કરવા જોઈએ. શું આપણે જીવન વિશે સંતુલિત દૃષ્ટિકોણ ન રાખી શકીએ? આસક્તિથી થતા નુકસાનનો વિચાર કરવો જોઈએ, તેમ જ દ્વેષની વસ્તુઓ અથવા વ્યક્તિઓની સારી બાબતો જોવી જોઈએ. ઉદાહરણ તરીકે, આપણને પૈસા પ્રત્યે આસક્તિ હોઈ શકે છે. પરંતુ આપણે વિચારવાની જરૂર છે – શું પૈસા ખરેખર આપણને સુખી બનાવે છે? આપણને પ્રસિદ્ધ થવાની પ્રબળ ઇચ્છા હોઈ શકે છે. પણ શું આપણે તેની પાછળ સંકળાયેલી પીડા જોઈએ છીએ? આસક્તિઓની આ નકારાત્મક બાજુ જોતા રહીએ અને જીવન વિશે વધુ પરિપક્વ દૃષ્ટિકોણ અપનાવીએ, તો આસક્તિઓ આપણા પર હાવી નહીં થાય. અપ્રિય ઘટનાઓ અને વસ્તુઓ પણ આપણા જીવનમાં એક ભૂમિકા ભજવે છે. પરંતુ આપણે સામાન્ય રીતે અપ્રિય વસ્તુઓ કે ઘટનાઓની સકારાત્મક બાજુને સમજતા નથી. ભલે આપણને કડવી દવા ન ગમે, પણ શું આપણે તે લેતા નથી? અપ્રિય ઘટનાઓ અને નિષ્ફળતાઓ આપણને ઘણું શીખવે છે. તેમનો સામનો કરીને આપણે મજબૂત અને કઠણ બનીએ છીએ. તેમના પ્રત્યે દ્વેષ રાખવો અસ્થાને છે. હા, આપણે આપણા જીવનમાં એ બાબતોનું પુનરાવર્તન ન થાય તેવા પ્રયત્નો જરૂર કરી શકીએ. જીવનની પીડાદાયક પરિસ્થિતિ આપણને વધુ સંવેદનશીલ અને નિરહંકારી બનાવે છે. એ આપણને અમૂલ્ય પાઠ શીખવી જાય છે. દરેક બાબતનું સકારાત્મક પાસું જોવાથી જીવનની અપ્રિય અને અણગમતી ઘટનાઓ પ્રત્યે પ્રબળ દ્વેષ નહીં થાય. દુઃખ ઘટશે. દ્વેષની પીડા મનમાં સાચવી રાખવાથી હંમેશાં દુઃખનો જ અનુભવ ચાલુ રહેશે. આપણને મળતી દરેક વ્યક્તિનું આપણા વ્યક્તિત્વને ઘડવામાં એક વિશિષ્ટ યોગદાન હોય છે. આપણને ન ગમતા લોકોને ધિક્કારવાનો કોઈ અર્થ નથી. આપણે કદાચ એવી વ્યક્તિ સાથે સંપર્ક ટાળવાનો પ્રયાસ કરી શકીએ. પરંતુ જો તે સંભવ ન હોય તો તેનો સ્વીકાર કરવો જોઈએ. કદાચ તેને પોતાના જીવનમાં એટલો પ્રેમ અને અનુકૂળ વાતાવરણ નથી મળ્યું, એટલે પણ એનું વર્તન આવું હોઈ શકે એમ માની આપણે તેના પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    અસ્તિત્વની અટારીએથી:પવનને સાંભળવું એટલે શું?
    Next Article
    કૉલાજ:ગઝલની કિસ્મત સારી કે ગુજરાતને કિસ્મત કુરેશી પ્રાપ્ત થયા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment