Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસ્તિત્વની અટારીએથી:પવનને સાંભળવું એટલે શું?

    9 hours ago

    ભાગ્યેશ જહા આ સ્ત્રી આમ તો 76 વર્ષની વૃદ્ધા છે, આઇસલેન્ડના કોઈ દરિયાકિનારે બેઠી છે અને એને સ્વીડિશ એકેડેમીથી ફોન જાય છે કે તમને નોબેલ પ્રાઇઝ મળે છે... તમે અત્યારે શું કરો છો? એણે કહ્યું, ‘હું ઘરની સફાઈ કરું છું અને દરિયાથી આવતા પવનને સાંભળું છું.’ આ વાત છે આ વર્ષના સાહિત્યના નોબેલ પ્રાઇઝ વિજેતા ઍન કાર્સનની! પવનને સાંભળવું એટલે શું? કારણ ઍન કાર્સન એના નિબંધોમાં ઠેરઠેર ભાષાના ‘કર્મ’ ઉપર બહુ વાત કરે છે. એનું કહેવું છે કે ભાષાને આપણે જે રીતે સમજીએ છીએ એના કરતાં એ બધું ગહન છે, બહુ અર્થો આપી શકે એમ છે. એટલે, હે પ્રિય વાચક મિત્ર, બહુ સમય સુધી આપણે એને વાંચ્યા કરીશું અને હું તમારી સાથે એની વાત પણ કર્યા કરીશ. કદાચ અત્યારે વાત કરું છું એ પણ એની અસર છે. વાચકને આપણે દૂર ઊભેલો અવાચક ભાવક ગણી લઈએ છીએ. બહુ ઓછા લોકો ફીડબેક આપે અને આપણે આપણી ભાષા કે નિબંધ કે કવિતા કે વાર્તા સાથે વાત કરીએ. ગુજરાતી નિબંધકાર એ એજન્ડા પ્રમાણે મીટિંગ ચલાવનારા અધિકારી નથી. એ તો વિષયને લઈને રિસર્ચ કરીને પછી પોતાની ભાષાને પ્રયોજે છે. એટલે આ વર્ષ દરમિયાન આપણે વાતો પણ કરીશું પણ કાર્સનના આ અવલોકનોને પણ અવલોકીશું. કદાચ કાર્સન સાથેના આ સંવાદમાં ગુજરાતી નિબંધના સ્વરૂપાંતર વિશે પણ વાત છેડી શકીએ. કશું સ્થિર નથી. તો વ્યાખ્યાને પણ આ વ્યાયામથી દૂર શું કામ રાખીએ? એક દલીલને સમજીએ, અથવા પ્રયોગીએ. (અહીં પ્રયોજીએના બદલે પ્રયોગીએ એવું લખીએ ત્યારે એક સભાનતાથી લખવું છે, એ અભિપ્રેત છે.). ભાષા એક વિશિષ્ટ ઓજાર છે એવું કહેવાય પણ એટલું પૂરતું નથી. ભાષા એ ચૈતન્યની વાહિકા છે, એટલે સાવ અચેતન નથી. બીજા અર્થમાં એ વાટિકા છે, વાલ્મીકિવાટિકા કે કાલિદાસવાટિકામાં ફરતા હોઈએ તો ભાષાનો પરિમલ હૃદયના ઊંડાણમાં જઈને સ્થિર થઈ જાય. ભાષા લખાણમાં આવે ત્યારે સાવ લિફ્ટમાં માણસની સાથે આવતા સામાન જેવી નથી. એ કોઈ સરિસૃપ પ્રાણીની જેમ આજુબાજુની જમીન સૂંઘે છે અને પછી અર્થોના સ્રાવ છોડે છે, એ એના પોતાના વસ્ત્રોને સુગંધિત કરતા પર્ફ્યુમની જેમ પ્રસરે છે, લખાણ જેમ આગળ વધે તેમ એનું કર્મફલક બદલાયા કરે છે, ગાઢ જંગલ જેવા ગદ્યમાં તો સહયાત્રી બની જાય છે તો પદ્યમાં તો તત્ત્વજ્ઞાની મિત્રની જેમ વાત કરે છે. પ્રશ્ન-પ્રતિપ્રશ્ન અને ક્યારેક સંવાદ-વિસંવાદની વાટ કંડારે છે. એની ગહન ગતિ હોય છે. આમ ઍન કાર્સને મને ગુજરાતી સાહિત્યના એક વિદ્યાર્થી તરીકે આવો વિચાર કરાવ્યો છે. ભાષા સાથે અને સાહિત્યકૃતિ સાથે હવે જુદી રીતે વ્યવહાર કરવો પડશે. આ પરિવર્તનના લક્ષણો વિશે એ. આઇ.ના સંદર્ભમાં એકથી વધારે વાર વાત કરી છે, પણ આજે જરા જુદા સંદર્ભે અને શૈલીથી વાત કરું છું એ ઑક્ટોબરની નોબેલાયેલી સાહિત્યિક હવાને લીધે જ! હવે વાત કરીએ પવનને સાંભળવાની. બધા દરિયાકિનારે વિશાળતાને પામવા માટે જાય છે, થોડા પાણીમાં મસ્તી કરતા હશે થોડા પડ્યા રહેતા હશે. જેવો જેનો વિષાદ! અથવા જેવી જેની સુખશોધ કે અપેક્ષા કે નિરુદ્દેશ્ય વિહરવાની તમન્ના! પણ ઍન કાર્સનના આ જવાબે મજા કરાવી છે, મોજાં સર્જ્યાં છે. કુદરત સાથે વાત કરવાની અલગ મજા છે, થોડીવાર માટે ગરબામાં લઈ જાઉં… આવો, આ રોશનીથી રંગાયેલું સોસાયટીનું પરિસર જુઓ. બધું ઝગમગ છે, માતાજીની સ્થાપના થઈ ગઈ છે, ‘અખંડ બ્રહ્માંડ નીપાવ્યાં’... ગવાઈ ગયું છે, ત્યાં એક નાનકડા સીસકારા જેવું સંભળાયું. બહુ ઝીણું, પણ તીણું! મેં કાન સરવા કર્યા. એક પાંદડું લાઇટની સિરીઝ નીચેથી મારી સામે જોઈ રહ્યું હતું. કાલિદાસે કહ્યું હતું કે શકુંતલા બહુ જ શોખીન હોવા છતાં પણ એક પણ પાંદડું તોડતી નથી. એ નહીં તોડાયેલા પાંદડાની ઉપર વીજળીનો વાયર જતો હતો અને એક બહુ જ પ્રકાશિત નાનકડો બલ્બ સૂર્યથી પણ વધારે ગરમી આપી રહ્યો હતો, દાઝી ગયું હતું પાંદડું! એને પણ ઢોલ સાંભળવો છે, મેં તો એને કયા વરસાદમાં નાચતાં જોયું હતું! મેં તો એને પહેલા વરસાદમાં જોડે જઈને હાથ ફેરવ્યો હતો! કેવું નિર્દોષ નાચતું હતું! હું શકુંતલાની આંગળીઓ જેવા કોમળ વરસાદનાં બિંદુઓને જોતાં જોતાં ભાવવિભોર થઈ ગયેલો! એ પાંદડું આજે દાઝી રહ્યું હતું, એક ઢોલની દાંડીએ આપણે નાચી ઊઠીએ છીએ, ‘પડવે પંડિત મા’ કહીને બ્રહ્માંડની સરસ્વતીને સ્મરીએ છીએ, ત્યારે આ એક પાંદડાનો સિસકારો પે’લા ઝગમગાટને વીંધીને સંભળાય છે! કદાચ દરિયાના પવનને સાંભળતી કવયિત્રીના કાન આવું કશું શોધતા હશે. કવિતામાં ન કહેવાયેલું સાંભળવાનું હોય છે. જો ભવાની મા કાનમાં એવાં બે તેલનાં ટીપાં નાખે કે અંદરનો અખંડ દીવો પ્રગટી ઊઠે તો પાંદડાને સાંભળવું!
    Click here to Read More
    Previous Article
    કવર સ્ટોરી:વૈશ્વિક સ્તરે ભારતીય સિનેમાની ઓળખ
    Next Article
    સુખની શોધ:રાગ અને દ્વેષ-દુઃખનાં મુખ્ય બે કારણ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment