Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રકૃતિ, પ્રણય અને કવિતાથી વિમુખ થતું માનવજીવન:નિસર્ગના સૌંદર્યમાં ખીલતું જીવનવૃક્ષ…!

    22 hours ago

    ડૉ. હિતેન્દ્ર જોશી પ્રકૃતિસૌંદર્યને મુક્તપણે જોવાનો અવસર જાણે ગુમાવી દીધો છે! નિસર્ગના સૌંદર્યમાં ખીલતું જીવનવૃક્ષ જાણે ભૂતકાળનો વિષય બની ગયું છે. વર્ષોની અજાણપણાની ગૂઢ હવા આપણા અસ્તિત્વના પ્રાણપિંજરને કેદ કરી રહી છે. પરિચિતતાનો ફુગ્ગો ઊંચે ને ઊંચે આકાશમાં ઊડી રહ્યો છે. કશુંક ભારઝલ્લાપણું આપણા અસ્તિત્વના પ્રાણપંખીના ગળે ટૂંપો દઈ રહ્યું છે. નજર અને નગર વચ્ચેનું અંતર વધતું જાય છે, ને પ્રણયનું પુષ્પ ઊઘડું-ઊઘડું કરતુંય બીડાઈ જાય છે. નાવીન્ય અને પરંપરા વચ્ચે પુરાઈ રહેલી ફેશનપરસ્તી જેવું કશુંક નગરની આ નિત્ય ચૈતન્યપૂર્ણ હવાને નિષ્પ્રાણ કરી રહ્યું છે. મોબાઈલની સ્ક્રીન પર ચોંટેલી નજર પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રના અજવાળાને ઇચ્છવા છતાંય નિરખી શકતી નથી. માત્ર જોવાનો આનંદ પણ રતિસુખના અજવાળા જેવો દૂરનો વિષય બની ગયો છે. હાઇટેક યુગમાં આપણી તીવ્ર ઉપેક્ષાને કારણે પ્રકૃતિએ માનવ્ય તરફથી જાણે મુખ ફેરવી લીધું છે; એટલે નિસર્ગ તરફથી વારસામાં મળતી જિજીવિષા ને જીવનલિપ્સાનો આંતરઝરો જાણે સુકાઈ ગયો છે. આકાંક્ષાઓ અને સ્વપ્નિલતાના વૃક્ષો પરથી જાણે ઇચ્છાઓનાં પૂર્ણ પુષ્પો ખરતાં જાય છે ને અકાળે વિષણ્ણ થતી જતી જીવનઝંખના જેવી પાનખર અજાણપણે જ આપણી વચ્ચે ઊછરતી જાય છે. વિતૃષ્ણા અને વિવમિષાના અમાસના અંધકાર જેવી અરાજકતાના વ્યાપક સામ્રાજ્ય વચ્ચે કવિતાના સૌંદર્ય જેવો નાજુક સૂર કોને સંભળાય? જ્યાં ને ત્યાં મિથ્યાપ્રશંસાની લાઇક્સ ને ફૉરવર્ડ મેસેજ જેવા કચકડાના અજવાળા વચ્ચે સાચા સૂર્યનું તેજ કોને દેખાય? નકલી સૂર્ય ને નકલી અજવાળા વચ્ચે ફસાયેલો જીવનરથ કશીક ભારઝલ્લી હવાના ભારથી આગળ વધી શકતો નથી. ‘જેન ઝી’ અને ‘આલ્ફા’ની નવતર પેઢીને ધર્મશ્રદ્ધાની ભીડમાંથી અલોપ થઈ જતી જોવી, આથી વિશેષ આસ્તિકતા કઈ હોઈ શકે? ભીરુ ધાર્મિકતા કરતાં નકરી નાસ્તિકતા વધારે સારી. પોકળ અને પાખંડી ધર્મગુરુઓ કરતાં સાવ સીધો-સરળ ગૃહસ્થ વધારે ધાર્મિક છે ને વધારે ઈશ્વરથી નજીક વસે છે. ધર્મમંદિરોની તોતિંગ દીવાલો વચ્ચે એક નાનકડું વિચારમંદિર વધારે સુશોભનીય લાગે. આચરણશુદ્ધ ધર્મ પાખંડ કરતાં જોજનો માઇલ આગળ નીકળી શકે એમ છે. સત્તાનું સિંહાસન સહેજ પણ ડોલી ઊઠે એવું સ્થાપિતોથી જોયું જતું નથી; પગ નીચેથી ધરતી સરકી જતી હોય એવું લાગવા માંડે છે. રાજદ્વારીઓની જોહુકમી સામે જૂઈની કળી સમો તીણો સંવાદ કોણ સાંભળી શકે? આજે એકવીસમી સદીના પૂર્વાર્ધમાં 1980ના દાયકાની સુરેશ જોશીની એક કાવ્યરચનાનું સહેજે સ્મરણ થાય છે: ‘થાકી ગયો મધ્યાહ્નનો સૂરજ, તેજની ડંફાસના બોજા થકી; જૂઈની કળીના ખભે, ટેકવી માથું, શિશુ શો ઢળી પડ્યો.’ કવિની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિ કરતાંય ચઢિયાતી છે. શબ્દનો ખેલ પાડનારાઓ દુન્યવી અર્થોને ઊંધા-છત્તા કરી નાખે છે ને સ્વકીય પ્રતિભાના બળ વડે એક નવ્ય સૃષ્ટિ સર્જે છે, જે નિત્ય આનંદમય ને ‘દિવ્યમુક્તિ’ની પ્રતીતિ કરાવનારી હોય છે. માત્ર કવિતામાં જ આ નિષ્કરુણ માનવ્ય વચ્ચે થોડુંક આશ્વાસન બચ્યું છે. મૂલ્યો અને સિદ્ધાંતોના હ્રાસ વચ્ચે છેવટે થોડુંક જીવન બચ્યું છે. વ્યક્તિત્વનો પૂર્ણ ઉઘાડ કરી શકે એવા નરપુંગવ પુરુષની આકાંક્ષા દરેક માદા ઇચ્છતી હોય છે. સ્ત્રીત્વનો પૂર્ણતમ આવિષ્કાર એ સ્ત્રીમાત્રની સહજ ઝંખના હોય છે. આવી પૂર્ણ ઇચ્છા ને વાસ્તવિકતા વચ્ચેની મોટી ખાઈ હરકોઈ નાજુક હૈયાને નિરાશ કરી મૂકે એવો ઘટનાવિશેષ સર્જે છે. આવા વિસંવાદ વચ્ચે સંબંધના વૃક્ષને સહવાસ અને સહજીવનનાં મીઠાં ફળો ક્યાંથી ફૂટે? માત્ર પાંદડાં ફૂટવાથી સાંત્વન મેળવવું પડે એવી કારુણ્યપ્રેરક ઘટના છે. ફૂલની કળી સમાન નાજુક-પાતળી રેખા જેવા આ ઝીણા સંબંધને પતંગિયાની પાંખોનું અજવાળુંય આનંદની તીણી લકીરો દોરીને અસ્તિત્વની પરમ કૃતાર્થતાનો અનુભવ આપી શકે. વાસનાના સળવળતા કીડા વચ્ચે જીવનની પરમ કૃતાર્થતાનું અજવાળું ક્યાંથી શ્વસી શકે? આવી પ્રશ્નોક્તિઓ વચ્ચે રા.વિ. ‘શેષ’ની એક કાવ્યરચનાનું સહેજે સ્મરણ થાય છે: ‘સજની! તમે રે વેલી ને અમે તાડ, સરજનહારે સરજિયા હો જી.’ રા.વિ. પાઠક ‘શેષ’ની ઉક્ત કાવ્યરચનાનું સત્ય જાણે જીવનસત્ય હોય એમ આપણી આસપાસ વીંટળાઈ ગયું છે. લલાટે લખાયેલું કજોડું જીવનવીણાને કંઈ સરખી રીતે વાગવા દેતું નથી. પ્રણયમાં વિષમતા કવિઓને જ નહીં, પણ પ્રાકૃતજનોને પણ જંપવા દેતી નથી. આ જગતની રચનામાં કંઈક એવું વિધિનું ક્રૂર તત્ત્વ વગર બોલાવ્યે હાજર થઈ જતું હોય છે ને બનતી બાજીને બગાડી દેતું હોય છે. સૌંદર્યનું ફૂલ ખીલે એ પહેલાં જ કાંટા પર આપણી દૃષ્ટિ સ્થિર થઈ જતી હોય છે ને કાયમનું પેલું ‘વિષાદનું સરનામું’ આપણી આસપાસ હાજર થઈ જતું હોય છે.
    Click here to Read More
    Previous Article
    જીવનના હકારની કવિતા:આજની ઘડી... શ્રીહરિએ ઘડી...
    Next Article
    મરક મરક:દેશી રિક્ષામાં વિદેશી બાબુની ‘નો-રૂલ્સ’ રાઇડ!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment